Get The App

વીસરાતી બાળ રમતોનો મર્મ

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- આજની ક્રિકેટે કેટલા બધા યુવકોને ઘેલુ લગાડયું સમય બરબાદ કર્યો છે. ત્યારે ક્રિકેટ ન્હોતી. ૨૨ જણા રમે અને ૨૨ લાખ લોકો જોયા કરે... ભાઈ, એ રમત થોડી છે? સ્પર્ધા છે

Updated: Jan 9th, 2021

GS TEAM

Google News
Google News
વીસરાતી બાળ રમતોનો મર્મ 1 - image


આ જનાં બાળકો ટી.વી. અને મોબાઈલનાં હેવાયાં થઈ ગયાં છે. વાલીઓની ફરિયાદ છે કે મારું બાળક સતત ટીવી જોયા જ કરે છે, મોબાઈલમાં ગેઈમ રમ્યા કરે છે... પરિણામે બાળક ભણતું નથી તેવી ફરિયાદો વધી છે. બાળક કરતાં તેનાં માબાપ વધારે નિરાશા અનુભવે છે. યાંત્રિકતાએ બાળકને યંત્ર બનાવવાનું બીડુ ઝડપ્યું છે. બાળક કેલક્યૂલેટરની મદદથી સરવાળા, બાદબાકી, ભાગાકાર અને ગુણાકાર આપે છે. ગુગલમાં જોઈ જવાબો આપે છે આમાં ક્યાંય એનું મગજ કસાતું નથી એને માનસિક કસરત મળતી નથી. શારીરિક કસરત તો તેણે મૂળમાંથી છોડી દીધી છે. બંને પ્રકારની કસરતો આવશ્યક છે. જીવન ઘડતર એનાથી શક્ય બને છે. આજના બાળક વિશે પાર વગરની ફરિયાદો છે. શાળામાં અપાતું શિક્ષણ બાળક ગ્રહણ કરી શકતું નથી. બાળક ચબરાક બને એટલે પ્રામાણિક નથી બની જતું. એને જવાબો આપતાં આવડે એટલે એનામાં સૂઝ નથી વિકસતી... માહિતી યાદ રાખે એટલે તે હોશિયાર નથી થઈ જતું. એની મૌલિકતા, એની નૈતિકતા એની સંવેદના અંગે પણ વિચારણા થવી ઘટે.

રમત ગમત એ બાળકના જીવન વિકાસની અગત્યની પ્રવૃત્તિ છે. એ બાળક વય પ્રમાણે - એમાં જ એનું કલ્યાણ છે. બાળક રમત રમતાં આનંદ કરે, પ્રસન્નતા પ્રાપ્ત કરે અને એ શરીરશ્રમથી એનો શારીરિક વિકાસ થાય, માનસિક થાય એ ખૂબ જ જરૂરી છે. બાળકોમાં દેશી રમતોથી સમૂહ જીવનની ગજબની તાલીમ મળી રહેતી. એ રમતોમાં સ્પર્ધાનો નહિ, સંવાદનો ભાવ હતો. આજની ક્રિકેટે કેટલા બધા યુવકોને ઘેલુ લગાડયું સમય બરબાદ કર્યો છે. ત્યારે ક્રિકેટ ન્હોતી. બાવીસ જણા રમે અને બાવીસ લાખ લોકો જોયા કરે... ભાઈ, એ રમત થોડી છે? સ્પર્ધા છે. રમત તો રમનારાનો વિકાસ કરે તેવી હોવી જોઈએ. ૩ થી ૪ વર્ષનાં બાળકોની રમતો: હીંચકા, લપસણી, ધૂબાકા, કુસ્તી, ગલોટિયા, ઊંચક નીચક, ચકડોળ આ ઉપરાંત બીજી ઘરમાં રમવાની, ફળિયામાં રમવાની ઘણી રમતો આવે છે. ભારતીય રમતોમાં પણ આપણા પૂર્વજોએ અપૂર્વ વિજ્ઞાાન દાખલ કરેલું. દા.ત. 'ભમરડો' શરૂમાં ચંચળ પછી સ્થિર. એવું જીવનનું. વળી તમે આંધળો પાટો, એકી બેકી, ઉંદરડી, કાગડો જેવા નામો સાંભળ્યાં છે? એ રમતના પ્રકારો હતા. આવી રમતો ઉપરાંત સાતતાળી, વાનર-મદારી, દોરીને ગાંઠો વાળવી, ગાંઠો છોડવી... એવી તો કેટકેટલી રમતો? લીટા પર ચાલવાની રમત એકાગ્રતા લાવે... આંધળો પાટો પણ લક્ષ્યગામી બનતાં શીખવે... 'માણું મીઠું' રમતમાં નાના બાળકને પીઠ પર ઊંચકીને પછી પૂછવું 'ગોળ માટલું લેવું છે?' કોઈ કહે 'લેવું છે' તો બીજો સવાલ 'ક્યાં ઉતારુ?' લેનાર કહે - 'અહીં' એ જગ્યાએ પેલા છોકરાને મીઠાની ગુણ માફક ઉતારવું.

