- સિનેમા એક્સપ્રેસ - શિશિર રામાવત
- 'મારા દીકરાના કેન્સરનું નિદાન થયું ત્યારે અસહાયતા અને લાચારીની એવી ખતરનાક્ લાગણી જાગી હતી કે ન પૂછો વાત. એવું લાગે કે જાણે સામે કાળમીંઢ દીવાલ ઊભી છે ને એક ડગલું આગળ વધી શકાય તેમ નથી. ગિલ્ટના, અપરાધભાવના ભાર નીચે હું ચગદાઈ ગયો હતો. એવા વિચારો મનમાં ઘુમરાયા કરે કે મેં શું ભુલ કરી નાખી? શું બાપ તરીકે હું નિષ્ફ્ળ ગયો?'
ઇ મરાન હાશ્મિ આજકાલ બે કારણોને લીધે ન્યુઝમાં છે. એક તો, આર્યન ખાનના ખૂબ ગાજેલા વેબ શો 'બેડ્સ ઓફ બોલિવુડ'માં ટચુકડો પણ મસ્તમજાનો રોલ કરવાને કારણે, અને બીજું, શાહબાનો કેસનો સંદર્ભ ધરાવતી ને વિવાદના વમળમાં ઘેરાઈ રહેલી તાજી ફિલ્મ 'હક'ને કારણે. અત્યારે જોકે આપણે આ બેમાંથી એકેય મુદ્દામાં ઊંડા ઉતરવું નથી. આપણે વાત કરવી છે, ઈમરાન હાશ્મિના વ્યક્તિત્વના એક એવા પાસાની, જેના વિશે બહુ વાત થતી નથી. એ છે એક જવાબદાર પિતા તરીકેનું એનું રૂપ.
'સિરિયલ કિસર' તરીકે વિખ્યાત અથવા કુખ્યાત થયેલા ઈમરાન હાશ્મિએ થોડાં વર્ષો પહેલાં એક પુસ્તક લખ્યું હતું - 'ધ કિસ ઓફ લાઈફ'. આ અંગ્રેજી પુસ્તકને, અલબત્ત, ચુંબનક્ળા સાથે કશી લેવાદેવા નથી તે ઈમરાને તરત જ શીર્ષકની ટેગલાઈનમાં સ્પષ્ટ કરી નાખ્યું હતું - 'હાઉ સુપરહીરો એન્ડ માય સન ડીફીટેડ કેન્સર'. ઈમરાન હાશ્મિનો દીકરો અયાન આજે ૧૫ વર્ષનો તેજસ્વી ટીનેજર છે, એકદમ સ્વસ્થ અને તાજોમાજો છે, અને મોજથી રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરની ચેસ ટૂર્નામેન્ટ્સમાં ભાગ લે છે, પણ ભૂતકાળમાં એ કેન્સર નામના નર્કાગારમાંથી પસાર થઈ ચૂક્યો છે.
અયાનની કેન્સરકથાની પીડાદાયી શરૂઆત જાન્યુઆરી ૨૦૧૪થી થઈ હતી. તે વખતે એની ઉંમર ૩ વર્ષ અને ૧૧ મહિના. ઈમરાન પુસ્તકમાં લખે છેઃ
'એક્ દિવસ મારી પત્ની પરવીન અયાનને નવડાવીને રૂમમાં આવી. મેં જોયું કે એનો ચહેરો ખેંચાઈ ગયો હતો. મેં કારણ પૂછયું. એ ક્હે, 'અયાનનું પેટ વધારે સૂઝી ગયું લાગે છે. જરા જુઓ તો.' અયાન એના રૂમમાં પલંગ પર બેઠો બેઠો રમક્ડાંથી રમતો હતો. હું એની બાજુમાં ગોઠવાયો, ભેટયો, એનું શર્ટ ઊંચું કરીને એનાં પેટ પર ગલીપચી કરી. અયાન ખિલ ખિલ કરતો હસી પડયો. એનું પેટ સહેજ સૂઝી ગયું હોય એવું મને પણ લાગ્યું. મેં એને પલંગ પર સૂવડાવ્યો. શર્ટ ઊંચું કરીને ધ્યાનથી જોયું. પેટ ખરેખર થોડું ફુલેલું દેખાતું હતું. મેં પરવીન સામે જોઈને હસીને ક્હૃાું, 'ના રે ના. કંઈ નથી. ખાલી થોડું વજન વધ્યું છે એટલું જ. આ તો ઊલટાનું સારું કહેવાય.'
'અયાન બહુ પાતળો હતો. લગભગ સૂક્લક્ડી ક્હી શકાય એવો. આ જ કારણથી બરાબર એક્ મહિના પહેલાં પરવીને કહેલું કે અયાનના પેટ પર ચરબી જમા થઈ રહી છે ત્યારે હું તો રાજી થયેલો. આજે પેટ પહેલાં કરતાં સહેજ વધારે ફુલેલું લાગતું હતું, પણ તોય મને ખાસ ચિંતા કરવા જેવું લાગ્યું નહીં. મહિના પહેલાં જ અયાનને અમે પેડીયાટ્રિશીયન પાસે લઈ ગયેલા. રૂટિન ચેક્-અપમાં ડોકટરને કશુંય એબનોર્મલ નહોતું લાગ્યું. જો કંઈ ગરબડ હોત તો ડોકટરે જ અમારું ધ્યાન ન દોર્યું હોત?'
