Get The App

ભારતની શસ્ત્રોની નિકાસ વર્ષે રૂપિયા 50,000 કરોડ

Updated: Nov 9th, 2025

GS TEAM

Google News
Google News
ભારતની શસ્ત્રોની નિકાસ વર્ષે રૂપિયા 50,000 કરોડ 1 - image

- હોટલાઈન - ભાલચંદ્ર જાની

- ભારતીય હથિયારોની સૌથી વધુ માંગ લેટિન અમેરિકી દેશો, આફ્રિકાના દેશો અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં જોવા મળી રહી છે

ત્ર ણ વર્ષ પહેલાં શરૂ થયેલા યુક્રેન યુદ્ધે એશિયા અને યુરોપની ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ બદલી દીધી છે અને જેના પર યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે એવું દક્ષિણ કોરિયા યુરોપને શસ્ત્રો પૂરાં પાડતાં એક મોટા સપ્લાયર તરીકે ઊભરી રહ્યું છે.

ખરી વાત તો એ છે કે હવે શસ્ત્રનું બજાર એ પશ્ચિમના દેશોની ઈજારાશાહી રહ્યું નથી. અમેરિકા, રશિયા અને ફ્રાન્સ બાદ ચીન વિશ્વમાં શસ્ત્રોનું ચોથું મોટું સપ્લાયર બની ચૂક્યું છે. આ બાબતમાં દક્ષિણ કોરિયાનો આઠમો નંબર આવે છે. ભારતે પણ શસ્ત્રોની નિકાસ બાબતે ખૂબ પ્રગતિ કરી છે.

એમ કહી શકાય કે સંરક્ષણ ક્ષેત્રના ઉત્પાદનમાં ભારતે હરણફાળ ભરી છે, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન સંરક્ષણ ક્ષેત્રનું વાર્ષિક ઉત્પાદન રૂ. ૧,૫૦,૫૯૦ કરોડ સાથે સર્વોચ્ચ સ્થાને પહોંચ્યું છે. સંરક્ષણ ક્ષેત્રમાં કુલ ઉત્પાદનમાં ૭૭ ટકા હિસ્સો જાહેર એકમોનો છે જ્યારે ૨૩ ટકા યોગદાન ખાનગી ક્ષેત્રનું છે. એક દસકામાં સંરક્ષણ ક્ષેત્રની નિકાસમાં લગભગ ૩૦ ગણો વધારો થયો છે.

સરકારના આંકડા બતાવે છે કે વૈશ્વિક સ્તરે ભારત સંરક્ષણ ક્ષેત્રે શસ્ત્રોના નિર્માણમાં તેની ભૂમિકા સતત વધારી રહ્યું છે. હાલ ભારત ૮૫થી વધુ દેશોને શસ્ત્રોની નિકાસ કરે છે. આ સાથે દેશની ૧૦૦થી વધુ કંપનીઓ સંરક્ષણ ઉત્પાદનોની દુનિયાભરમાં નિકાસ કરી રહી છે. આ શસ્ત્રોમાં એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર, મિસાઈલ, આર્ટિલરી ગન, પિનાકા રોકેટ અને લોન્ચર તથા ડોર્નિયર વિમાન જેવા અનેક હથિયારોનો સમાવેશ થાય છે.ભારત ટૂંક સમયમાં ઈજિપ્ત અને આર્જિેન્ટિનાને તેજસ ફાઈટર વિમાનની પણ નિકાસ કરી શકે છે. હાલ ભારત શ્રીલંકા, ફ્રાન્સ, રશિયા, માલદીવ્સ, ઈઝરાયેલ, નેપાળ, સાઉદી અરબ અને પોલેન્ડ જેવા અનેક દેશોને હથિયારો વેચે છે. 

જોકે  ભારતીય હથિયારોની સૌથી વધુ માંગ લેટિન અમેરિકી દેશો, આફ્રિકાના દેશો અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં જોવા મળી રહી છે.

