Get The App

કિચનમાં ચટણીની જેમ ક્વીન પીસાય છે? મિસિસ બન્યા પછી મિસ હોવાનું 'મિસ' થાય છે?

Updated: Mar 9th, 2025

GS TEAM


Google News
Google News
કિચનમાં ચટણીની જેમ ક્વીન પીસાય છે? મિસિસ બન્યા પછી મિસ હોવાનું 'મિસ' થાય છે? 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- અપેક્ષાઓ ફરી ગઈ છે સંસારજીવનની. એક સમયે પુરુષ કમાવા જતો ને સ્ત્રી ઘરમાં રહેતી. આજે બેઉ કમાવા જાય છે. બહાર નીકળે છે. પણ ઘરકામમાં ભારતીય પુરુષ એટલો ભાગ નથી પડાવતો. અરે,વળતરમાં સરખા વખાણ કે વ્હાલ પણ નથી કરતો! 

હું કહું તેમ કરો

ક્યારેય નહીં તો આજે તો કરો

વધુ નહીં તો ખાલી આ પાના ઉપર

તમારી આંખની ધારે ધાર કાઢતા 

આ શબ્દોને વાંચ્યા પછી

હું કહું તેમ કરો.

ડાકણનું પુંલિંગ કરો

ડાકઘર આસપાસ હોય તો ભલે રહ્યું

કણ એક માટે પરસેવો પાડો પણ

ગમે તેમ કરીને ડાકણનું પુંલિંગ કરો.

એક લાજવાબ ઘર વિશે 

જવાબ આપો: વેશ્યાઘર 

તે સ્ત્રીનું ઘર કે પુરુષનું ઘર 

કે બંનેનું ઘર ?

કાયદાનાં થોથાં ઉથલાવવાનું માંડી વાળો

વેશ્યા જો સ્ત્રી હોય તો 

તેની પાસે જનાર પુરુષને 

કોઈ નામ આપો

દામ આપીને કામ પતાવતા 

આ કામ-પંથીઓ માટે

આ કરવા જેવું કામ છે

ગૃહિણી અને ગૃહપતિનું 

કાર્યક્ષેત્ર નક્કી કરો. 

છાપું વાંચ્યા પછી ચાના પ્યાલામાં 

વાવાઝોડું જોતા પુરુષને

કૂકરમાં ભેગી થતી 

વરાળનું રહસ્ય સમજાવો 

અને સમજાવો તેને કે 

સ્ત્રીનું મગજ ક્યારેક ક્યારેક 

કૂકર જેવું બની જાય

જો હૈયાની વરાળ ઠાલવવા 

જેવું પાત્ર તેને ન મળે તો

આ પાત્ર એટલે 

કેવું પાત્ર તેની વ્યાખ્યા આપો.

પુરુષનું મંગળ ઇચ્છતી સ્ત્રી

તેના નામનું સૂત્ર 

ગળે વીંટતી હોય તો

સ્ત્રીનું મંગળ ઇચ્છતા પુરુષના 

ગળામાં કયું સૂત્ર શોભે

તેની સવિસ્તર ચર્ચા કરીને 

બંધબેસતો ઉત્તર આપો

ક્યારેય નહીં

તો આજે તો આટલું કરો

વધુ નહીં તો ખાલી આ પાના ઉપર.

