Get The App

Central Banks છેલ્લા એક દશકા દરમ્યાન કઈ રણનીતિ અપનાવીને Gold ખરીદતી રહી ?

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
Central Banks છેલ્લા એક દશકા દરમ્યાન કઈ રણનીતિ અપનાવીને Gold ખરીદતી રહી ? 1 - image

- કૌશિક કુમાર દીક્ષિત

- વિશ્વભરની સેન્ટ્રલ બેંકો પાસે હાલને તબક્કે બધું મળીને ૩૬,૩૪૪ ટનથી વધુ સોનું પડેલું છે અને તે વિશ્વભરના કુલ સોનાનો ૨૦% હિસ્સો છે !

- ભારતની પ્રજાને  Gold તરફ સૌથી વધુ આકર્ષણ પરંતુ, પોતાની પાસે સોનાના જથ્થા બાબતે ભારતની સેન્ટ્રલ બેંક (વિશ્વની અગ્રણી પાંચ સેન્ટ્રલ બેન્કોમાં) ક્યાંય જોવા નથી મળી રહી !   

ભારતીય રિઝર્વ બેન્કને એક અર્થમાં દેશની સેન્ટ્રલ બેંક ગણવાની રહે છે. આવી જ રીતે, અલગ-અલગ દેશોની પોતપોતાની સેન્ટ્રલ બેંક હોય છે. આ બધી સેન્ટ્રલ બેન્કોએ મળીને છેલ્લા એક દશકા દરમ્યાન (એટલે કે, અંતિમ ૧૦ વર્ષોમાં) કઈ રણનીતિ અપનાવીને સામૂહિક ધોરણે સોનું ખરીદી લીધું છે તે આપણે સમજીએ...

સેન્ટ્રલ બેંકો એટલે એક પ્રકારની સરકારી બેંકો અને એવી બેન્કોએ સોનું માત્ર ઘટાડે જ નહિ પરંતુ, ઉછાળે પણ ખરીદ્યું છે! 

આપણે સહુ પ્રથમ ચાલુ વર્ષ ૨૦૨૫ની વાત કરીએ તો, આ વર્ષ દરમ્યાન સૌથી વધુ સોનું બેંક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા ખરીદવામાં આવ્યું છે, ૬૭ ટનથી વધુ સોનું ખરીદી લીધું ! સેન્ટ્રલ બેંક ઓફ તુર્ક તેમજ નેશનલ બેંક ઓફ પોલેન્ડ દ્વારા ૬/૬ ટનથી વધુ સોનું ખરીદી લેવામાં આવ્યું. પીપલ્સ બેંક ઓફ ચાઈના તેમજ સીઝ નેશનલ બેંક દ્વારા બબ્બે ટન સોનું બજારમાંથી ઉપાડી લેવામાં આવ્યું. નેશનલ બેંક ઓફ કમ્બોડિયા-સેન્ટ્રલ બેંક ઓફ ફીલીપાઈન્સ-બેંક ઓફ ઘાના દ્વારા એકેક ટન સોનું ઊંચા ભાવોએ પણ ખરીદી લેવામાં આવ્યું. ૨૦૨૫ દરમ્યાન કોઈ પણ દેશની સેન્ટ્રલ બેન્કે સોનું ખરીદવામાં પીછેહઠ નથી કરી. તમામ સેન્ટ્રલ બેન્કોએ સોનાની ખરીદીમાં કંઈ ને કંઈ ફાળો આપેલો જોવા મળે છે. આમ, સોનામાં જોવા મળેલી ૨૦૨૫ની તેજીમાં સેન્ટ્રલ બેન્કોની ખરીદીને તમે નજરઅંદાજ કરી નહિ શકો! 

૨૦૧૪ના વર્ષમાં વિશ્વની બધી સેન્ટ્રલ બેન્કોએ મળીને કુલ ૬૦૧.૨ ટન સોનાની ખરીદી કરી હતી. અને, તે વર્ષે સોનાનો એવરેજ ભાવ ૧૦ ગ્રામ દીઠ ૨૮,૦૦૦ હતો. ૨૦૧૪માં સોનાનો આંતરરાષ્ટ્રીય ભાવ ૧૨૬૬ ડોલર પ્રતિ ઔંસ હતો. ૨૦૧૫ દરમ્યાન, સોનામાં મંદી આવી હતી અને એવરેજ ભાવ ૧૧૬૦ ડોલર પ્રતિ ઔંસ  આવી ગયો હતો...ત્યારે, ભારતીય બજારોમાં સોનું એવરેજ ૨૬,૩૪૩ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે વેચાઈ રહ્યું હતું. તે વર્ષે સેન્ટ્રલ બેન્કોએ કુલ ૫૭૯.૬ ટન સોનું ખરીદી લીધું હતું.  