એ જ દિવસે મોડી બપોરે ઈમરાન હાશ્મિ અને પરવીન દીકરાને પિઝા ખવડાવવા તાજ લેન્ડ્સ એન્ડ હોટલ લઈ ગયાં. મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં બેન્ડસ્ટેન્ડ પર ઈમરાનના ઘરની બાજુમાં જ આ ફાઈવસ્ટાર હોટલ ઊભી છે. મોજથી પેટપૂજા કરી લીધા પછી અયાનને એકદમ પી-પી લાગી. પરવીન એને વોશરૂમમાં લઈ ગઈ. થોડી મિનિટો પછી બન્ને પાછાં આવ્યાં ત્યારે પરવીનના ચહેરા પરથી રંગ ઉડી ગયો હતો. ખુરસી પર ગોઠવાતાં એ ક્હે, 'ઈમી, મેં હમણાં જ ક્શુંક જોયું... ખબર નથી પડતી કે શું હતું એ...'
'આટલી ગભરાયેલી કેમ લાગે છે? શું જોયું? બોલ તો ખરી!'
'અયાનને પેશાબમાં લોહી નીક્ળ્યું....'
ઈમરાન સ્તબ્ધ થઈ ગયા. નાનક્ડો અયાન બોલી ઉઠયો, 'ડેડી, પેઈન્ટિંગના કલાસમાં હું રેડ ક્લર યુઝ કરું છું ને, બસ એવો જ રેડ ક્લર હતો....'
- અને પછી ઘાંઘા થઈને હોટલ છોડીને ભાગવું. પિડીયાટ્રિશીયનને ફોન કરવો. માહિમમાં આવેલી હિંદુજા હોસ્પિટલ તરફ ધસી જવું. જાતજાતની ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરાવવા. અધ્ધર જીવે ટેસ્ટના રિપોર્ટની રાહ જોવી...
'વિલ્મ્સ ટયુમર...' રિપોર્ટ જોયા પછી ડોકટરે નિદાન ર્ક્યું, 'આ રેર ક્હેવાય એવું કિડનીનું કેન્સર છે જે સામાન્યપણે બાળકોમાં વધારે થતું હોય છે. આ કેન્સરની ગાંઠ દૂર કરવી પડશે. પછી કિમોથેરપી. આ બધું ચારેક મહિના ચાલશે. હું હિંદુજામાં રૂમ બુક કરી નાખું છે. ઉતાવળ રાખો. સહેજે ઢીલ કરવી પોસાય એમ નથી. આવતી કાલે જ સર્જરી કરી નાખવી પડશે.'
ઈમરાન પુસ્તક્માં એક જગ્યાએ લખે છેઃ 'અયાનના કેન્સરનું નિદાન થયું ત્યારે અસહાયતા અને લાચારીની એવી ખતરનાક્ લાગણી જાગી હતી કે ન પૂછો વાત. એવું લાગે કે જાણે સામે કાળમીંઢ દીવાલ ઊભી છે ને એક ડગલું આગળ વધી શકાય તેમ નથી. ગિલ્ટના, અપરાધભાવના ભાર નીચે હું ચગદાઈ ગયો હતો. એવા વિચારો મનમાં ઘુમરાયા કરે કે મેં શું ભુલ કરી નાખી? શું બાપ તરીકે હું નિષ્ફળ ગયો...?'
સર્જરી થઈ. કેન્સરના બીજા સ્ટેજમાં ગાંઠ એટલી મોટી થઈ ગઈ હતી કે આખી કિડની ફરતે ફેલાઈ ગયેલી. ડોકટરોએ કિડની બચાવવાની કોશિશ કરી જોઈ, પણ પછી નછૂટકે ગાંઠની સાથે ક્ડિનીને પણ દૂર કરવી પડી.
અયાનની બીમારીની વાત ફેલાતાં જ ફોન શરૂ થઈ ગયા. સૌથી પહેલો ફોન જોન અબ્રાહમનો આવ્યો. એણે કહૃાું કે એના ફાધરને પણ કેન્સરનું નિદાન થયેલું, પણ હવે એ કેન્સરમુકત છે ને રાતી રાયણ જેવા છે. સંજય દત્ત અને એની બહેન પ્રિયાએ ખૂબ ધરપત આપી. એમણે ન્યુ યોર્કની મેમોરિઅલ સ્લોઅન કિટરીંગ કેન્સર સેન્ટરના ડોક્ટરો સાથે વાત પણ કરી. ક્રિકેટર યુવરાજ સિંહનો ફોન આવ્યો. એ તો ખુદ કેન્સરનો ભોગ બન્યો હતો અને એમાંથી હેમખેમ બહાર આવ્યો હતો. આ સૌને લીધે ઈમરાન અને પરવીનને બહુ હિંમત મળી. ઈમરાનના અંકલ મહેશ ભટ્ટ સતત સાથે હતા, સધિયારો આપવા માટે. અક્ષયકુમાર પણ આવીને અયાનને જોઈ ગયા. એમના પિતાજી પ્રોસ્ટેટ કેન્સરને લીધે મૃત્યુ પામ્યા હતા એટલે એને અયાન માટે એમને વિશેષ હમદર્દી હતી. અક્ષયે પ્રેમથી આ પુસ્તકની પ્રસ્તાવના પણ લખી આપી છે.