આ રમતમાં બાળકનો ભાર ઉપાડવો... કહ્યા પ્રમાણે મજૂરે કરવું... જેવી તાલીમ પ્રાપ્ત થાય છે. આજ્ઞાાનો ગુણ અને ભારવહન કરવાની શક્તિ તેમાંથી બાળકને મળ્યા કરે છે. દસબાર બાળકો સાથે એક સમયે દોડે અને લક્ષ્ય સ્થાને પહોંચે એ 'શરત દોડ'માંથી સામૂહિક ભાવનાનો વિકાસ થાય છે. મુઠ્ઠીમાં રાખેલી વસ્તુની સંખ્યા 'એકી છે કે બેકી' એ પૂછવાનું છે. કેવળ ધારણા કરવાની એમાંથી બાળક ગણતરી કરતાં શીખે છે. મોય-દાંડિયાની રમતમાં પણ ભાગ્યરૂપી દંડો મોયરૂપી જીવનને આખું  આયખુ ફટકાર્યા જ કરે છે ને?

પહેલાંની રમતોમાં સ્પર્ધા કરતાં સંવાદનો ભાવ વધારે હતો. સાત તાલીના જેવી જ એક રમત 'ભોંયે હાથ'ની હતી. એક બાળક ઉપર દાવ ઠરાવાય અને બીજાં બાળકો નાસતાં ફરે. દાવવાળો બીજાને પકડવા પાછળ પડે. આ મુજબ કોઈ દાવવાળાના સપાટામાં આવી જાય એમ હોય તે તરત જ ભોંયે હાથ મૂકી દે. તે બેસી જાય એટલે દાવવાળો તેને અડી શકે નહિ. દાવવાળો દૂર જાય કે તરત તે ઊભો થઈ દોડવા માંડે... આ રમતને 'ચોર પોલીસ' પણ કહેતા હતા. આ રમતથી બાળક ચાલાક બને... ચતુર બને. 'વેંતડી' રમતમાં બાળક પગ લંબાવી બેસી જાય, બીજાં બાળક તેના પગ કૂદે... આમાં બાળક અંદાજ કરે છે, શારીરિક વિકાસ પામે છે. બિલાડી ઉંદરની રમત વિશે જાણ્યું છે? એક વર્તુળ બનાવાય.

એમાંથી એક બાળક બિલાડી બને બીજાને ઉંદર બનાવાય. બાકીનાં એકબીજાના હાથ પકડી ઊભા રહે. રમત શરૂ થાય એટલે બિલાડી ઉંદરને પકડવા દોડે, ઉંદર વર્તુળની બહાર તેમજ અંદર દોડી શકે, પણ બિલાડી વર્તુળની બહાર જઈ શકે નહી. ઉંદર નાનો પથ્થર લઈ બોલે - 'બિલાડી બિલાડી પથ્થર લે' બિલાડી હાથમાં ધૂળ રાખીને ઉંદરને કહે - 'ઉંદર, ઉંદર દાણ લે' આમ દોડાદોડીમાં બિલાડી ઉંદરને પકડે ત્યારે બીજાં બે બાળકોને ઉંદર તેમજ બિલાડી બનાવવામાં આવે. 'ટપલી દાવ'માં આંખે પાટા બંધાય, ટપલી મારનારની ઓળખ સાચી થાય તો તેને માથે દાવ. 'અબુલો ઢબુલો'ની રમતમાં પાણીમાં તરતાં શીખાય છે.