તે પછી, ૨૦૧૬નું વર્ષ સેન્ટ્રલ બેન્કોને ગભરાવનારું  રહ્યું...સેન્ટ્રલ બેન્કોની ખરીદી ઘટીને ૩૯૪.૯ ટન પર જતી રહી ! એ વર્ષે સોનાનો એવરેજ ભાવ આંતરરાષ્ટ્રીય બજારોમાં ૧,૨૫૧ ડોલર પ્રતિ ઔંસ હતા. ઊંચા ભાવે સેન્ટ્રલ બેન્કોએ વધુ સોનું ખરીદ્યું નહિ. તે વર્ષ જો,કે ભારતીય બજારોમાં સોનું એવરેજ ૨૮,૬૨૭ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ વેચાઈ રહ્યું હતું. 

૨૦૧૭નું વર્ષ આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવોને સ્થિર રાખવામાં સફળ રહ્યું...સોનું ૧,૨૫૬ ડોલર પ્રતિ ઔંસ ટકી રહ્યું. ભારતીય બજારોમાં તે વખતે સોનાના એવરેજ ભાવ ૨૯.૬૬૭ રૂપિયા પ્રતિ ગ્રામ હતા ! સોનામાં આવેલી સ્થિરતા જોઇને સેન્ટ્રલ બેન્કોએ તે વર્ષ દરમ્યાન કુલ ૩૭૮.૬ ટન સોનું ખરીદ્યું. સોનામાં આવેલી સ્થિરતા સેન્ટ્રલ બેન્કોને તે વર્ષ દરમ્યાન ખાસ આકર્ષી શકી નહિ. 

૨૦૧૮નું વર્ષ કોણ જાણે શું થયું કે સેન્ટ્રલ બેન્કોએ સોનાની ખરીદીમાં પોતાનો રસ લગભગ બમણો કરી દીધો ! તે વર્ષે દુનિયાની બધી સેન્ટ્રલ બેન્કોએ એકીસાથે કુલ ૬૫૬.૨ ટન સોનું ખરીદી લીધું ! તે વર્ષે સોનાનો એવરેજ ભાવ અંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રતિ ઔંસ ૧,૨૬૮ ડોલર પર આવી ગયા. પણ, ભારતીય બજારોમાં તો નવી તેજી આવીને ભાવ પ્રતિ ૧૦ ગ્રામ   ૩૧,૪૩૮ પર પહોંચી ગયા હતા ! 

૨૦૧૯ના વર્ષ દરમ્યાન, આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાની મજબૂત તેજી આગળ વધી... એવરેજ ભાવો ૧૩૯૨ ડોલર પ્રતિ ઔંસ જોવા મળ્યા. અને, ભારતીય બજારોમાં સોનું તે વર્ષે એવરેજ ૩૫,૨૨૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ જઈ પહોંચ્યું. તેમ છતાં, સોનામાં આવેલી એ નવી તેજીથી અંજાયા વગર ૨૦૧૯ની સાલમાં સેન્ટ્રલ બેન્કોએ કુલ માત્ર ૬૦૫.૪ ટન નવું સોનું ખરીદ્યું હતું.  

૨૦૨૦નું વર્ષ એવું હતું કે જે દરમ્યાન જગત આખું કોરોના વાયરસ જેવી મહામારીમાં સપડાઈ ગયું હતું અને વિશ્વનું એકંદર ભવિષ્ય અનિશ્ચિતતાના દૌરમાંથી પસાર થઇ રહ્યું હતું... તે વર્ષ દરમ્યાન સોનું આંતરરાષ્ટ્રીય બજારોમાં ૨૫૪.૯ ડોલર પ્રતિ ઔંસ સુધી આવી ગયા હતા... ભારતમાં સોનું ૨૦૨૦ દરમ્યાન, ૪૮,૬૫૧ પ્રતિ ૧૦ ગ્રામ એવરેજ ભાવોથી વેચાઈ રહ્યું હતું ! આમ, ૨૦૨૦ દરમ્યાન સોનાના ભાવોની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય બજારો સાથે ભારતીય બજારોએ તાલ મેળવેલો જોઈ શકાયો નહોતો ! તે વર્ષે ભારતમાં સોનું ૧૨-૧૫ હજાર રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હોવું જોઈતું હતું ! 

