- આજમાં ગઈકાલ - ભગીરથ બ્રહ્મભટ્ટ
- આ વર્ષે કમોસમી વરસાદે ભારે નુકસાન કર્યું. ખેડૂતો બેહાલ થયા, પરંતુ તેમ છતાં વરસાદ વગર આપણને ચાલવાનું નથી, તેથી વરસાદનો વિદાયમાન સમારંભ યોજવો જોઈએ!
આપણે વરસાદને વિદાયમાન કેમ નથી આપતા ? જેને સ્વર્ગના દેવોએ પૃથ્વી ઉપર કૃપા રૂપે મોકલ્યો છે અષાઢ આવતાં જ આપણી આંખો આભે મંડાય છે, તે તે જોવા ખેડૂતો આકુળ વ્યાકુળ થઈ જાય છે - એના આગમનનો વિલંબ એમનાથી વેઠાતો નથી. વરસાદ એ જ જીવન છે, પંડનાં સંતાનો કરતાંય વરસાદને ખેડૂતો વધારે વ્હાલ કરે છે - વરસાદ શ્રદ્ધા અને આશાના તંતુને સુદ્રઢ કરે છે. ધરતીના સજીવો એનાથી ટકે છે. વરસાદ વરસે તો અન્ન થાય - અન્નથી જીવ જન્મે અને ટકે એ ઉભય ઘટના બને છે. વરસાદ વિલાઈ કે મુરઝાઈ ગયેલી બધી મુદ્રાઓ પ્રફુલ્લિત કરે છે. એવા વરસાદનાં વધામણાં થવાં જોઈએ. પૃથ્વીવાસીઓ ક્યાંક ક્યાંક એનો આદર-સત્કાર કરે છે. કચ્છ-ભુજમાં હમીરસર તળાવ છલકાય છે ત્યારે તેનાં વધામણાં થાય છે તે વરસાદનાં જ છે. એમ વૃક્ષો આંખો મીંચીને જે રીતે વરસાદને પીલે છે તેમાં પણ મૂક આવકાર જ છે, વરસાદ એવો કુબેર ભંડારી છે કે તેણે માનવજાતની કોઠી ક્યારેય ઠાલી રહેવા દીધી નથી માણસે આવા વરસાદને ક્યારેય વિદાયમાન આપ્યાં નથી. 'ગરજ મટી એટલે વૈદ્ય વેરી' એ કહેવત અહીં સાર્થક થાય છે. જે ઉત્સાહથી આપણે સન્માન કરીએ છીએ તેવો ઉમંગ વિદાયમાં નથી હોતો.
વરસાદને જોઈ ધરતી ઘેલીઘેલી થઈ જાય, વાદળો ઘેરાય, પંખીડાં ગાય, વીજળી ચમકે અને ગડગડાટી થાય દેડકાંના ડાકલે વૃક્ષો ધૂણે, પવન હોંકાટા નાખે. નેવાં ટપટપ થાય. ખેડૂતોએ ખેડીને કંસાર જેવાં બનાવેલાં ખેતરોમાં વરસાદ પડે એટલે જાણે નભની વાઢીમાંથી ઘીની ધાર પડે ! ખેતરની માટીમાંથી અત્તર વહેવા માંડે ! વાડ અને વનસ્પતિને વાચા ફૂટે, વૃક્ષો વિસ્તરે તથા સીમની કાયામાં ઓરતાના અંકુર ફૂટે. ગાય, ભેંસ અને બળદ જેવા અબોલ પશુના મુખમા લીલાચારાની લાળ વછૂટવા માંડે ! તોફાની તડકા વરસાદી વ્હાલથી ટાઢા-બોળ બની જાય છે. સૂરજ સંતાય છે, દિવસ ઢંકાય છે, પવન પડી જાય છે અને ઉમંગો છલકાય છે.
વૃક્ષો, વેલીઓ વરસાદમાં ન્હાય છે. પંખીઓ ગાય છે. ધરતીના ઉદરમાં કંઈનું કંઈ થાય છે - પવન મીઠું મીઠું દ્રુત વિલંબીત વાય છે - ધોળે દિવસે અંધારાં છવાય છે ને વાદળો ઘેરાય છે, યક્ષિણીઓ ઘવાય છે. નદી, વાવ, તળાવ અનેકૂવા છલકાય છે. આકાશ પણ ધરાનો હરખ વધાવવા હેઠે આવી જાય છે. આ છે વરસાદનો ભાવ-પ્રભાવ ! વાડે વેલા, વેલા પર કંકોડાં, ડોડાં, કારેલાં, દૂધી, તુરિયાં અને ગલકાં આસન જમાવે છે. વાડેવાડે, શેઢે વનમાં વિવિધ ફૂલો વટ્ટ મારે છે - પરફૂયમને પાછાં પાડે એવી એની ફોરમ ચોમેર પ્રસરે છે. એવો શ્રેયસ્કર વરસાદ જો વિદાય વગર જ ચાલ્યો જાય, તો તે વાજબી કહેવાય ?
