- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
- એન્ટિબાયોટિકના બેફામ ઉપયોગથી બેકટેરિઆ હવે પ્રતિકાર કરતા થઈ ગયા છે. એક રિપોર્ટ અનુસાર 82 ટકા બેકટેરિઆ એન્ટિબાયોટિકને ગાંઠતા નથી
સા માન્ય રોગમાં પણ એન્ટિબાયોટિકના બેફામ ઉપયોગથી બેકટેરિઆ ડ્રગ રેઝિસ્ટન્સ પેદા કરે છે. ભવિષ્યમાં સર્જરી વખતે આજ બેકટેરિઆ એન્ટિબાયોટિકને ગાંઠે નહિ તો શી હાલત થાય ? તબીબી સલાહ વિના દવા લેવાનું ટાળો અને ડોક્ટરને ગુગલની સલાહ આપવાથી દૂર રહો !
એન્ટિબાયોટિકના બેફામ ઉપયોગથી બેકટેરિઆ હવે પ્રતિકાર કરતા થઈ ગયા છે. એક રિપોર્ટ અનુસાર ૮૨ ટકા બેકટેરિઆ એન્ટિબાયોટિકને ગાંઠતા નથી. એનો અર્થ એવો કે ફક્ત ૧૮ ટકા બેકટેરિઆ જ એન્ટિબાયોટિકથી મૃત્યુ પામે છે... !
હવે જ્યારે દર્દી મરણપથારીએ હોય અને એને એન્ટિબાયોટિક આપો તો અસર ના પણ થાય. પૈસા અને સમયની બરબાદી ઉપરાંત દર્દી કુટુંબને છોડીને ચાલી પણ જાય... !
ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરને લગભગ ૭૦૦૦ આઈસોલેટ આ પ્રકારના મળી આવ્યા હતા. જ્યારે બેકટેરિઆ ડ્રગ રેઝિસ્ટન્સ કરતા હોય ત્યારે સર્જીકલ પ્રોસીજર પછીની સારવારમાં કેવી મુંઝવણ થતી હોય એ સમજી શકાય છે. કોઈ હેલ્થકેર ઈન્ટરવેન્સન હોય અને એન્ટિબાયોટિકની અસર ના થાય તો દર્દીની હાલત શી થાય કે કલ્પી શકાય છે.
આજકાલ સામાન્ય તાવ, ઝાડા, ઊલ્ટી થાય એટલે દર્દી જ ડોક્ટરને એન્ટિબાયોટિક આપવાની સલાહ આપે છે. આ બધા ગુગલ જ્ઞાનીઓ પોતે જ ડોક્ટર થઈ જાય છે!!
શ્વસનતંત્રના રોગ હોય કે મુત્રમાર્ગનો ચેપ હોય, એન્ટિબાયોટિક વિચારીને આપવા જોઈએ. આ બાબતની સુચના મેડિકલ એસોશિએશન પોતાના ડોક્ટરને આપતું જ હોય છે.
બેકટેરિઆ એટલા હોંશિયાર હોય છે કે લાંબા સમય માટે આપવામાં આવતા એન્ટિબાયોટિક સામે અવરોધ નોંધાવી દે છે. ડ્રગ રેઝિસ્ટન્સ માટે તેઓ એન્ટિબાયોટિકનું વિઘટન કરી દે છે અથવા પોતાના આવરણની રચના બદલી તેને શરીરમાં પ્રવેશવા દેતું નથી. બેકટેરિઆ પોતે જીનેટિક મ્યુટેશન દ્વારા પણ રેઝિસ્ટન્સ તૈયાર કરે છે. હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર દ્વારા પણ ડ્રગ રેઝિસ્ટન્સ કરનાર જીવાણું જનીનની આપલે કરે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (ઉર્લ્લં) એ ૨૦૨૫માં રજુ કરેલ બેકટેરિઅલ રેઝિસ્ટન્સના પરિણામો આઘાતજનક છે. ટાઇફોઇડના જીવાણુઓ સિપ્રોકલોકસાસીન સામે ૧૮ ટકા રેઝિસ્ટન્સ દર્શાવે છે. જ્યારે આજ એન્ટિબાયોટિક સામે ડિસેન્ટ્રીના જીવાણુઓ ૨૯.૭ ટકા રેઝિસ્ટન્સ દર્શાવે છે. ૨૦૨૩માં મુત્રમાર્ગનો રોગ કરનારા કલેબસીએલા જીવાણુઓ ૪૫.૫ ટકાનો રેઝિસ્ટન્સ દર્શાવ્યો હતો... !!
મુત્રમાર્ગનો ચેપ કરનારા ઈ કોલાઈનો સેફોટેકઝાઈમ સામેનો પ્રતિકાર ૩૯.૮ ટકા હતો.
આનો અર્થ એ જ થાય કે તબીબી સલાહ વિના સામાન્ય ચિન્હો માટે એન્ટિબાયોટિક લેવા ના જોઈએ. ખૂબ પાણી પીઓ અને ડોક્ટરની સલાહ પ્રમાણે દવાનો કોર્સ પૂરો કરો.


