Get The App

પોપ જોન પોલ - દ્વિતીયની મધ્યસ્થીથી થયેલા ચમત્કારો

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
પોપ જોન પોલ - દ્વિતીયની મધ્યસ્થીથી થયેલા ચમત્કારો 1 - image

- અગોચર વિશ્વ - દેવેશ મહેતા

- જોન પોલ-બીજાનો અવાજ તેને ઉઠવા માટે કહી રહ્યો હતો -જાગ, ડરીશ નહીં. તે પછી તરત એનો મસ્તિષ્કીય ધમનીવિસ્ફારનો અસાધ્ય રોગ ગાયબ થઈ ગયો હતો...

સે ન્ટ ઓગસ્ટિને ચમત્કારો વિશે ખૂબ સરસ વાત કહી છે - Miracles are not Contrary to nature, but only contrary to what we know about nature 'ચમત્કારો કુદરતની વિરુદ્ધ નથી હોતા, પણ માત્ર એટલું કે આપણે કુદરત વિશે જેટલું જાણ્યું છે એની વિરુદ્ધ છે.' સેન્ટ ઓગસ્ટિન અને ડચ-યહૂદી તત્ત્વચિંતક સ્પિનોઝાએ ચમત્કારિક ઘટનાઓ વિશે જે સિદ્ધાંતો રજૂ કર્યા એને તત્ત્વચિંતક વિલિયમ વાલિસેલા (Vallicella) એ ચમત્કારોની 'એપિસ્ટેમિક થિયરી' એવું નામ આપ્યું છે. આ થિયરી પ્રમાણે કોઈ ઘટના કુદરતથી વિરૂદ્ધ હોતી જ નથી. સ્કોટિશ તત્ત્વચિંતક અને ઈતિહાસકાર ડેવિડ હયુમ જેને કુદરતના અફર નિયમો કહે છે એમનું આમાં ઉલ્લંઘન થતું નથી. કોઈ ઘટના ચમત્કાર એટલા માટે છે કે તે કુદરતના કોઈ અજ્ઞાત નિયમથી બની હોય છે. તેને સમજવા આપણું જ્ઞાન ઓછું પડતું હોય એવું બની શકે. કુદરત વિશે આપણે બાંધી દીધેલી માન્યતાના મર્યાદિત ચોકઠામાં એ બંધબેસતી ના આવતી હોય એવું બની શકે. પૂર્ણ વૈજ્ઞાનિક સમજણથી ઉચ્ચતર ચેતનાના અતિક્રમિત સ્તર પર એને જોવામાં આવે તો ચમત્કાર પણ કુદરતના જ કોઈ અજાણ્યા નિયમથી બને છે. એવું ખ્યાલમાં આવી જ જાય એમ છે. એપિસ્ટિમિક શબ્દ ગ્રીક શબ્દ એપિસ્ટિમ (Episteme) પરથી બન્યો છે જેનો અર્થ થાય છે - સુ-પ્રતિષ્ઠિત જ્ઞાન (Well-founded Knowledge). 

ચમત્કાર શબ્દથી સૂચિત થાય છે એવું કંઈક અદ્ભુત કે અશક્ય જણાતું કાર્ય જે સામાન્ય રીતે માનવીય શક્તિથી બહાર લાગે. જેને લોકો દૈવી શક્તિ, અજ્ઞાત અજાયબ શક્તિ, ઈશ્વરીય પ્રભાવથી ઉત્પન્ન થયેલ પરિણામ માને છે. કોઈ વ્યક્તિ ગંભીર રોગમાંથી અચાનક સાજી થઈ જાય, ચિકિત્સાથી સારી ના થઈ શકે એવી રુગ્ણ શારીરિક સ્થિતિમાંથી એકાએક, અપ્રત્યાશિત રીતે સ્વસ્થ અને સારી થઈ જાય એ પણ એક ચમત્કાર ગણાય.