કેન્દ્ર સરકારે સ્વદેશી ડિઝાઈન અને નિર્માણ પર ભાર મૂક્યો છે. શસ્ત્રો-હથિયારોની નિકાસમાં તીવ્ર ઊછાળાનું કારણ કેન્દ્ર સરકારની વર્તમાન નીતિઓ છે. તેના હેઠળ દેશમાં સંરક્ષણ નિર્માણમાં સ્વદેશી ડિઝાઈન અને નિર્માણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. છેલ્લા સાતથી આઠ વર્ષમાં ઉદ્યોગોને સંરક્ષણ લાયસન્સ આપવાની સંખ્યામાં ૨૦૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. સરકારનું લક્ષ્ય છે કે વર્ષ ૨૦૨૫ના અંત સુધીમાં  શસ્ત્રોની વાર્ષિક નિકાસ રૂ. ૩૫,૦૦૦ કરોડ સુધી પહોંચી જાય. આ જ કારણે કેટલાક વર્ષ પહેલાં ભારત દુનિયાના સૌથી મોટા ખરીદદાર દેશ તરીકે ઓળખાતો હતો, પરંતુ આજે દુનિયાના ટોચના ૨૫ હથિયાર નિકાસ કરતા દેશમાં તેની ગણતરી થાય છે.

આ સાથે ભારતે સંરક્ષણ ઉદ્યોગમાં વૈશ્વિક માપદંડો સાથે ઉત્પાદન કરવાની તેની ક્ષમતા પણ દર્શાવી છે. દેશના શસ્ત્રોની નિકાસ વધારવા માટે કેન્દ્ર સરકારે છેલ્લા નવ વર્ષ દરમિયાન અનેક નીતિગત પગલાં લીધા છે. નિકાસની પ્રક્રિયાને અગાઉની સરખામણીમાં સરળ કરાઈ છે. તેનાથી ઉદ્યોગ જગતને કામ કરવામાં સરળતા થઈ રહી છે. 

શસ્ત્રોના ઉત્પાદનોની નિકાસની બાબતમાં પણ સરકાર ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન આપી રહી છે. સરકાર તરફથી ચલાવાઈ રહેલા આત્મનિર્ભર ભારત અભિયાનનો પણ સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રને લાભ મળ્યો છે. તેનાથી દેશમાં સંરક્ષણ ઉત્પાદનોની ડિઝાઈન, ડેવલપમેન્ટ અને નિર્માણમાં નવા-નવા પ્રયોગોનો રસ્તો ખુલી ગયો છે.

થોડાં સમય પહેલાં આંતરરાષ્ટ્રીય સંરક્ષણ-ડિફેન્સ ડિલ પર નજર રાખતી સ્વીડિશ સંસ્થા સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પિસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (એસઆઈપી આરઆઈ) નો વૈશ્વિક અહેવાલ રજૂ થયો હતો. એ પ્રમાણે છેલ્લા દાયકામાં ભારતની શસ્ત્ર આયાત ૩૩ ટકા સુધી ઘટી છે. ઘટાડાના મુખ્ય બે કારણ છે. એક તો ભારતે રશિયા પાસેથી ખરીદાતા શસ્ત્રો ઓછા કર્યા છે. બીજું કારણ ભારતે શસ્ત્ર ખરીદીની પ્રક્રિયા વધારે જટીલ બનાવી હોવાથી ઘણી કંપનીઓ સોદો કરી જ શકતી નથી.

અમેરિકા પાસેથી આયાત થતા ભારતના શસ્ત્રોમાં પણ ૪૬ ટકા સુધીનો ઘટાડો આવ્યો છે. ભારતે સ્થાનિક સ્તરે સંરક્ષણ ઉદ્યોગ વિકસે એ માટે ગંભીરતાપૂર્વક પ્રયાસો કર્યા હોવાને કારણે પણ આયાત ઘટી છે. ૨૦૧૮થી ૨૧ વચ્ચે સરકારે ૨ લાખ કરોડના મૂલ્યના ૧૧૨ સ્વદેશી શસ્ત્ર ઉત્પાદન પ્રસ્તાવ મંજૂર કર્યા છે. ભારતમાં જ શસ્ત્રોનું ઉત્પાદન વધે એ માટે સરકારે રોકાણની પ્રક્રિયા પણ સરળ બનાવી છે.

