Get The App

પાનખરનું ઐશ્વર્ય .

Updated: Mar 8th, 2025

GS TEAM

Google News
Google News
પાનખરનું ઐશ્વર્ય                                            . 1 - image


- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- વસંત પાસે વૈભવ ભલે રહ્યો પણ પાનખર પાસે તો અપાર ઐશ્વર્ય હોય છે. ઐશ્વર્ય આગળ વૈભવ ઝાંખો પડે એ ઘટના પાનખર પાસેથી પામવા જેવી છે

વૃ ક્ષોને વસંતમાં માયા વળગે છે જ્યારે પાનખરમાં તે નિર્મોહી બને છે. સંસારી સાધુની તુલનામાં નાગોબાવો વધારે બેફીકર હોય છે. નફીકરા ફકીર જેવાં વૃક્ષો પાનખરમાં દાનેશ્વરી કર્ણ કરતાં ઓછું મૂલ્ય ધરાવતાં હોતાં નથી! પાનખરની પીળાશમાં પીડા જોવા કરતાં પકવતા જોવાની આદત પાડવી જોઈએ. ખંખેરી નાખવાથી, ખાલી થવાથી, છોડી દેવાથી, ત્યજી દેવાથી કે પછી રાગમુક્ત થવાથી અંદરનું ઐશ્વર્ય અનેકગણું વધે છે. એનું ગણિત આપણી સમજની બહારનું છે. પાનખર ઋતુ વૃક્ષો દ્વારા માણસ જાતને મોહમુક્ત થવાનો ઉપદેશ આપે છે.

પાનખર આવે છે ત્યારે શું થાય છે? પર્ણો ખરે છે. ખરતાં પર્ણો પીળાં થઈને પછી ખરે છે. ડાળીથી વિખૂટાં પડે છે. વૃક્ષ સાથેનું વ્હાલ વૃક્ષના હૃદયમાં અને કાયામાં ટાલ ઊભી કરીને ચાલ્યું જાય છે. વૃક્ષને ત્યારે શું થતું હશે ? પ્રકૃતિ પાસેથી બોધપાઠ લેવા જેવો છે. સંગ્રહ કરવાનો મોહ જ નકામો છે. સમય આવ્યે બધું જ છોડવું પડે છે. પ્રાચીનકાળથી મનુષ્ય વનોના પારણામાં ઝુલ્યો છે. એમાંથી એ સંસ્કૃતિબોધ પામ્યો છે. તમે પાનખરનાં વૃક્ષો ધ્યાનથી નિહાળ્યાં છે ? પાન ખરે છે - કે વૃક્ષનાં આંસુ! વૃક્ષ પર્ણોને વિદાય આપે છે કે વરણાગી પવન એને દોરી જાય છે ? પર્ણોની લીલાશ ગઈ ક્યાં? ગઈકાલ સુધી એ ડાળી પર ઝૂલતાં હતાં, ભાઈ-ભાંડુ સાથે પરિવાર સાથે કિલ્લોલ કરતાં હતાં એ ઘરમાંથી ક્રમશ: બધાં ચાલ્યાં જાય છે! વૃક્ષને તો હવે વીંટળાઈ વળી છે કેવળ વેદના! વેદનશીલ વૃક્ષોનું માળખું વર્ષોથી આહાર ન લેતા યોગી જેવું! એક એક હાડપિંજર દેખાય, એમ વૃક્ષ ઊભુ છે યોગી થઈને! રાખોડી રંગ લગાવીને ચિત્રકાર ચિત્ર દોરે એવી કાયા લઈને ઊભાં છે વૃક્ષો! પગમાં જ વેરાયું છે વ્હાલ! એ વ્હાલને ઊંચકીને પુન: ડાળ સાથે સંયોજવાનું સામર્થ્ય વૃક્ષ પાસે હવે રહ્યું નથી. વૃક્ષ આંખોથી 'આવજો' સિવાય ક્યાં કશુ બોલે છે ! વસંત પાસે વૈભવ ભલે રહ્યો પણ પાનખર પાસે તો અપાર ઐશ્વર્ય હોય છે. ઐશ્વર્ય આગળ વૈભવ ઝાંખો પડે એ ઘટના પાનખર પાસેથી પામવા જેવી છે. પાનખર દેહનું દોદરાપણું ઓછું કરી દુર્બળ જ નથી બનાવતો. વૃક્ષને પારદર્શી થવાના પાઠ શીખવે છે. આત્મા અને પરમાત્મા વચ્ચે, જીવ અને શિવ વચ્ચે પારદર્શકતા જરૂરી છે તેમાં કોઈ અંતરપટ ચાલે નહિ. અંતરપટ વગરનો સમયગાળો એ પાનખર છે. પીળાં પર્ણોમાં લીલાશનું દુ:ખ નથી પણ બંધનમાંથી મુક્તિનો આનંદ 

પણ છે. વ્યથાની સાથે પ્રસન્નતાનું પલ્લું નમી પડે છે.