સ દગત નીતા રામૈયાની આ સળગતી કવિતા છે. એમાં સાચા સવાલો છે, અણી કાઢતા. જેના જવાબો પુરુષપ્રધાન યાને પેટ્રીઆર્કિ વાળા પિતૃસત્તાક સમાજ પાસે નથી. આપણે ત્યાં સમાજ શબ્દ આવે એટલે માનસિક ચિત્ર જ પુરુષોનું ઉભું થઇ જતું હોય છે. કારણ કે આપણે એક સામાજિક કાવતરું કર્યું છે. સંસ્કૃતિની સુરક્ષા કરવાની જવાબદારી સ્ત્રીઓના નાજુક ખભા પર નાખી દીધી છે ! સ્ત્રી કેવા કપડાં પહેરે એના એની ખીંટી પર સંસ્કારિતાનો માપદંડ લટકતો હોય એમ મોટા ભાગના ધર્મસ્થાનોમાં હવે ભારતમાં પણ રેડિકલ ઇસ્લામની રૂઢિચુસ્ત મર્યાદા સીધી કોપીપેસ્ટ કરી સુચના લખાય છે. જાણે સ્ત્રીના આછાં વસ્ત્રો પર બીજા પુરુષ ભક્તો કે સંતોની મર્યાદા સાચવવાની મજબૂતાઈ અપેક્ષિત છે.  સનાતન સનાતન જપતા જપતા ઈરાન ને અફઘાનિસ્તાનના માર્ગે ચાલવાને ભારતીય વારસો સમજનારા ના તો એ દેવસ્થાનોમાં પ્રાચીન શિલ્પો જુએ છે, ના તો એ દેવતાઈ ચરિત્રોની પુરાતન ગાથાઓ વાંચે છે. બસ, સ્ત્રી મિની કે બિકિની ધારણ કરે તો સમાજ રસાતાળ થશે એ જ કાયમી ફિકર કથિત ફકીરીના ચોગા તળે કર્યા કરે છે !

સ્ત્રી એકલી ફરવા કે ફિલ્મ જોવા જાય કે પછી તૈયાર થઇ શણગાર સજી જોબ પર જાય કે ભણવા જાય, શિખામણોના પોટલા એણે જ કાયમ ઉંચકવાના છે. એમ.એફ.હુસેને માધુરીને લઇ એક અદ્ભુત ફિલ્મ બનાવેલી. ગજગામિની. જેમાં કાલીદાસની શકુંતલા અને વિન્ચીની મોનાલિસાને નાયિકા બનાવી પૂર્વ પશ્ચિમનો સંગમ કરેલો. ફિલ્મ એટલી તો અદ્ભુત કલાત્મક હતી કે મોટા ભાગનાને તો સાવ ઉપરથી ગઈ. ફેશન મોડલ રેમ્પ વોક કરે ત્યારે ડાબેજમણે કાયા લહેરાવતી લટકમટક ચાલ કુદરતી ધરાવતી ના હોય તો ટ્રેેનિંગમાં માથે કોઈ વજનદાર ચીજ ઈંટ કે પુસ્તક રાખી ચાલવાનું કહેવાતું. ચાલ સહેજ ધીમી અને લચકદાર બને. એવી ચાલ ધરાવતી સ્ત્રીને પ્રાચીન સંસ્કૃત સામુદ્રિકશાસ્ત્રમાં ગજગામિની કહેવાય. એ ફિલ્મમાં પાંચેક અલગ અલગ કાળની સ્ત્રીની ભૂમિકામાં મલપતી ચાલે ચાલતી દેખાતી માધુરીના માથે એક પોટલું હતું. એ 'ગઠરી' પર એક ગીત પણ હતું. જાવેદ અખ્તરે મિસિસ ફિલ્મવાળા ઘોડિયામાં હશે ત્યારે લખેલું 'યે ગઠરી તાજ કિ તરહ ઉસ ઔરત કે સર...' એમાં આવતું હતું આગળ કે 'મેરી પહેચાન ચહેરા નહિ, મેરી પહેચાન હૈ મેરે પૈરોંમેં દબી ઘૂંઘરું કી આવાઝ...'

