Get The App

જેમિમાને જોશ ક્યાંથી મળ્યું?

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
જેમિમાને જોશ ક્યાંથી મળ્યું? 1 - image

- પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ

- આજની સ્પોર્ટ્સની દુનિયામાં પ્રભુપ્રાર્થનાનો એક 'પાવર' તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ સંદર્ભમાં મને ભારતના ચંદ્રકાન્ત ગુલાબરાવ બોરડેનું સ્મરણ થાય છે

'ત મે મુશ્કેલ સંજોગો સામે નીડરતાથી અડગ ઊભા રહો અને બાકીનું સઘળું કામ મારા પર છોડી દો' એવા બાઈબલના ઉપદેશનું જેમિમા રોડ્રિગ્સે સ્મરણ કર્યું ઑસ્ટ્રેલિયાની મજબૂત ટીમ સામે ૧૨૭ રનની અવિસ્મરણીય રમત બતાવી. અગાઉના વર્લ્ડ કપમાં જેમિમાને નિષ્ફળતા મળતા રુખસદ આપવામાં આવી હતી. આ વર્લ્ડ કપમાં પણ એના બેટિંગ ઓર્ડરમાં પરિવર્તન કરવામાં આવ્યું, પણ એણે અને આઈ.સી.સી. વર્લ્ડ કપમાં એકચક્રી આણ ધરાવતા ઓસ્ટ્રેલિયા સામે યાદગાર રમત બતાવી.

હકીકતમાં તો ઓસ્ટ્રેલિયાના સ્કોરને પહોંચી વળવામાં હરમનજિત કૌર સાથેની એની ભાગીદારી મહત્ત્વની બની. એ પછી એકલે હાથે રમત ખેલતાં થોડી થાકી ગઈ. ક્રિઝ પર લાંબો સમય ટકી શકશે એવું લાગતું નહોતું,ત્યારે એની સાથે બેટરને આક્રમક રીતે ખેલવા કહ્યું, જેમિમા ટાર્ગેટની નજીક હતી, ત્યારે ટૅન્શનને કારણે બેચેન બની ગઈ, આત્મવિશ્વાસ ખોઈ બેઠી એ સમયે મેંગલોરિયન કેથોલિક ધર્મમાં આસ્થા ધરાવનારી જેમિમા જેસિકા રોડ્રિગ્સને બાઈબલની પ્રાર્થનાએ પુનઃ તાકાત આપી અને ૧૨૭ રન કરીને ઓસ્ટ્રેલિયાની ઇજારાશાહીનો અંત આણ્યો. વિજય સાથે વન-ડે ક્રિકેટમાં રન-ચેઝનો વિક્રમ સર્જ્યો.

આજની સ્પોર્ટ્સની દુનિયામાં પ્રભુપ્રાર્થનાનો એક 'પાવર' તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ સંદર્ભમાં મને ભારતના ચંદ્રકાન્ત ગુલાબરાવ બોરડેનું સ્મરણ થાય છે. ભારત તરફથી ૫૫ ટેસ્ટ ખેલનારા સમર્થ બેટ્સમેન ચંદુ બોરડે સાથે ટેસ્ટમેચ પૂર્વે એક મુલાકાતનું આયોજન થયું હતું. નિશ્ચિત સમય કરતા હું થોડો વહેલો પહોંચ્યો અને ત્યારે ટેબલ પર ઈસુ ખ્રિસ્તની છબી રાખીને એમની પ્રાર્થનામાં લીન ચંદુ બોરડે જોવા મળ્યા. એ દિવસે ખ્યાલ આવ્યો કે ચંદુ બોરડે ખ્રિસ્તી ધર્મી છે અને એ વિગત પણ જાણવા મળી કે ભારતનાં એક જમાનાનાં સમર્થ  બેટ્સમેન વિજય હઝારે મરાઠી ક્રિશ્ચિયન હતા અને વિશેષ તો ચંદુ બોરડેને માટે વિજય હજારે ક્રિકેટના આદર્શ હતા. વળી એકાદ વખત એમની સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવા મળ્યો, તેનો આનંદ ચંદુ બોરડેને જીવનભર રહ્યો હતો.

