Get The App

'બર્બરિક' સિન્ડ્રોમ ધરાવતી 'અન્ડરડોગ' સાયકોલોજી!

Updated: Nov 9th, 2025

GS TEAM

Google News
Google News
'બર્બરિક' સિન્ડ્રોમ ધરાવતી 'અન્ડરડોગ' સાયકોલોજી! 1 - image


- સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા

- મહિલા ક્રિકેટનો વિશ્વકપ હોય કે ન્યુયોર્ક શહેરના મેયરની ચૂંટણી, કૃષ્ણ પરની ગુજરાતી ફિલ્મ હોય કે શાહરૂખની જીવનકહાણી બધે એક જ 'કોમન-ફેક્ટર' છે!

આ મર્મવેધક હિન્દી કવિતા ભારતની મહિલા ક્રિકેટ ટીમના ભવ્ય વિશ્વકપ વિજય બાદ એલઆઈસીના જે.ડી. ચંન્દ્રપાલે શેર કરેલી એક ભાવુક લખાણ સાથે, જે રીડરબિરાદર લીલાવતીને લીધે વાંચવા મળી. અહીં હોકીની જગ્યાએ આસાનીથી ક્રિકેટ મૂકી શકાય કે પછી કોઈ પણ ગેઈમ, અને ગરબા કે નૃત્ય પણ મૂકી શકાય. મૂળ વાત તો એ છે કે સ્ત્રીઓની પાંખો કાપી નાખતો સમાજ પણ આજે એની ઉડાન રોકી શકતો નથી. શાંતા રંગાસ્વામી, ડાયના એદલજી, મિતાલી રાજ, ઝૂલન ગોસ્વામી જેવી અનેક ભારતીય 'ક્રિકેટરાણી'ઓના સંઘર્ષના સરવાળા પછી હરમનપ્રીત કૌરની ટીમે આ શિખર જોયું છે.

પણ કાત્યાયનીની આ કવિતા એની પાછળનો પર્સ્પેકિટવ કલીઅર કરે છે, એ તો ખરું જ કે ભારતીય સ્ત્રીઓએ સ્પોર્ટસ કે કોઈ પણ ઘરની બહાર નીકળવાની કરિઅર કે એકટિવિટીઝમાં કેટલો સંઘર્ષ કરવો પડે છે. ખાસ કરીને સંકુચિત માનસિકતાનો માહોલ આસપાસ હોય ત્યારે ! પણ સાથોસાથ એ કે આ જ ક્ષણો હોય છે, જ્યારે એને અપેક્ષાઓ અને જવાબદારીઓથી મુક્ત મોકળાશની મસ્તી મળે છે. ભલે ગ્રાઉન્ડ પર કષ્ટ પડે પણ સતત ઘરકામના બોજ ઉંચકવાની, સોસાયટીની કે કોમ્યુનિટીની ફ્રેમમાં ફિટ થવાની, પરણવાની કે બાળકો પેદા કરી ઉછેરવાની એક તીક્ષ્ણ તલવાર ઝળૂંબતી હોય, એમાંથી આ જ પહેચાનના પ્રેશર વિના ગેમ એન્જોય કરવાની મોમેન્ટસ હોય છે !

વર્તમાન વિશ્વવિજેતા ટીમને તો ઠીક છે, ગુજરાતી જય શાહે વગર કહ્યે પણ એક મોટી અસમાનતા દૂર કરી આપી. વીસ વર્ષ પહેલા હજાર રૂપિયાની મેચ ફી સામે કરોડો કાયદેસર ઓન મેરિટ અપાવીને પુરૂષો સામેનો એક ભેદભાવ તો દૂર કર્યો ! (મહિલાઓની સમાનતા માટે સૌથી વધુ ચિંતીત પ્રવૃત્ત તો પુરૂષો જ હોય છે, જેની ગવાહી ઈતિહાસ પૂરે છે !) પણ જેમના થકી ઉમદા રમત છતાં ભારત માટે રમી ન શકેલા કોચ ક્રિકેટર અમોલ મઝૂમદારને ગોબરા ગંભીરવેડા કર્યા વિના અંતે ઓળખ મળી, એ ક્રિકેટરોને પણ સ્ત્રી તરીકે પોતાની પહેચાન બનાવવામાં કેટલી તકલીફ પડી છે !