સેન્ટ્રલ બેન્કોએ ૨૦૨૧ના વર્ષ દરમ્યાન, કુલ ૪૫૦.૧ ટનની ખરીદીઓ સાથે ફરીથી સોનામાં વ્યવસ્થિત રસ દાખવ્યો...૨૦૨૧ કે જે દરમ્યાન વિશ્વ કોરોનાના ભરડામાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યું હતું ત્યારે સોનાના એવરેજ ભાવ સ્થિર રહ્યા અને પ્રતિ ૧૦ ગ્રામ ૪૮,૭૨૦ આંકડો જોવા મળ્યો ! પરંતુ, દુનિયાએ તે દરમ્યાન સોનાના એવરેજ ભાવોમાં ૧,૭૭૦ ડોલર પ્રતિ ઔંસ સાથે નવી ઝંઝાવાતી તેજી જોઈ લીધી ! 

૨૦૨૨નું વર્ષ એવું રહ્યું કે જે દરમ્યાન સેન્ટ્રલ બેન્કોએ સોનાની વિક્રમસર્જક ખરીદીઓ કરી...કુલ ખરીદી ૧,૦૮૦ ટન ! અને, તે વર્ષે સોનાના એવરેજ ભાવો આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રતિ ઔંસ ૧,૮૦૨ ડોલર જોવા મળ્યા હતા જયારે ભારતીય બજારોમાં પ્રતિ ૧૦ ગ્રામ ૫૨,૬૭૦ રૂપિયા હતા...૨૦૨૨ના વર્ષ દરમ્યાન, સોનું સૌ પ્રથમ વખત ૧૦ ગ્રામ દીઠ ૫૦ હજારની પાર નીકળી ગયું...

સેન્ટ્રલ બેન્કોએ સોનાની ખરીદી તરફ ધ્યાન જાળવી રાખ્યું અને ૨૦૨૩ના વર્ષમાં ૧૦૫૦.૮ ટન સોનું ખરીદ્યું...આંતરરાષ્ટ્રીય એવરેજ ભાવ ૧,૯૪૪ ડોલર પ્રતિ ઔંસ જયારે ભારતીય ભાવો મુજબ એવરેજ ભાવ રૂપિયા ૬૫,૩૩૦ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યા...

૨૦૨૪ના વર્ષમાં સોનાની તેજી આગળ વધી...આંતરરાષ્ટ્રીય એવરેજ ભાવોએ ૨,૩૮૬ પ્રતિ ઔંસ આંકડો જોયો તેમજ ભારતીય બજારોએ પણ નવો આશ્ચર્યજનક આંકડો ૭૭,૯૧૩ એવરેજ ભાવો સાથે જોઈ લીધો...સોનું હવે, સામાન્ય માણસને પણ ૧,૦૦,૦૦૦નો ભાવ આંબી જ જશે તેવી ખાત્રી થવા લાગી ! સેન્ટ્રલ બેન્કોએ કુલ ૧,૦૮૯.૪ ટન સોનું ખરીદી લીધું હતું.  અને, આ ચાલુ વર્ષે ૨૦૨૫ દરમ્યાન શું થઇ ગયું તે કહેવાની કંઈ ખાસ જરૂરત ખરી ? વર્ષ હજુ પૂરું થયું નથી અને, સેન્ટ્રલ બેન્કોની કુલ ખરીદી ૯૦૦ ટનથી ઉપર પહોંચી ચૂકી છે! આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવોની ૨૦૨૫ની એવરેજ ૩,૬૦૦ ડોલર પ્રતિ ઔંસ થઇ ચૂકી છે જયારે ભારતીય બજારોમાં સોનાનો એવરેજ ભાવ હાલ (૨૦૨૫ના વર્ષ પૂરતો) ૧,૧૫,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ ચાલી રહ્યો છે!

-તમને જાણીને નવાઈ લાગી શકશે પણ, વિશ્વભરની સેન્ટ્રલ બેંકો દ્વારા હાલને તબક્કે બધું મળીને ૩૬,૩૪૪ ટનથી વધુ સોનું પડેલું છે અને તે વિશ્વભરના કુલ સોનાનો ૨૦% હિસ્સો છે ! સૌથી વધુ સોનું અમેરિકાની સેન્ટ્રલ બેંક પાસે છે...તે પછી, જર્મની બીજા ક્રેમે અને ઇટાલી ત્રીજા ક્રમે આવે ! ફ્રાન્સની સેન્ટ્રલ બેંક ચોથા ક્રમે તેમજ ચીનની સેન્ટ્રલ બેંક પાંચમા ક્રમે આવે...          

