- સરદાર @150 - હસિત મહેતા
- વલ્લભભાઈ તો પોતાનામાં મસ્ત હતા. હજુ તેમણે પોતાનો જાહેરજીવનનો ચહેરો છુપાવીને રાખ્યો હતો. અર્થાત બોરસદ ગામે વલ્લભભાઈનું વ્યક્તિત્વ આગળ જતાં એક કદાવર નેતા તરીકે ખીલી ઉઠશે, એવી કોઈ એંધાણી મળી નહોતી
વ ચગાળે, એકાદ વર્ષ બોરસદની કોર્ટને મુંબઈ સરકારે આણંદ ખસેડી હતી. વલ્લભભાઈની બાહોશ વકીલાતથી ડરતાં, તેમનાથી છૂટવાં અને સરકાર પક્ષે જીતવાં બોરસદની કોર્ટ આણંદ ખસેડાઈ, એટલે વલ્લભભાઈ પણ બોરસદનું ભાડાનું મકાન છોડીને કરમસદના પુસ્તેની ઘરમાં રહેવા જતાં રહ્યાં, જ્યાંથી આણંદ માંડ પાંચ માઈલે હતું. ઈ.સ. ૧૯૦૨ થી ૧૯૦૯ વચ્ચેના આ ગાળે એ વર્ષ કયુ હતું, તે તો જાણી શકાયું નથી. પરંતુ એ અપવાદને બાદ કરતાં વલ્લભભાઈ બોરસદમાં જે આઠેક વર્ષ રહ્યાં, તેમાં તેમણે સફળતાપૂર્વક પોતાની ત્રણ ભૂમિકા ભજવી હતી.
એક તો, સફળ વકીલ તરીકેની. બીજી તે ત્યાંની ન્યૂ ઈંગ્લીશ સ્કૂલના પ્રથમ ચેરમેન તરીકેની. ત્રીજી બોરસદની ભૂમિ ઉપર થયેલી સ્વતંત્રતા માટેની ચળવળોના આગેવાન તરીકેની.
વલ્લભભાઈનું બોરસદ જીવન આમ તો પોતાની આંતરમુખી પ્રકૃતિને કારણે અને તે સમયના સમાજની સ્થિતિને કારણે ઝાઝી પ્રવૃત્તિવાળું નહોતું. એમાં મંદગતિ પણ હતી અને મનઃસ્થિતિની શિથિલતા પણ હતી. એમ જ જાણોને કે તેમનું ગાડુ ગબડે જતું હતું. એ સમયે બોરસદમાં સરકારી અમલદારો, પોલીસમેનો, ન્યાયાધીશો, જાગીરદારો અને વલ્લભભાઈ જેવા વકીલસાહેબો 'મોટા માણસો' ગણાતાં. 'આડીઅવળી શેરીઓ અને દસહજારની વસ્તીવાળા આ શહેરમાં કોઈ ઉદ્યોગ કે રોનક ન હતા. આ ગામમાં સામાજિક કે જાહેરજીવન જેવું કશું હતું નહીં અને આનંદવિનોદ માટે પણ કશી સગવડ હતી નહીં.'
વલ્લભભાઈ તો પોતાનામાં મસ્ત હતા. હજુ તેમણે પોતાનો જાહેરજીવનનો ચહેરો છુપાવીને રાખ્યો હતો. અર્થાત બોરસદ ગામે વલ્લભભાઈનું વ્યક્તિત્વ આગળ જતાં એક કદાવર નેતા તરીકે ખીલી ઉઠશે, એવી કોઈ એંધાણી મળી નહોતી. સવારે વહેલા ઉઠીને વકીલાતની તૈયારી કરવી કે અસીલોની મુલાકાત કરવી, અને ક્યારેક સાંજે વિઠ્ઠલભાઈ સમેત અન્ય ચાર-પાંચ મિત્રો જોડે હુક્કો તાણતાં ગપાટાં મારવા સિવાયનો કોઈ આનંદ હતો નહીં તેમના માટે.