સેમી ફાઈનલના ઝંઝાવાત બાદ જેમિમા રોર્ડિગ્સને ધર્મને લીધે સહન કરવું પડેલું એની વાત બહાર આવી. એમાં કોઈ ગણગણાટ ન થયો, કારણ કે પરફોર્મન્સની લોકપ્રિયતા લુખ્ખાઓના મોઢા બંધ ન કરે તો પણ નાક કાપી શકે છે. મોહમ્મદ શમી કે અર્શદીપ સિંઘે પણ આવું ટપોરી ટ્રોલિંગ વેઠેલું છે. પણ એકલી જેમિમાની વાત નથી.

જેમિમા ડિપ્રેશન સામે ઝઝૂમેલી, તો અમનજોત કૌરની આર્થિક તંગીની વ્યથાકથા પણ સામે આવી. ઋચા ઘોષે કોરોના સમયે ઘરની છત ઉપર નેટપ્રેકટિસ ચાલુ રાખી તો મોહિન્દર અમરનાથની જેમ ફાઈનલમાં 'હીરો' (હવે તો હીરોઈન શબ્દ પણ પશ્ચિમમાં જેન્ડર બાયસ્ડ ગણાય છે.) બનેલી શેફાલી વર્મા તૂટેલા ગ્લવ્ઝથી રમતી અને પિતાની બીમારીનું ટેન્શન. એન. શ્રીચરણીનો પરિવાર પણ દેવામાં ડૂબેલો હતો, રાધા યાદવ તો મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેતી ને કોચિંગના પણ પૈસા નહોતા એની પાસે. બે વર્ષની ઉંમરે બાપ ગુમાવનારી રેણુકા ઠાકુર તો ચીંથરાના દડાથી ક્રિકેટ રમવા મજબૂર હતી. હરમનપ્રીત તો કમરે દુપટ્ટો બાંધી છોકરાઓ સાથે રમતી ને આંબાના ઝાડ ઠેકાડવામાં સિક્સરો મારતા શીખી ગઈ. સ્મૃતિ મંધાના તો ખૂબસુરતીને લીધે સ્ટાર છે, પણ પ્લાસ્ટિક બેટથી જ રમવાનું શરૂ કરેલું એણે.

એક તો સમાજમાં છોકરાઓ સામે છોકરીઓ દરેક મામલે ઉતરતી ગણાય, એમાં વળી મહિલા ક્રિકેટની આપણે ત્યાં પુરૂષોની કરોડો રળતી આઈપીએલ સામે કે પોપ્યુલારિટી સામે માર્કેટ નહિ. બધા આજે ટીમ ઈન્ડિયા બન્યા પણ કોઈ સુથારની દીકરી તો કોઈ થર્મલ પાવર પ્લાન્ટના મજૂરની દીકરી. કોઈ હરિયાણાની, તો કોઈ આંધ્રની. કોઈ બંગાળની તો કોઈ હિમાચલની પણ બધી વાડ ઠેકીને ભારતને ગૌરવ અપાવ્યું આ દીકરીઓએ. દાયકાઓના ઈન્તઝાર બાદ ટ્રોફી ઉંચકી આ ટીમે પોતાનું આગવું એન્થમ ગાતા, ત્યારે આવતીકાલની આપણી કન્યાઓ માટે સ્પોર્ટસ કરિઅરના દરવાજા પર લાગેલી જંઝીર ઉંચકાઈ ગઈ ! વાઈફ કે દીકરીને લોકો સામે માત્ર સંસ્કાર સંસ્કૃતિ કે પછી સૌંદર્ય સમૃદ્ધિનું પ્રદર્શનની ટ્રોફી ગણતી માનસિકતા સામે આ મૌન ક્રાંતિ હતી.

જસ્ટ થિંક, ૧૭૦થી વધુ વર્ષ પહેલા મહાત્મા જ્યોતિબા સાવિત્રીબાઈની ચળવળ થકી શરૂ થયેલી કન્યા કેળવણીમાં એક બાપ અનાજ ભરવાની ગુણ યાને કોથળામાં નાખીને પોતાની દીકરીને સ્કૂલે ભણવા લઈ જતો, કારણ કે છોકરી ભણે એની સામે સંકુચિત અડિયલો વિરોધ કરતા ને એને પથરા મારતા ! અને ભણેલી એ સ્ત્રી મુક્તા સાલ્વે દલિત વિચારક તરીકે પ્રતિષ્ઠિત બની. કોથળામાં પૂરાઈને ચૂપચાપ ભણવા માટે બહાર નીકળવાથી શરૂ કરીને ટીશર્ટ-પેન્ટ કે શોર્ટસ પહેરીને દુનિયા ફરતા ફરતા રમત રમવા સુધી પહોંચવાની યાત્રાની પીડા એમ તો બધા જાણે જ છે, એટલે જ સ્ત્રીઓની જીતને એકી અવાજે બધાએ બિરદાવી!