તળાવમાં નિશાનીવાળો પથ્થર નાખે. બધા શોધે... જે શોધી લાવે તેને માથે પાણીમાં નાખવામાં આવે. આમ પાણીમાં તરતાં શીખે છે બાળકો. 'સંતાકૂકડી' અને 'બાઈ બાઈ ચાળણી' જેવી રમતોમાં બાળકો ચાલાક અને ચબરાક બનવા ઉપરાંત શારીરિક વિકાસ કરે છે. પહેલાંની રમતો શરીર જ નહિ, હૃદય અને મનને પણ પોષક હતી એ સાચી રમતો હતી.

ધરતી ઉપરની રમતો, ઘરમાં રમવાની રમતો, ગામમાં રમવાની રમતો, પાણીમાં રમવાની રમતો ઉપરાંત ઝાડ ઉપર રમવાની રમતો પણ હતી. 'આંબલી પીપળી'ની રમત ઝાડ ઉપર રમાતી. આઠ બાળકો જોઈએ. બધાં બાળકો ઝાડ નીચે ઊભા રહે ત્યાં એક કુંડાળુ કરી તેમાં એક દંડો મૂકે. પછી ગમે તે એક બાળક કુંડાળામાં ઊભો રહીને તે દંડો પોતાના હાથમાં લઈને જમણો પગ ઉંચો કરી તેની નીચે હાથ નાખી દંડાને જોરથી દૂર ફેંકે. જેના ઉપર દાવ હોય તે છેલ્લો દંડો લેવા દોડે તેટલામાં બધાં બાળકો ઝાડ ઉપર ચઢી જાય અને કૂદાકૂદ કરે. કોઈ નીચે પણ પડે અને પેલા કુંડાળામાં પગ મૂકી દે પછી દંડો લઈ પગ નીચે ઘાલી ફરીથી દંડાનો ઘા કરે એટલે દાવવાળા છોકરાને ફેંકેલ દંડો ફરીથી લેવા જવું પડે. જો કુંડાળામાં પગ મૂકતાં પહેલાં દાવવાળું બાળક કોઈને અડી જાય તો તેના પર દાવ આવે એટલે ફરીથી ઉપર પ્રમાણે રમત ચાલે. આ રમત શરીરના અંગો ચપળ બનાવે.

અડકો દડકો રમત ઘણાં બાળકો સાથે રમે તેમાં બધાં રમનાર જમીન ઉપર કુંડાળામાં બેસે ત્યાર પછી એક બાલક ભોંય પર પોતાના ડાબા હાથનો પંજો, આંગળીનાં ટેરવે ભોંયને અડકે ને હથેળીનો ભાગ ઊંચો રહે એમ ટેકવે. બીજા તે પ્રમાણે કરે પછી રમનાર ટેકવેલા પંજા ઉપર પોતાની આંગળી વારાફરતી તાલબધ્ધ મુકે અને બોલે. અડકો દડકો/દહીં દડુકો/પીલ્લુ પાકે/ શ્રાવણ ગાજે ઉળમૂળ દાતરડે ખજૂર/સાકર શેરડી ખજૂર/ભાઈ છોરો છૈયા સારાં છે? પીતાંબર પગલાં પાડે છે / રાજા ભોજા, તરીઆ તોજા / માણેકમોતી અરવાળુ પરવાળુ ભીમસેનનો ટીક્કો... છેલ્લો શબ્દ જેના હાથ પર બોલાય તેના માથે દાવ. આ રમતમાં બાળક ધૈર્ય અને લય શીખે છે. દેશી રમતોમાંથી બાળકને શરીરની, મનની અને હૃદયની તાલીમ મળી રહેતી હતી. આજે તો બાળકના ભાગ્યમાં એ રમતોને બદલે મોબાઈલની રમતો આવી ગઈ છે. ત્યારે બાળ રમતનો મર્મ કેવી રીતે સમજાવવો?

Tags :