બોરડેનું આ સ્મરણ હજી આજે પણ આંખ સામે તરવરે છે અને એ સાથે વેસ્ટ ઇન્ડિઝના બેટર સર કોનરાડ હંટનું સ્મરણ થાય છે. આ કોનરાડ હંટના જીવનમાં ખ્રિસ્તી ધર્મ પ્રત્યેની આવી જ શ્રદ્ધા હતી અને એ 'મોરલ રી-આર્મામેન્ટ' નામની વિશ્વમાં નૈતિક અને ધાર્મિક વલણ ધરાવતા જુદા જુદા ધર્મોનાં સંયુક્ત ઓર્ગેનાઇઝેશનનો સભ્ય હતો અને જીવનભર એણે જુદા જુદા ધર્મોની એકતા માટે પ્રયાસ કર્યો. અમદાવાદમાં આવ્યા, ત્યારે એમની સાથે એક પોળમાં રહેતી સ્ત્રીની અકળ બીમારી અંગે વાત થઈ, તો કોનરાડ હંટ એમને પોળમાં મળવા ગયા હતા. જોકે પોળનાં લોકોને જાણ થતા એમાંથી માંડ માંડ બહાર નીકળ્યા હતા. જ્યારે આવી ધર્મશ્રદ્ધાની વાત થાય, ત્યારે ભારતીય ક્રિકેટના પિતામહ સી.કે. નાયડુને યાદ કરવા પડે.

ભારતીય ક્રિકેટને વિશ્વના તખ્તા પર આગવું અને છટાદાર સ્થાન અપાવનાર સી.કે. નાયડુને કાલી માતામાં અગાધ શ્રદ્ધા હતી. ૧૯૫૩માં હોલ્કરની ટીમ અને બંગાળની ટીમ વચ્ચેની રણજી ટ્રોફી મેચ કૉલકાતામાં ખેલવાની હતી. હોલ્કરની મજબૂત ટીમનો વિજય થવાનો જ છે એવી પાકી ધારણા સાથે ઇંદોરના મહારાજા સ્વ. યશવંતરાય હોલ્કર વિમાન મારફતે કોલકાતા આવ્યા. પણ બન્યું એવું કે હોલ્કરની ટીમ બંગાળની ટીમ સામે ઝૂકી ગઈ અને હોલ્કરની ટીમના સુકાની સી.કે. નાયડુને માટે ઘણી કફોડી પરિસ્થિતિ ઊભી થઈ. ઈંદોરના ક્રિકેટપ્રેમી મહારાજા વિજયનો જશ્ન માણવા આવ્યા છે અને હવે એમને પરાજયનાં કડવા ઘૂંટ પીવા પડશે ! એકાએક સી.કે. નાયડુના હૃદયમાં હિંમતનો સંચાર થયો. એમણે અનુભવ્યું કે કાલી માતા એમને કહે છે કે આમ ઝૂકી જવાને બદલે ઝઝૂમવા લાગો. સી. કે. નાયડુએ હીરાલાલ ગાયકવાડ અને અગિયારમાં ખેલાડી ધનવડે પાસે આવ્યા અને જોશથી બોલી ઊઠયા, 'તમે સહેજે નિરાશ ન થશો, માતા કાલી આપણી મદદે છે. તમે ખરેખર ખૂબ ભાગ્યશાળી છો.' ટીમની કફોડી હાલત સમયે સુકાનીના આવાં હિંમતભર્યા વચનો સાંભળીને પહેલા તો ગાયકવાડ અને ધનવડે હેબતાઈ ગયા. એમને ચકિત જોઈને સી.કે. નાયડુએ સ્પષ્ટતા કરતા કહ્યું,

'માતા કાલી તમારા પર પ્રસન્ન થયાં છે. એમણે તમને તમારી તાકાત બતાવવાનો મોકો આપ્યો છે. મેચનો સમય પૂરો થવામાં માત્ર એક કલાકની વાર છે. તમે એટલો સમય પસાર કરી નાખો.'

હકીકતમાં ગાયકવાડ અને ધનવડેની આખરી જોડી એક કલાક સુધી અણનમ રહી. પ્રથમ દાવમાં વધુ રન કરવાને કારણે હોલ્કરની ટીમ રણઝી ટ્રોફી વિજેતા બની.

