૧૨મી જાન્યુઆરી પછી ૧૪મી જાન્યુઆરીનો દિવસ. એક યોગાનુયોગ ? ૧૪મી જાન્યુઆરી પતંગોત્સવ અને ૧૨મી જાન્યુઆરીએ ધર્મોત્સવ, સંસ્કારોત્સવ, સંસ્કૃતિ ઉત્સવ, માનવતા ઉત્સવ, સર્વધર્મ સમભાવનો ઉત્સવ, પ્રમાદમાં પોઢી ગએલા ભારતનો ઢંઢોળવાનો એક કર્મયોગીનો દિવસ, જેણે વિશ્વ આકાશમાં ભારતના જયજયકારની પતંગ ચગાવી, જેણે ધર્મના નામે ધતિંગ કરતા લોકોની પતંગ સાથે ક્રાન્તિકારી અને સુધારાત્મક વિચારોના પેચ લડાવી પોતાના વિચારોની દોરીને હેમખેમ રાખી. આજે જ્યાં રક્તની હોળી ખેલાઇ રહી છે એ કલકત્તા, બંગાળમાં ૧૨મી જાન્યુઆરી, ૧૮૬૩ના પાવનકારી દિને માતા ભુવનેશ્વરી અને પિતા વિશ્વનાથને ઘેર જન્મેલો દેવદૂત તુલ્ય મહામાનવ જેનું મૂળ નામ નરેન્દ્ર અને વૈશ્વિક નામ વિવેકાનંદ.
પિતા વ્યવસાયે વકીલ હોવા છતાં કર્જમાં ડૂબેલા. પરંતુ પુત્ર નરેન્દ્રમાં ત્યાગ અને માનવતાના ગુણો નાનપણથી વિકસેલા. એટલે તો માતાએ કડકડતા શિયાળામાં ઓઢવા આપેલી નવી નક્કોર સાલ એક સન્યાસીને ઓઢાડી દીધી. ભિક્ષા માગવા આવેલા સાધુને પોતાનું ભાણું આપી દીધું અને પોતે ભૂખ્યો રહ્યો.
નરેન્દ્ર ભોગી બનવા નહીં પણ કર્મયોગી બનવા જન્મ્યા હતા. એમણે પૂર્વ અને પશ્ચિમના અનેક તત્વજ્ઞાાનીઓનાં પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો. મનમાં મથામણ હતી. ઈશ્વર છે ? છે તો કેવો હશે.
દક્ષિણેશ્વરમાં કાલી મંદિરમાં રામકૃષ્ણ પરમહંસનું આગમન. નરેન્દ્રના જીવનમાં પરિવર્તનની એ ક્ષણ. રામકૃષ્ણ પરમહંસને સીધો જ એક ધારદાર પ્રશ્ન પૂછ્યો: ''તમે ભગવાનને જોયા છે ?'' રામકૃષ્ણ પ્રશ્ન પૂછનાર નરેન્દ્રની આત્મિક શક્તિથી પ્રભાવિત થયા હતા. એમણે કહ્યું: ''હા, મેં ભગવાનને જોયા છે, એટલું જ નહીં મેં ઈશ્વરને સાક્ષાત્ અનુભવ્યા છે.''
''તો પછી મને પણ ભગવાનનાં દર્શન કરાવશો ?'' - નરેન્દ્રની ઉત્સુકતા.
''હા, કાલે અહીં આવજે.''
રામકૃષ્ણજીએ કહ્યું..
અને નરેન્દ્રના મસ્તક પર હાથ મૂક્યો. નરેન્દ્ર ઊંડી ભાવ સમાધિમાં સરી પડયા. એમને તન-મનનું ભાન રહ્યું નહીં.. રામકૃષ્ણે તેમને સમાધિમાંથી જગાડતાં કહ્યું: ''નરેન્દ્ર, તારે હજી ઘણાં મહાન કાર્યો કરવાનાં છે. સમાધિના ચક્કરમાં હમણાં અટવાઇશ નહીં.''
