- કેમ છે, દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- 'સમર્પણ તારા બનેવીના લલાટે એકલા રહેવાનું લખાયું હોય એમાં આપણે શું કરી શકીએ ? 'બનેવી' ને દત્તક લેવાની ભૂલ પણ આપણે કેવી રીતે કરી શકીએ ?''
સ મર્પણના પિતાજીના અવસાન બાદ એની મમ્મી આભાદેવીએ એને આંખના રતનની જેમ જાળવ્યો હતો. સમર્પણ આભાદેવીનો એકનો એક દીકરો હતો. મોટી દીકરી નમસ્યાને પરણાવીને સાસરે વળાવી હતી. ગામમાં હાયર સેકન્ડરી સુધીની જ શાળા હતી. વધુ અભ્યાસ માટે શહેરમાં જવું પડે તેમ હતું. આભાદેવી સમર્પણનો પડછાયો બનીને જીવતાં હતાં, પરંતુ તેને વધુ અભ્યાસ માટે પોતાનાથી દૂર કરવા તેઓ મજબૂર બન્યાં હતાં. શહેરમાં જઈને હોસ્ટેલનો ખર્ચો અને કૉલેજની ફી એ બધું આભાદેવીને પોસાય તેમ નહોતું એટલે તેમણે નમસ્યાનો સંપર્ક સાધી સમર્પણ વધુ અભ્યાસ માટે શહેરમાં આવી તેના ઘરે રહે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.
નમસ્યાએ તેના પતિ અતુલ્યકુમાર ઉર્ફે સમર્પણના જીજાજીને પૂછ્યું અને તેમની પરમિશન મળી ગઈ એટલે નમસ્યાએ આભાદેવીને ફોન કરી જણાવ્યું ઃ 'મમ્મી, મારા ભાઈ સમર્પણને મારા ઘરે મોકલી આપો. તમારા જમાઈએ તમારો પ્રસ્તાવ સહર્ષ સ્વીકારી લીધો છે. સમર્પણ અમારા ઘરે રહીને કોલેજનો અભ્યાસ પૂરો કરશે. તમે જરા પણ ચિંતા કરશો નહીં.'
અને તરત આભાદેવીએ સમર્પણને બોલાવીને કહ્યું ઃ 'બેટા, તારી દીદીએ તને શહેરમાં પોતાને ઘેર રહીને અભ્યાસ કરવાની હા પાડી છે. હવે તું કૉલેજમાં વિજ્ઞાાન પ્રવાહનો અભ્યાસ શરૂ કરી શકીશ.'
'પરંતુ મમ્મી, દીદી જેટલી ઉદાર છે, જીજાજી કદાચ એટલા ઉદાર ન પણ હોય. એમને એમ નહીં લાગે ને કે સાળો માથે પડયો ? ભવિષ્યમાં એમનો ઉપકાર મને ખટકશે. - સમર્પણે શંકા વ્યક્ત કરી.
'અરે ગાંડા, મા-જણી બહેનની બાબતમાં ઉપકાર જેવી કોઈ વાત વિચારી શકાય ? ભાઈ-બહેનનો સંબંધ તો માતાથીયે મોંઘેરો હોય છે. રાખડીનો સંબંધ તો બહેન રાખમાં ભળ્યા બાદ પણ ભૂલતી નથી.' આભાદેવી નમસ્યાની વાત કરતાં કરતાં રડી પડયાં.
અને બીજે દિવસે સમર્પણે નમસ્યાદીદીને ઘેર રહેવા જવા પ્રસ્થાન કર્યું. આભાદેવીએ હૃદય પર પથ્થર મૂકીને વ્હાલસોયા સમર્પણને રડતી આંખે વિદાય આપી.
