- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- આ ક્રિકેટની રમતમાં વિજેતા ટીમ પણ સામેની ટીમ જેટલો જ બોજ અનુભવતી હોય છે. ક્રિકેટ જગતમાં જે ટીમ વિજય મેળવે એનો નવો રૂઆબ અને આગવું પ્રભુત્વ સ્થપાય છે
- રવિચન્દ્ર અશ્વિન
છે લ્લાં કેટલાક સમયથી એક ખોટા દાખલાનો ખોટો સરવાળો થઈ રહ્યો છે. અત્યારે ચાલતી વિશ્વ-કપ સ્પર્ધામાં ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા કે બીજી કોઈ પણ ટીમ કરતા સહુની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલા પર કેન્દ્રિત થયેલી હોય છે અને આ મુકાબલો ધીરે ધીરે ઝનૂનની કક્ષાએ પહોંચી ગયો છે. ક્રિકેટમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની એસીસ સિરીઝ કશ્મકસભર્યો મુકાબલો ગણાતી હતી, પરંતુ એમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જેવું જોશ અને ઝનૂન જોવા મળતું નથી.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ખૂંખાર મેચમાં જય-પરાજયનો એવો હિસાબ માંડવામાં આવે છે કે જે ટીમ પરાજિત થાય, એનો આ સ્પર્ધામાંથી એકાએક રસ ઊડી જાય છે. કદાચ સ્પર્ધામાં વિજેતા બનવાનો એટલો આનંદ હોતો નથી, જેટલો આનંદ આ દેશોને એકબીજાની ટીમને પરાજિત કરવામાં આવતો હોય છે અને એ સમયે સતત દરેક ખેલાડીના મન પર એક બોજ હોય છે. જેણે અગાઉની સ્પર્ધામાં વિજય મેળવ્યો હોય, તે ટીમના ખેલાડીઓ પર વિજયનું પુનરાવર્તન ક૨વાની જવાબદારી હોય છે અને બીજી ટીમને કોઈપણ ભોગે અગાઉની હારનો બદલો લેવાનું લક્ષ્ય હોય છે, કારણ કે સહુને હા૨ અને જીત વચ્ચે કેટલું અંતર હોય છે તેનો ખ્યાલ હોય છે !
આ ક્રિકેટની રમતમાં વિજેતા ટીમ પણ સામેની ટીમ જેટલો જ બોજ અનુભવતી હોય છે. ક્રિકેટ જગતમાં જે ટીમ વિજય મેળવે એનો નવો રૂઆબ અને આગવું પ્રભુત્વ સ્થપાય છે. વળી વિચિત્ર વાત તો એ છે કે વિજય મેળવવા પાછળ એકાદ બેટરની તોફાની બોટિંગ કે ગોલંદાજની ઝંઝાવાતી બોલિંગ કારણભૂત હોય છે, પરંતુ એ વિજયનું શ્રેય તો આખી ટીમના એકે એક સભ્યને મળતું હોય છે.
કપિલદેવની આગેવાની હેઠળ ભારતે વર્લ્ડ કપ મેળવ્યો તે પછી આપણે જાણીએ છીએ કે દરેક ખેલાડી પોતે ચેમ્પિયન હોવાનું માને છે. એ પરસ્પરની પીઠ થાબડે છે અને એ પણ સાચું છે કે ટીમ વિજેતા બને એટલે આપોઆપ અંદરોઅંદરનાં વિરોધ ઓગળી જાય છે, ટીમના સઘળા દોષો ઢંકાઈ જાય છે અને કોચ તથા બેગેજ-મેન પણ એની જીતનો હિસ્સો બની જાય છે. તમને એમ લાગશે કે દરેક ખેલાડીને વિજય વહાલો હોય છે અને એ વાત પણ સાચી છે, પરંતુ આ વિજય મેળવ્યા પછી ખેલાડી ઘણી વાર વિજેતા બન્યાના બોજ હેઠળ દબાઈ જાય છે અને એથી એ પછીની મેચ ખેલવા ઉતરે ત્યારે એ એક વિક્રમધારક હોય છે અને વિજેતા તરીકે મેળવેલી સિદ્ધિ જાળવવાનો એની સામે પ્રચંડ પડકાર હોય છે.