હાલમાં અમેરિકા જ જગતનું સૌથી મોટુ શસ્ત્ર નિકાસકાર છે. શસ્ત્ર વેપારી તરીકેનો પ્રથમ ક્રમ અમેરિકાએ જાળવી રાખ્યો છે. જગતના કુલ શસ્ત્ર નિકાસમાં અમેરિકાનો ફાળો ૩૭ ટકા નોંધાયો છે. અમેરિકાએ નાના-મોટા ૯૬ દેશોને શસ્ત્રો વેચ્યા છે. અમેરિકા પાસેથી સૌથી વધુ ૨૪ ટકા શસ્ત્રો એકલા સાઉદી અરબે ખરીધ્યા છે. મીડલ ઈસ્ટના દેશો નવા શસ્ત્ર આયાતકારો તરીકે ઉભરી રહ્યાં છે. 

અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જર્મની અને ચીન એ જગતના સૌથી મોટા પ્રથમ પાંચ શસ્ત્ર નિકાસકારો છે.

મજાની વાત એ છે કે ભારતે રશિયા અને પોલેન્ડને પછાડીને યુરોપના કાકેશસ ક્ષેત્રમાં આવેલા દેશ આર્મેનિયા સાથે એક મોટો સંરક્ષણ સોદો પાર પાડયો છે.   આ કરાર અંતર્ગત ભારત આશરે ૨૯૦ કરોડ રુપિયાના હથિયારો આર્મેનિયાને વેચી રહી છે.

'સ્વાતિ વેપન લોકેટિંગ રડાર' સિસ્ટમ સહિતના આ હથિયારો મેક ઈન ઈન્ડિયા અંતર્ગત ઉત્પાદિત કરવામાં આવેલા છે .

રશિયા અને પોલેન્ડે આર્મેનિયા માટે હથિયારોની ટ્રાયલનું આયોજન કર્યું હતું પરંતુ આર્મેનિયાએ ભારત દ્વારા બનાવવામાં આવેલી સિસ્ટમ પર વિશ્વાસ મુકીને ડીલ ફાઈનલ કરી હતી. કરાર અંતર્ગત ભારત ચાર 'સ્વાતિ વેપન લોકેટિંગ રડાર' આર્મેનિયાને પૂરા પાડશે જે ૫૦ કિમીની રેન્જમાં દુશ્મનના મોર્ટાર, શેલ, રોકેટ સહિતના હથિયારો ઝડપથી અને ચોકસાઈથી શોધી શકે છે. આ રડાર એક સાથે વિવિધ સ્થળે અલગ-અલગ હથિયારો વડે તાકવામાં આવેલા અનેક પ્રોજેક્ટાઈલને ઓળખી શકે છે. 

ભારતીય સેના જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર આ રડારનો ઉપયોગ કરી રહી છે. આર્મેનિયાને હથિયારોની નિકાસ ભારતને પોતાની સ્વદેશી પ્રણાલીઓના વેચાણ માટે એક નવું બજાર ખોલવામાં મદદરુપ થશે તેવું માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ભારતના હથિયારો તેના યુરોપ સહિતના હરીફોની તુલનામાં ઘણા સસ્તા છે.

એકંદરે એમ કહી શકાય કે  ભારતે હથિયારોની નિકાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. વર્તમાન સમયે ભારતનું વાષક ડિફેન્સ પ્રોડક્શન દોઢ લાખ કરોડ સુધી પહોંચી ચૂક્યું છે. બીજી તરફ મોદી સરકારનું લક્ષ્ય ઉત્પાદનને વધારીને ૨૦૨૮-૨૯ સુધીમાં ત્રણ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનું છે. ભારતની સરકારી અને ખાનગી સેક્ટરની કંપનીઓ અંદાજીત ૧૦૦ દેશને અલગ અલગ પ્રકારના હથિયાર અથવા તો ડિફેન્સ સંબંધિત ઉપકરણ નિકાસ કરે છે.

ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં ભારતે ફિલિપીન્સ સાથે ૩૭૫ મિલિયન ડોલરની ડીલ કરી હતી. આ ડીલ હેઠળ ભારત બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ ફિલિપીન્સને ડિલિવર કરશે. ભારતનું સૌથી મોટું હથિયાર ખરીદદાર આર્મેનિયા છે. આર્મેનિયાને ભારત આકાશ એર ડિફેન્સ સિસ્ટમ, પિનાકા મલ્ટી લોંચ રોકેટ સિસ્ટમ અને ૧૫૫ એમએમની આર્ટિલરી ગન નિકાસ કરે છે. મહત્ત્વની વાત એ છે કે ભારતના હથિયારોની ખરીદીની યાદીમાં ટોપ-૩ દેશમાં અમેરિકા અને ફ્રાન્સ પણ સામેલ છે.

બ્રહ્મોસ સુપર સોનિક મિસાઈલને ભારતનું બ્રહ્માસ્ત્ર કહેવામાં આવે છે. દુનિયાના ઘણા દેશો બ્રહ્મોસ ખરીદવા માટે ઉત્સુક છે. દક્ષિણ આફ્રિકા, સાઉદી અરબ, સંયુક્ત અરબ અમિરાત, ઈન્ડોનેશિયા, વિયેતનામ અને ઈજીપ્તને પણ બ્રહ્મોસની ખરીદીમાં રસ છે. 

ભારત ઘણા દેશોને બુલેટપ્રુફ જેકેટ, નાઈટ વિઝન કેમેરા, આટલરી ગન, આકાશ મિસાઈલ, બખ્તરબંધ ગાડીઓ અને રડાર નિકાસ કરી રહ્યું છે. ભારતથી હેલીકોપ્ટરની પાંખ અને એરક્રાફ્ટના અમૂક હિસ્સા અમેરિકા પણ ખરીદે છે. અમેરિકા ઘણો અન્ય સામાન પણ ભારત પાસેથી ખરીદે છે. બીજી તરફ ફ્રાન્સને ભારત સોફ્ટવેર અને ઈલેક્ટ્રોનિક ઉપકરણ આપે છે. ભારતની રક્ષા નિકાસ ૨૦૨૩-૨૪મા ૨૧ હજાર કરોડને પાર પહોંચી હતી. ૧૦ વર્ષ પહેલા આ આંકડો ૬૦૦ રોડ રૂપિયા હતો. રક્ષા નિકાસમાં દર વર્ષે ૨૦ ટકાથી વધારે વૃદ્ધિ થઈ રહી છે. મોદી સરકાર મેક ઈન ઈન્ડિયા યોજના હેઠળ ડિફેન્સ પ્રોડક્શનને પ્રોત્સાહન આપી રહી છે.

તાજેતરમાં પુણેની સિમ્બાયોસિસ સ્કિલ્સ એન્ડ પ્રોફેશનલ્સ યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારંભમાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહએ કહ્યું હતું કે 'છેલ્લા દસ વર્ષમાં શસ્ત્રોનું ઉત્પાદન ૪૬,૦૦૦ કરોડથી વધીને ૧.૫ લાખ કરોડ પર પહોંચી ગયું છે. એમાં પણ પ્રાઈવેટ સેક્ટર દ્વારા ૩૩,૦૦૦ કરોડનાં શસ્ત્રોનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.  એટલું જ નહીં, ૫૦,૦૦૦ કરોડનાં શસ્ત્રો એક્સપોર્ટ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.'

આપણે માટે ખુશીની વાત એ છે કે ભારત હવે કેટલાંક હાઇટેક શસ્ત્રોની પણ નિકાસ કરી રહી છે. 'ઓપરેશન સિંદૂર' દરમિયાન એર ડિફેન્સ સિસ્ટમ 'આકાશતીર'ની સફળતા પછી અન્ય દેશો પણ તેમાં રસ લઈ રહી છે. 'આકાશતીર' ફુલ્લી ઓટોમેટેડ એર ડિફેન્સ કન્ટ્રોલ એન્ડ રિપોર્ટિંગ સિસ્ટમ ભારતમાં વિકસાવવામાં આવી છે. 'આકાશતીર'એ તાજેતરમાં 'ઓપરેશન સિંદૂર' દરમિયાન જબરદસ્ત યુદ્ધ ક્ષમતા દર્શાવી હતી.

