Get The App

ક્રિકેટ જેના માટે સાધન નહીં પણ સાધના છે

Updated: Nov 9th, 2025

GS TEAM

Google News
Google News
ક્રિકેટ જેના માટે સાધન નહીં પણ સાધના છે 1 - image


- હોરાઈઝન - ભવેન કચ્છી

- સ્વ. રમાકાંત આચરેકરે સચિન અને કામ્બલી જોડે જ અમોલ મુઝૂમદારને કોચિંગ આપી શકાય તેથી માતા પિતાને સમજાવી શારદાશ્રમ વિદ્યા મંદિરમાં તેનો પ્રવેશ કરાવ્યો હતો

- ભારતની ટીમમાં રહીને વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન સાકાર ન થઇ શક્યું પણ ઝૂનૂન જારી રાખ્યું... હેડ કોચ બની ભારતની મહિલા ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી ઇતિહાસ સર્જ્યો

જી વનમાં બદલાતા રિશ્તા જેમ જ બદલાતા રસ્તા વ્યક્તિને સુખદ કે દુઃખદ મુકામ પર લાવીને મૂકી દેતા હોય છે.જો કે આ બધા વચ્ચે સૌથી મહત્વનું એ હોય છે કે વ્યક્તિ  જે લક્ષ્ય માટે નીકળ્યો હોય તેને નાસીપાસ થયા વગર સાધન કરતા સાધના તરીકે વળગી રહે. આ જેટલું કહીએ તેટલું સહેલું નથી. કેટલા સપના સજાવી તેનું વતન, તેનું પરિવાર છોડીને ગામડામાં રહેતો યુવાન ક્યારેય સપનામાં પણ ન જોઈ હોય તેવી ઝાકમઝાળ માયનગરી મુંબઈમાં હીરો બનવા ભીડમાં પગ મૂકે છે. એક ઓરડામાં પંદરેક જણા રહે તેમ સંઘર્ષના મહિનાઓ પસાર કરે છે. વડા પાઉં ખાઈને ગુજરાન ચલાવે. રોજે રોજ નિર્માતા, નિર્દેશકની ઓફિસે જાય છે અને સિક્યોરિટીના ધક્કા સાથે ભટકે છે.હીરો બનવા કરતા પણ તેને ફિલ્મ દુનિયા માટે દીવાનાગી હોય છે. હવે તેને આ રીતે અમુક મહિનાઓ કે વર્ષ કાઢયા પછી ભાન થાય છે કે હીરો તો શું સપોર્ટિંગ એક્ટર તરીકે પણ ફિલ્મમાં એકાદ દ્રશ્ય મળે તેમ નથી. તેના જેવા દેશના હજારો સ્વપ્નસેવીઓ આ રીતે નિરાશ થતા જ ઘર ભેગા થઇ જાય છે. કોઈ નોકરી કે નાનો મોટો ધંધો કરીને તે પછી જીવન વીતાવે છે. પણ એવા પણ હજારો છે જેઓ ભલે હીરો ન બન્યા પણ ફિલ્મ દુનિયા છોડવી  નથી. તેઓ એક્સ્ટ્રા, સ્પોટ બોય કે સહાયક નિર્દેશક જેવા કામ મેળવીને પણ તેમના ગમતા ક્ષેત્રને વળગી રહે છે. શક્ય છે આગળ જતા તેઓ ફિલ્મ ઉદ્યોગના ટોચના નિર્દેશક પણ બને.

કોઈ સંગીતકાર બનવા આવે છે પણ તેના સ્વારંકન પર કાન માંડવા કોઈ તૈયાર જ નથી થતું. હાર્મોનિયમની પેટીને કાયમ માટે માળિયામાં મૂકીને આ સુર સ્વપ્નિલ હવે સેલ્સમેન બની હાથમાં બેગ પકડીને તેનો માલ વેચવા વેપારીઓના દરવાજા ખખડાવે છે.

કોઈને ડોક્ટર બનવું હતું. બે પાંચ ક્રમ માટે મેરીટ લિસ્ટમાં નામ ચુકી ગયા એટલે ડિપ્રેશનમાં ન આવ્યા આત્મઘાતી વિચારો પણ ન કર્યા પણ હોસ્પિટલમાં મેનેજમેન્ટ ટીમમાં રહ્યા. લેક્ચરર બની ગયા. પણ તબીબી ક્ષેત્ર ન જ છોડયું.

દુનિયાને હચમચાવી દઈએ તેવા જલદ મનસુબા સાથે પત્રકાર બનવા નીકળ્યા હોય પણ ધાર્યા કરતા પડકારજનક કારકિર્દી લાગતા બીજી દુનિયાની નોકરી કે ધંધો કરવાની જગ્યાએ અખબારની કચેરીમાં જ નશા જેવું ખેંચાણ હોઇ પ્રૂફ રીડર કે ફોટો કંપોઝ વિભાગમાં કામ સ્વીકાર્યું હોય તેવું પણ બનતું હોય છે.

