Get The App

ભારતમાં સેમિકન્ડકટર્સનો ઉદ્યોગ પ્રચંડ વૃદ્ધિ કરશે

Updated: Jul 8th, 2023

GS TEAM

Google News
Google News
ભારતમાં સેમિકન્ડકટર્સનો ઉદ્યોગ પ્રચંડ વૃદ્ધિ કરશે 1 - image

- મેનેજમેન્ટ - ધવલ મહેતા

- મોડર્ન મેનેજમેન્ટ સામે ટેકનોલોજીનો પડકાર સર્જાયો છે. અગાઉ ક્યારેય ન હતી એવી સ્થિતિનું નિર્માણ થયું છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સામે મેનેજમેન્ટ ટકી રહેશે કે કેમ તે મોટો સવાલ છે

અ મેરિકા- ભારતના સંબંધો મજબૂત બનતા બંને દેશો ભેગા મળીને ટેકનોલોજીમાં ચીનને ચેકમેટ કરશે. બન્ને દેશોના સહકારને પરિણામે ભારતના સેમી કન્ડકટર્સનો ઉદ્યોગ મોટા પ્રમાણમાં ખીલશે. સીમેંટ, સ્ટીલ, ટેક્ષ્ટાઈલના ઉદ્યોગોએ જે પ્રકારનું મેનેજમેન્ટ ઊભુ કર્યુ છે તેનાથી ભારતના ઊભરતા ઉદ્યોગનું મેનેજમેન્ટ અલગ પ્રકારનું હશે કારણ કે આ ઉદ્યોગમાં મોટે ભાગે જે શ્રમિકો કામ કરશે તેઓ 'નોલેજ વર્કર્સ' હશે. સેમીકન્ડકટર્સ ઉદ્યોગમાં કયા પ્રકારનું મેનેજમેન્ટ હોવી જોઈએ અને તે માટે કઈ મોટીવેશનલ અને લીડરશીપ ટેકનિકોનો ઉપયોગ કરવો જોઈએ તે આપણે અમેરિકા પાસેથી જ નહીં પરંતુ તાઈવાન પાસેથી શીખવું પડશે. તાઈવાનમાં સેમીકન્ડકટર્સ ઉદ્યોગ પૂર્ણ રીતે ખીલ્યો છે અને તે જગતભરને પોતાની કોમ્પ્યુટર ચીપ્સ અને અન્ય પ્રકારની ચીપ્સની મુખ્યત્વે નિકાસ કરે છે. એક જમાનામાં જ્યારે ભારતમાં આજથી લગભગ ૧૫૦ વર્ષ પહેલા ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ તે પછી આપણા દેશમાં ઉદ્યોગ સાહસિકોએ સ્ટીલ, સીમેન્ટ અને ખાસ કરીને ટેક્ષ્ટાઈલ ઉદ્યોગમાં 'માસ્ટરી' મેળવી અને તેની નિકાસ કરવાનું પણ શરૂ કર્યું. હવે તે તક સેમીકન્ડકટર્સ જેને 'ચીપ' કહે છે તે અંગેનો ઉદ્યોગ ભારતમાં ધમધમશે. આ બાબતમાં અમેરિકાએ ભારતને મદદ કરવાનું વચન આપ્યું છે. અલબત્ત તેમાંનું એક કારણ ચીનની તાકાતને કાબુમાં રાખવાનું પણ હોઈ શકે.

સેમિકન્ડકટર્સ ઉદ્યોગ

જગતમાં અત્યારે સેમી કન્ડકટર્સ ઉદ્યોગ ૬૦૦ બીલીયન ડોલર્સ જેટલો અધધધ મોટો છે. આવતા પાંચ કે સાત વર્ષમાં તે બે ગણો થઈ જશે તેવું અનુમાન છે. ૨૦૩૦માં તે ૧ ટ્રીલીયન ડોલર્સ એટલે કે એક લાખ કરોડ ડોલર્સ પર પહોંચી જશે. અત્યારના જગતમાં સૌથી અગત્યનો ઉદ્યોગ સેમીકન્ડકટર્સનો ગણી શકાય. કારણ કે ચારે બાજુ નજર કરો તો સેલફોન, રેફરીજરેટર, મોટરકાર,, ઓટોમેટીક શસ્ત્રો, સ્કુટર, એક્સ-રે મશીન વગરેમાં સેમી કન્ડકટર્સ હોવા અનિવાર્ય છે.

