Get The App

એક અઘોરી સાધુએ કર્નલ સ્મિથને યોગસિદ્ધિનો પરચો કરાવ્યો

Updated: Feb 8th, 2025

GS TEAM

Google News
Google News
એક અઘોરી સાધુએ કર્નલ સ્મિથને યોગસિદ્ધિનો પરચો કરાવ્યો 1 - image

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- અઘોર બનવાની પહેલી શરત છે. પોતાના મનમાંથી ધૃણા કાઢી નાંખવી તે. સામાન્ય લોકો જેને ખરાબ સમજતા હોય છે તેને તે તેવી માનતા નથી

અ ઘોર વિદ્યા ભયાનક નથી એનું સ્વરૂપ ભયજનક હોય છે. અઘોર શબ્દનો અર્થ જ છે - અઘોર એટલે કે જે ઘોર નથી તે, ભયજનક નથી તે. જે સરળ છે, સમત્વયુક્ત છે, જેમાં કોઈ ભેદભાવ નથી તે. અઘોર બનવાની પહેલી શરત છે. પોતાના મનમાંથી ધૃણા કાઢી નાંખવી તે. સામાન્ય લોકો જેને ખરાબ સમજતા હોય છે તેને તે તેવી માનતા નથી. વામમાર્ગી તંત્રમાં દર્શાવવામાં આવેલ પંચ મકારવાળી વસ્તુઓ મદ્ય (મદિરા), માંસ, મત્સ્ય (માછલી) મુદ્રા, મૈથુન (સંભોગ)નું અઘોરીઓ સેવન કરતા જોવા મળે છે.

ભગવાન શિવે સ્વયં અઘોર પંથ પ્રતિપાદિત કર્યો હતો. અવધૂત ભગવાન દત્તાત્રેયને અઘોર શાસ્ત્રના ગુરુ મનાય છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણેયના અંશથી ભગવાન દત્તાત્રેયે અવતાર લીધો હતો. અઘોર સંપ્રદાયના એક સંત રૂપે બાબા કીનારામની પૂજા કરાય છે. અઘોરી નરમુંડોની માલા પહેરે છે, એ રીતે નરમુંડોના પાત્રમાં ભોજન કરે છે. ચિતાની ભસ્મનો શરીર પર લેપ કરે છે. કાશીને અઘોરીઓનું મુખ્ય સ્થાન કહેવાય છે. ભગવાન શિવની નગરી હોવાથી અહીં અનેક અઘોર પંથના સાધકોએ તપશ્ચર્યા કરી છે. ગુજરાતના જૂનાગઢનો ગિરનાર પર્વત પણ અઘોરીઓનું સાધના સ્થળ છે. અહીં ભગવાન દત્તાત્રેયનું તપસ્યા સ્થળ છે. અઘોરીઓ મોટેભાગે નગ્ન રહેતા હોય છે, ક્યારેક લંગોટી જેવું ટૂકું વસ્ત્ર પહેરતા હોય છે. આમ તો એમનો સ્વભાવ રૂક્ષ અને શુષ્ક હોય છે પણ તેમની અંદર જનકલ્યાણની ભાવના હોય છે. તે કોઇના પર પ્રસન્ન થાય તો પોતાની સિદ્ધિઓ થકી શુભ ફળ પ્રદાન કરી દે છે અને પોતાની તાંત્રિક ક્રિયાઓનું રહસ્ય પણ ઉદ્ધાટિત કરી દે છે. એમના આશિષ જલદી ફળ પ્રદાન કરી દે છે તો એમના અભિશાપ પણ ભારે મુસીબત ઉત્પન્ન કરી દે છે. તેમને પરેશાન કરવામાં ન આવે ત્યાં સુધી તે કોઇનું અહિત કરતા નથી. તે સ્મશાનમાં કે પર્વતોની ગુફામાં રહે છે. કુંભમેળા જેવા પર્વ દરમિયાન તે તેમાં જરૂર આવે છે અને ત્રિવેણી સંગમમાં સ્નાન કરે છે.