સમર્પણ દીદીના ઘેર પહોંચ્યો. દીદી વરસાદની જેમ સમર્પણની રાહ જોઈ રહી હતી. સમર્પણને જોઈ દીદી ગાંડીઘેલી થઈ ગઈ. આરતીની થાળી તૈયાર રાખી હતી. સમર્પણની આરતી ઉતારી મોં મીઠું કરાવી નમસ્યાદીદી એને ઘરમાં લઈ ગઈ.
ત્રણ બેડરૂમનું એપાર્ટમેન્ટ. દીદીએ સમર્પણ માટે નાનકડો અલાયદો રૂમ તૈયાર રાખ્યો હતો. ટેબલ-ખુરશી- પેન- બોલપેન સ્ટેન્ડ, કેલકયુલેટર.. લેપટોપ. બધું જ હાજર હતું. સમર્પણ ભાવવિભોર થઈ ગયો. એ બહેનને ભેટી પડયો અને ગળગળા અવાજે બોલ્યો, 'દીદી, મને ભણી-ગણીને તૈયાર થઈ જવા દે દીદી તમારા જીવનમાં ખુશીનો દરિયો છલકાવી ન દઉં તો મારું નામ સમર્પણ નહીં.'
'હવે ફિલ્મી સંવાદોની આપ-લે થયા કરશે કે પછી મારા તરફ દયાદ્રષ્ટિ ફેંકવામાં આવશે કે નહીં સાળા સાહેબ ?'
જીજાજી અતુલ્યકુમારે કડકાઈભર્યા સ્વરમાં કહ્યું,
'સૉરી, અતુલ્ય. સમર્પણના આવવાની ખુશીમાં હું એટલી બધી હરખપદૂડી થઈ ગઈ હતી કે કશી વાતનો ખ્યાલ જ ન રહ્યો. તમે છો તો બધું છે.' દીદીએ લાગણીપૂર્વક જીજાજીને કહ્યું.
'અરે ભાઈ, બધું માપમાં જ શોભે. સમર્પણ ભણવા માટે અહીં રહેવા આવ્યો છે. આજે ને આજે થોડો પાછો જતો રહેવાનો છે. ભણવાનું પણ પતાવશે અને કદાચ પરણવાનું પણ અહીંથી જ પતાવશે.' કહી જીજાજી ખંધુ હસ્યા.
વાતાવરણ હળવું કરતાં દીદીએ કહ્યું ઃ 'તમારા જેવા સમર્થ બનેવી હોય પછી કયા સાળાના અરમાન અધૂરાં રહે ? સમર્પણ તો તમને મારા કરતાં ય વધુ વહાલો છે... તમને તો મજાક કરવાની આદત પડી ગઈ છે. સમર્પણ, તારા જીજાજીની વાત સાંભળીને ખોટું ન લગાડતો.'
સમર્પણે જોયું કે જીજાજી જેવા તૂફાન મેલને કાબૂમાં રાખવાની કુશળતા દીદીએ કેળવી લીધી છે. દીદી લાગણીનો મહાસાગર હતી અને જીજાજી હતા મનમોજી વાદળ... વરસવું હોય તો વરસે નહીં તો રાહ જોનારને રાખે કોરોધાકોર ! સમર્પણે મનોમન વિચારી લીધં કે જીજાજીની નજરમાં વસવાનું રામબાણ શસ્ત્ર છે, ખુશામત ! અને તેણે તાત્કાલિક જ એનો પ્રયોગ કર્યો ઃ 'જીજાજી, મારે ઢીલોપોચા નહીં, મર્દ બનવું છે. અને મર્દાનગીનો આદર્શ તમારા સિવાય બીજે ક્યાંય શોધવાની જરૂર પણ શી ?'
'જોયું તારા કરતાં તારા ભાઈમાં કદરદાનીની સૂઝ વધારે છે. મારે પગલે એ ચાલશે તો ઘરમાં અને દુનિયામાં સુખ એને શોધતું આવશે.' કહીને જીજાજી કપડાં બદલવા ચાલ્યા ગયા. દીદી પણ હળવીફૂલ થઈ ગઈ હતી. જીજાજીને સમર્પણે જીતી લીધા એનો એને ગર્વ હતો.