અને આ થઈ વિક્ટરી ઓફ અન્ડરડોગ ! આ શબ્દનો અર્થ એટલો જ કે જેના લૂઝર થવાના ચાન્સ વધુ હોય એ સ્ટ્રગલ કરતા કરતા અંતે હીર ઝમકાવી વિનર બને ! ત્યારે એને પ્રચલિત લોકપ્રિય વિજેતા કરતા વધુ જનસમર્થન મળે છે. જે હમ્બલ બેકગ્રાઉડ યાને ગરીબી કે મિડલકલાસમાંથી આવે, જે પામતા પહોંચતા અમીર 'એલાઈટ' કલાસના ભદ્રલોકમાં આઉટસાઈડર હોય, જેને ડગલે ન પગલે નોર્મલ કરતા વધુ ચેલેન્જીઝ મળે, જેણે અપમાનો વેઠયા હોય કે જેની જીતની કોઈને આશા ન હોઈને બહુમતી લોકોની નજરમાં જે નકામા કે નિષ્ફળ હોય - એ જીવનમાં કશુંક પ્રાપ્ત કરે કે મુશ્કેલીઓ સામે વિજય મેળવે એનો સ્વાદ કંઈક અલગ હોય છે ! વિશેષ હોય છે !

અન્ડરડોગ શબ્દ મૂળ તો કૂતરા લડાવવાની બ્રિટિશ રમતમાંથી આવ્યો. જેમાં હોટ ફેવરિટ હટ્ટાકટ્ટા ડાઘિયા સામે કોઈએ ધાર્યું ના હોય એવું માંદલું રાંક કૂતરું બધાને આશ્ચર્યના આંચકા આપીને જીતી જાય ! પણ એનું ફેસિનેશન જૂનું છે. દ્રષ્ટાંતો તો પુસ્તક નહિ, આખી લાયબ્રેરી ભરાય એટલા છે !

બાઈબલની ડેવિડ વર્સીસ ગોલિયાથની વાર્તા પણ આ છે ! વિરાટ જાયન્ટ (રાક્ષસ) સામે ટચૂકડો છોકરો. અરે, સિન્ડ્રેલાની પરીકથા પણ આ જ પ્લોટની સ્ટોરી છે. અનાથ, ગરીબ, દુઃખિયારી નારીને સપનાનો રાજકુમાર ફેન્સી ફેશનેબલ ફટાકડીઓની વચ્ચે મળી જાય ! ચાર્લી ચેપ્લીને ભજવેલો 'ટ્રેમ્પ' પણ અન્ડરડોગ હતો. એમ તો કિંગ આર્થર કે અલાઉદ્દીનની વાર્તા પણ એ જ છે. ગાંધીજીની પ્રચંડ લોકપ્રિયતા પણ આમાં છૂપાયેલી છે. સાવ સાધારણ લાગતો પોતડીદાસ સામાન્ય માણસોને પોતીકો લાગે અને ધરખમ સામ્રાજયના પાયા હચમચાવી દે ! એવા જ ચશ્મા પહેરતો અનાથ બાળક હેરી પોટર પણ ધમાકેદાર ખલનાયક લોર્ડ વોલ્ડેમોર્ટ સામે અન્ડરડોગ છે.

કપિલ્સ ડેવિલ્સ યાને ૧૯૮૩માં ઇંગ્લેન્ડમાં વિશ્વવિજેતા બનેલી ભારતીય ક્રિકેટ ટીમ પણ અન્ડરડોગ જ હતી. જેની જીતની કામના કોઈએ દેશમાં પણ કરી નહોતી અને માંધાતા ટીમોને જાણીતા નહિ એવા ખેલાડીઓએ ધૂળચાટતી કરીને ક્રિકેટનો નવો અધ્યાય લખ્યો. આમાં શિફ્ટિંગ પણ થાય. એન્ટ્રી વખતે અન્ડરડોગ વિરાટ કે રોહિત સામે પછી જાયસ્વાલ કે સૂર્યકુમાર જેવા છવાઈ જાય !

