Get The App

સ્પોર્ટ્સમાં મહિલાઓ : દિલ્હી અભી દૂર હૈ!

Updated: Nov 9th, 2025

GS TEAM

Google News
Google News
સ્પોર્ટ્સમાં મહિલાઓ : દિલ્હી અભી દૂર હૈ! 1 - image


- સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

- મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ ચેમ્પિયન બનીને દેશમાં વિમેન્સ સ્પોર્ટ્સનો માહોલ બનાવી દીધો છે, પરંતુ ગ્લોબલ એવરેજની સરખામણીએ હજુય આપણો દેશ ઘણો પાછળ છે...

રમત-ગમતમાં મહિલાઓની પાર્ટનરશિપ ક્યારથી શરૂ થઈ? આ સવાલનો આંગળી ચિંધીને જવાબ આપી શકાય તેમ નથી. ઈતિહાસનાં અલગ અલગ ટૂકડાઓ જોડીને એનો જવાબ મેળવવામાં આવે છે. પ્રાચીન ઈતિહાસ કહે છે કે ભારતમાં મહિલાઓ ધનુર્વિદ્યામાં કુશળ હતી અને પુરુષ ધનુર્ધારીઓ સાથે સ્પર્ધામાં ઉતરતી. જોકે, મોસ્ટલી આપણે જે પ્રચલિત કથાઓ સાંભળીએ છીએ એમાં પુરુષો રમત રમે છે અને મહિલાઓ માત્ર સાક્ષી બને છે, અથવા ભોગ બને છે. કૌરવો-પાંડવો જુગાર રમ્યા એમાં ભોગવવાનું દ્રૌપદીના ભાગે આવ્યું!

ભારતના પ્રાચીનથી લઈને મધ્યકાલીન ઈતિહાસ સુધી મહિલાઓ શતરંજ કે એના જેવી ઈનડોર ગેમ્સમાં ભાગ લેતી હોય એવી ઘણી કથાઓ મળે છે. પૌરાણિક કથા-દંતકથાઓમાં વિષ્ણુ-લક્ષ્મી, શિવ-પાર્વતી, રામ-સીતા, કૃષ્ણ-રુક્મિણી, કૃષ્ણ-સત્યભામા પાસાંની રમતો રમતાં હોવાના ઉલ્લેખો મળે છે.

પ્રાચીન ગ્રીકમાં ઓલિમ્પિયાના મેદાનમાં ૨૫૦૦-૨૮૦૦ વર્ષ પહેલાં પ્રાચીન ઓલિમ્પિક ગેમ્સ રમાતી તે વખતે ફળદ્રુપતાની દેવી હેરાના સન્માનમાં મહિલાઓ માટે અલગથી રમતો રમાતી હતી, જેને હેરાઈયન ગેમ્સ એવું નામ અપાયું હતું - એમ ઈતિહાસકારોએ નોંધ્યું છે. એ રમતોમાં મુખ્ય તો દોડની જ રમતો હતી. એ સિવાયની રમતો માટે સ્ત્રીઓને યોગ્ય ગણવામાં આવતી નહીં. એમાંય વળી કુંવારી કન્યાઓ જ ભાગ લઈ શકતી.

વધુ નજીકના ઈતિહાસમાં પહોંચીએ તો ચીનમાં ૧૩મી-૧૪મી સદીમાં આજના ફૂટબોલ, બાસ્કેટબોલ, વોલિબોલના કૂળની ત્સુજુ નામની રમત રમાતી. એ રમત પુરુષોની સાથે મહિલાઓ રમી શકતી. કદાચ એ સૌથી પ્રાચીન પુરાવો છે, જેમાં પુરુષો અને મહિલાઓ સાથે આઉટડોર રમત રમતાં હોય. ત્યાં સુધી દુનિયાભરમાં ક્યાંય એવી રમતો રમાતી ન હતી કે જેમાં પુરુષો-મહિલાઓ સાથે ભાગ લઈ શકે. એ રમત મિક્સ ડબલ્સની પૂર્વજ ગણાય છે!

ફ્રેન્ચ રિવોલ્યૂશનની અસર કેટલાય ક્ષેત્રોમાં પડી. છોકરાઓની સાથે છોકરીઓને પણ શિક્ષણ મળવું જોઈએ એવી હિમાયત શરૂ થઈ. એમાં શારીરિક કસોટીનો પણ સમાવેશ થયો. મહિલાઓને લિબર્ટી મળવાની શરૂઆત થઈ. ફ્રાન્સ ઉપરાંત જર્મનીમાં પણ સ્ત્રીઓ માટે શારીરિક શિક્ષણનો પાયો નખાયો. તેના પરિણામે એરોબિક્સ વિકસ્યું, પરંતુ એરોબિક્સ શારીરિક સ્પોર્ટ્સ ન રહેતાં પર્ફોર્મિંગ આર્ટ્સનું સ્વરૂપ ગણાયું. મહિલાઓ મોસ્ટલી સર્કસમાં એનું પ્રદર્શન કરતી થઈ.

