સૈયર મોરી રે! .
- સોના વાટકડી રે -નીલેશ પંડયા
સૈયર મોરી રે!
ચાંદાની પછવાડે સૂરજ કે'દી ઊગશે રે લોલ!
સૈયર મોરી રે! ઉતારાનો કરનારો
જાદવરાય ક્યારે આવે રે લોલ
સૈયર મોરી રે! ઉતારાનો કરનારો
વાલમ વસે વાડીએ રે લોલ!
સૈયર મોરી રે! વાટલડી જોતાં રે
મારાં નેણ દુખિયાં રે લોલ!
સૈયર મોરી રે! દાતણનો કરનારો
જાદવરાય ક્યારે આવે રે લોલ
સૈયર મોરી રે! દાતણનો કરનારો
વાલમ વસે વાડીએ રે લોલ!
સૈયર મોરી રે! વાટલડી જોતાં રે
મારાં નેણ દુખિયાં રે લોલ!
સૈયર મોરી રે! નાવણનો કરનારો
જાદવરાય ક્યારે આવે રે લોલ
સૈયર મોરી રે! નાવણનો કરનારો
વાલમ વસે વાડીએ રે લોલ!
સૈયર મોરી રે! વાટલડી જોતાં રે
મારાં નેણ દુખિયાં રે લોલ!
સૈયર મોરી રે! ભોજનનો કરનારો
જાદવરાય ક્યારે આવે રે લોલ
સૈયર મોરી રે! ભોજનનો કરનારો
વાલમ વસે વાડીએ રે લોલ!
સૈયર મોરી રે! વાટલડી જોતાં રે
મારાં નેણ દુખિયાં રે લોલ!
સૈયર મોરી રે! પોઢણનો કરનારો
જાદવરાય ક્યારે આવે રે લોલ
સૈયર મોરી રે! પોઢણનો કરનારો
વાલમ વસે વાડીએ રે લોલ !
સૈયર મોરી રે! વાટલડી જોતાં રે
મારાં નેણ દુખિયાં રે લોલ!
લો કગીત માત્ર કલ્પનાશક્તિથી થતું સર્જન નથી, તેની પશ્ચાદભૂમાં કોઈ ઘટના હોય છે. કોઈના સ્વાનુભવનો અર્ક લોકગીતમાં ઘોળાયેલો હોય છે. લોકગીતના સર્જક માત્ર કવિ નથી હોતા પણ જનસમૂહની નાડ પારખનાર વૈદ્ય હોય છે, તે માનસશાસ્ત્રી અને સમાજશાસ્ત્રી પણ હોય છે. લોકગીત ભલેને બોલચાલની ભાષામાં રચાયાં હોય, એનો નાદ બળુકો હોય છે. એ કાન વાતે હૃદય સુધી પહોંચી, કર્ણક-ક્ષેપકમાં થઈને આપણા રોમે રોમને ઝણઝણાવી મુકે છે એટલે જ એ ચિરાયુ છે.
'સૈયર મોરી રે...' બહુ જ પ્રચલિત લોકગીત છે. ખેતીકામમાં જયારે મોસમ પુરબહારમાં ખીલી હોય ત્યારે પુરૂષવર્ગ દિવસભર ખેતરે કામ કરે, સાંજે થોડીવાર ઘેર આવી રાત્રે પાછા વાડીએ 'વાહુ' જાય અર્થાત્ ચોર અને પશુઓથી પાકનું રક્ષણ કરવા વાડીએ રાતવાસો કરે. લોકગીતની વિરહિણી નાયિકા પોતાની સખીને કહે છે કે ચાંદો ક્યારે આથમે ને સૂરજ ક્યારે ઊગે...! અહિ સૂરજ ઊગવાના બે અર્થ છે. એક તો સવાર પડવું ને બીજો, પોતાના જીવનમાંથી અંધકાર જવો.
એ કહે છે કે રાત વીતે તો વાડીએ વસતો પોતાનો જાદવરાય કૃષ્ણ ઘેર આવે કેમકે એની વાટ જોઈ જોઈને હવે પોતાની આંખો દુખી ગઈ છે. એ આવશે તો પોતે એને ઉતારા, દાતણ, નાવણ, ભોજન અને પોઢણ આપશે. આપણા લોકગીતોની ખૂબી જ એ છે કે સુખ હોય કે દુઃખ લોકો પોતાની વાત વહેતી મુકવા ગીતને માધ્યમ બનાવે છે! ગાયકની પણ લોકગીતોમાં કસોટી થાય છે, જે રસ કે ભાવનું ગીત હોય એ રસ કે ભાવ આત્મસાત કરીને ગાવું પડે નહીંતર શ્રોતાઓના દિલ સુધી લોકગીત પહોંચતું નથી.
આ લોકગીતને મળતાં આવે એવાં અન્ય લોકગીતો પણ ગુજરાત પાસે છે જેના મુખડા અને અંતરામાં ઘણું સામ્ય છે.