તો સમાજે સદીઓથી સતીત્વની ગઠરી સ્ત્રીની માથે મૂકી દીધી છે. બળાત્કાર પુરુષ કરતો હોય તો પણ ઘરની બહાર નીકળવાના કે ફેશનના પ્રતિબંધો સીધા સ્ત્રી પર આવી જાય. એની જવાબદારી પણ બેવડી ને વિરોધાભાસી. એણે કાયમ  આકર્ષક સુંદર પણ દેખાવાનું (જેમકે હાથ પગ પર વેક્સ કરી વાળ કાઢવાના, અને મસ્તક પર લાંબા વાળ રાખવાના ) અને એણે જ પાછું સોહામણું રૂપ સતત ઢાંક્યા પણ કરવાનું ! કવિતામાં ફરિયાદ છે એમ સેક્સ વર્કર તરીકે કામ કરે તો એ ચરિત્રહીન ગણાય, પણ એને ત્યાં ગ્રાહક તરીકે જનાર પુરુષને લાંછન ના લાગે ! વધુ રાણીઓ કે બેગમો ધરાવનાર નર રજવાડી કે નવાબી પણ વધુ પુરુષો સાથે દોસ્તી ધરાવનાર નારી લૂઝ કેરેક્ટર ! સાધુઓ કહેવાતા ચોક્કસ સ્વામીઓ સ્ત્રીનું મોં જોઇને પોતે આઘા ના જાય પણ સ્ત્રીને ઉઠાડીને આઘે મોકલે ! એમનો સંન્યાસ ને સંયમ જાળવવાની રખેવાળી પણ સ્વમાન ગળી જઈને સ્ત્રીએ ભક્તિપૂર્વક સાચવવાનું. ભલે એ ડૂબકી મારવા જાય તો પણ એના વિડીયો બનાવી વેંચવામાં આવે પણ સ્વામીઓના બ્રહ્મચર્યને ડૂબવા નહિ દેવાનું ! ઇન્ડીવિજ્યુઅલ જેલ જેવો બુરખો પહેરીને એટલે ફરવાનું કે જમીનના પ્લોટની જેમ પોતાના પર દસ્તાવેજી હક ધરાવતા પુરુષ જ એને જોઈ શકે, નાપાક કહેવાય ખુલ્લા માથે નીકળે તો અને ઈરાની મુલ્લાઓ કે તાલિબાનો એની કતલ કરી નાખે પણ પોતાની નજર ના સુધારે !

વળી આ ગઠરીમાં આપ્યું છે ઘર. હસબન્ડની વાઈફ નહિ, હાઉસની વાઈફ. દરેક દેશ અને ધર્મમાં સાસરે તો સ્ત્રીઓએ જ જવાનું. સ્ત્રી સાસરે જાય ત્યારે કરિયાવર તો લઇ જાય, સુખી શ્રીમંત પરિવાર હોય તો નવું ઘર પણ ખરીદે. પણ પોતાનું બાળપણ કેવી રીતે સાથે લઇ જાય ? વાસણો લઇ જાય, પણ જે ઘરમાં મોટા થયા હોય એનો સ્વાદ કેવી રીતે લઇ જવો ? કપડાંદાગીના આવે પણ મિત્રો થોડા બેગમાં ભરીને સાસરિયે લઇ જઇ શકાય છે ? એક સ્ત્રીને પરણે એટલે  મિનિમમ બે જિંદગી કાયમ જીવવી પડે છે. સ્ત્રી એ રીતે પહોંચી વળે એવી છે કારણ કે એને માસિકસ્ત્રાવમાં લોહી ને રસોડામાં આગ સાથે યુગોથી પનારો પડે છે. પુરુષ એના વિના બેબાકળો થઇ જાય છે ! એટલે વહુ તરીકે ઘર સંભાળવાની ગઠરી પણ માથે મુકાઈ જાય. ગમે તેવી પ્રોફેશનલ કરિઅર હોય કે ઉચ્ચ અભ્યાસ હોય, ઘરકામ યાને ડોમેસ્ટિક વર્ક તો માથે ગાજતું જ રહે. બાળકો પેદા કરવાના ને ઉછેરવાના હોય તો એ પણ અને મસાલા ભરવાના કે કપડાં ગોઠવવાના હોય તો એ પણ ! અને પાછા આટલા બોજા છતાં બીજા ઘરના સભ્યો પારકી એપમાં સ્ટાર રેટિંગ આપે, પણ ઘેર ઉમળકાથી આભારના બે શબ્દો પણ ના કહે !