પણ ફ્રાન્સ-જર્મનીમાં શારીરિક શિક્ષણની શરૂઆત થઈ ને તેની લાંબાંગાળાની અસર એ થઈ કે ભવિષ્યના ઈન્ટરનેશનલ વિમેન્સ સ્પોર્ટ્સ ફેડરેશનની સ્થાપનાની ભૂમિકા બની.

૧૮૯૪માં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની સ્થાપના થઈ. બે વર્ષ પછી ૧૮૯૬માં પ્રથમ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થયું, પરંતુ એમાં મહિલાઓને એન્ટ્રી ન હતી. ૧૯૦૦ના વર્ષમાં અમુક જ રમતોમાં મહિલાઓને તક મળી હતી. ૧૯૨૦ સુધીમાં છ વખત આયોજનો થયાં, પણ એમાં મહિલા ખેલાડીઓ મર્યાદિત રમતોમાં જ ભાગ લઈ શકતી હતી. મહિલા ખેલાડીઓને રમત-ગમતમાં પુરુષો જેટલી જ તક આપવા ફ્રાન્સનાં વિઝનરી મહિલા એલિસ મિલિઅટે ૧૯૨૧માં ઈન્ટરનેશનલ વિમેન્સ સ્પોર્ટ્સ ફેડરેશનની સ્થાપના કરી અને તેના નેજા હેઠળ ૧૯૨૨, ૧૯૨૬, ૧૯૩૦ અને ૧૯૩૪માં વિમેન્સ વર્લ્ડ ગેઈમ્સનું આયોજન કર્યું.

એમાં તેમને જોઈએ એવી સફળતા ન મળી, પરંતુ તેમના આ પ્રયાસના કારણે ઓલિમ્પિક કમિટીએ ૧૯૨૮થી મહિલાઓને ઘણી રમતોમાં એન્ટ્રી આપી દીધી. એ વર્ષે ૪૬ દેશોની ૨૭૭ મહિલાઓએ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો ને એ સાથે ગ્લોબલી સ્પોર્ટ્સમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ. મહિલા એથ્લેટિક્સને સમાન તક મળતી થઈ તેના કારણે દુનિયાભરમાં મહિલાઓની સ્પોર્ટ્સમાં સહભાગિતા વધવા માંડી.

૧૯૪૮માં ઓલિમ્પિકમાં મહિલા ખેલાડીઓની સંખ્યા ૩૯૦ થઈ હતી. ચાર વર્ષ પછી ૧૯૫૨માં આંકડો પહેલી વખત ૫૦૦ને પાર થયો હતો. ૧૦૦૦ મહિલા ખેલાડીઓ સુધી સંખ્યા પહોંચતા ૨૦ વર્ષ લાગ્યા, પણ ૧૫૦૦ને પાર જતાં ૧૨ વર્ષ લાગ્યા હતા. ૧૯૮૮માં કુલ આઠ હજાર ખેલાડીઓમાં ૨૧૯૪ મહિલા ખેલાડીઓ હતી. ૨૦૦૦માં ૧૦,૬૫૧ ખેલાડીઓમાંથી ૪૦૬૯ મહિલાઓ હતી.

ગયા વર્ષે પેરિસ ઓલિમ્પકમાં પહેલી વખત ઈતિહાસ રચાયો. કુલ ખેલાડીઓમાં મહિલા ખેલાડીઓનો હિસ્સો ૫૦ ટકા હતો. માત્ર ઓલિમ્પિકમાં જ પુરુષોની સમાંતર પહોંચતા મહિલાઓને ૧૦૦ વર્ષ લાગી ગયા.

અન્ય સ્પોર્ટ્સમાં તો હજુય એટલી સમાનતા આવી નથી.