આમ વલ્લભભાઈના વર્ષો વિતતાં જતાં હતા અને બરિસ્ટર થવા માટે એકઠાં થઈ રહેલાં નાણાં ગણાતાં જતાં હતા. એવામાં વલ્લભભાઈને સાથી મિત્રો તરફથી એક કહેણ આવ્યું કે બોરસદ પંથકમાં કેળવણીની ઘણી મંદગતિ છે. તે માટે કંઈક સક્રીયતા અનિવાર્ય છે. એ વાત એમ હતી કે ગુજરાતના વયોવૃદ્ધ દેશહિતચિંતક શ્રી અંબાલાલ સાકરલાલ દેસાઈ 'બ્રાહ્મણ હિતવર્ધક સભા'ના વાર્ષિક સંમેલનમાં બોરસદ આવ્યા હતા. પોતાના ભાષણમાં તેમણે બોરસદમાં કથળેલી શિક્ષણ સ્થિતિ માટે આગેવાનોની ઝાટકણી કાઢી. ભણેલાંગણેલાં 'મોટા માણસો'ની ઉદાસિનતા સામે તીવ્ર મર્મભેદક વાગ્બાણ છોડયા. તેની ઘેરી અસર એ વખતના વકીલમંડળ ઉપર પડી. તેઓ સક્રીય થયા. તેમાં વલ્લભભાઈના પુરુષાર્થી સાથી શ્રી ફૂલભાઈ નરસિંહભાઈ પટેલ, છોટાભાઈ ચતુરભાઈ પટેલ, છનુભાઈ રામશંકર ભટ્ટ વગેરે હતા. આ વકીલો ઉપરાંત બોરસદના અન્ય આગેવાનો તળસીભાઈ ગરબડદાસ પટેલ, લલ્લુભાઈ પ્રેમાનંદ તથા છોટાલાલ બાપુભાઈ વગેરે પણ તેમની સાથે જોડાયા.
એ સહુએ સરદારને આગેવાન રાખીને બોરસદમાં પહેલી અંગ્રેજી શાળા શરૂ કરવાનો નિર્ધાર કર્યો. તે માટે જરૂરી ભંડોળ એકઠું કર્યું, અને તા. ૬-૬-૧૯૦૮એ બોરસદમાં પહેલી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ શરૂ થઈ, જેના પ્રથમ ચેરમેન બન્યાં વલ્લભભાઈ પટેલ.
ત્યારે આ શાળા બોરસદની બ્રાહ્મણોની વાડી નજીક રહેતાં બ્રહ્મઅગ્રણી કાળીદાસ રામશંકરના મેડે ચાલતી હતી. પ્રથમ વર્ષ તેમાં નબળી સંખ્યા આવી, પરંતુ ધીમેધીમે તે વધતી ગઈ. વલ્લભભાઈએ પહેલાં વર્ષથી જ તેમાં સક્રીય ભાગ ભજવવા માંડયો. પરંતુ બીજા વર્ર્ષ, ૧૯૦૯માં પોતાને ઈંગ્લેન્ડ જવાનું નજીક આવતાં તેમણે ચેરમેન પદેથી રાજીનામું આપ્યું, જો કે એ પછીના દસેક મહિના સુધી શાળાની વ્યવસ્થાપક સમિતિના સભ્ય તરીકે રહ્યાં, તેમાં રસ લઈને ખૂબ કામ કર્યું અને છેક ઈંગ્લેન્ડ જવાના દિવસ સુધી તેને માટે મમત દાખવી.
વલ્લભભાઈની આગેવાની હેઠળ શરૂ થયેલી બોરસદની આ અંગ્રેજી શાળાને પાછળથી, ૧૯૧૦માં એડવર્ડ મમોરિયલ હાઈસ્કૂલ નામ અપાયું. કારણ કે એ વર્ષે કીંગ એડવર્ડ ધી સેવન્થનું અવસાન થયેલું. તેમની એક શોકસભા બોરસદમાં ભરાઈ. ત્યાંના લોકપ્રિય ધર્મઅગ્રણી રેવરન્ડ રોબર્ટ હેન્ડરસનના પ્રમુખપદે ભરાયેલી આ સભામાં શાળાનું નવું નામ સાતમાં એડવર્ડ સાથે જોડવાનો ઠરાવ થયો.
એ પછી ૧૯૧૧ની સાતમી મે એ અમદાવાદના મીલપતિ સર ચિનુભાઈ બેરોનેટના હસ્તે શાળાના નવા મકાનનું, વાસદ-બોરસદ હાઈવે ઉપર ભૂમિપૂજન થયું. ૧૯૧૩માં એ મકાન તૈયાર થયું. ૧૯૧૪માં કમીશ્નર બેરોના હસ્તે તેનું ઉદઘાટન થયું. આ વર્ષો દરમ્યાન વલ્લભભાઈ તો ઈંગ્લેન્ડમાં બરિસ્ટરનો અભ્યાસ અને અમદાવાદની બરિસ્ટરીના વ્યવસાયમાં વ્યસ્ત હતા. પરંતુ બોરસદની અંગ્રેજી શિક્ષણ માટેની પાયાની ઈમારતનું ઘડતર તેઓ એવું તો મજબૂત કરી ગયા હતાં, કે તેને ફૂલતાં-ફાલતાં સ્હેજે ય વાર
નહોતી લાગી.
વલ્લભભાઈ પટેલનો જાહેરસેવા અને લોકકાર્યોનો આ પાયાનો અનુભવ આગળ જતાં બીજમાંથી વટવૃક્ષ બને તે રીતે વિલસી રહ્યો.