Central Banks છેલ્લા એક દશકા દરમ્યાન કઈ રણનીતિ અપનાવીને Gold ખરીદતી રહી ? 2 - image

- High Court કોઈ પણ F.I.R. કયા સંજોગોમાં Quash કરી શકે?  

- કોઈ પણ હાઈકોર્ટ જાતે કોઈ પણ FIR રદ કરી શકે નહિ!

- Compaundable એટલે કે, સમાધાન શક્ય હોય તેવા કેસોમાં બંને પક્ષોને વાંચ્યા-સાંભળ્યા વગર હાઈકોર્ટ F.I.R. માત્ર એક જ પક્ષની અરજી આધારે રદ કરી શકે નહિ ! 

દેશમાં પોલીસ તંત્ર તેમજ ન્યાય તંત્ર ગમે તેટલું બળવાન અને સતર્ક હોય તો પણ, ગુનાઓની સંખ્યા ઉત્તરોત્તર વધ્યે જ જાય છે. દેશની સરકાર પણ અનેક રીતે લાચાર બની 'બિચારી' જેવી સ્થિતિમાં વખતોવખત મુકાઈ જતી હોય છે અને પોતે જવાબદાર હોવા છતાં કશો જવાબ આપી શકતી નથી. દેશની પ્રજા પણ પોતે પોતાની મનચાહી સરકાર લાવીને પોતાની પસંદની તે સરકાર સાથે (પોતાની પસંદની સરકારે બનાવેલા કાયદાઓનો ભંગ કરીને) એક પ્રકારે દગો-વિશ્વાસઘાત કરતી રહે છે ! 

કોઈ પણ ગુનો બને એટલે ગુનો કરનારની વિરુધ્ધ (ગુનાની તપાસ પોલીસથી શરુ થાય તેવી કાનૂની વ્યવસ્થા હોય તેવા કેસમાં) સામાન્ય રીતે ગુનાનો ભોગ બનનારે પોલીસ પાસે જવાનું હોય છે. પોલીસને તેમાં પહેલી નજરે 'ગુનો' થયેલો હોવાનું માલમ પડે એટલે પોલીસ એફ.આઈ.આર. કરે છે. એફ.આઈ.આર. એટલે 'ફર્સ્ટ ઇન્વેસ્ટીગેશન રીપોર્ટ' અને, પોલીસ જેવી એફ.આઈ.આર. કરે એટલે તરત જ ગુનો કરનારની વિરુદ્ધ તપાસ કરવાનો પોલીસને અધિકાર પ્રાપ્ત થઇ જાય છે. 

અમુક વાર, પહોંચેલી (વગદાર) વ્યક્તિઓ પોલીસ જોડે મેળાપીપણામાં નિર્દોષ વ્યક્તિ વિરુદ્ધ પણ એફ.આઈ.આર. કરી દે છે અથવા પોલીસનું અજ્ઞાાન પણ કેટલીક વાર નિર્દોષ વ્યક્તિ વિરુદ્ધ એફ.આઈ.આર. થઇ જવામાં નિમિત્ત બની જતું હોય છે. અને, એવા સંજોગોમાં જો એફ.આઈ.આર. કોઈ બુરા - સ્વાર્થપૂર્ણ ઉદ્દેશ હેઠળ થયેલી હોય તો સરકારે પોતે બનાવેલા કાયદામાં આખી ને આખી એફ.આઈ.આર. રદ કરાવી દેવાની વ્યવસ્થા પણ રાખી છે જેને એફ.આઈ.આર. 'કોશ' કરાવવી અથવા 'રદબાતલ' કરાવવી એમ કહી શકાય. 

દેશમાં અગાઉ આ માટેની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડ હેઠળ રાખવામાં આવી હતી અને, ઈ.સ.૨૦૨૩ દરમ્યાન જે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અમલમાં આવી તે પછી તેની કલમ ૫૨૮ હેઠળ દેશભરની હાઈકોર્ટોને 'લગાવવામાં આવેલી એફ.આઈ.આર.' રદ કરી દેવાની અબાધિત સત્તા આપવામાં આવેલી છે. હાઇકોર્ટના ન્યાયાધીશો દ્વારા એફ.આઈ.આર. રદ કરાવી શકાય છે. એફ.આઈ.આર. હાઇકોર્ટ દ્વારા રદ થઇ ગયા પછી તે આખો પોલીસ કેસ હંમેશ માટે ખતમ થઇ જાય છે...

એક સામાન્ય નાગરિકે એટલું સમજી રાખવાનું હોય છે કે, હાઈકોર્ટ ક્યારે કોઈ એફ.આઈ.આર. પોતાની સત્તા વાપરીને રદ કરી દેતી હોય છે ? 