પિતાના અવસાન બાદ દેવું ચૂકવવાની ભારે ચિંતા. મિત્રોએ કહ્યું: ''રામકૃષ્ણ પાસે જા. તું ઈચ્છીશ તે તને અપાવશે.'' રામકૃષ્ણે નરેન્દ્રને કહ્યું: ''તું કાલી માતાના મંદિરમાં જા. તું માગીશ તે તને પ્રાપ્ત થશે.''' નરેન્દ્ર કાલી માતાની મૂર્તિ સમક્ષ ઊભો રહ્યો પણ કશું ભૌતિક માગવા એનું મન માન્યું નહીં. એ માગ્યા સિવાય પાછો આવ્યો. રામકૃષ્ણે ફરી તેને કાલી માતાના મંદિરે મોકલ્યો. પણ સાંસારિક સુખો કે પૈસા માગવાને બદલે નરેન્દ્ર ખાલી હાથે પાછો આવ્યો. રામકૃષ્ણે પૂછ્યું: ''શું માગ્યું તે માતા પાસે ?'' ''જ્ઞાાન અને ભક્તિ'' નરેન્દ્રનો જવાબ. રામકૃષ્ણ દેવ સમજતા હતા કે આ છોકરાને દેવામાંથી મુક્ત થવા પૈસાની જરૂર છે. એટલે તેમણે આગ્રહ કરી નરેન્દ્રને ફરી પાછો કાલી માતાના મંદિરે મોકલ્યો. નરેન્દ્રએ ફરી પાછું જ્ઞાાન અને ભક્તિનું વરદાન માગ્યું. નરેન્દ્રની ધન માટેની અનાસક્તિ જોઇ રામકૃષ્ણે કહ્યું: ''આ છોકરો અમીર નહીં પણ જ્ઞાાનવાન અને પરમભક્ત થશે.''
રામકૃષ્ણ દેવના અવસાન બાદ એમના નિકટસ્થ શિષ્ય તરીકે ધર્મપ્રચારની જવાબદારી નરેન્દ્રે સ્વીકારી લીધી. અમેરિકામાં વિશ્વધર્મ પરિષદ મળવાની હતી. તેમાં ભાગ લેવાની નરેન્દ્રની ઈચ્છ. ટિકિટ જેટલાં નાણાંની જોગવાઇ મિત્રોએ કરી આપી પણ ક્યાં રહેવું એ પ્રશ્ન. અમેરિકા પહોંચી દેવદારની એક પેટીમાં રાત ગુજારી. આફતોની વણઝાર વચ્ચે પ્રો. રાઇટ અને શ્રીમતી રાઇટને ભગવાને મદદ માટે મોકલ્યા. વિવેકાનંદની વિશિષ્ટ અને તેજસ્વી પ્રતિભા જોઇ એમણે વિવેકાનંદ તરીકે પ્રશસ્તિ પામેલા નરેન્દ્રને વિશ્વધર્મ પરિષદમાં ઉપસ્થિત રહેવાની તમામ પ્રકારની ગોઠવણ કરી આપી. વિશ્વ ધર્મપરિષદના આયોજકોએ સ્વામી વિવેકાનંદને બોલવા માટે માત્ર ત્રણ મિનિટનો સમય ફાળવ્યો. અને 'લેડિઝ એન્ડ જેન્ટલમેન'ના સંબોધનને બદલે સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકાના નૂતન ઉદ્બોધનથી વક્તવ્યનો આરંભ કરી તેજસ્વી વાણી ઉચ્ચારી ત્યારે સૌ મંત્રમુગ્ધ થઇ ગયા. એમણે માગણી કરી ''અમને સ્વામી વિવેકાનંદનું વધુ વક્તવ્ય સાંભળવાની ગોઠવણ કરી આપો.'' સ્વાવી વિવેકાનંદે તમામ ધર્મોનું ગૌરવ સાચવી ભારતીય ધર્મભાવના અને ઉદાત્ત જીવન દ્રષ્ટિનો જયજયકાર કરતાં કહ્યું: (''અનુવાદ: ક્રાન્તિ અને ધર્મ સાધના'') ''મને એ ધર્મના હોવા બદલ અભિમાન છે કે જેણે દુનિયાને સહિષ્ણુતા અને જાગતિક સ્વીકારની વાત શીખવાડી. અમે માત્ર વિશ્વધર્મ-સમભાવમાં જ માનીએ છીએ એટલું જ નહીં પણ અમે માનીએ છીએ કે તમામ ધર્મો સાચા છે. એ રાષ્ટ્રના હોવા બદલ મને ગૌરવ છે કે જેણે દુનિયાના અનેક ધર્મોના ઉપેક્ષિત અને નિર્વાસિતોને આશ્રય આપ્યો છે.'' સ્વામી વિવેકાનંદ માનતા હતા કે ''અમારે એવો ધર્મ જોઇએ છીએ જે માણસને માણસ બનાવે. અમારે એવું શિક્ષણ જોઇએ છે, જે મનુષ્યને મનુષ્ય બનાવે. અમારે એવો સમાજ જોઇએ છે જે માનવને માનવ બનાવે. જ્યારે આપણે તમામ ભેદભાવો ભૂલીને આત્મઐક્ય સિધ્ધ કરીશું ત્યારે માનવધર્મ પ્રગટ થશે.