એવા તો કેટલાયે કિસ્સા છે જેમાં વ્યક્તિ તે જે ક્ષેત્રને બેહદ ચાહતો હોય તેના કરતા અનેક ગણી આવક વૈકલ્પિક ક્ષેત્રમાં મળી શકે તેવી કાબેલયીત તેનામાં હોય છે પણ તે તેના મનગમતા ક્ષેત્રને જ ઓછી આવક છતાં જીવનભર વળગી રહે છે અને છતાં એક પરમ આનંદ સાથે જીવન વીતાવે છે. જુદા જુદા ક્ષેત્રમાં એવી તો અસંખ્ય પ્રતિભાઓ છે જેઓને નસીબે એવી તો થાપટ લગાવી છે કે તેમના ક્ષેત્રમાં  એકથી માંડી ચાર પાંચ સ્થાન જ હોય છે અને તે બધા જે તે ક્ષેત્રના એવા લેજેન્ડ કે પાવરધા હોય છે કે તેઓને તેમના સ્થાન પરથી હટાવી જ શકાય તેમ નથી. તેઓ નિવૃત્ત થાય ત્યાં સુધીમાં તો જે વર્ષોથી સ્થાન મેળવવા ઇંતેજાર કરી રહ્યા હોય તે પણ વય વટાવી ચુક્યા હોય.

એવા ઘણા ઉદાહરણો છે કે જેઓને અંદાજ આવી જાય કે તેમનો આખો દાયકો સ્થાન ખાલી પડે તેમ નહીં હોઇ તેઓ તક મેળવ્યા વગરના રહેશે એટલે તેઓ તે ક્ષેત્ર જ છોડી 

દે છે. 

તો બીજા એવા પણ છે કે તેઓ ભલે તેમની લાયકાત અને સ્વપ્ન૨ હોવા છતાં તે સ્થાન નથી મેળવી શકતા પણ હતાશ થયા વગર એટલા જ જોમ અને જોશ સાથે તેના શોખને વળગી રહે છે.

૫૧ વર્ષીય અમોલ મુઝૂમદાર આવું જ નામ છે. મુંબઈમાં ઉછેર થયો અને શાળાકીય કારકિર્દીથી તેનામાં દેશને  દાયકા, બે દાયકામાં માંડ મળે તેવી બેટિંગ પ્રતિભા હતી. તેના સ્તરને તમે એવી રીતે મૂલવી શકો કે સ્વ. રમાકાન્ત આચરેકરે સચિન તેંડુલકર અને વિનોદ કામ્બલી બંનેને ભાવિ સ્ટાર તરીકે પારખી લીધા હતા. આચરેકર મુંબઈની શારદાશ્રમ વિદ્યામંદિર સ્કૂલમાં બંનેને કોચિંગ આપતા હતા પણ શાળાકીય ટુર્નામેન્ટમાં આચરેકરની નજરમાં બી. પી. એમ. હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા અમોલ પર પડી. અમોલ સચિન, કામ્બલી જેમ જ રનના ઢગલા કરતો હતો. તેની બેટિંગ ટેક્નિક પણ સચિન જેવી જ નૈસર્ગીક હતી.

આચરેકરે અમોલના માતા પિતાને સમજાવ્યા કે 'તે સચિન,કામ્બલી જેવી જ પ્રતિભા અમોલમાં જુએ છે અને તેને પણ કોચિંગ આપવા માંગે છે તેથી અમોલને શારદાશ્રમ વિદ્યામંદિર સ્કૂલમાં મુકશો તેને કોચિંગ આપવાની મારી ઈચ્છા છે.'

માતા પિતાએ તેમ કર્યું અને  અમોલ પણ શારદાશ્રમ સ્કૂલનો વિદ્યાર્થી બન્યો.

પણ, આચરેકરે અમોલના ઉમદા ભાવિ માટે લીધેલો નિર્ણય કમનસીબ પુરવાર થયો. કેમ કે ફોર્મ બતાવી એક પછી એક વય જૂથની ટીમમાં આવી શકાય તેવી જૂજ તક જ અમોલને મળતી. બેટિંગ ક્રમમાં અમોલ સચિન અને કામ્બલી પછી આવતો પણ તેની બેટિંગ આવે તે પહેલા તો સચિન અને કામ્બલીએ ધરખમ ઇનિંગ રમી કાઢી હોય. અમોલ માની લો કે અણનમ રહીને ૭૦ - ૮૦ રન કરે તો પણ તે અગાઉ સચિન અને કામ્બલી મોટી ઇનિંગ રમી ચુક્યા હોય.

સચિન અને કામ્બલીએ હેરીસ શિલ્ડ શાળાકીય ટુર્નામેન્ટમાં ૧૯૮૮માં સેન્ટ ઝેવીઅર્સ સામે ૬૬૪ રનની ભાગીદારી નોંધાવી હતી તે દરમ્યાન તેના પછીના ક્રમે બેટિંગમાં આવનાર અમોલ પેડ પહેરીને તેની બેટિંગ આવે તેનો ઇંતેજાર કરતો રહ્યો હતો.આવું તો અનેક વખત બન્યું. તો પણ જયારે અમોલને તક મળતી ત્યારે તેણે પણ મોટી ઇનિંગ રમીને પસંદગી સમિતિનું ધ્યાન ઘર આંગણાના ક્રિકેટમાં તો ખેંચવામાં સફળતા મેળવી જ હતી.