યસ, કોર્પોરેટ વર્લ્ડમાં  ૯૦ કલાક કામ કરવાનું કહો તો પણ હોહા થઇ જાય છે, પણ આજીવન ફૂલટાઈમ કામ કરતી ગૃહિણીની કદર કેટલી થાય છે આ માટે? એનું પગારપત્રક તો બને એમ નથી. બનાવો તો પણ ઘરના બે છેડા ભેગા કરવાની જન્મજાત કરકસર માએ જ શીખવાડી હોય ત્યાં એને રૂપિયા એમ વેડફવા ગમે નહિ. હા, હવે જે જનરેશન આવી છે, એ બહુ રૂપિયા બચાવીને ટેક્સમાંથી ભ્રષ્ટ લોકોના ઘર ભરવાને બદલે જાતે જ વાપરવામાં માને છે. આ વડીલોએ સમજવાનું ને પછી બદલવાનું છે. આપણા જ દીકરા કે દીકરી સજોડે મોજમજા કરે એમાં રાજી થવાનું હોય કે રોષમાં આવી જવાનું હોય ? એવું કેમ થાય કે અગાઉ આ જ વિટંબણામાંથી પસાર થનાર સાસુ કે નણંદ પોતે દુખી થયા હોય ત્યારે અવાજ ઉઠાવવાને બદલે એ સુખ સામે નવી આવતી વધૂને હેરાન કરી સુખ મેળવવા જાય ? મહેન્દ્રસિંહ ધોની મર્દ નથી ? પણ પ્રેમલગ્ન કરી આવેલી પત્નીના શૂઝની દોરી બાંધવા સ્ટાફને નથી બોલાવતો. જાહેરમાં કોઈ શરમ વિના ખુદ ઝુકી જાય છે. વિરાટ અનુષ્કા સાથે ફરે તો વહુઘેલો નથી, લવિંગ હસબન્ડ છે. ચહલને ધનશ્રીને ના ફાવ્યું ને અલગ થયા તો એમાં કોઈ વિલન નથી. ડિવોર્સ એક જરૂરિયાત છે, કોઈ ક્રાઈમ નથી.

પણ આપણે ત્યાં હજુ કાયદામાં પરસ્પર સહમતીથી છૂટા પડવાની છૂટ છે, એડલ્ટરી કે ક્રૂઅલ્ટી જેવા કારણોથી છૂટાછેડા મળે. પણ બેમાંથી એક પાત્ર મનમેળ નથી એમ કહી ડિવોર્સ માંગી ના શકે ! કેમ મનમેળ સમય જતા મિત્રો કે પરિવારના સ્વજનો કે પાડોશીઓનો પણ સરખો નથી રહેતો ! એડવોકેટ મિત્ર રથીન રાવલ તો કહે છે કે મોટે ભાગે જે પ્રોફેશનલ જોબ કે બિઝનેસમાં હોય એવી સ્ત્રીઓ છૂટા પડવામાં ઓછી માથાકૂટ કરે, પણ જે માત્ર ગૃહિણી જ રહી હોય એને અસલામતી એટલી લાગે કે એ વન વે સેપરેટ થયા બાદ પણ ઝટ ડિવોર્સ ના આપે. કદાચ એવું હોય કે મોટા ભાગના કેસમાં એમને આગળ પોતાની દુનિયા દેખાય જ નહિ ? ગૃહિણી થયા બાદ બાકીની દુનિયા સાથે સંબંધ જ કપાઈ ગયો હોય !