શત્રુના વિમાનો, ડ્રોન્સ, મિસાઇલ્સ વગેરેની ભાળ મેળવવામાં, સતત તેનું પગેરું મેળવવામાં અને નષ્ટ કરવામાં આકાશતીર બેજોડ એર ડિફેન્સ સિસ્ટમ છે. રડારની વિવિધ સિસ્ટમ્સ, સેન્સર્સ, કમ્યુનિકેશન ટેક્નોલોજી વચ્ચે સંકલન કરીને એક સ્થળેથી બીજા સ્થળે વાહનમાં લઈ જઈ શકાય તેવી વિશેષતા આકાશવીરને ચડિયાતું બનાવે છે. 

ભવિષ્યના યુદ્ધમાં ડ્રોન્સ અને સિગ્નલ જામ કરવાની ટેક્નોલોજી અને પારંપારિક શસ્ત્રસંરજામ બન્નેનો ઉપયોગ કરવામાં આવશે અને બન્ને માટે તૈયાર રહેવું પડશે તેવું  એક સંરક્ષણ વિજ્ઞાાનીએ કહ્યું હતું.

ડીઆરડીઓનું એક ડિવિઝન ધ એરોનોટિક્સ ડેવેલોપમેન્ટ એજન્સી (એડીએ) એઆઇ-સંચાલિત પાયલોટ્સ, નેટ-કેન્દ્રિત યુદ્ધ પણાલિ અને ઇન્ટરનલ વેપન બેયઝ જેવી અત્યાધુનિક ટેક્નોલોજીસ વિકસાવી રહ્યું છે. ભવિષ્યમાં રોબોટ્સ યુદ્ધના મેદાન પર સૈનિકોનું સ્થાન લેશે તેવી સંભાવના પણ છે.

ભારતની  જાહેર ક્ષેત્રની બે કંપનીઓ હિન્દુસ્તાન એરોનોટિક્સ-(એચએએલ) અને ભારત ઇલેકટ્રોનિક્સ-(બીઇએલ)ને આ વર્ષે 

દુનિયાની ટોચની ૧૦૦ શસ્ત્ર કંપનીઆની યાદીમાં સ્થાન મળ્યું  છે. ૩.૩ અબજ ડોલરના શસ્ત્રોના વેચાણ સાથે હિન્દુસ્તાન એરોનોટિક્સને ૪૨મું અને ૧.૮ અબજ ડોલરના શસ્ત્રવેચાણ સાથે ભારત ઇલેકટ્રોનિક્સને ૬૩મું સ્થાન આ યાદીમાં મળ્યું છે. ભારતીય સશસ્ત્ર દળોએ આપેલા ૧.૪ મિલિયન ડોલરના ઓર્ડર્સથી આ બંને કંપનીઓને મોટો ફાયદો થયો હતો. જો કે, બંને કંપનીઓનું કુલ વેચાણ ગયા વર્ષે થયેલા શસ્ત્રોના કુલ ૫૯૨ અબજના ડોલરના વેચાણમાં માંડ ૦.૮ ટકા હિસ્સો બની રહ્યું હતું.    બીજી તરફ ચીનની આઠ કંપનીઓને ટોચની ૧૦૦  શસ્ત્રઉત્પાદક કંપનીઓમાં સ્થાન મળ્યું છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોમાં મુખ્ય શસ્ત્ર નિકાસકાર પણ બની ગયું છે. જો કે, ૨૯૯ અબજ ડોલરના શસ્ત્રસોદાઓ સાથે યુએસની ૪૦ કંપનીઓનો ટોચની સો શસ્ત્રઉત્પાદક કંપનીઓની યાદીમાં એમાં દબદબો જળવાઇ રહ્યો છે.