આ ધાર્મિક શ્રદ્ધાની બાબતમાં ૧૯૭૫માં ચંદીગઢમાં ૨૬મી માર્ચે બનેલી ઘટના ભૂલી શકાય નહીં. એ દિવસે ભારત-પાકિસ્તાનની શાનદાર વર્લ્ડ કપ મેળવવા માટેની નિ ર્ણાયક મેચ હતી અને મેચમાં ભારત અને પાકિસ્તાન બંનેનાં ખેલાડીઓ એક જ મસ્જિદમાં પ્રાર્થના કરવા ગયા હતા. મૌલવીએ જોયું કે પ્રાર્થના કરવા માટે શીખ અને બીજા ભારતીયો પણ હતા. એમણે કહ્યું કે, 'અમારી ટીમમાં અસલમ શેરખાન નામનો ખેલાડી મુસ્લિમ છે અને તેથી અમે એની સાથે પ્રાર્થના કરવા આવ્યા છીએ.' નમાજ પૂરી થયા બાદ મૌલવીએ ભારતીય ટીમના સુકાની બલબીરસિંહને કહ્યું કે, 'પાકિસ્તાનની ટીમ તો રોજ મસ્જિદમાં આવે છે, પણ તમે પહેલી વાર આવ્યા છો અને તે પણ તમે બધા શીખ છો. આથી આ વખતે અલ્લાહ જરૂર તમને સાથ આપશે.' અને હકીકતમાં એ સમયે પ્રારંભમાં આર્જેન્ટિનાની ટીમ સામે ઘણો નબળો દેખાવ કરનારી ભારતીય ટીમ પાકિસ્તાન સામે વિજેતા બની હતી.

બલબીરસિંહે એ સમયે હસતાં હસતાં કહ્યું હતું કે, 'ભારત-પાકિસ્તાનની ફાઈનલ વચ્ચે કોનું નસીબ નિર્ધારિત કરવું એની ઈશ્વરને પણ ફિકર થઈ હશે.'

વિશ્વનો મહાન મુક્કાબાજ કેસિયસ કલે કે જેણે મુસ્લિમ થઈને મોહમ્મદ અલી નામ ધારણ કર્યું હતું. એ હેવિવેઈટ બોક્સિંગનો વિશ્વ-વિજેતાને એની મુક્કાબાજી પૂર્વે કોણ વિજેતા બનશે એમ પૂછવામાં આવે, ત્યારે એ એક જ જવાબ કહેતો કે, 'એ તો ખુદાના હાથમાં છે.' અને દ્રઢ શ્રદ્ધા હતી કે ઈશ્વર મદદ કરે તો જ માણસ સિદ્ધિ પામે છે.

વળી શુભેચ્છાભરી પ્રાર્થનામાં એને એટલો બધો વિશ્વાસ હતો કે એ એમ કહેતો કે, 'હું હેવિવેઇટ ચેમ્પિયનશીપમાં ભાગ લઉં છું, ત્યારે મારી જીત માટે માત્ર અમેરિકાનાં જ નહીં, પરંતુ વિશ્વભરનાં લોકો પ્રાર્થના કરતા હોય છે અને મને તેનું બળ 

મળે છે.'

ટોકિયો ઓલમ્પિક સમયે ભારતીય હોકી ફેડરેશનના પ્રમુખ અને સર્વેસર્વા ગણાતા અશ્વિની કુમારને એમના કેટલાક મિત્રોએ સલાહ આપી હતી કે તેઓ થોડી રકમોનું દાન તિરૂપતિના શ્રી વેંકેટેશ્વર ભગવાનને કરે તો હોકીની ફાઈનલમાં ભારત જરૂર ઉજળો દેખાવ કરી શકે અને હકીકતમાં 'હિંદુ' અખબારના ખબરપત્રી ટી.ડી. પાર્થસારથિની નોંધ પ્રમાણે શરૂઆતમાં પાકિસ્તાન આગળ હતું, ભારત ખૂબ દબાણ હેઠળ હતું, પરંતુ એણે એક ગોલથી વિજય મેળવ્યો, ત્યારે સહુને લાગ્યું કે આની પાછળ ઈશ્વરકૃપા છે.

રોમ ઓલિમ્પિકમાં હોકી સ્પર્ધાની ફાઈનલમાં અંતિમ વ્હિસલ વાગી અને પાકિસ્તાનનો વિજય થતા એનાં ખેલાડીઓ મેદાન પર જ ઘૂંટણીએ પડીને આભાર માનતા હતા, કારણ કે ૧૯૨૮ની એમ્સ્ટરડામ ઓલિમ્પિકથી માંડીને રોમ ઓલિમ્પિકનાં ૩૨ વર્ષ સુધી ઓલિમ્પિક હોકી પરના ભારતના પ્રભુત્વનો પાકિસ્તાને અંત આણ્યો હતો.

વેસ્ટ ઇન્ડિઝનો અત્યંત ઝડપી ગોલંદાજ વેસ્લી હોલ કટોકટીની ક્ષણે ગળામાં રહેલા ક્રોસને સ્પર્શ કરતો અને બોલતો, 'ઓ ગોડ હેલ્પ મી.' જ્યારે વેસ્ટ ઇન્ડિઝના મહાન સુકાની ફ્રેન્ક વોરેલની ધર્મશ્રદ્ધા તો અનોખી હતી. મેદાન પર એ કેચ ગુમાવે કે પછી શાનદાર સદી કરે, તેમ છતાં એનું રુંવાડુંય ફરકતું નહીં. કારણ એટલું જ કે એ માનતો કે, 'ઓલ ઈન ધ બુક' આ બધું લખાયેલું જ છે, એમાં તમે કશો ફેરફાર કરી શકતા નથી.