ગ્રેટ ઇન્ડિયન કિચન નામની મલયાલમ ફિલ્મ પરથી બનેલી સાન્યા મલ્હોત્રાની મિસિસથી ફરી આ મુદ્દો ઉછળ્યો છે. અંગ્રેજીમાં કહેવાતા હાઉસવાઈફ શબ્દમાં ગોંધી રાખતી ગુલામીની ગંધ છે. સુપ્રીમ કોર્ટે પણ એને અપમાનજનક ઠેરવ્યો છે. હવે ચલણ હોમ મેકર શબ્દનું છે. ઘર બનાવવું ને ચલાવવું પણ એક મોટું આજીવન ચાલતું ને કદી પૂરું ના થતું કામ છે. સ્ત્રીને ફેમિનિસ્ટ ચળવળીયા કરતા તો સાયન્ટીસ્ટો એ વધુ મુક્તિ આપી એના પર તો દોઢ દસકા અગાઉ લખેલું. ગેસથી લઈને મોબાઈલ સુધીની ફ્રીડમ આવી વિજ્ઞાનની જોડે વામાની પ્રગતિ કરતી. ઘરમાં રહી કામ કરવું ટેકનોલોજીએ આસાન કર્યું. વાસણ સાફ કરવાના હોય, બ્લેન્ડર મારવાનું હોય કે પોતાં કરવાના હોય. કોઈ વાર થાક હોય કે મૂડ ના હોય તો જોઈએ એ એક મેસેજથી મંગાવી લેવાની હોમ ડિલીવરી સુવિધા આવી. એટલે હોમની બહાર જવાની ફુરસદ વધી. 

નવાઈની વાત એ છે કે ગુજરાતીમાં કે ઇવન અંગ્રેજીમાં મિસિસ ફિલ્મ પર લખનારાઓએ એની સોર્સ ફાઈલ ગણાય એવી બે સાહિત્યકૃતિઓનો ઉલ્લેખ સુધ્ધાં નથી કર્યો. એક તો છે નોર્વેજીયન લેખક હેનરિક ઇબ્સનનું અમર નાટક 'ડોલ્સ હાઉસ'. છેક ૧૮૭૯માં લખાયેલા આ નાટકમાં નાયિકા ડોરા ઘણું સહન કરી, ઘણું સુધારવા પ્રયાસ કરી અંતે એના તરફ ઉપેક્ષા કરતા અને એને પોતાના પર આધારિત ગણી ટેક્ન ફોર ગ્રાન્ટેડ લેતા પતિના ઘરનો દરવાજો પછાડી નીકળી જાય છે. તર્ક મહેતા કોલેજમાં હતા ત્યારે વર્ષા અડાલજાને લઈને આ ભજવેલું ગુજરાતીમાં ! અને એનો પડઘો પાડતી હોય એવી વિખ્યાત નવલકથા આવી કુન્દનિકા કાપડિયાની. 'સાત પગલા આકાશમાં' (કાશ, એની સુંદર ફિલ્મ બની હોત હિન્દીમાં!) એમાં પણ મુદ્દો આ જ હતો.

થોડા સમય પહેલા સોશ્યલ નેટવર્ક પર એકનું એક લખાણ ફોરવર્ડ થતું હતું. કોણે લખ્યું એનું પગેરું તો રહે નહિ. એક વ્યથાકથા હતી : સહેલું નથી ગૃહિણી થવું ! રોજ એક જ કામ ને લગાતાર કરતા રહેવું, બહાર કશે ગયા વગર ફક્ત બારીમાંથી બહાર જોતા રહેવું, પોતાને ભૂલી ને બધા માટે જીવવું, બધાની ઈચ્છાને પૂછી ને એને પુરી કરવી, પોતાની ઈચ્છાઓની

 કોઈ કદર ના હોવી, ના કોઈ શાબાશી, ના કોઈ પ્રગતિ. બસ, મહેણાંટોણાના ઇનામથી જિંદગી પસાર કરવાની, પોતાનાઓની જ વચ્ચે કેવળ પોતાના માટે જગ્યા ગોતવાની, પોતાનું અસ્તિત્વ બનાવતા બનાવતા અંતે જિંદગીથી થાકીને ચાલી જવાનું ! 