હમણા જ જે ૬૦ નો થયો ને સિક્સ્ટી પણ સ્વેગથી ભરપૂર હોય, એવી યાદ અપાવી ગયો એ સુપર સ્ટાર શાહરૂખખાન પણ અન્ડરડોગ 

સિન્ડ્રોમનું બેસ્ટ એક્ઝામ્પલ છે. એને પહેલેથી ઓળખનાર કહે છે કે એમાં એટલું પેશન અને ઉર્જા સમાયેલ લાગતું કે એ જે કરત એનાં ટોચ પર પહોંચત. પત્રકાર થાત કે ફૂટબોલ પ્લેયર, કમાલ જ કરત. ટીવી સિરિયલ કરતા કરતા ફિલ્મોમાં સેકન્ડ લીડ રોલમાંથી હજુ પણ પોપ્યુલર અને કુબરપતિ ફિલ્મસ્ટાર એ થઈ ગયો ! રાજેશ ખન્ના સામે 'આનંદ'માં અભિનેતા તરીકે અમિતાભ બચ્ચ પણ અન્ડરડોગ હતો ! એક સમયે ગૂંગી ગુડિયા ગણાતા ઇન્દિરા ગાંધી અન્ડરડોગ નીકળ્યા તો ગુજરાતના સીએમ થયા પહેલા ને પછી જેમને કાપવાની કોશિશ થયેલી એ નરેન્દ્ર મોદી કોમન પીપલના મસીહા થઈને તરત ખસેડી ના શકાય એ રીતે પીએમ થઈ ગયા ! જૂના જામેલા મારવાડી-પારસી-જૈન એમ્પાયર્સ સામે શરૂઆતના ધીરૂભાઈ અંબાણી પણ અન્ડરડોગ હતા અને આઈબીએમ સામે સ્ટીવ જોબ્સ કે કાર-રોકેટ નિર્માતાઓ સામે ઇલોન મસ્ક !

તાજેતરમાં મૂળ આફ્રિકાથી અમેરિકા ગયેલા ગુજરાતી મહેમૂદ મામદાણીના ૩૪ વર્ષના દીકરા ઝોહરાન મામદાણીનો ન્યૂયોર્ક સીટીના મેયર તરીકે વિજય થયો. ન્યૂયોર્ક શહેર મુંબઈની જેમ એક રાજ્ય કરતાં વધુ પાવરફૂલ છે. કામસૂત્રથી નેમસેક, સ્યુટેબલ બોયથી મિસિસીપી મસાલા જેવી ફિલ્મો અને સીરીઝ બનાવી ચૂકેલા વિશ્વવિખ્યાત ફિલ્મદિગ્દર્શક મીરા નાયરનો પુત્ર છે ઝોહરાન. પત્ની સીરિયન ક્રિશ્ચિયન છે. ભારાડી ટ્રમ્પ સાહેબના રાજ્યમાં બીજા દેશના નેતા સાચવીને રહે છે, ત્યારે એમને ઉઘાડેછોગ ચેલેન્જ કરી એક વિદ્વાન સંશોધક પિતાનો બહારથી આવેલો મુસ્લિમ ઇમિગ્રન્ટ યુવક નાઈન ઇલેવનના ન્યુયોર્કમાં માત્ર ૯% વસતિ મુસ્લિમ વોટર્સની હોવા છતાં કમ્ફર્ટેબલ મેજોરીટીથી જીતી ગયો !

હમણાં રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'લાલો'માં પણ આવું થયું. નવા જ મેકર્સ, જાણીતા નહિ એવા નામ. જૂનાગઢમાં સેટ થયેલી નિમ્ન મધ્યમવર્ગની વાર્તા જેને સરખા શો પણ દિવાળીમાં મોટી ફિલ્મો સામે નહોતા મળ્યા. પણ કન્ટેન્ટ લોકોને ગમ્યો તો કૃષ્ણ સદા સહાયતેની જેમ કોઈ પ્રમોશન વિના પબ્લિકે સામેથી મૌખિક-મેસેજીયો પ્રચાર કર્યો. ફિલ્મ એવી ઉંચકાઈ ગઈ કે ત્રીજા વીકથી શોઝ બધે વધ્યા, એ પણ હાઉસફૂલ. કાઠિયાવાડી લઢણના સંવાદો અને તગડા વીએફએક્સ વિનાની સરળ વાર્તા. બીજા નેશનલ ઇન્ટરનેશનલ સસલાને પછાડી પેલા અન્ડરડોગ કાચબાની જેમ આગળ નીકળી ગઈ ! ડિઝર્વિંગ અફ કોર્સ. પણ ફાયદો આ જ.

    શું છે આ અન્ડરડોગ ફિનોમિનન. જે કાયમ અસર કરી જાય છે ?