અમેરિકાનો છ ફૂટ અને એક ઇંચ ઊંચો જોડી ટેનિસ-ખેલાડી પેટ સામ્પ્રાસે ૧૯૯૦માં માત્ર ૧૯ વર્ષની વયે અમેરિકન ઓપનમાં જીત મેળવી. એ પછી ત્રણેક વર્ષ સામ્પ્રાસને માટે ઘણાં કપરા ગયા. છેક ૧૯૯૩માં એ બીજી વા૨ યુ.એસ. ઓપન જીતી શક્યો. પોતાના જીવનમાં જુદી જુદી ચાર સ્પર્ધામાં પંદર જેટલા ગ્રાન્ડસ્લામ સિંગલ્સનાં ટાઈટલ મેળવનાર સામ્પ્રાસને ૧૯૯૦ની સિદ્ધિ પછી પહેલો પરાજય મળ્યો, ત્યારે એણે ભારે હાશકારો અનુભવ્યો હતો. નાની વયે મેળવેલી સિદ્ધિ એને એવી ઘેરી વળી હતી કે બધા એની પાસેથી એવી સિદ્ધિનું પુનરાવર્તન ઝંખતા હતા અને પરિણામે સામ્પ્રાસે પરાજય પામતા એમ કહ્યું કે, 'હાશ, મારી પીઠ પર ચઢી બેઠેલો વિજયનો વાંદરો થોડો સમય નીચે ઉતર્યો.' અને સાચે જ જે ખેલાડીઓ નાની વયે એકાએક અણધાર્યો વિજય મેળવે છે, એને આ વિજયનો બોજ ભારે મૂંઝવનારો લાગે છે.
૨૦૨૦ના ઓક્ટોબરમાં ફ્રેેંચ ઓપન ચેમ્પિયનશીપમાં પોલેન્ડની ૧૯ વર્ષની ઇગા સ્વીઅટેકે વિજય મેળવ્યો. પોલેન્ડ દેશની એ પહેલી ગ્રાન્ડસ્લામ સિંગલ્સની વિજેતા બની. એ પછી પણ સતત નિષ્ફળ ગઈ. એ જ રીતે ૨૦૧૯માં અમેરિકન ઓપનમાં ૧૯ વર્ષની બીઆકા એડ્રીસ્ક્યુ માત્ર ચાર મહત્ત્વની ટૂર્નામેન્ટ રમીને ચેમ્પિયન બની, પરંતુ એ પછી એની વિજેતા તરીકેની શાખ જાળવી શકી નહીં અને ટેનિસના ઇતિહાસમાં એ ભુલાઈ ગઈ. આમ વિજયને પચાવવા માટે દરેક ખેલાડી પાસે એક વિશેષ માનસિક ક્ષમતા જોઈએ.
તમે ભારતીય ટીમનો વિચાર કરો તો ખ્યાલ આવશે કે વિજેતા ખેલાડી કઈ રીતે પોતાના એ વિજયને પચાવે છે અને આગળ વધે છે. જેમકે 'પદ્મભૂષણ'નું સન્માન પ્રાપ્ત કરનાર ભારતના શૂટર અભિનવ બિન્દ્રાએ એની ૨૨ વર્ષની કારકિર્દીમાં દોઢસો મેડલ મેળવ્યા છે. એટલું જ નહીં, પણ એણે ૨૦૦૮માં બિજીંગમાં એ૨ રાઈફલ શૂટિંગમાં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો અને એ જ રીતે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ પોતાના દસ મિટ૨ એ૨ રાઈફલ સ્પર્ધામાં એણે વિજય મેળવ્યો હતો. વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ૨૦૦૬માં એ વિજેતા બન્યો અને એશિયન ગેઇમ્સમાં ત્રણ મેડલ અને કોમનવેલ્થ ગેઇમ્સમાં સાત મેડલ એણે મેળવ્યાં છે. આ બિન્દ્રા કઈ રીતે પોતાના વિજયનો બોજ દૂર રાખી શકતો હશે ?
