Get The App

સરદારની બોરસદી લડત પ્લેગમાં અવિરત રહી

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
સરદારની બોરસદી લડત પ્લેગમાં અવિરત રહી 1 - image

- સરદાર @150-હસિત મહેતા

- વલ્લભભાઈના ભાગ્યમાં તો લડાઈ લડવાનું લખાયેલું જ હતું, પરંતુ સદભાગ્યે એ લડાઈમાં પોતાના પૂર્વાશ્રમના અનુભવોનું ભાથું તેમનું વિજયી શસ્ત્ર બની રહેતું હતું

વ કીલાતે, તેમાંય બોરસદની એક દાયકા જેટલી લાંબી વકીલાતે વલ્લભભાઈને સરદાર કે ઘડવૈયા તરીકેની જે સફળતા અપાવી, તેની પાછળના બે કારણો મુખ્ય છે. એક તો બોરસદઘરાનાનાં વલ્લભભાઈના સાથીઓ અને સંબંધો, અને બીજું બોરસદી વકીલાતમાં અમલદારો અને અંગ્રેજ નીતિરીતિ સામે વલ્લભભાઈએ વિરોધીઓને ચખાડેલાં કોર્ટ પરાજયો.  બોરસદી વકીલાતે વલ્લભભાઈને અંગ્રેજો સામે લડવાની, જીતવાની, આક્રમક થવાની મૂળભૂત તાલીમ આપી હતી, આ બોરસદ નાતો તો વલ્લભભાઈના જીવનનો એક અભિન્ન, ઉજળો, સફળતાભર્યો ઘડતરકાળ. આ એ જ બોરસદ, જ્યાં તેમણે હાઈસ્કૂલ શરૂ કરાવીને શિક્ષણના પાયા નાંખેલાં. આ એ જ બોરસદ, જ્યાંથી ગુરુબંધુ વિઠ્ઠલભાઈને પોતાના હક્કના ભોગે ઈંગ્લેન્ડ મોકલેલાં, આ એ જ બોરસદ જ્યાં તેમણે પત્નીમરણના આઘાતી તારસંદેશને ગજવે ઘાલીને લોખંડી મનોબળ બતાવ્યું હતું. આ એ જ બોરસદ જ્યાં તેમણે ગાંધીની ગેરહાજરીમાં સત્યાગ્રહનું સફળ સુકાનીપદ બતાવી આપ્યું હતું. વળી આ એ બોરસદ પણ ખરું, જ્યાં ઈ.સ.૧૯૩૫ના વર્ષમાં વલ્લભભાઈએ પ્લેગની મહામારીમાંથી સ્થાનિક પ્રજાને બેઠી કરવાનું અને સરકારને ખોટી વાતે પદાર્થપાઠ શીખવાડવાનું બીડું ઝડપ્યું હતું.

બોરસદના પ્લેગ સામેની જેહાદ, એ વલ્લભભાઈના જીવનનો એક અમૂલો પ્રસંગ છે. અહીં તેમણે ૧૯૩૫ના માર્ચથી ત્રણેક મહિના ધામા નાંખીને મરકીની મહામારીને મ્હાત કરવા જે પ્રયોગો અને લોકકાર્યો કર્યા હતા, એ બેનમૂન છે. બોરસદ પંથકમાં પ્લેગ, એટલે કે મરકી, એટલે કે આપણા આજના કોરોના જેવી મરણતોલ મહામારી મરેલાં ઉંદરોને લીધે, તે પ્રકારની ગંદકી અને દુષિત વાતાવરણને લીધે બેહદ વકરી હતી. જેનો ભોગ તાલુકાના ૨૮ ગામોના ૫૮૯ લોકો બન્યાં અને મર્યા. ઈ.સ.૧૯૩૨માં તેની શરૂઆત એક જ ગામથી થઈ, પણ પછી ૧૯૩૩માં એ ૧૦ ગામોમાં, ૧૯૩૪માં ૧૪ ગામોમાં અને ૧૯૩૫માં ૨૮ ગામડામાં ફેલાઈ ગયો હતો. આ વાત વલ્લભભાઈ પાસે પહોંચી, એટલે તેમણે મુંબઈના જાણીતા દેશસેવક ડૉ. ભાસ્કરભાઈ પટેલને બોરસદ મોકલ્યાં. તેઓ હમણાં જ ધૂળિયા જેલમાંથી છૂટયા હતા, અને મુંબઈમાં ગોઠવાઈ જવાની તૈયારી કરતાં હતા. તેવામાં સરદારના આમંત્રણે બોરસદકાર્ય માટે જોડાઈ ગયા. પાછળ વલ્લભભાઈ પણ બોરસદ આવી પહોંચ્યા. પછી તો શરૂ થયો અસ્સલ વલ્લભીય પ્રજાયજ્ઞા.તેમણે બોરસદના હૈડિયાવેરાના સત્યાગ્રહની જેમ આ મહામારીના કાર્યમાં પણ અનેક સ્વયંસેવકોને આહ્વાહન આપ્યું. જેમાં દરબાર ગોપાળદાસ જેવા તો પત્ની, પુત્રો અને પુત્રવધુઓ સમેત જોડાયાં. બોરસદના સ્થાનિક ડૉક્ટર જીવણજી દેસાઈ પણ પૂરો વખત કામે લાગી ગયા.