૧૪ મે ૧૯૩૨ના રોજ અંગ્રેજોના ઉચ્ચ અધિકારી કર્નલ વિલિયમ સ્મિથને એક અઘોરી સાધુનો પરચો મળ્યો હતો જેને તે જિંદગીમાં કદી ભૂલી શક્યા નહોતા. તે ઇંગ્લેન્ડથી નૈનીતાલ આવ્યા હતા અને અહીં લશ્કરમાં ઉચ્ચ હોદ્દા પર રહીને કામગીરી બજાવતા હતાં. એમનો બંગલો શહેરથી થોડે દૂર જંગલની નજીકમાં હતો. તે દિવસે કર્નલ સ્મિથ તેમના ઘેરથી ચાલતા શહેર તરફ જતા હતા. રસ્તામાં તેમને એક અઘોરી સાધુનો ભેટો થયો. તેમણે કદી અઘોરી સાધુઓને જોયા નહોતા અને તેમના વિશે ખાસ કશું જાણતા પણ નહોતા. કર્નલ સ્મિથે તે અઘોરી સાધુ અને તેમના ત્રણ-ચાર અન્યસાથી સાધુઓને રસ્તા પરથી ખસીને દૂર બેસવા આદેશ કર્યો પણ તેમણે તેમના આદેશનું પાલન ન કર્યું અને તેમની કોઈ પરવા પણ ન કરી. તે તો તેમની મોજ મજા મસ્તીમાં ડૂબેલા જ રહ્યા.

કર્નલ સ્મિથે તેમના હોદ્દાની રુએ કરડાકીભર્યા અવાજથી તેમને ફરી દૂર ખસી જવા આદેશ કર્યો પણ અઘોરી સાધુને ડર કોનો હોય ? તે તો ત્યાં જ બેઠેલા રહ્યાં અને તેમના તરફ હસવા લાગ્યા. કર્નલે તેમની સાથે ચાલી રહેલા એક સ્થાનિક માણસને કહ્યું આ કોણ છે ? અહીંથી કેમ ઊભો થતો નથી ? એને મારો પરિચય આપ અને કહે કે તે મારો આદેશ નહીં માને તો મારા ગુસ્સાનો ભોગ બનશે. હું ગુસ્સે ભરાઉ પછી મારી જાત પર કાબૂ રાખી શક્તો નથી.' પેલા સ્થાનિક માણસે કર્નલ સ્મિથને કહ્યું - 'સાહેબ, આ અઘોરી બાબા ભૈરવ ગિરિ છે. તે ચમત્કારિક શક્તિઓ ધરાવતા સિદ્ધ પુરુષ છે. તમે એમને હેરાન ન કરશો નહીંતર તમે મોટી મુશ્કેલીમાં મૂકાઈ જશો.' એની વાત સાંભળી કર્નલ સ્મિથ કહેવા લાગ્યા - તમે પછાત લોકો આવી વાતમાં નાહક વિશ્વાસ ધરાવો છો. આ સાધુ મારું કશું બગાડી શકે એમ નથી. હું જોઉ કે એ મને શું કરી શકે એમ છે ? કર્નલ સ્મિથની અશ્રદ્ધા અને ઉદ્ધતાઈથી બાબા ભૈરવગિરિને ગુસ્સો ચડયો. તેમણે તેમની બાજુમાં મૂકેલા એક પાત્રમાંથી થોડું પ્રવાહી લીધું અને તે કર્નલના કપડાં પર રેડી દીધું. પોતાના કપડાં પર માનવ મૂત્ર જેવા દેખાતાં દુર્ગંધ મારતા પ્રવાહીનો છંટકાવ થયેલો જોઇ કર્નલનો ગુસ્સો સાતમા આસમને પહોચી ગયો અને બરાડી ઉઠયા ઓ ગંદા સાધુ, તારી આ હિંમત ? હવે તારી ખેર નથી. કોઈ તને બચાવી શકે એમ નથી. હમણાં જ તને ગોળી મારી દઉં છું.' આમ બોલી તેમણે તેમના હોલ્સ્ટરમાંથી રિવોલ્વોર કાઢી અને તેની ટ્રીગર પર હાથ મૂક્યો એ જ વખતે એમની નજર સામે એક વિચિત્ર દ્રશ્ય ખડું થયું- બાબા ભૈરવગિરિનું માથું તેમના ધડથી અલગ થઇ લગભગ દોઢ મીટર દૂર હવામાં આમથી તેમ ફંગોળાવા લાગ્યું અને પછી પાછું આવીને ધડ સાથે જોડાઈ ગયું. કર્નલ આ જોઇને આશ્ચર્યચકિત થઇ ગયા. થોડા ડરી પણ ગયા. તેમણે રિવોલ્વોર પાછી હોલ્સ્ટરમાં મૂકી દીધી અને ત્યાંથી પાછા વળી ઘેર આવીને ગંદા થઇ ગયેલાં કપડાં નોકર પાસે ધોવડાવી, સૂકવવા મૂકાવી સૂઈ ગયા.