સચિનને ૧૬ વર્ષની વયે જ ભારતની ટીમમાં સ્થાન મળ્યું. કામ્બલીએ ૧૯ વર્ષની વયે ભારતની વન ડે અને ૨૧ વર્ષની વયે ટેસ્ટ ટીમમાં પ્રવેશ મેળવ્યો હતો. અમોલે મુંબઈ તરફથી રણજી ટ્રોફીમાં ૧૯ વર્ષની વયે હરિયાણા સામે તેની પ્રથમ કક્ષાની પ્રથમ ઇનિંગમાં ૨૬૦ રન ફટકાર્યા હતા જે તે સમયનો વર્લ્ડ રેકોર્ડ હતો. જે ૨૦૧૮ સુધી 

રહ્યો હતો.

ભારત 'એ', ભારત અંડર -૧૯ (વાઇસ કેપ્ટન), મુંબઈ રણજી ટ્રોફીમાં રનના ઢગલા ખડક્યા. 

ભારતની ટીમમાં સચિન ઉપરાંત ૧૯૯૬થી દ્રવિડ અને ગાંગુલીનું આગમન થયું અને આ ત્રણેય બેટ્સમેન ભારતની ક્રિકેટ ટીમનું અભિન્ન અંગ બહુ ઝડપથી બની ગયા. અમોલ મુઝૂમદારને તેની વય ૨૨ વર્ષની હતી ત્યારે જ સ્પષ્ટ થઇ ગયું હતું કે તેને ભારતની ટીમમાં હવે તક મળે તેમ નથી. બીજું કોઈપણ હોય તો હતાશ થઇ જાય. જે બીજો સચિન મનાતો હતો તે તેનું ભારત તરફ્થી રમવાનું સ્વપ્ન સાકાર નહીં થઇ શકે તે પામી ગયો હતો. લોઅર મિડલ ઓર્ડરમાં એક સ્થાન બાકી હતું તે માટે  વી. વી. એસ.લક્ષ્મણ પર ૧૯૯૬માં પસંદગી ઉતારાઈ. 

પણ, અમોલનો તો પહેલો પ્રેમ ક્રિકેટનો હતો. ૨૨ વર્ષની યુવા વયથી તે પછી તેની ૪૦ વર્ષની વય સુધી તે પ્રથમ કક્ષાનું ક્રિકેટ તે જ ઝૂનૂન સાથે રમતો રહ્યો. પ્રથમ કક્ષા અને લિસ્ટ 'એ' ક્રિકેટના મળીને તેણે ૧૪,૦૦૦થી વધુ રન ૪૮.૧૩ની સરેરાશથી બનાવ્યા. ૩૩ સદી અને ૮૬ અડધી સદી તેણે ફટકારી છે. ભારતની ટીમના સ્ટાર બનવાનું તો ૧૮ વર્ષ અગાઉથી સ્વપ્ન મુરઝાઈ ગયું હતું. એક વખત ભારતને વર્લ્ડ કપ તે પણ જીતાડશે તેવી તેણે પણ ખેવના હતી.

મુંબઈની ટીમને તેણે ૨૦૦૬માં કેપ્ટન તરીકે રણજી ટ્રોફીમાં ચેમ્પિયન પણ બનાવ્યું હતું. મુંબઈ તરફથી સૌથી વધુ રન બનાવવાનો અશોક માંકડનો રેકોર્ડ પણ તેણે તોડયો.

અમોલનો ક્રિકેટ પ્રત્યેનો લગાવ જુઓ. આ રીતે એક પણ ટેસ્ટ કે ઇન્ટરનેશનલ રમવાની તક નથી તે નિશ્ચિત હતું તો પણ રનની ભૂખ જારી જ રહી અને નિવૃત્તિ પછી ભારતની અંડર- ૧૯ અને અંડર -૨૩  ટીમનો કોચ બન્યો.૨૦૧૮માં રાજસ્થાન રોયલ્સ ના કોચ તરીકે નિયુક્ત થયો. ૨૦૨૩માં ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ભારતની મહિલા ક્રિકેટ ટીમના કોચ તરીકે તેની પસંદગી થઇ. અમોલે સંકલ્પ કર્યો કે ક્રિકેટર તરીકે ભારતને વર્લ્ડ કપ જીતાડી ન શક્યો પણ કોચ તરીકે તે સિદ્ધિ મેળવીશ.. અને રેસ્ટ ઇઝ હિસ્ટ્રી.

જ્ઞાાન પોસ્ટ 

'A true passion that burns within your soul is one that can never be put out.'  - Zach Toelke

Tags :