ઓલિમ્પિકની જેમ ફૂટબોલ એક એવી રમત છે, જેમાં મહિલાઓની પાર્ટનરશિપ ઓલમોસ્ટ પુરુષો જેટલી છે. ફિફાના કહેવા પ્રમાણે અત્યારે ૧.૬૬ કરોડ બાળકો-યુવાનો ફૂટબોલની તાલીમ મેળવીને રમી રહ્યા છે, એમાંથી ૪૫ ટકા મહિલાઓ છે. પરંતુ કોચિંગ સ્ટાફમાં તો માત્ર પાંચ ટકા મહિલાઓ છે અને માત્ર નવ ટકા પૂર્વ મહિલા ખેલાડીઓને રેફરી બનાવાય છે. પોપ્યુલારિટીની રીતે જોઈએ તો એકેય મહિલા ખેલાડીની ઓળખ આજેય મેસ્સી કે રોનાલ્ડો જેવી નથી એ હકીકત છે.

ટેનિસ એક એવી રમત છે, જેમાં મહિલા ખેલાડીઓએ આંતરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ બનાવી છે. ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન પ્રમાણે અત્યારે ૪૦.૩ ટકા મહિલા ખેલાડીઓ સક્રિય છે. ૧૦૦ દેશોની લગભગ ૨૫૦૦ ખેલાડીઓ નેશનલ-ઈન્ટરનેશનલ લેવલે ટેનિસ રમે છે. સેરેના વિલિયમ્સ, વિનસ વિલિયમ્સ, સ્ટેફી ગ્રાફ, માર્ટિના નવરાતિલોવા જેવા ખેલાડીઓની આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ છે. આપણે ત્યાં પણ સાનિયા મિર્ઝાએ અભૂતપૂર્વ લોકપ્રિયતા મેળવી છે.

જેનો ગ્લોબલી ટોપ-૫ પોપ્યુલર સ્પોર્ટ્સમાં સમાવેશ થાય છે અને ભારતની તો એ સર્વાધિક લોકપ્રિય રમત છે એ ક્રિકેટમાં શું સ્થિતિ છે? ક્રિકેટમાં મહિલાઓની પાર્ટનરશિપ ૩૯ ટકા છે, પણ લોકપ્રિયતાની દૃષ્ટિએ મહિલા ક્રિકેટર્સ ખૂબ પાછળ છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કૌવત બતાવીને વર્લ્ડકપ જીતી લીધો અને દેશમાં માહોલ બનાવ્યો તેના પરિણામે હવે સરેરાશ ક્રિકેટ ફેન્સને ૧૧માંથી એટલીસ્ટ ચાર-પાંચ ખેલાડીઓના નામ આવડી ગયા છે અને બે-ચાર ખેલાડીઓના ચહેરા યાદ રહી જશે. નહીંતર એ પહેલાંની જનરેશન્સમાંથી મિથાલી રાજ કે વધીને અંજુમ ચોપરા-ઝૂલન ગોસ્વામી જેવા અપવાદોને બાદ કરતાં સરેરાશ ફેન્સને એકેય મહિલા ક્રિકેટરનું નામ યાદ હોતું નથી.

દેશમાં છેલ્લાં દોઢ-બે દશકાથી સ્પોર્ટ્સમાં મહિલાઓની ભાગીદારી નોંધપાત્ર વધી છે, છતાં હજુય ૧૫ વર્ષથી નીચેના ૩૯ ટકા છોકરાઓ કોઈ એકાદ રમતનું કોચિંગ મેળવે છે, તેની સરખામણીએ એવી તક ૧૫ વર્ષથી નીચેની માત્ર ૨૯ ટકા છોકરીઓને જ મળે છે.

વેલ, માત્ર ભારતમાં જ નહીં, દુનિયામાં આવી જ હાલત છે. ૨૦૨૨ના એક સર્વેનું માનીએ તો ગ્લોબલી ટોપ-૧૦ સ્પોર્ટ્સ - ફૂટબોલ, ક્રિકેટ, બાસ્કેટબોલ, હોકી, ટેનિસ, વોલીબોલ, ટેબલ ટેનિસ, બાસ્કેટબોલ, રગ્બી અને ગોલ્ફમાં પુરુષ ખેલાડીઓની સરખામણીએ ૨૮.૮ ટકા જ મહિલા ખેલાડીઓ છે. આ સ્પોર્ટ્સમાં આજે ૧૮ વર્ષથી નીચેના તાલીમ પામતા છોકરા-છોકરીઓમાં પણ ભારે અસમાનતા છે. ગ્લોબલી ૧૭ વર્ષની નીચેના ૪૨ ટકા છોકરાઓ એકાદ સ્પોર્ટ્સની વિધિવત્ તાલીમ મેળવે છે. એ તાલીમ સ્કૂલિંગના ભાગરૂપે પણ હોય છે કે પછી અલગથી કોચિંગ ક્લાસમાં પેરેન્ટ્સ ફી ભરીને પણ અપાવે છે.