એ વરસાદ આંખોને સૌંદર્ય પૂરુ પાડે છે, તો આપણા કાનને સંગીત સંભળાવે છે નાકને સુગંધ, જીભનો સ્વાદ સીમ ખેતરમાં બી રૂપે, પેરાય /વવાય છે ને એમાંથી સ્વાદનો અંકુર ફૂટે છે, જે અંકુર - ધાન થઈ ખેતરના ખળે જઈ ખેડૂતના કોઠારમાં ઠલવાય છે. એમાથી જીવો જન્મે છે તે ટકે છે. ચોમાસુ, પોષક ઋતુ છે. વરસાદ પણ કમાણી કરતા બાપા જેવો, નોકરી જતા મોટાભાઈ જેવો સંસાર પોષક છે... એના આગમનનો આનંદ કોને ના હોય ? વાચા વગરનાં પશુ પંખી પણ પ્રસન્નતાનો અનુભવ કરે છે. સજીવોની પ્રસન્નતાને પોષવાનું કામ વરસાદનું છે.
આમ ભગવાનનું રૂપ ધરીને પ્રસન્નતા લાવતો વરસાદ, કુબેર ભંડારી છે - રાજા છે એટલે તો એને મેઘરાજા કહીએ છીએ. વરસાદ માતા છે, પિતા છે - પરમાત્મા પણ છે. જીવનની ઘણી સંભાવનાઓ તે પુરી પાડે છે - વરસાદે આપેલી પ્રસન્નતામાંથી તહેવારોનાં દ્વારો ખુલે છે - પ્રસન્નતા ના હોય શું વહેવાર કે શું તહેવાર ? નવરાત્રિ, દશેરા અને દિવાળીના તહેવારોને એ વરસાદ નોતરે છે.
આપણા તહેવારોનો પ્રારંભ વરસાદ પછી થાય છે. એટલે એ ઉત્સવોની નિમંત્રણ પત્રિકા વરસાદ લખી મોકલે છે. કુબેર ભંડારી વરસાદે પકવેલા ધાનના ઢગ કોઠારમાં નાખી તહેવારોની તહેનાતમાં માણસ એવો તો ડૂબી જાય છે કે વરસાદની કૃપાને ઘડીભર ભૂલી જાય છે. માણસ ખરીદી કરે છે. નૂતન કપડાં, નૂતન મિષ્ટાન્ન, નૂતન શણગાર, નૂતન અસબાબ, ફટાકડા અને દવાદારૂ એ બધું જ વરસાદની કૃપામાંથી આવે છે. આણાં-ટાણાં-જિયાણાં એ ઉકેલે છે. એ માનવજીવનનું કેન્દ્ર, શસ્ત્ર અને શાસ્ત્ર ત્રણેય છે. હવે કહો, આટલી બધી અનરાધાર કૃપા જેની માનવજાત ઉપર છે તો માણસે એનો આભાર માનતો વિદાયમાન સમારંભ ન યોજવો જોઈએ ?
કોઈએ, ક્યારેય, ક્યાંય વરસાદને વિદાય આપી હેતપૂર્વક 'આવજો' કહ્યા નથી. જેટલો એનો આગમન દરમિયાન આદર થયો છે તેટલો ભવ્ય વિદાયમાનનો કાર્યક્રમ યોજાયો નથી. જો ભવિષ્યમાં કોઈને એવો સમારંભ યોજવો હોય તો એના પ્રમુખસ્થાનની, અતિથિ વિશેષની અને પ્રાસંગિક વક્તવ્યો કરનારાની યાદી બનાવવી પડે. અલબત્ત એ અંગે કોઈએ કંઇ વિચાર્યું જ નથી.
વરસાદના વિદાયમાન સમારંભનું પ્રમુખસ્થાન ધરતીને આપજો. ખેતર અને ખેડુને અતિથિ વિશેષ તરીકે નિમંત્રણ આપજો. કાર્યક્રમનું સંચાલન ચાતક પાસે કરાવજો. મયૂરને પ્રાર્થના કરવાનું કહેજો. કોયલ, દેડકા, બળદ, વાડ-વેલા-વનસ્પતિ પાસે પ્રાસંગિક વક્તવ્યો કરાવજો. ફૂલોની જાજમ ઢાળજો, વૃક્ષોના ટેકે તડકાનો મંડપ રોપાવજો. પર્ણોનાં તોરણ બંધાવજો. નેવાં પાસે શુભ સંદેશા વંચાવજો અને માટીને આભારવિધિ માટે વિનંતી કરજો. છેલ્લે એ વરસાદે પકવેલા નૂતન ધાનનો પ્રસાદ વહેંચી સૌ પ્રેક્ષકોને પ્રસન્ન કરજો. આ મુજબ અભિવાદન કરશો તો માનવજાતને લાગેલું કૃતઘ્નતાનું કલંક કદાચ દૂર થશે.