અને છેલ્લે કે. જ્યંતીલાલની વાત કરી લઉં. એમનું નામ હિરજી કેનિયા જ્યંતીલાલ હતું અને એ જમોડી બેટ્સમેન અને જમોડી ઓફ બ્રેક ગોલંદાજ તરીકે હૈદરાબાદની ટીમ તરફથી રમ્યા હતા. પોતાની પ્રથમ રણજી ટ્રોફી મેચમાં એણે આંધ્રની ટીમ સામે ૧૫૩ રન કર્યા હતા. ભારત તરફથી એને વેસ્ટ ઇન્ડિઝ સામે ૧૯૭૧માં એક ટેસ્ટ મૅચ રમવાની તક મળી. એની સાથે થયેલી મુલાકાતમાં એણે કહ્યું કે, 'કોઈ પણ મેચ ખેલવા માટે મેદાન પર જતા, ત્યારે ભગવાન મહાવીરનું સ્મરણ કરીને બેટિંગ કરવા જતા હતા.'

ક્ષણનો સાક્ષાત્કાર

જો તમારા મનમાં કોઈના પ્રત્યે વેર, ધૃણા કે દ્વેષ હશે, તો તમે મનોમન એ વ્યક્તિ પ્રત્યેના દુર્ભાવનું સતત પુનરાવર્તન કરીને વારંવાર સ્મરણ કરતા રહેશો. જે વ્યક્તિ તમને દીઠોય ગમતો નથી, એ અહર્નિશ તમારા મનની આંખ સમક્ષ દેખાયા કરશે. તમે અન્ય પ્રત્યે ધૃણા, દ્વેષ કે તિરસ્કાર ધરાવો છો, તો તે માટે હકીકતમાં તો તમારે સ્વયં પહેલાં એ ધૃણા કે તિરસ્કારનાં કલુષિત ભાવોનો અનુભવ કરવો પડશે.

વળી કોઈના પ્રત્યે સતત આવી કટુતા રાખશો, તો તમારા સ્વભાવમાં ધીરે ધીરે કટુતા આવતી જશે અને એ વ્યક્તિ તરફના દ્વેષ કે વેર તમારા જીવનભરના સાથી બની રહેશે. આથી જો મનમાં કોઈનાય પ્રત્યે ધૃણા, કટુતા કે તિરસ્કાર જાગે, તો તમારે તત્કાળ સાવધ થઈને એનો ઉપચાર કરવો જોઈએ. જેમ ડાયાબિટિસ થયો હોય અને વ્યક્તિ ભોજન અને ઉપચારની બાબતમાં સાવધાની રાખવા માંડે છે, એવી સાવધાની તમારે તમારા ભીતરમાં રહેલી કોઈના પ્રત્યેની દુર્ભાવના અંગે રાખવી પડશે.

મનમાં એકવાર કટુતા પ્રવેશી એટલે પછી મનમાં તમે એને સતત વાગોળતા રહેવાના. પરિણામે જેના પ્રત્યે કટુતા કે વેર છે એ વ્યક્તિને નહીં. બલ્કે તમારે એ કટુતા સંઘરી રાખવાનું વળતર ચૂકવવું પડશે. જો તાત્કાલિક એનો ઉપાય નહીં કરો, તો તમારા મનની એ કટુતા, વેર કે દ્વેષની અસર તમારી 'ઇમ્યુન સિસ્ટમ' પર થશે. સમય જતાં તમારા એની સાથેનાં અને અન્ય લોકો સાથેનાં સંબંધો કથળવા લાગશે અને એથીયે વિશેષ તો તમને ચારેય બાજુ 'એ દુશ્મન' જ દેખાયા કરશે. પરિણામે તમારી વિચારશક્તિ એ કટુતાના કિલ્લામાં કેદ બની જશે અને સમય જતાં એની તમારા માનસિક સ્વાસ્થ્ય પર અવળી અસર થશે. પછી એવું થશે કે એ વ્યક્તિ તમારી સામે હાજર હોય કે ન હોય, પણ એ તમને સર્વત્ર દેખાશે. પરિણામે આવી કટુતા રાખવા જતા તમારા વ્યક્તિત્ત્વમાં અજાણપણે એક પ્રકારની કડવાશ આવી જશે.