અને 'જીજાજી નિવાસ'માં સમર્પણનું અધ્યયન કાર્ય શરૂ થયું. સાંજે જ જીજાજીએ વટભેર ધારાસભ્યનો ભલામણપત્ર લાવીને સમર્પણનો એક જાણીતી કૉલેજમાં પ્રવેશ પાકો કર્યાના સમાચાર આપ્યા હતા. અને ટકોર પણ કરી હતી ઃ 'જો સમર્પણ, હું તારો જીજાજી છું એ નાતે તારા પ્રત્યેની મારે ફરજ બજાવવી પડે. પણ તને ખબર છે કે અમારા ઘરમાં શેર માટીની ખોટ છે. તારે મારા સાળા અને દીકરા બંનેની ફરજ બજાવવાની છે. પછી રોગ મટયો એટલે વૈદ્ય વેરીની ગણતરી ન મૂકતો. આજના માણસને મન દરેક માણસ ઉપર ચઢવાની લિફટ છે. અને ઉપર પહોંચ્યા બાદ લિફ્ટને 'થેન્ક યુ' કહેવાય કોઈ ઊભું રહેતું નથી. મને લાગે છે તું એ પ્રકારના માણસોમાંનો નથી. પછી તો નીવડયો વખાણ.'
'અરે જીજાજી, એ શું બોલ્યા ? તમે મારામાં મૂકેલી શ્રધ્ધા એળે નહીં જવા દઉં.' સમર્પણે કહ્યું એટલે જીજાજી પ્રસન્ન થઈ ગયા. અને વિજ્ઞાાન પ્રવાહમાં ૯૨% માર્કસ મેળવી સમર્પણે મેડિકલમાં પ્રવેશ મેળવી લીધો હતો. જીજાજી અને દીદીના આનંદનો પાર નહોતો. જીજાજી સમર્પણની તેજસ્વિતાને એમના 'ઘડતર'નું પરિણામ માનતા હતા.
ઢળતી ઉંમર અને સમર્પણના વાકચાતુર્યને લીધે જીજાજીનું વર્તન સાવ બદલાઈ ગયું હતું. રવિવારે તેઓ નાના-મોટા કાર્યક્રમો ગોઠવી સમર્પણને રાજી રાખવાની પૂરી કોશિશ કરતા હતા.
સમર્પણ એમ.બી.બી.એસ. થઈ ગયો અને એમ.એસ. માટે પણ એને એડમિશન મળી ગયું. સમર્પણ ખ્યાતનામ સર્જન બનવા માગતો હતો. મેડિકલ કૉલેજમાં સમર્પણની દોસ્તી તેની સાથે જ અભ્યાસ કરતી ડો. દિશા સાથે થઈ. દિશાનો સ્વભાવ મિલનસાર, હસમુખો અને વાતોડિયો. મિત્રો બનાવવાનું અને એમને પાર્ટી આપવાનું એને ખૂબ જ ગમે. સમર્પણનુ મિતભાષીપણું દિશાને પસંદ પડયું.
એની દ્રષ્ટિએ સમર્પણ ઉત્તમ શ્રોતા હતો. એની લાંબીલચક વાતચીત અને સંવાદો સમર્પણ ઉત્સુકતાપૂર્વક સાંભળતો. ખુશામતના શબ્દો વાપરવાનો મહાવરો તો જીજાજીના સંપર્ક દ્વારા સમર્પણે બરાબર કરી લીધો હતો.