એનું કારણ એ કે એ જ્યાં જાય, ત્યાં બધા એની પાસેથી આગામી સ્પર્ધામાં એ વિજેતા બનશે કે નહીં તેવા સવાલોની ઝડી વરસાવતાં. એની કારકિર્દી હવે કેવી ઊંચાઈ હાંસલ કરશે એ અંગેની અટકળો પૂછતાં, ત્યારે બિન્દ્રાએ વિજેતા તરીકેના આ બોજને દૂર કરવા માટે એક નવો નુસખો અજમાવ્યો અને તે એ કે એણે સ્પર્ધા સમયે ભૂતકાળને ભૂલીને માત્ર વર્તમાનનો અને આ ઇવેન્ટનો જ વિચાર કરવાનું નક્કી કર્યું. વળી ભૂતકાળનાં વિજયનો ભાર એને પ્રભાવિત કરે નહીં, તે માટે પોતાની અગાઉની કારકિર્દી ભૂલીને માત્ર એ જ લક્ષ સાથે સ્પર્ધામાં ઊતરતો કે મારે આ સ્પર્ધામાં જીતની ભલે જરૂર ન હોય, પરંતુ હું આ સ્પર્ધા જીતવા ચાહું છું. આ રીતે એણે પોતાના ચિત્તને એવું કેળવ્યું કે જેથી એના વિક્રમો હજી સુધી વણતૂટયાં છે.
કદાચ તમે પ્રશ્ન કરો કે કયા ખેલાડી પાસે વિજયના ભારને ભૂલી જવાની મેન્ટલ સ્ટ્રેન્થ વિશેષ રૂપે જોવા મળે છે ? આ બાબતમાં તમને જરૂ૨ ભારતનો પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની યાદ આવે અને વિશ્વના ખેલાડીઓ પર દ્રષ્ટિ ફેરવીએ તો અમેરિકાની સમર્થ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ યાદ આવે. ૨૩ જેટલાં ગ્રાન્ડસ્લામ સિંગલ્સના ટાઈટલ જીતનાર સેરેના વિલિયમ્સ ડબલ્સમાં પણ વિજેતા બની છે અને સિંગલ્સ અને ડબલ્સમાં ગોલ્ડન સ્લેમ પણ મેળવ્યો છે. જીવનમાં અઢળક વિજય મેળવનારી સેરેના વિલયમ્સ પાસે સતત પોતાની ક્ષમતાને વધારવા માટેનું ઝનૂન હતું અને એને પરિણામે દરેક મેચ વખતે પોતાના અગાઉના વિજયની શૃંખલાને ભૂલીને પોતાની રમતને વધુ ઉત્કૃષ્ટ રીતે ખેલવા પ્રયાસ કરતી હતી અને આને કારણે જ એ એક પછી એક વિજય મેળવતી ગઈ અને વિશ્વની એક મહાન ખેલાડી બની.
ભારતીય ખેલાડીઓની 'મેન્ટલ સ્ટ્રેન્થ'નો વિચાર કરીએ તો ધોની અને કોહલી બે સામસામા છેડે જોવા મળે. ધોની પોતાના આવેગો કે આઘાતો પર અંકુશ રાખી શકતો હતો. પોતાની લાગણી એ મેદાન પર ક્યારેય બતાવતો નહીં અને એટલે એમ કહી શકાય કે ધોની પાસે એવી માનસિક તાકાત હતી કે જે તાકાતને કારણે એ પરાજયની પરિસ્થિતિ હોય, ટીમ ભારે મુશ્કેલીમાં હોય અથવા તો રસાકસીનો મામલો હોય, ત્યારે એક શાંત સ્વસ્થતાથી ખેલતો હતો.
લાગણીઓનાં ઉદ્વેગમાં આવીને બૂમો પાડતો, હતાશ થતો કે ભૂલ ક૨ના૨ા ખેલાડી પ્રત્યે અણગમો દાખવતો સુકાની નહોતો.
જ્યારે ધોનીનો અનુગામી વિરાટ કોહલી એ સ્પષ્ટ રીતે પોતાનાં મનોભાવો દર્શાવે છે. જીત મળે તો એનો આનંદ પ્રગટ કરે છે. વિકેટ લેનારા ખેલાડીને પીઠ થાબડીને પ્રોત્સાહિત કરે છે અને જરા વાંકુ પડે તો વિરોધી ટીમના ખેલાડીને કે અમ્પાયરને પણ પોતાનો વિરોધ સ્પષ્ટપણે બતાવે છે. આને કારણે એક વાર વી.વી. લક્ષ્મણે એમ કહ્યું હતું કે, 'કોહલી પાસે ખેલાડી તરીકેની ઘણી મોટી ક્ષમતા છે, પણ સુકાની તરીકે હજી એણે ઘણું શીખવાનું છે. જો કે, કોહલીએ પોતાની કુદરતી છટા જાળવીને જ ખેલતો રહ્યો. એ સુકાની હોય કે ન હોય, પણ એ જ ઉત્સાહ, ઉમંગ અને આક્રોશ એનામાં જોઇ શકાય છે.