આમ કેમ ? કારણ કે કન્યા કેળવણી માટે બેટી પઢાઓની ઝુંબેશ કરતા સમાજોમાં કેળવાયેલી કન્યાઓને કેમ જીરવવી એની સમજ ખાસ વિકસી નથી. થોડુક વડીલ ભણાવો અંદોલન કરવું પડે એવી હાલત છે. સ્ત્રી પાસે પહેલા વિકલ્પ નહોતા આઝાદીના. સ્વાદ જ ચાખ્યો નહોતો સ્વતંત્ર હોવાનો. હવે એ સ્વર્ગ હાથવેંતમાં છે. જૂની ઘરેડમાં નવી માનુનીઓ ફિટ નહિ થાય. ગૃહિણીને હવે કિચનમાં કછોટો વાળીને ડાન્સ રીલ કરવી છે. આખો દિવસ પોતાના જ બાળકના ડાઈપર બદલવામાં કંટાળો આવે છે. ભણ્યા હોઈએ તો એ નકામું નથી જવા દેવું. બહાર નીકળો ને બિન્દાસ હો તો સ્વાભાવિક નવી દોસ્તી થવાની. નવા આનંદો જડવાના. પછી રૂટિન લાઈફ વધારે બોરિંગ લાગવાની ! જે છે એમાં સંતોષ નથી થવાનો.

યાદ રાખજો, મિસિસ  ફિલ્મ કે ડોલ્સ હાઉસ નાટક  કે સાત પગલા આકાશમાં નવલકથા બધાની વૈશ્વિક પૂર્વજ છે વાલ્મીકિ રામાયણ. સંસારનું પહેલું સંપૂર્ણ મહાકાવ્ય. અને એનો અંત રામ રાવણ યુદ્ધ પછી ખાધું, પીધું ને રાજ કીધુંમાં નથી. પતિના ઘરનો ખટપટને લીધે ત્યાગ કરતા સીતાજીના વસવસામાં છે, જે રાજ્યના સ્વામી થયા એમને મારા હૃદયના સ્વામી થવામાં સંકોચ થયો ! વાંચજો મૂળ સંસ્કૃત વર્ણન. આજે પૂજાતા જાનકી મક્કમ બનીને પિયર પણ નથી જતા. ઋષિ પાસે રહી બાળકો મોટા કરી ધરતીમાં સમાય છે. ખાલી વર પસંદ કરવામાં સ્વયંવર નથી રચાતો, ઘર છોડવાનો 'સ્વયંઘર' અધિકાર મૈથિલી ભોગવે છે ! આ સમસ્યા આજની નથી, કે આરંભે સ્નેહાળ દામ્પત્ય હોવા છતાં બધી કથાઓ સુખાંત નથી હોતી પતિ પત્નીના મામલે !

માંડ સ્ત્રીઓનો અવાજ ખુલ્યો છે પોતાના ન્યાય માટે, તો પુરુષોને એવો અન્યાય થાય છે એમનો અવાજ સંભળાવવા આપઘાત કરવા લાગ્યા છે વિડીયો બનાવીને ! આમાં ખાલી ફરિયાદથી નહિ ચાલે, ઉકેલનું વાસ્તવિક ચિંતન પણ કરવું પડશે. ૮ માર્ચે ગયેલા ઇન્ટરનેશનલ વિમેન્સ ડેને લીધે આખો મહિનો ઉજવાય છે ઇન્ટરનેશનલ વિમેન્સ મન્થ તરીકે. તો આ અગત્યની ચર્ચા પણ આગામી બુધ કે રવિના લેખોમાં ચાલુ રાખીશું.

ફાસ્ટ ફોરવર્ડ 

મારા પતિ ગઈ કાલના ભોજન માટે

મને 'એ' આપે છે,

ઈસ્ત્રીકામ માટે 'અધૂરું'

અને શૈયાસુખ માટે 'બી પ્લસ.'

મારો દીકરો કહે છે કે 

હું 'સાધારણ સારી' છું,

'સાધારણ સારી' માતા,

પણ મહેનત કરું તો સુધરી શકું.

મારી દીકરી 'પાસ/ફેલ'માં માને છે.

મને કહે છે- 'પાસ.'

એ લોકોને હજી ખબર પડી નથી

કે હું 'ડ્રોપ આઉટ' થવાની છું.

(લિન્ડા પાસ્ટનની કવિતાનો 'ગુણાંક' નામથી ઉદયન ઠક્કરે કરેલો અનુવાદ )

Tags :