હિન્દુસ્તાનની વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવા એમણે ભારતભ્રમણ કર્યું. 'રામકૃષ્ણ મિશન' દ્વારા એમણે દરિદ્ર નારાયણની સેવા, પીડિતો પ્રત્યે સહાનુભૂતિ અને વિધવાઓનાં આંસૂ લૂછવાની સાથે સન્યાસીઓમાં પેસી ગએલાં આળસ, પ્રમાદ અને નિષ્ક્રિયતાને ફગાવી દીધાં. નિર્બળતાને છોડી અભય અને પ્રેમને અપનાવવાનો સંદેશો આપ્યો. ગુલામીમાં હિન્દુસ્તાનને એમણે કાયરતા ત્યજી બહાદુર બનવાની પ્રેરણા આપી. ભારતના નવયુવાનોને તેઓ સાદ કરીને કહેતા: ઊઠો, ઊઠો. લાંબી રાત પૂરી થવા આવી છે. નવો દિવસ ઉગવાની તૈયારીમાં છે. ભરતીનું મોજું ઊંચે ચઢ્યું છે. તેના પ્રચંડ ધસારાને રોકવાની કોઇની તાકાત નથી. વીરતા બતાવો, મારા નવયુવકો વીરતા બતાવો, પ્રેમની ભાવના કેળવો, શ્રધ્ધા રાખો, વિશ્વાસ રાખો અને ભયને તિલાંજલિ આપો.'' સ્વામી વિવેકાનંદે હિંમત, સાહસ, નિર્ભયતા, કરુણા, ઉદારતા, દેશપ્રેમ અને ગુરૂ ભક્તિનો સંદેશો આપ્યો. 'યશસ્વી વિદ્યાર્થીજીવન અને સ્વામી વિવેકાનંદ''માં પ્રો. જ્યોતિબહેન થાનકીએ સ્વામી વિવેકાનંદના કેટલાક વિચારો સંકલિત કર્યા છે. તે પૈકીના બાર પ્રેરક સુવિચારો અત્રે પ્રસ્તુત છે.
૦૧ - યાદ રાખજો કે ડરપોક માણસો અને નિર્બળ માણસો જ પાપ કરે છે અને અસત્ય બોલે છે. બહાદુર માણસો હંમેશાં નીતિવાન હોય છે. નીતિવાન બહાદુર અને સહૃદયી બનો.
૦૨ - જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દ્રઢ ઈચ્છાશક્તિ હોવાં જોઇએ.
૦૩ - આપણાં એક તૃતીયાંશ દુઃખોનું મૂળ આપણી શારીરિક નબળાઇ છે.
૦૪ - નિરંતર પવિત્ર વિચારો કર્યે રાખો. ખરાબ સંસ્કારોને દબાવવાનો એક માત્ર ઉપાય એ જ છે.
૦૫ - માત્ર ચારિત્ર્ય જ મુશ્કેલીઓની વજ્ર જેવી દીવાલો તોડીને તેમાંથી માર્ગ કાઢે છે.
૦૬ - દરેક વ્યક્તિને, દરેક પ્રજાને મહાન બનાવવા માટે ત્રણ બાબતો આવશ્યક છે: (૧) શુભની શક્તિ વિશેની સંપૂર્ણ ખાતરી (૨) ઇર્ષ્યા અને આશંકાનો અભાવ (૩) જે લોકો સારા થવા કે સારું કરવા પ્રયત્ન કરતા હોય તેને મદદ કરવી.
૦૭ - પ્રાચીન ધર્મો ઈશ્વરમાં ન માનવાને નાસ્તિક કહેતા. નવો ધર્મ કહે છે કે જેને પોતાનામાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે.
૦૮ - જે ઈશ્વર કે ધર્મ વિધવાનાં અશ્રુઓ લૂછી ન શકે અનાથના મુખમાં રોટલાનું બટકુ ન આપી શકે એવા ઈશ્વર કે ધર્મમાં હું માનતો નથી.
૦૯ - મહાન કાર્યો મહાન બલિદાનથી જ પાર પડે છે.
૧૦ - લોખંડી સ્નાયુઓ અને કુશાગ્ર બુદ્ધિનો સંયોગ થાય તો આખું જગત તમારા ચરણોમાં પડે.
૧૧ - જેમ મનુષ્ય વધારે મહાન હોય તેમ તેમને વધારે ને વધારે કપરી કસોટીઓમાંથી પસાર થવું પડે.
૧૨ - શ્રદ્ધાવાન બનો, બહાદુર બનો, માણસ મરે છે માત્ર એક જ વાર. શીખવવા જેવો એક માત્ર ધ્રમ છે. નિર્ભયતા. આપણે જોઇએ છે સમાર્થ્ય, સામર્થ્ય અને હર સમયે સામર્થ્ય.