૨૧મી સદીના બે દશકામાં સ્પોર્ટ્સ તરફ લોકોના બદલાયેલા વલણનું આ પરિણામ છે, પરંતુ એમાંય સમાનતાનો અભાવ તો સ્પષ્ટ જોવા મળે છે. ૧૭ વર્ષની નીચેની જગતની ૩૨ ટકા છોકરીઓ જ કોચિંગ મેળવે છે. એમાંય વિકસિત અને વિકાસશીલ દેશોમાં આ એવરેજ ઊંચી હોવાથી ગ્લોબલ એવરેજ સુધરે છે, નહીંતર સરેરાશ ગગડીને ૧૮-૨૦ ટકાએ આવી જાય. આ સ્થિતિ પરથી એટલું કહી શકાય કે ભલે માહોલ બદલાઈ રહ્યો છે. એના પરિણામો ભવિષ્યમાં મળશે, પરંતુ અત્યારે તો દિલ્હી ઘણું દૂર છે! 

- બેડમિન્ટનમાં મહિલા ખેલાડીઓનો દબદબો

બેડમિન્ટન દુનિયાની એકમાત્ર એવી રમત છે, જેમાં પુરુષ-મહિલા વચ્ચે ન કેવળ સમાનતા આવી છે, પરંતુ મહિલાઓએ દબદબો સાબિત કર્યો છે. છેલ્લાં ૨૫ વર્ષમાં ટોચના ૧૦૦ રેન્કર્સમાં ૬૩૮ મહિલાઓ હતી અને ૫૯૫ પુરુષો હતા. ગ્લોબલી ફેનબેઝની વાત આવે ત્યારેય બેડમિન્ટનની મહિલા ફેન્સ ૪૯ ટકા છે. ઓલિમ્પિક જેવી રમતો વખતે બેડમિન્ટનમાં છેલ્લાં ત્રણેક દશકાથી પુરુષ ખેલાડીઓ જેટલી જ મહિલા ખેલાડીઓ નોંધાય છે. અચ્છા, ભારતના રેફરન્સમાં એક આડવાત એ કે પ્રકાશ પદૂકોણે પછી સાઈના નેહવાલ એકમાત્ર ઈન્ડિયન પ્લેયર છે, જેમણે વર્લ્ડ નંબર વનનો તાજ મેળવ્યો હતો. દરેક બિગ ઈવેન્ટમાં ટાઈટલ જીતનારી સાઈના એકમાત્ર ભારતીય પ્લેયર છે. દેશમાં સાઈના નેહવાલે બેડમિન્ટનને ખૂબ લોકપ્રિયતા અપાવી છે.

- સ્પોર્ટ્સ સંગઠનોના નેતૃત્વમાં 26% મહિલાઓ

સ્પોર્ટ્સ સંગઠનોના સંચાલનમાં મહિલાઓને એટલી તક મળતી નથી. દુનિયામાં સ્પોર્ટ્સના સંગઠનોમાં લીડરશિપ પોઝિશન્સમાં મહિલાઓની હિસ્સેદારી ૨૬.૯ ટકા છે. ભારતમાં કેટલાય ફેડરેશનમાંથી માત્ર બે-ત્રણના વડાં મહિલાઓ છે. કોચિંગમાં પણ ૨૦ ટકા જ મહિલાઓને તક અપાય છે. જે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વિજેતા બની એના હેડકોચ પણ પુરુષ છે. મોટાભાગે કોચિંગમાં મહિલાઓને પુરુષો જેટલી તક અત્યારે મળતી નથી. રમત-ગમતમાં મહિલાઓની ઈવેન્ટ તરફ લોકોનું ધ્યાન પાંચ ટકા જેટલું જ ખેંચાય છે. ફેન્સનું ફોકસ પુરુષ ખેલાડીઓ તરફ વધારે રહે છે. કદાચ એટલે જ મીડિયા કવરેજમાં પુરુષ ખેલાડીઓ છવાયેલા રહે છે અને એમાંથી માત્ર ચાર ટકા હિસ્સો જ મહિલાઓને મળે છે. અને હા, પે ગેપની ચર્ચા થઈ શકે એવું તો વાતાવરણ જ નથી. ક્રિકેટમાં થોડા વર્ષોમાં સમાનતા આવી ગઈ છે. નહીંતર પ્રોફેશ્નલ સ્પોર્ટ્સમાં પણ મોટો ગેપ નજરે પડે છે. એન્ડોર્સમેન્ટ કરારમાં પુરુષ ખેલાડીઓની સરખામણીએ આખા વિશ્વમાં મહિલાઓને મળતી રકમ અડધી પણ હોતી નથી.

Tags :