- લેન્ડસ્કેપ - સુભાષ ભટ્ટ
- આખરે જીવન તો ક્ષમતાઓની ખોજ છે અને સંભાવનાઓનો સાક્ષાત્કાર છે. દરેક વ્યક્તિનો જન્મ એટલે અસંખ્ય સંભાવનાઓનો જન્મ
હું માનું છું કે વિજેતા એટલે જે માત્ર જીતે છે તે નહીં, પણ પડીને, પાછળ રહીને, હારીને ફરી કેટલી વખત ઉભો થાય છે અને લડે છે - તે છે.
- સેરેના વીલીઅમ્સ
અ ર્થાત્, ખરો દોડવીર માત્ર એ નથી જે વિનિંગ લાઈન સૌ પ્રથમ પહોંચી જાય છે. એ પણ છે જે પડીને ઉભો થાય છે અને ફરી દોડવા લાગે છે. આખરે જીવન તો ક્ષમતાઓની ખોજ છે અને સંભાવનાઓનો સાક્ષાત્કાર છે. દરેક વ્યક્તિનો જન્મ એટલે અસંખ્ય સંભાવનાઓનો જન્મ. વ્યક્તિનું સમગ્ર જીવન ક્રમબદ્ધ ઉઘાડ છે - શક્યતાઓનો. વોલ્ટ ડિઝની તો કહેતા, અશક્યને શક્ય બનાવવું એ જીવનની મોજ છે. આવી પળે તે ભૂલવા જેવું નથી કે અનન્ય સંભાવનાઓ અનન્ય જીવન કેડીઓ પર મળતી હોય છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન લાલ બત્તી દેખાડતા આપણને આ રીતે ચેતવે છે, જે વિચાર કેડી પર ચાલીને આપણે સમસ્યા ભેગા થયા હોય તે જ કેડીએ આપણને ઉકેલ કે સમાધાન નહીં મળે. જો જીવનના છેલ્લા શ્વાસની કોઈ પળે રઘવાટ વિના આંખો મિંચવી હોય તો જીવતર દરમ્યાન બધી કેડીઓ ફેંદી વળવી જોઈએ. આપણા મૃત્યુ બાદ આપણું નામ ઉછળે તે કરતાં કોઈ આદરપૂર્વક નામનો ઉલ્લેખ કરે તે ઈચ્છવાયોગ્ય છે. વ્યક્તિઓની સીમા હોઈ શકે પણ શક્યતાઓ અપાર છે અને સંભાવનાઓ પણ અપરંપાર છે.
વરસો પૂર્વે એક બ્રિટિશ શુઝ ઉત્પાદકે નવી બજારો શોધવાના આશય સાથે બે સેલ્સમેનને આફ્રિકા મોકલ્યા. તેઓ બન્ને સર્વેક્ષણ બાદ હેડક્વાર્ટર પાછા આવ્યા. તે બન્નેએ આફ્રિકામાં શૂઝ વેચાણની સંભાવનાઓ અંગે કંપનીને વ્યક્તિગત અભિપ્રાયો આપવાના હતા, આ રહ્યા તેમના અભિપ્રાયો;
૧. અહીં શૂઝ વેચાણની કોઈ સંભાવના જ નથી. કારણ કે અહીં કોઈ શૂઝ પહેરતું જ નથી.
૨. અહીં શૂઝ વેચાણની અપાર શક્યતાઓ છે કારણ કે અહીં કોઈ પાસે શુઝ જ નથી, તેથી કોઈ પહેરતું નથી.
આ પ્રશ્ન પર્સેપ્શનનો છે-દ્રષ્ટિબિંદુનો છે. અને તેથી જ દરેક સૂર્યાસ્ત જીવનની ખાતાવહીનો હિસાબ કે સરવાળો-બાદબાકી કરવાની તક છે અને દરેક સૂર્યોદય નવા ખાતાના કે નવા પર્વનો આરંભ કરવાની તક છે. પ્રારંભ તો હંમેશા આજે અહીં, અત્યારે આ પળે કરવાનો હોય છે. જોડી પિકોલ્ટ કહે છે 'માનવીની બોજ ઊંચકવાની ક્ષમતા વાંસ જેવી છે. પહેલી નજરે ધારી હોય તેનાથી અનેક ગણી વધારે.' જો આપણી પળને કે સદીને અર્થ કે આશય આપવો હોય, દિશા આપવી હોય કે પ્રસ્તુત બનાવવાં હોય તો આપણી ક્ષમતાઓનો ક્યાસ કાઢી લેવો. તે માટે આપણી શક્યતાઓનો તાગ મેળવવો અનિવાર્ય છે. દુષ્યન્ત કુમારની એક પંક્તિ છે ઃ
દોસ્તો ! અબ મંચ પર સુવિધા નહીં હૈ,
આજકાલ નેપથ્ય મેં સંભાવના હૈ.