આપણી વંદેમાતરમની એક રેલ્વે ટ્રેનમાં ૩૦,૦૦૦થી ૩૨,૦૦૦ ચીપ્સ હોય છે. અત્યારના વિમાનો ચીપ્સ વિના ચાલી જ ના શકે અને ઉપર જોયું તેમ જગતના કરોડો કોમ્પ્યુટર્સમાં તેની કામગીરી માટે ચીપ્સ બેસાડેલી જ હોય છે. અલબત્ત ચીપ્સ એટલે બટાકાની ચીપ્સ એવી ગેરસમજ ના થવી જોઈએ. ચિપ એટલે સેમિકન્ટર્સ. ભારતમાં આ ધંધો કેમ ખીલશે? તેનું કારણ એ છે કે ભારત 'ચીપ્સ'નું ઉત્પાદન સસ્તામાં કરી શકશે. દા.ત. જગતના ધનિક દેશોમાં એક ચીપ ૧૪૦માં બને તો તાઈવાનમાં તે ૧૦૦માં બને છે અને ભારતમાં તે ૮૦માં બની શકે છે.

ભારતની વિશેષતા

ભારતીય ઉદ્યોગની વિશિષ્ઠતા એ છે કે તેનો પશ્ચિમ જગતની પ્રોડકટસ તેમજ તેની ઉત્પાદન ટેકનોલોજી અને મેનેજમેન્ટ શૈલીને ઝડપથી આત્મસાત કરી લે છે. ભારતીય કલ્ચર દૂરના ભૂતકાળમાં ઇનોવેટીવ હશે, પરંતુ હવે ભારતમાં વિદેશમાં થયેલી ઇનોવેટીવ પ્રોડકટસનું ઉત્પાદન કરવાની જબરજસ્ત કુશળતા આવી ગઈ છે. ભારતનું મેનેજમેન્ટ ઇનોવેટીવ નથી પણ તેની એડપ્ટીવ (ઇનોવેશન્સને આત્મસાત કરી તેનું ઉત્પાદન કરવાની) કુશળતા અદ્ભુત છે. દા.ત. દસ વર્ષ પહેલા ભારતમાં ઇલેકટ્રોનિક્સનું ઉત્પાદન બહુ મોટુ ન હતું. હવે ભારતમાં ઇલેકટ્રોનિક્સનું ઉત્પાદન૧૦૦ બીલીયન ડોલર્સથી પણ વધુ પહોંચી ગયું છે. દસ વર્ષ પહેલા ભારતમાં ૯૮ ટકા મોબાઈલ ફોન્સ વિદેશી હતા જયારે આજે ભારતમાં વપરાતા ૯૮ ટકા મોબાઈલ્સ ભારતમાં બને છે. અમેરિકા તો સેમીકન્ડકટર્સનું જન્મદાતા છે પરંતુ તેનું ઉત્પાદન હવે તેણે તાઈવાન, સિંગાપોર, વીએતનામ વગેરે એશિયન દેશો પર છોડી દીધું છે. સેમીકન્ડકટર્સ એટલે કે ચીપ્સ સીલીકોનમાંથી બને છે એટલે તો કમ્પ્યુટર્સ અને તેના સોફ્ટવેર ઉદ્યોગે જ્યા જન્મ લીધો તેને અમેરિકામાં સીલીકોન વેલી કહે છે. જો સ્ટેનફર્ડ યુનિવર્સિટી ના હોત તો સીલીકોન વેલી ના હોત. ભારતમાં હજી એવી કોઈ યુનિવર્સિટી નથી જેમાં તેમાં થયેલી રીસર્ચ કે તેના ભણેલા વિદ્યાર્થીઓએ એક તદ્દન નવા ઉદ્યોગને જન્મ આપ્યો હોય. અલબત્ત ભારતમાં આઇઆઇટી અને આઇઆઇએમ શૈક્ષણિક સિસ્ટમની રચનાએ ભારતમાં અદ્ભુત ઉદ્યોગસાહસિકો કે ઉદ્યોગના મેનેજરો ઊભા કર્યા છે. આ શૈક્ષણિક સંસ્થાઓમાંથી સ્ટડી કરીને કેટલાય ભારતીયો વિદેશમાં ઊંચા હોદ્દે પહોંચ્યા છે. ગૂગલ માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓમાં ભારતના સીઈઓ કાર્યરત છે. ટ્વિટરથી લઈને ફેસબુક જેવી કંપનીઓમાં ભારતના ટેકનોક્રેટ ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યાં છે. પરંતુ ભારતમાં કોઈ યુનિવર્સિટીએ આખે આખા ઉદ્યોગના ક્ષેત્રને વિકસાવવામાં ભૂમિકા ભજવી હોય એવું ઉદાહરણ જોવા મળતું નથી.