આ માનસિક તાકાતની વાત કરીએ તો એમાં બે ખેલાડી યાદ આવે એક સ્પીનર અશ્વિન અને બીજા ગૌતમ ગંભીર. વિશ્વની ટોચ પરનો ગોલંદાજ હોવા છતાં અશ્વિનને ઘણીવાર ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. આમ છતાં એણે જ્યારે પુનરાગમન કર્યું, ત્યારે એની એ જ છટા અને પ્રભાવકતા જોવા મળે છે. તો બીજી બાજુ ગૌતમ ગંભીર એ પ્રમાણમાં દ્વિધા ધરાવતો બેટ્સમેન હતો અને તેથી જ મેદાન પર ક્યારેય એની આક્રમકતા જોવા મળી નહીં.
વાત તો એટલી છે કે આજે ભારતે વર્લ્ડ કપમાં વિજય મેળવવાનો છે અને ત્યારે એશિયા કપના વિજેતાનો બોજ અવરોધરૂપ બને નહીં, તે જોવાનું છે. મને બોરિસ બેકર યાદ આવે છે. બોરિસ બેકરે ૧૭મા વર્ષે ટેનિસ જગતમાં વિજય હાંસલ કર્યો અને પછી એ વિજેતા અને એવી અપેક્ષાઓ સહુને રહેવા માંડી. બેકરે સ્વીકાર્યું છે કે ૧૭ વર્ષની વયના બદલે જો ૨૧મા વર્ષે વિજેતા બન્યો હોત તો હું વિજયી બનવાના બોજને સારી રીતે સમજી શક્યો હોત અને કેટલીય વધુ સફળતાઓ પામ્યો હોત. ખેર ! હવે તો એ જ જોવાનું કે ભૂતકાળની હાર - જીતના બોજને હળવો કરીને કઇ ટીમ વિજયનું સર્જન કરે છે.
મનઝરૂખો
અમેરિકાનો ઉદ્યોગસાહસિક, શોધક અને ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇનર સ્ટીવ જોબ્સ (જ. ૧૯૫૫, અ. ૨૦૧૧)ને જન્મથી જ દત્તક લેવામાં આવ્યો હતો. માત્ર થોડો સમય રીડ કોલેજમાં અભ્યાસ કર્યો. ૧૯૭૪માં આંતરિક શાંતિ મેળવવા અને ઝેનનો અભ્યાસ કરવા ભારત આવ્યો. એ પછી એપલ કંપનીનો સહસ્થાપક બન્યો. એ પછી પણ સ્ટીવ જોબ્સના જીવનમાં એનું આખું અસ્તિત્વ હચમચી ઊઠે તેવી ઘટનાઓ બની. વીસ વર્ષની ઉંમરે સ્ટીવ વોઝનેટની સાથે પોતાના ઘરના ભંડકિયામાં એણે એપલ કેમ્પ્યૂટર બનાવ્યું અને માત્ર દસ વર્ષમાં તો ભંડકિયામાંથી શરૂ થયેલો આ પ્રયત્ન એપલ કંપનીમાં પરિવર્તિત થયો. બે અબજ ડોલર અને ચાર હજાર કર્મચારીઓ ધરાવતી એપલ કંપનીમાં મેકિન્ટોસ કમ્પ્યૂટર બનાવ્યું, પણ ત્રીસ વર્ષની વયે મતભેદો થતાં સ્ટીવ જોબ્સને પોતે સ્થાપેલી કંપનીમાંથી પાણીચું મળ્યું.
દુનિયા આખીએ એક તમાશાની માફક આ ઘટના જોઈ, પણ સ્ટીવ જોબ્સે વિચાર્યું કે ભલે મારી અવગણના થઈ હોય છતાં કાર્યો પ્રત્યેનો મારો પ્રેમ તો એટલો જ સાબૂત છે. એણે નવેસરથી શરૂઆત કરી. ફરી નવી સર્જનાત્મક સિદ્ધિઓ પ્રાપ્ત થતી ગઈ.