આનંદની વાત એ છે કે આપણું ગુજરાત પણ શસ્ત્રના ડેવલપમેન્ટ અને નિકાસની બાબતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. તાજેતરમાં ડેપ્યુટી આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ એસ.એસ. હસબનીસે કહ્યું હતું કે ભારત અત્યારે પડોશી દેશોના કારણે કેટલીક વિપરિત પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. જેથી ભારતીસ સૈન્યને અત્યારે તમામ પ્રકારના મજબૂત અને ખડતલ હથિયારોની જરૂર છે. આ હથિયારોની ઉત્પાદનની તક તેમજ આર્મીની નડતરરૂપ થતી કેટલીક સમસ્યાઓનું સમાધાન ભારતમાં જ કરવામાં આવે તો ઘણો ફાયદો થાય તેમ છે. તેથી જ આર્મી આઈ.આઈ.ટી. ગાંધીનગર સહિતની કેટલીક પ્રતિષ્ઠિત તકનિકી સંસ્થાઓ સાથે મળી વિવિધ પ્રોજેક્ટ પર કામ કરે છે. હવે ભારતે સંરક્ષણ ઉત્પાદનોની ડિઝાઈન અને સંશોધન માટે વિદેશ પર આધારિત ન રહેવું જોઈએ. ગુજરાતમાં સંરક્ષણ ઉત્પાદન અને સંશોધન માટે ઘણી તકો રહેલી છે. તાજેતરમાં જ હજીરાની એક ફેક્ટરીમાં ભારતીય ડિઝાઈનનની આર્ટીલરી ગન(ટેન્ક) તૈયાર કરવામાં આવી છે, જે સંરક્ષણક્ષેત્રે ભારતની સિદ્ધિ છે.

મહારાષ્ટ્રની  બે કંપની સોલાર ગુ્રપ ઓફ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ અને  મ્યુટિશન ઈન્ડિયા લિમિટેડ ૩૦૦ કરોડ રૂપિયાના રો કેટ્સ નિકાસ કરે છે,  આ રોકેટ્સ રશિયન સ્મેરક રોકેટની ડિઝાઈન  પર  આધારિત છે. સોલાર ગુ્રપ ઈન્ડિયન આર્મીને પણ પણ મોટી સંખ્યામાં  રોકેટ્સ સપ્લાય   કરે છે અને આમ કરનાર ખાનગી ક્ષેત્રની  પ્રથમ કંપની છે. 

સંરક્ષણ ઉત્પાદન વિભાગના સચિવ અજય કુમારે કહ્યું હતું કે આજથી ૧૨ વર્ષ પહેલાં ચીન સંરક્ષણ ઉત્પાદોની આયાતમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંકે હતું. ત્યારબાદ તેણે મહત્વના સંરક્ષણ પ્રોજેક્ટો પોતાના દેશમાં જ શરૂ કર્યા અને આજે ચીન સંરક્ષણમાં ઉત્પાદનોની નિકાસમાં વિશ્વમાં ત્રીજા ક્રમે છે. આમ ભારત પણ સંરક્ષણ ઉત્પાદનોની નિકાસમાં આગળ વધી શકે છે. સંરક્ષણ ઉત્પાદનોના સ્પેર પાર્ટસ અને મેઇન્ટેનન્સ માટે ભારતે રશિયા પર આધારિત રહેવું પડે છે અને તેના માટે વર્ષે અબજો રૂપિયાનું બજેટ ફાળવવું પડે છે. આ કંપનીઓ વિદેશી હોવાથી તે જો સ્પેર પાર્ટનું ઉત્પાદન કે મેઇન્ટેનન્સ કોન્ટ્રાકટ બંધ કરી દે તો ઘણી સમસ્યાઓ સર્જાય. ભારત જો સંરક્ષણ ઉત્પાદન ઘરઆંગણે કરે તો આયાતના કારણે થતા ખર્ચમાં ૪૦ ટકા બચત થઈ શકે તેમ છે. ઉપરાંત ગુજરાતમાં ઘણી એવી કંપનીઓ છે જે સંરક્ષણ ઉત્પાદનોના સ્પેર પાર્ટનું ઉત્પાદન કરવા સક્ષમ છે.