એક દિવસ ડૉ. દિશાએ સમર્પણને પોતાને બંગલે ડિનર માટે બોલાવ્યો. મોંઘીદાટ કાર લઈને દિશા તેને તેડવા આવી. એક વિશાળ બગીચા વચ્ચે દિશાનો આલીશાન બંગલો. નોકર-ચાકર- રસોઈયા, સિકયોરીટી.. મેડમ દિશાનો પડતો બોલ ઝીલે. સમર્પણ એક મધ્યમવર્ગીય ગ્રામીણ માતાનો પુત્ર. સમર્પણની દશા કૃષ્ણના મહેલે પહોંચેલા સુદામા જેવી થઈ હતી. પણ દિશાના પપ્પા સમર્પણનો સંકોચ પામી ગયા હતાં. તેમણે સમર્પણને ઉષ્માભર્યો આવકાર આપતાં કહ્યું ઃ 'મિ. સમર્પણ, ઘરના વૈભવ કરતાં મોટો વૈભવ છે હૈયાનો વૈભવ. દિશા તમારી ખાનદાની અને સંસ્કારિતાના વખાણ કરતાં થાકતી નથી. મારે મન લક્ષ્મી કરતાં સરસ્વતીનું મહત્વ વધારે છે. અને તમારી ઉપર તો મા શારદાના ચારે હાથ છે, તમારા જેવો યુવક કોને ન ગમે ?'
સમર્પણે હળવાશ અનુભવી, ડિનર બાદ ધીરેથી દિશાના પપ્પાએ દિશા સાથે સમર્પણના લગ્નનો પ્રસ્તાવ મૂકતાં કહ્યું ઃ 'સમર્પણ, તમારા માટે મેં નર્સિંગ હોમની વ્યવસ્થા ગોઠવી જ રાખી છે. દિશા મારી એકની એક દીકરી છે. તમે બન્ને લગ્ન કરી મારી સાથે જ રહી, મારી જીવનસંધ્યાને ટાઢક આપો, એવી મારી ઇચ્છા છે.'
અને સમર્પણે આભાર માની દિશાના પપ્પાજીના પ્રસ્તાવને વધાવી લીધો. આ આનંદના સમાચાર આપવા સમર્પણ દીદી અને જીજાજી પાસે દોડી આવ્યો. ત્યારે એપાર્ટમેન્ટના પ્રવેશદ્વાર પાસે એમ્બ્યુલન્સ ઊભેલી જોઈને સમર્પણને ચિંતા થઈ. એટલામાં જીજાજી હાંફળા-ફાંફળાં દોડી આવ્યા અને સમર્પણને કહ્યું, ઃ 'સમર્પણ, તને વહેલો ભગવાને જ મોકલ્યો. તારી દીદી સીડી ઊતરતાં નીચે પડી ગઈ છે અને ફેમિલી ડૉક્ટરના અભિપ્રાય મુજબ એને બ્રેઇન હેમરેજ થયું છે. ચાલ બેટા જલ્દી કર, આપણે હોસ્પિટલ જલ્દી પહોંચી જઈએ.'
પૂરાં ત્રણ દિવસ દીદી મોત સામે ઝઝૂમી, પણ અંતે મોત સામે તે હારી ગઈ. સમર્પણ અને જીજાજી સાવ ભાંગી પડયા. સમર્પણમાં આઘાત જીરવવાની શક્તિ નહોતી, પણ તેણે તો જીજાજીને પણ જાળવવાના હતા. ઘરના સમગ્ર કામની જવાબદારી સમર્પણે ઉપાડી લીધી હતી.
દીદીના અવસાનથી જીજાજી ઘેરા આઘાતમાં સરી પડયા હતા. સમર્પણ તેના જીજાજીનો પૂરેપૂરો ખ્યાલ રાખતો હતો, સવાર ઊઠે એટલે ચા-નાસ્તાથી માંડીને નહાવાનું, તૈયાર થવાનું, દવા લેવાની થી માંડીને રાત્રીના ભોજન સુધીની તેમની દરેક ક્રિયાનો સમર્પણ ખૂબ જ ખ્યાલ રાખતો હતો.