એક અર્થમાં યોગાચાર્યો, સન્યાસીઓ, સાધુઓ અને ફકીરો સમાજને પાનખરનો પાઠ ભણાવે છે. રાજા મહારાજાઓ અને શ્રીમંતો વસંતનો વૈભવ ભલે પાથરતા હોય પણ સંન્યાસીના દ્રઢ મનોબળ આગળ તેનું મૂલ્ય ઊતરતું છે. સમાજ આજે પણ શ્રીમંતો કરતાં સાધુને વધારે માનસન્માન આપે છે એનું કારણ જાણવા જેવું છે. આસમાની આકાશ કરતાં ભગવું આકાશ વધારે ભવ્ય લાગતું હોય છે. સુકાઈ ગયેલી નદીના વર્તમાનને આપણે ભૂતકાળ સામે રાખીને એને દરિદ્ર ગણીએ તે ઉચિત નથી, એણે પોતાનો માત્ર કાયા ઘાટ સાચવીને બધી જ સંપત્તિ પૃથ્વીવાસીઓને ચરણે ધરી દીધી છે! એને નહિ હોવાની વ્યથા નથી જ નથી, આપી દીધાનો આનંદ પ્રગટાવે છે. એનામાં માણસપણું હોત તો એ માણસની જેમ જ સંગ્રહાખોરી કરત, એ નદી છે, માણસ નથી.

વૃક્ષ હોય કે વેલી, છોડ હોય કે ડાળ પાનખરના અનુભવથી પકવતા પ્રાપ્ત કરે છે. પાનખર ઘડે છે. એ ઘડતર જ એને દીર્ઘાયુના આશિષ આપે છે. આપણે કેવળ વસંતના વધામણાંની પ્રતીક્ષામાં ન્યોછાવરી ભાવને સલામ કરવાનું ચૂકી જઈએ છીએ.

ઘણા શ્રીમંત રાજાઓ ભજનના એક શબ્દની તાકાતથી કે કોઈ સાધુ મહારાજના એક શબ્દના આશિષ તળે બધું રાજપાટ છોડીને પાનખર જેવા બની ગયાના અનેક દ્રષ્ટાંતો આપણી પાસે ક્યાં નથી? રાજા ગોપીચંદથી શરૂ કરી, વિદુરજીથી માંડી નરસિંહ, મીરાં, રવિસાહેબ આપણા લોકજીવનને તેમના પાનખરી ઐશ્વર્યથી રળિયાત કરી ગયા છે. રામનો જેટલો મહિમા સંસારીઓ કરે છે એટલો જ મહિમા યોગીઓ પાસેથી ત્યાગનો માણવા જેવો હોય છે. એ મહિમાગાન પાનખરનું જ જ્ઞાન છે. પાનખર પાસે, પ્રકૃતિ પાસે જીવન જીવવાનો સમૃદ્ધ ખજાનો છે. જીવન જીવવાની રીત પણ ત્યાંથી જ પ્રાપ્ત થાય તેમ છે. આપણે આપણી ઈન્દ્રિયો સાથે જોડાયેલા રાગને જો વિખૂટો પાડીએ તો એની મેળે ત્યાગનો મહિમા જીવનને ઝળાં ઝળાં કરી મૂકે. કશુંક છોડીએ તો જ કશુંક મેળવીએ.

પાનખરનાં વૃક્ષો પાસે શંકરાચાર્યનો બોધ છે - 'બ્રહ્મ સત્ય જગત મિથ્યા' મીરાંબાઈ કૃષ્ણ સાથે જે સીધો સંવાદ સાધી શકતાં હતાં એમાં પાનખરની કૃપા જ વધારે મહત્વની બની છે. બધી ઋતુઓ પાસે કોઈને કોઈ વૈભવ હોય છે પણ પાનખર પાસે પ્રભુ સમીપે લઈ જતું અપાર ઐશ્વર્ય હોય છે. આપણે એને આંખો મીંચીને માણીએ.

Tags :