અમેરિકા જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનનો સાથ આપવો કે નહીં તે મુદ્દે વિચારણા કરી રહ્યું હતું ત્યારે તત્કાલિન અમેરિકન પ્રમુખ રૂઝવેલ્ટને વિચાર આવ્યો હતો કે બ્રિટન સહિતના રાષ્ટ્રો માટે જરૂરી હથિયારો-ટેન્કોનું ઉત્પાદન તે કરશે. આવી રીતે અમેરિકા સંરક્ષણ ઉત્પાદનમાં ટોચનું રાષ્ટ્ર બન્યું. તેવી જ રીતે ભારત અને ગુજરાતમાં પણ સંરક્ષણ ઉત્પાદન માટે અનુકૂળ વાતાવરણ છે. સંરક્ષણ ઉત્પાદનોના ટેસ્ટિંગ માટે ભારતમાં યોગ્ય જગ્યાઓ ન હોવાની સમસ્યા છે પરંતુ ગુજરાત પાસે વિશાળ રણ વિસ્તાર અને લાંબો દરિયાકાંઠો છે જે સંરક્ષણ ઉત્પાદનોના ટેસ્ટિંગ માટે અનુકૂળ જગ્યા છે.

હવે તો સંયુક્ત સંરક્ષણ ઉત્પાદન અને ટેકનોલૉજીને વિસ્તારવા અમેરિકા સાથેની ભારતની તાજેતરની સમજૂતી યુરોપ અને એશિયાના તેના ભાગીદારો સાથે પણ નવા કરારો ભણી લઈ જશે, જેનાથી ભારતનાં સંરક્ષણ ઉત્પાદનમાં પરિવર્તન આવશે અને શસ્ત્રોની નિકાસમાં ખૂબ વધારો થશે.

કેટલાક  ખાનગી સમુહો સરકાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવા તૈયાર છે અને પત્ર લખીને  સરકારને એ બાબતે તેમણે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં  કેટલાક ખાનગી ગુ્રપ સાથે બેઠક યોજવામાં આવશે અને વ્યૂહનીતિ તૈયાર કરાશે.  ખાનગી જૂથો સાથે સરકાર કઈ રીતે ભાગીદારી  કરી શકે અને  દેશની લશ્કરી  નિકાસ વધારી શકાય એની જવાબદારી  ભૂતપૂર્વ આર્મી જનરલ વીકે સિંહને સોંપવામાં આવી હોવાનું તેમણે  કહ્યું હતું.

કોઇ પણ શસ્ત્ર જંગના મેદાનમાં પોતાની ક્ષમતા બતાવી આપે તો  તેનો આપમેળે ઉત્તમ પ્રચાર થાય છે. ઓપરેશન સિંદૂરમાં સફળ થયેલા આપણા શસ્ત્રો ખરીદવા તરત જ ૧૫ દેશ ઉત્સુક બન્યા હતા.

આગળ જણાવ્યું તેમ હાલ અમેરિકા, રશિયા અને ફ્રાન્સ સહિત ૧૦૦ જેટલા દેશ ભારતમાંથી નાના-મોટા શસ્ત્ર અને દારૂગોળાની આયાત કરે છે. આ દેશો ભારતના સંરક્ષણ ઉત્પાદનોની ગુણવત્તા અને સચોટતાથી  ભારે પ્રભાવિત છે. આ બધા ઉત્સાહજનક સંજોગો  છતાં ભારતે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા કેળવવા હજી ઘણો લાંબો પંથ કાપવાનો છે. વક્રતા એ છે કે યુદ્ધ વિમાનોના મામલે આપણે હજી અંતરાયોને પાર કરી શક્યા નથી. તેજસ વિમાનો માટે એચએએલને પૂરતા પ્રમાણમાં એન્જિન મળતા નથી. તો આધુનિક સ્ટીલ્થ વિમાનો માટે આપણે હજી મહાસત્તાઓની ઉપર આધારિત રહેવું પડે છે.

આમ શસ્ત્રોની  નિકાસ ક્ષેત્રે આશાસ્પદ સંજોગો હોવા છતાં સંરક્ષણ ક્ષેત્રે હજી લાંબો પંથ કાપવાનો બાકી રહે છે.