દિશા દીદીના અવસાનના ચાર-પાંચ મહિના બાદ ડૉ. દિશાના પપ્પાએ સમર્પણને કહ્યું ઃ 'જુઓ, મિ. સમર્પણ, જિંદગીમાં લાગણી એક સ્થાને છે અને લાભની તકો બીજે સ્થાને. લક્ષ્મી ચાંલોલ કરવા આવે ત્યારે કપાળને ગંગાજળથી ધોવાનો વિલંબ કરનારા હંમેશા પસ્તાયા છે. દુનિયામાં અનેક વિધુરો જીવતાં હોય છે, તેમ તમારા જીજાજી પણ જીવશે. હા, વૈભવની છોળો વચ્ચે ઉછરેલી મારી દિશા, તમારા જીજાજીના ખોબા જેવડા એપાર્ટમેન્ટમાં રહેવાનું પસંદ નહીં કરે. તમારે અમારી સાથે જ રહેવા આવવું પડશે.' અને દિશાએ પણ પોતાના પપ્પાની વાતને ટેકો આપતાં કહ્યું ઃ 'સમર્પણ, તારા જીજાજીના લલાટે એકલા રહેવાનું લખાયું હશે. એમાં આપણે શું કરી શકીએ ? અને 'બનેવી'ને દત્તક લઈને જીવવાની ભૂલ આપણે કરી પણ કેવી રીતે શકીએ ?'
દિશાની આવી લાગણીહીન વાત સાંભળીને સમર્પણ સ્તબ્ધ થઈ ગયો હતો. દિશાને આગળ ચર્ચા નહીં કરવાની સૂચના આપી સમર્પણ ઘેર જીજાજી પાસે દોડી ગયો હતો.... ત્યારે તેના જીજાજી દીદીના ફોટા સમક્ષ ઊભાં રહીને રૂંધાયેલા અવાજે કહી રહ્યા હતા ઃ 'નમસ્યા, તું તો ચાલી ગઈ. મેં સાંભળ્યું છે કે સમર્પણ પણ ડૉ. દિશા લગ્ન કરી ઘરજમાઈ બનવાનો છે. પાંખો આવે એટલે પંખી માળો અને ધરતી બન્ને ભૂલી જાય છે. મને આશા હતી કે સમર્પણને હું પરણાવીશ અને બાકીની જિંદગી સમર્પણ અને તેની પત્નીની ઓથમાં પૂરી કરીશ... પણ નમસ્યા, જિંદગીએ મને છેતર્યો છે.. નહીં તો સમર્પણ...'
જીજાજી બોલતાં બોલતાં ચોધાર આંસુએ રડવા લાગ્યા ત્યારે દોડીને સમર્પણ તેમની કોટે વળગીને આશ્વાસન આપતાં કહેવા લાગ્યો.
'જીજાજી, મારે તમારો કે દીદીનો અહેસાન ફરમાશો નથી બનવું. ઉપકારની ચાદર હું જીવનભર ઓઢી રાખવા સંકલ્પબદ્ધ છું. મારું લગ્ન તમારી ઇચ્છા અનુસાર જ થશે. અને હું તથા મારી પત્ની તમને દીદીની ખોટ નહીં સાલવા દઈએ. દીદી, આજથી જીજાજીની જવાબદારી મારી. તું જ્યાં હો ત્યાં તારા આત્માને મારા શબ્દો ઠારે. હું જીજાજીનો સાળો માત્ર નથી, હું એમનો દીકરો છું.' સમર્પણની વાત સાંભળીને જીજાજી તેના ખોળામાં માથુ મૂકીને ઘસઘસાટ ઊંઘી ગયા હતા... પ્રાતઃકાળનો સૂરજ જાણે કહી રહ્યો હતો જે ક્ષણ ભાઈ કે બહેન પરસ્પરના કલ્યાણને અંગત સુખ કરતાં વધુ મહત્વ આપે એ જ ક્ષણ સાચા અર્થમાં લાગણીની ક્ષણ છે.