ફલોરિબેથ મોરા ડિયાઝ (Floribeth Mora Diaz) કોસ્ટારીકાની વકીલ હતી. એપ્રિલ ૨૦૧૧માં તેને એક ગંભીર મસ્તિષ્ક ધમની વિસ્ફાર (Cerebral Aneurysm) થયો હતો જેને ચિકિત્સકોએ ઓપરેશન ન થઈ શકે તેવો (inoperable) કહ્યો હતો. ચિકિત્સકોએ કહી દીધું હતું કે તે એક મહિનાથી વધારે જીવી નહીં શકે. આ સાંભળી તેણે દૈવી ઉપચારનો આશ્રય લેવાનું નક્કી કર્યું. તેણે પોપ જોન પોલ-દ્વિતીયને મધ્યસ્થ કરી પ્રભુને પ્રાર્થના કરી. આમ તો પોપ જોન પોલ-દ્વિતીયનું મૃત્યું છ વર્ષ પૂર્વે થઈ ગયું હતું. પણ ફલોરિબેથ ડિયાઝ તેમના પ્રત્યે અથાગ શ્રધ્ધા ધરાવતી હતી. ૧ મે ૨૦૧૧ના રોજ તે જાગી અને ટેલિવિઝન પર જોન પોલ-દ્વિતીયનું પુણ્યાત્મવાચન (beatification) જોયું. પછી જ્યારે તેને જગાડવામાં આવી તો તેણે કહ્યું કે મેન પોલ-બીજાનો અવાજ તેને ઉઠવા માટે કહી રહ્યો હતો - Get up. Don’ t be afraid. (જાગ, ડરીશ નહીં). તે પછી તરત એનો મસ્તિષ્કીય ધમનીવિસ્ફારનો અસાધ્ય રોગ ગાયબ થઈ ગયો હતો તે એકદમ સ્વસ્થ થઈ ગઈ અને રોમન કેથોલિક ચર્ચે આ ઘટનાને ચમત્કારિક જાહેર કરી - મેડિકલ સાયન્સે જણાવ્યું કે ઓપરેશન ન થઈ શકે તેવી 'સેરિબ્રલ એન્યુરિઝમ' આ રીતે એકાએક આપમેળે સારી થઈ જાય એ અસંભવિત છે. ફલોરિબેથના કેસથી પરિચિત કેથોલિક ન્યૂરો સર્જન એલેઝાન્દ્રો વર્ગાસ રોમાને (Alejandro vargas Roman) આ સ્વયં ઘટિત ઉપચાર (spontaneous cure)ને અવર્ણનીય (inexplainable) કહ્યો. આ મેડિકલ ચમત્કાર અનેક વર્તમાનપત્રો, સામયિકો અને સંશોધન ગ્રંથોમાં આલેખિત થયેલો છે 'કન્ટેમ્પરરી સાયન્ટિફિકલી વેલિડેટેડ મિરેકલ્સ'માં પણ આ ઘટનાનં્ વિવરણ નિરૂપિત થયેલું છે. ફલોરિબેથની રોગની હાલત એટલી ગંભીર હતી કે ચિકિત્સકીય દ્રષ્ટિથી ઉપચાર કે પુનરુત્થાનની સંભાવના નહીંવત હતી. ચિકિત્સકોએ જણાવ્યું કે એની સ્થિતિ દિવસે ને દિવસે વધારે ખરાબ થતી જાય એવી હતી, એમાં કોઈ સુધારો થાય એવી લેશમાત્ર શક્યતા નહોતી, ચર્ચ દ્વારા આ ઘટનાને ચમત્કાર માનવામાં આવ્યો અને એને પોપ જોન પોલ-દ્વિતીયની સંતત્વ પ્રક્રિયા (Canonization) માટે જરૂરી બીજી ચમત્કારિક ઘટનાના રૂપમાં સ્વીકાર કરવામાં આવી. આ પૂર્વે સ્વર્ગસ્થ પોપ જોન પોલ- દ્વિતીયની મધ્યસ્થીથી સિસ્ટર મેરી-સાઇમન પિયરે (Marie Simon-Pierre) ના પાર્કિન્સન્સ  (Parkinson¥s) રોગથી મુક્તિની ચમત્કારિક ઘટના બની હતી.

સિસ્ટર મેરી સિમોન પિયરે કોનગ્રીગ્રેશન લિટલ સિસ્ટર્સ ઓફ કેથોલિક મધરહુડની ફ્રાન્સની એક નન (Nun) હતી. તેને જૂન ૨૦૦૧માં પાર્કિન્સન્સ રોગનું નિદાન થયું હતું. તે વખતે તેની ઉંમર લગભગ ૪૦ વર્ષ હતી, તેણે જણાવ્યું કે આ બીમારીએ એનાં ડાબા હાથ અને ડાબા પગને વિશેષ રૂપે પ્રભાવિત કર્યો હતો તેનાથી તેને લખવામાં મુશ્કેલી પડતી હતી અને ચાલવામાં પણ તકલીફ પડતી હતી.

૨ જૂન ૨૦૦૫ની રાત્રે તેણે પ્રાર્થના કરી અને પોપ જોન પોલ-દ્વિતીયના દિવ્ય આત્મા સાથે ભાવાત્મક જોડાણ કર્યું. તેને અચાનક એવી અનુભૂતિ થઈ કે તેના શરીરમાં રૂપાંતરણ થઈ ગયું છે. તે પહેલાની જેમ લખી શકે છે અને ચાલી શકે છે. તેનો પાર્કિન્સન્સ જતો રહ્યો. આ દૈવી ચિકિત્સાને ચમત્કાર માનવામાં આવ્યો કેમ કે તે ઘટના અચાનક સ્વયંસ્ફૂરિત જ પ્રાર્થના બાદ ઘટિત થઈ હતી. પોપ બેનેડિક્ટ-સોળમાએ ૧૪ જાન્યુઆરી ૨૦૧૧ના રોજ આ ચિકિત્સાને આધિકારિક રૂપે એક ચમત્કારના રૂપે માન્યતા આપી જેનાથી જોન પોલ-દ્વિતીયની પુણ્યાત્મ વાચન (beatification)ની પ્રક્રિયા આગળ વધી. આ ચમત્કાર પોપ જોન પોલ-દ્વિતીયના સંત બનવાની દિશામાં પ્રથમ પગલું હતું.

સિસ્ટર મેરી સિમોન પિયરે અને ફલોરિબેથ ડિયાઝ બન્નેની ગંભીર બીમારી પોપ જોન પોલ-દ્વિતીયની મધ્યસ્થતાથી ચમત્કારિક રીતે દૂર થઈ ગઈ હતી એટલે તેમને ૨૭ એપ્રિલ ૨૦૧૪ના રોજ પોપ ફ્રાંસિસ દ્વારા સંત ઘોષિત કરવામાં આવ્યા હતા. ફલોરિબેથ મોરા ડિયાઝ એ સમારોહમાં ઉપસ્થિત હતી.