બીજે દિવસે તેમણે તે વસ્ત્રો પહેર્યા તો તેમાંથી તીવ્ર અત્તર જેવી સુગંધ આવતી હતી. કર્નલ વિલિયમ સ્મિથ એ જ રસ્તે ચાલતાં ચાલતાં ત્યાં પહોંચ્યા જ્યાં પાછલા દિવસે તેમને અઘોરી ભૈરવગિરિ મળ્યા હતા, તેમણે અઘોરી સાથે અકારણ ખોટો ઝગડો ઊભો કર્યો. પછી સખતાઈથી કહેવા લાગ્યા - 'હું તમારાથી જરાય ગભરાતો નથી. ગઇકાલે તે જે કર્યું તે દ્રષ્ટિભ્રમ અને નજરબંધી સિવાય બીજું કંઇ નહીં હોય. એવા ચમત્કારો તો જાદુગરો પણ કરતા હોય છે.' અઘોરી સિદ્ધયોગી ભૈરવગિરિએ તેમને યોગસિદ્ધિનો પરચો બતાવવાનું નક્કી કર્યું. કર્નલને એવું લાગ્યું કે જાણે તેમનું શરીર હવામાં ઊડી રહ્યું છે પણ પછી શું થયું તેનો કોઈ અનુભવ ના થયો. પણ ત્યાં ઉપસ્થિત બધા લોકોએ જોયું કે કર્નલ એકાએક બધાની નજર સામે જ અદ્રશ્ય થઇ ગયા. તે પ્રદેશમાં જ નહીં, આખા દેસમાં એમની શોધખોળ થઇ પણ તે જીવતા કે મરેલા ક્યાંયથી મળ્યા નહીં. આ ઘટના બની તેના બરાબર એક મહિના પછી કર્નલ સ્મિથ બરાબર તે જ જગ્યાએ દેખાયા જ્યાંથી તે અદ્રશ્ય થઇ ગયા હતા. તે ચાલીને પોતાના ઘેર પાછા આવ્યા. તેમને જોઇને બધા જ વિસ્મયમાં મૂકાઈ ગયા. અને પૂછવા લાગ્યાં એક મહિના સુધી તમે ક્યાં હતા ? તમે એક મહિના સુધી આ દુનિયામાંથી ગાયબ થઇ ગયા હતા. કર્નલે આશ્ચર્ય પામતાં કહ્યું - મને તો હું હવામાં ઊડતો હોઉ એવો અનુભવ પેલા અઘોરીએ કરાવ્યો પછી કશું યાદ નથી. એમને મળીને તો હું તરત પાછો ઘેર આવ્યો છું ! આ ઘટના બન્યા પછી કર્નલ સ્મિથે તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું અને ઇંગ્લેન્ડ પાછા જતા રહ્યા. ત્યાંથી ભારતમાં સેવા બજાવતા પોતાના એક મિત્રને પત્ર લખ્યો અને તેમાં ભારપૂર્વક જણાવ્યું - 'ભારતમાં તને કોઈ અઘોરી સાધુ કે તાંત્રિક યોગી મળી જાય તો ભગવાનના નામે કહું છું કે તેમને ભૂલથી પણ પરેશાન ના કરીશ. એમનો આદર કરી સદ્વર્તન કરજે.'