પછીનાં પાંચ વર્ષ એણે પોતાની કંપની 'નેક્સ્ટ' સ્થાપવામાં પસાર કર્યાં. એ પછી બીજી કંપની 'પિક્સલ' સ્થાપી અને એ કંપનીએ 'ટોય સ્ટોરીઝ' નામની પહેલી કમ્પ્યૂટર એનિમેટેડ ફિલ્મ બનાવી.
આ પ્રયાસોએ સ્ટીવ જોબ્સને દુનિયાભરમાં ખ્યાતિ અપાવી. સ્ટીવ જોબ્સનો એનિમેશન સ્ટુડિયો અભૂતપૂર્વ સફળતાને પામ્યો. ઘટનાઓ એવી બનતી ગઈ કે એપલ કંપનીએ ફરી સ્ટીવ જોબ્સને બોલાવ્યો. સ્ટીવ જોબ્સે નેક્સ્ટમાં જે ટેકનોલોજી વિકસાવી હતી, તે ફરી એપલના પુનરૂત્થાનનું કારણ બની. યુવાનીના એ સમયગાળામાં સ્ટીવ જોબ્સ એ શીખ્યો કે જિંદગીમાં ગમે તેવી આપત્તિ આવે, તો પણ હિંમત હારવી નહીં. અને માનવા લાગ્યો કે એપલમાંથી મળેલી રૂખસદ આશીર્વાદરૂપ બની, કારણ કે જો એપલમાંથી એની હકાલપટ્ટી થઈ ન હોત તો આવા ટેકનોલોજીના નવા વિશાળ ક્ષેત્રની ખોજ ક૨વાની એની સર્જનશીલતાને તક સાંપડી ન હોત.
ક્ષણનો સાક્ષાત્કાર
નવરાત્રિ આવી રહી છે, ત્યારે મહિષાસુર મદિની દેવીશક્તિનું સ્મરણ થાય છે. સામાન્ય રીતે મહિષાસુરને મોટા મોટાં દાંતવાળો, લાંબા તીક્ષ્ણ નખવાળો, આંખોમાંથી લાલ લાલ અંગારા વરસાવતો, વિખરાયેલાં વાળવાળો ભયાનક રાક્ષસ માનીએ છીએ, પણ ખરેખર વાત એ વિચારવા જેવી છે કે આવો અસુર હોઇ શકે ?
હકીકતમાં તો અસુર એટલે ભોગોમાં રમમાણ રહેનારો અને કથા કહે છે કે આ મહિષાસુર ભોગોમાં રમમાણ એવો ભયાવહ રાક્ષસ હતો. વળી ભોગી જ્યારે જગતને માટે ભયજનક બને, ત્યારે કેવી અત્યાચારભરી દારૂણ અને કરૂણ પરિસ્થિતિ સર્જાય છે, તેની કલ્પના થઇ શકે. આવી સ્થિતિ સર્જાય ત્યારે સદ્ભાવનાની નહીં, પણ પ્રબળ શક્તિની જરૂર પડે છે અને તેથી જ આદ્ય દેવો એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ મહિષાસુર પર ક્રોધિત થયા અને એમાંથી દૈવીશક્તિનું નિર્માણ થયું. નવ નવ દિવસનાં અવિરત યુદ્ધ પછી દૈવી શક્તિએ મહિષાસુરને હણી નાખ્યો. આ મહિસાસુર જેવી ભોગતૃષ્ણા માનવીના હૃદયમાં પડેલી છે. આસુરીશક્તિની નાગચૂડમાંથી મૂક્ત થવાનો સંદેશ એટલે નવરાત્રિ.
વળી મહિષ એટલે પાડો. પાડાની પ્રકૃતિનો વિચાર કરો, તો ખ્યાલ આવશે કે એ સ્વાર્થી, પ્રમાદી અને માત્ર પોતાના સુખનો જ વિચાર કરનારો હોય છે. તળાવ કે નદીની ઠંડકમાં એ પડયો રહેતો હોય છે. આવી પાડાવૃત્તિ ધરાવનારા સ્વાર્થી લોકોની સમાજમાં ક્યાં કમી છે ? સંવેદનાને ગુમાવીને જીવનારાઓની ક્યાં અછત છે ? આથી આવા પાડાવૃત્તિનો નાશ કરવો તે આનો સંકેત છે અને બીજાના સુખને માટે આપણી શક્તિનો ઉપયોગ કરવો તે આ પર્વનો સંદેશ છે.