ઈમરાન હાશ્મિએ જોયું કે હિંદુજાના ડોકટરો ખૂબ કાબેલ છે, પણ હોસ્પિટલનો માહોલ અનુકૂળ નથી. તેથી અયાનને કિમોથેરાપી માટે ટોરોન્ટો (કેનેડા)ની સિકકિડ્ઝ હોસ્ટિપટલમાં એડમિટ થવાનો નિર્ણય લેવાયો. ઈમરાનનો કઝિન સાળો અને બીજા કેટલાક સગાવહાલા કેનેડામાં વસે છે તેથી અમેરિકાની તુલનામાં અહીં ટ્રીટમેન્ટ કરાવવાનું વધારે અનુકૂળ હતું. ઈમરાન લખે છેઃ 'સિકકિડ્ઝ નામ ભલે ડિપ્રેસિંગ લાગતું હોય, પણ હોસ્ટિપટલમાં પગ મૂકતાં જ એવું લાગે કે દસ માળ ઊંચા માલમાં આવી ગયા કે શું? બાળકોની હોસ્પિટલ આવી પણ હોઈ શકે છે એવી તો મેં કલ્પના પણ નહોતી કરી. અયાન પણ અહીંનું વાતાવરણ જોઈને રાજી રાજી થઈ ગયો. દીવાલો પર મિકી માઉસ અને અન્ય કાર્ટૂન કેરેકેટર્સનાં તોતિંગ પોસ્ટરો લગાવ્યાં હતાં, ઠેકઠેકાણે બનાવવામાં આવેલા પ્લે એરિયામાં સેંકડો રમકડાં અને વિડીયો ગેમ્સ પડયાં હતાં. આ ગેમ્સ કેવી રીતે રમવી એ શીખવતો સ્ટાફ પણ હાજર હતો. અયાનને તો જાણે પોતે સ્વર્ગમાં આવી ગયો હોય એવું લાગ્યું!'
અહીં અયાનની ટ્રીટમેન્ટ કરનાર ડોક્ટર ભારતીય હતાં - ડો. આભા ગુપ્તા. નવેસરથી ટેસ્ટ્સ કરવામાં આવી, રિપોર્ટ્સ લેવામાં આવ્યા. કિમોથેરાપી શરૂ કરતાં પહેલાં 'પોર્ટાકેથ' નામની સર્જરી થઈ. આમાં પેશન્ટની છાતી નીચે પોર્ટ તરીકે ઓળખાતું પ્લાસ્ટિકનું પોર્ટલ ઈન્સર્ટ કરવામાં આવે છે. ખાસ કરીને બાળકોને પરંપરાગત આઈ-વી (ઈન્ટ્રાવીનસ) પદ્ધતિને બદલે દવાઓ આ પોર્ટ વાટે આપવામાં આવે છે.
ચાર-પાંચ મહિના બાદ અયાન ભારત પાછો ફર્યો ત્યારે એના વાળ ઉતરી ગયા હતા, દેખાવ બદલી ગયો હતો, પણ એનાં મસ્તીતોફાન પહેલાં જેવાં જ હતા. ૨૦૧૯ના પ્રારંભમાં ડોક્ટરોએ ઈમરાનને ગુડ ન્યુઝ આપ્યા કે તમારો અયાન હવે કેન્સર-મુક્ત થઈ ચૂક્યો છે. અગાઉ નોંધ્યું તેમ હવે ૧૫ વર્ષનો થઈ ગયેલો અયાન બિલકુલ નોર્મલ છે અને મોજ કરે છે. કેન્સર જેવા રોગ સામે સાવ કાચી ઉંમરે લડત આપનાર દીકરાને ઈમરાન પોતાનો હીરો ગણે છે.
પુસ્તક મજાનું છે. ગમે એવું છે. ઈમરાનના અનુભવોને શબ્દોમાં ઢાળવાનું કામ બિલાલ સિદ્દીકી નામના લેખકે કર્યું છે. અનુભૂતિની સચ્ચાઈ હોય અને સારો સહલેખક મળે તો ઈમરાન હાશ્મિ જેવા 'ઈરોટિક' હીરો પાસેથી પણ સુંદર પુસ્તક્ મળી શકે છે!
શો-સ્ટોપર
થેન્ક્યુ રિન્કુ. લોટ્સ ઓફ લવ... ઔર શાદી કબ હૈ?
- શાહરૂખ ખાન
(૬૦મા જન્મદિવસ પર ક્રિકેટર રિન્કુ સિંહે 'એક્સ' પર આપેલી શુભેચ્છાના પ્રતિસાદમાં)