મેનેજમેન્ટના પ્રશ્નો

સીલીકોન આધારીત માઈક્રો ચીપ્સ કે મેક્રોચીપ્સનો ઉદ્યોગ આજથી સાત દાયકા પહેલા હતો જ નહીં. કોમ્પ્યુટર્સ માટે સેમી કન્ડકટર્સ ચીપ્સ જરૂરી છે પરંતુ જગતમાં પહેલું કોમ્પ્યુટર બીજા વિશ્વ યુદ્ધનાં અંત બાદ અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં ચલણમાં આવ્યું હતું. આજે જે કમ્પ્યૂટર્સ ઉપયોગમાં લેવાય છે એવા કમ્પ્યૂટર્સનો વ્યાપ બીજા વિશ્વયુદ્ધ પછી વધ્યો હતો. બધી જ કંપનીઓમાં કમ્પ્યૂટર્સની જરૂરિયાત ઉભી થવા માંડી તે પછી સેમિકન્ડટર્સના ઉત્પાદનની નવી દિશા ખુલી હતી.

સેમીકન્ડકટર્સનું માસ મેન્યુફેકચરીંગ અને માસ માર્કેટીંગ ૧૯૮૦ પછી શક્ય બન્યું છે. ભારત હવે 'ડીજીટલ ઇન્ડિયા' બની ગયું છે. ભારતમાં આજે સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા ૮૫ કરોડથી વધુ લોકો છે.

અમેરિકાની ચીપ બનાવતી પ્રતિષ્ઠિત કંપની માઈક્રોન ટેકનોલોજી ગુજરાતમાં મેન્યુફેકચરીંગ ફેકટરી નાંખી રહી છે અને ૨૦૨૪માં તે સાણંદમાં ચીપનું ઉત્પાદન શરૂ કરશે તેવી અપેક્ષા છે. ચીપ મેન્યુફેકચરીંગના ક્ષેત્રમાં જગતમાં પાંચમુ સ્થાન ધરાવતી આ કંપની ગુજરાતમાં ૮૨.૫ કરોડ ડોલર્સનું મૂડીરોકાણ તેના મેન્યુફેકચરીંગ પ્લાન્ટ માટે કરશે અને સમગ્ર પ્રોજેક્ટસનો ખર્ચો અધધધ ૨૭૫ કરોડ ડોલર્સનો છે જેમાં ૫૦ ટકા ભારતની કેન્દ્ર સરકાર આપશે. પરંતુ હવે આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સના જમાનામાં કોમ્પ્યુટર્સ રમકડાં ગણાશે. દુનિયાની દરેક કંપનીની મેનેજમેન્ટ ભયથી થથરી ઊઠી છે કે જ્યારે રોબોટ્સ માનવીથી વધુ બુદ્ધિશક્તિ અને નિર્ણય શક્તિ ધરાવશે તો કંપનીનું મેનેજમેન્ટ કઈ રીતે એની સાથે એડજસ્ટ થશે. મેનેજમેન્ટ સામે એના ઉદ્ભવ પછી પહેલી વખત આવો અલગ પ્રકારનો પડકાર સર્જાયો છે. મેનેજમેન્ટના જગતમાં એવી ચર્ચા જામી છે કે ભવિષ્યમાં રોબોટ્સ અને આર્ટિફિશિયલ ઈન્ટિલેજન્સ સામે ટકી રહેવા માટે શું કરવું જોઈએ? શું નવી ટેકનોલોજી મેનેજમેન્ટને મૂળમાંથી બદલી નાખશે કે પછી મેનેજમેન્ટ જ એની સામે હારી જશે?