દુષ્કાળ, રેલસંકટ, મરકી, મહામારી જેવી અણધારી આફતોનો હિંમતભેર સામનો કરવાની તાલીમ આપવાનો પ્રજાયજ્ઞા વલ્લભભાઈ માટે ગુલામી સામેનાં સત્યાગ્રહ કરતાં સ્હેજેય કમ નહોતો. જોતજોતામાં તેમણે બોરસદ સત્યાગ્રહ છાવણીને દવાખાનામાં ફેરવી નાંખી. ત્યાંથી થોડે દૂર એક ખેતરમાં કામચલાઉ ઘાસના માંડવા તૈયાર કર્યા. બાજુમાં રાયણ ઝાડના થડિયાને બનાવ્યો તકિયો. જેના ઓથે તેઓ લખતાં કામકાજના અહેવાલો, સરકારને ચેતવતાં પત્રો, પ્રજાજાગૃતિની પત્રિકાઓ અને ભાષણો માટેના મુસદ્દાઓ. આખા પંથકમાં ઘેર-ઘેર, ફળિયે-ફળિયે તેઓ પગપાળા ફરતાં, કાર્યકરોને પણ ફેરવતાં અને એકેએક પરિવારનું અંગત ધ્યાન રાખતાં.

વલ્લભભાઈએ ડૉ.ભાસ્કર પટેલને મુંબઈની બાયોમેડિકલ સંશોધન સંસ્થા હાફકિન ઈન્સ્ટિટયુટના મેજર જનરલ સાહિબ સિંધ સાખી પાસે મોકલ્યાં. ઈન્ડિયન મિલિટરી સર્વિસના આ દાક્તરી અફસરે ડૉ.પટેલને પ્લેગ નિવારણના તાત્કાલિક ઉપાયો શીખવાડયાં. પ્લેગને હરાવનારા ઘરેલું છતાં વૈજ્ઞાનિક નુસ્ખાઓ જાણીને ડૉ.ભાસ્કરભાઈ બોરસદ આવ્યા, બાજુમાં પેટલાદની રંગની મીલમાં પુરુષોત્તમભાઈ ચતુરભાઈ પટેલ નામના લેબોરેટરી હેડ જોડે ઘાસતેલ(કેરોસીન) અને ડામર (નેપ્થેલીન) મેળવીને જંતુનાશક મિશ્રણ બનાવ્યું. બ્લીચીંગ પાવડરથી સફાઈ, ગંધકના ધૂપથી હવાના જંતુઓનો નાશ, ગંધકમિશ્રિત છાણના લીપણથી ચાંચડનો નાશ,  બૅરિયમ કાર્બોનેટથી ઉંદરનો નાશ, રોગપ્રતિકારક શક્તિ વધારવાની સમજ આપતી પત્રિકાઓ......એ જમાને (આજના કોરોનાકાળે પણ નહોતી એટલી) વૈજ્ઞાનિક જાગૃતિ સાથે વલ્લભભાઈએ અથાગ પ્રયોગો અને પ્રયત્નો કરીને ગણત્રીના મહિનાઓમાં પ્લેગને ભગાડી દીધો હતો. ખુદ ગાંધીજી ૨૩-૫-૧૯૩૫એ વલ્લભભાઈની વહારે બોરસદ દોડી આવીને, એક અઠવાડિયું રોકાઈને, ગામડાઓમાં ઘેર-ઘેર મુલાકાત કરીને, વલ્લભભાઈની નિષ્ઠા, દ્રષ્ટિ અને સફળતા જોઈને ખૂબ પ્રસન્ન થયેલા.

પણ, સરકાર એટલે સરકાર. પછી એ ગોરાઓની હોય કે આજની. પ્રજાહીતના કાર્યોમાં પોતાના અમલદારોની ઢીલાશ,આળસ, દીશાહીનતા, અપ્રમાણિક્તા અને ચોરીને છાવર્યા વગર રહે? તેણે તો વલ્લભભાઈ અને તેમની ટોળીએ કરેલાં પ્રજાયજ્ઞાને પરોક્ષે વખોડતાં નિવેદનો બહાર પાડયા. પોતાની નિષ્ફળતાને છાવરવા જ સ્તો! પાણી પહેલાં પાળ બાંધવા ટેવાયેલા વલ્લભભાઈએ એની સામે મુંબઈના ચાર નામાંકિતોને બોરસદ આમંત્રીને આખી હાડમારીનો અહેવાલ તૈયાર કરાવ્યો. મુંબઈના ડૉ.ગિલ્ડર, ડૉ.ભરૂચા, બૅરિસ્ટર બહાદુરજી અને અગ્રણી કાર્યકર વૈકુંઠભાઈ મહેતાએ અહીંના પ્લેગગ્રસ્ત વિસ્તારોમાં ફરીને તૈયાર કરેલો અહેવાલ જાહેર કર્યો. એ પુરાવાનો આધાર લઈને વલ્લભભાઈએ ગોરી સરકારને ૩-૭-૧૯૩૫ના પત્રથી ધમકાવતાં, ચેતવતાં ખુલ્લાં શબ્દોમાં લખેલું કે.... '(તમારાં કેટલાંક) આક્ષેપો કાયદાની દ્રષ્ટિએ બદનક્ષી કરાનારા છે..... એ પાછા ખેંચવા જોઈએ, અથવા કુશળ ડૉક્ટરો અને પુરાવાની ચકાસણી કરી શકે તેવી સ્વતંત્ર કમીટી નીમવી જોઈએ.' વલ્લભભાઈની આ ગંભીર ધમકીથી વધુ એકવખત સરકારને ઢીલા પડીને આક્ષેપબાજી બંધ કરવી પડી હતી.

આ રીતે, વલ્લભભાઈના ભાગ્યમાં તો લડાઈ લડવાનું લખાયેલું જ હતું, પરંતુ સદભાગ્યે એ લડાઈમાં પોતાના પૂર્વાશ્રમના અનુભવોનું ભાથું તેમનું વિજયી શસ્ત્ર બની રહેતું હતું. બોરસદની પ્લેગ નિવારણ જેહાદનું પણ એવું જ.