એનો જવાબ અંગ્રેજી સાયકોલોજીના એનાલિસીસથી પણ અગાઉ મહાભારતમાં છે. ભીમ હેડમ્બાનો કદાવર પુત્ર ઘટોત્કચ અને એને મૌર્વીથી થયેલ પુત્ર યાને ભીમનો પૌત્ર એ બર્બરિક. અતુલ્ય શક્તિશાળી. તેજસ્વી. શિવના વરદાનરૂપે મળેલા બાણ. એને હરાવવા જ અસંભવ. કુરુક્ષેત્રના યુદ્ધની વાત જાણીને એણે માને પૂછ્યું કે હું જાઉં પણ મારા વડવા અને પાંડવોને જોયા નથી. કેમ ઓળખું ત્યાં ? મા ને થયું કે મોટા યોદ્ધાઓ તો કૌરવોના પક્ષે છે. એમની સેના પણ પ્રચંડ છે. તો પાંડવો ટકી નહિ શકે. એણે દીકરાને કહ્યું ઃ 'બેટા, જે હારતા હોય તે એના પક્ષે તું લડજે એટલે એ જીતી શકે !'

બર્બરિક કુરુક્ષેત્ર પહોંચ્યો ત્યારે સિનારિયો ઉલટસૂલટ હતો. કૌરવસેના ધરબાયેલી હતી. પણ ચતુર કૃષ્ણે એ કૌરવોના પક્ષે પોતાના જ પિતૃપક્ષ સામે લડે એ પહેલા ચાલાકીથી એનું મસ્તક માંગ્યું, વરદાન આપ્યું એટલે એ મસ્તકે યુદ્ધ જોયું ને આપણે ત્યાં બળિયા દેવ અને બીજે કૃષ્ણના જ સ્વરૂપ ખાટુશ્યામ તરીકે એની પૂજા થાય છે !

તો, મુદ્દાની વાત આ છે. લોકો અથવા માસ પબ્લિક એવરેજ મનુષ્યોની હોય છે. જે જીવનમાં વારંવાર હારતા રહે છે. એમના જેવો જ કોઈ પુરુષ, કે સ્ત્રી કે ટીમ હારમાંથી હતાશાને બદલે કિંમત કેળવી જીતે તો એમને એ જીત સાવ અંગત લાગે છે. લૂઝરને વિનર બનતા જોવામાં કિક લાગે છે, અને એ રીતે હારતા હારતા પણ નવા વિજેતાના ઇતિહાસ રચાય છે !

પ્રિસ્ટન યુનિવર્સિટીમાં એવા પ્રયોગો થયા કે સાબિત થયું કે જેમને મળ્યું છે, એ એટલી તૈયારી નથી કરતા, જેટલી કઠોર પરિશ્રમની જહેમત જેમને નથી મળ્યું એ ઉઠાવે છે. એમને માટે એ લડાઈ કરિઅર કરતા સર્વાઈવલની છે. રેકગ્નિશન એમનું સુખ છે. પાવરફુલ ઘણી વાર અહંકારી કે અત્યાચારી બને છે. ત્યારે કોઈ ચંદ્રગુપ્ત કોઈ ધનનંદને પડકારે છે. સફળતાની ઇજારાશાહી અન્ડરડોગ તોડે છે. અન્યાય દૂર કરવાની ફીલિંગ આપી, કોઈ નાનપ વિના બીજાનો સાથ મેળવી, પોતાની ટીકાઓમાંથી કંઈક સાબિત કરવાનું ઝનૂન મેળવીને અન્ડરડોગ જીતે છે !

એમની પાસેથી અપેક્ષા ઓછી હોય છે લોકોની, એટલે દબાણ પણ હળવું હોય છે. સંઘર્ષની એમને ટેવ હોય છે. એ જ્ઞાાતિની કે વર્ગની સરહદો કૂદાવી શકે છે. નવું શીખી શકે છે, કમ્ફર્ટ ઝોનની બહાર જઈને ભયને ભગાડી શકે છે....

અને પછી એક દિવસે એ એસ્ટાબ્લિશ્ડ બની જાય, જામી જાય, સુપરસક્સેસફુલ પ્રિમિયમ ક્લાસમાં આવે ત્યારે ચોડવવા માટે રોટલી ફેરવે એમ કુદરત એમની સામે કોઈ અણધાર્યો અન્ડરડોગ પેદા કરે છે ! ને જીવનનું ચકડોળ ચાલે છે !

ફાસ્ટ ફોરવર્ડ

'હું એ નથી જે તમે મારા વિશે ધારો છો. પણ તમે મારા વિશે જેવું ધારો છો, એવા જ તમે જરૂર છો !' (વાંચો વારંવાર ન સમજાય ત્યાં સુધી !)

Tags :