(૧) હાઈકોર્ટ પોતાની રીતે (એટલે કે, અરજદારની અરજી વગર !) કોઈ પણ એફ.આઈ.આર. રદ કરી શકે નહિ...પોતાની પાસે કોઈકની અરજી આવે તો જ હાઇકોર્ટ કોઈ એફ.આઈ.આર. રદ કરવા તરફ વિચારે છે. 

(૨) જો, પહેલી નજરે કોઈ વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિ વિરુદ્ધ ગુનો થયેલો માલમ નહિ પડી રહ્યો હોય તો સામાન્ય રીતે હાઈકોર્ટ તે એફ.આઈ.આર. રદ કરવા માટે વિચારી શકે છે. પરંતુ, અરજદાર વિરુદ્ધ પહેલી નજરે માનવા યોગ્ય સબૂત હાઇકોર્ટની નજર સમક્ષ આવી જાય તો હાઈકોર્ટ તે એફ.આઈ.આર. રદ કરવા તરફ બિલકુલ વિચારશે નહિ !

(૩) કોઈ પણ હાઈકોર્ટને એફ.આઈ.આર. રદ કરવા માટે જે-તે કેસ ન્યાયતંત્ર (એટલે કે, કોઈ પણ નીચલી કોર્ટ) સમક્ષ આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે ! એફ.આઈ.આર. જો, હજુ કોર્ટના દાયરામાં કેસ નંબર પડીને રજીસ્ટ્રી દ્વારા આવી નહિ હોય તો તેવી એફ.આઈ.આર. રદ કરવાની હાઇકોર્ટ સત્તા ધરાવતી નથી. એફ.આઈ.આર. બાદ, કેસ એક વાર પોલીસ તંત્રના હાથમાંથી ન્યાયતંત્રના હાથમાં આવી જાય અને ન્યાયતંત્ર તેનું સંજ્ઞાાન લઇ લે તે પછી જ એફ.આઈ.આર. રદ કરવાની સત્તા હાઇકોર્ટેને મળી શકે છે. આમ, પોલીસ સ્ટેશનમાં ન્યાયતંત્ર સમક્ષ જવાની રાહ જોઇને બેઠેલી કોઈ પણ એફ.આઈ.આર. બારોબાર હાઇકોર્ટ દ્વારા રદ થઇ શકે નહિ !

(૪) જો,કોઈ કેસ સિવિલ કોર્ટમાં ચાલવા પાત્ર હોય તો તે સબબ થયેલી એફ.આઈ.આર. તે કારણસર હાઈકોર્ટ રદ કરી શકે છે. 'ભારતીય ન્યાય સંહિતા'ની કલમો લગાડયા વગર એફ.આઈ.આર. લગાવી શકાય નહિ. અને, જો કોઈ વ્યક્તિનો ગુનો 'ભારતીય ન્યાય સંહિતા'ની કલમો મુજબનો નહિ હોય તો હાઈકોર્ટને તે એફ.આઈ.આર. રદ કરવાની પૂરી સત્તા છે. 

(૫) જો, કોઈ ગુનો કમ્પાઉન્ડેબલ (એટલે કે, સમાધાન કરી લેવા યોગ્ય) હોય તો હાઈકોર્ટ માત્ર એક પક્ષને સાંભળીને-વાંચીને એફ.આઈ.આર. રદ કરી શકે નહિ...એવા સંજોગોમાં હાઇકોર્ટે બંને પક્ષોને સાંભળવા પડશે તેમજ જો સમાધાન થઇ ગયેલું જાહેર થાય તો હાઇકોર્ટ તે એફ.આઈ.આર. રદ કરશે પણ, જો સમાધાન હજુ થયું નહિ હોય તો દેશની કોઈ પણ હાઈકોર્ટ કોઈ એફ.આઈ.આર. રદ કરી શકે નહિ !

-ઘણી વાર વકીલો પોતાના અસીલોને એફ.આઈ.આર. હાઇકોર્ટ પાસેથી રદ કરાવી લેવાની લાલચ આપી રહ્યા હોય છે તો ઘણી વાર. અસીલો ખુદ પોતે અજ્ઞાાનવશ પોતાની વિરુદ્ધ થયેલી એફ.આઈ.આર. હાઈકોર્ટ પાસે રદ કરાવી લેવાની ખોટી આશામાં રાચતા જોવા મળે છે. દરેક નાગરિકે, એફ.આઈ.આર. હાઇકોર્ટ મારફત રદ કરાવવા વિષે પોતાના કેસની લાયકાતનો સૌ પ્રથમ વિચાર કરી લેવો પડે !