- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
- શબના મુખમાં દીવો મૂક્યા બાદ તાંત્રિક તદ્દન નિર્વસ્ત્ર થઈને મડદાંની છાતી પર બેસી ગયો. મહાકાળીને આહ્વાન આપવા માટેના મુખ્ય મંત્રોચ્ચાર તેણે તીવ્રતા સાથે શરૂ કર્યા
એ ક તંત્રોપાસકે પોતાની આખી જિંદગી મહાકાળીને આહ્વાન આપવામાં પસાર કરી. છેવટે, અમાસની કાળમુખી ભેંકાર રાતે તેણે 'શવ-સાધના' આરંભી. લાશને બળદગાડામાં નાખીને તાંત્રિક દ્વારા સ્મશાન સુધી લાવવામાં આવી. કોઈક અગોચર શક્તિએ આખા શરીરમાંથી લોહી ચૂસી લીધું હોય એવું, સફેદ બિહામણું અને ઠંડુગાર શબ! જકડાઈ ગયેલાં મુખને બળપૂર્વક સહેજ ખોલીને તાંત્રિકે એમાં ઘીનો દીવો પ્રગટાવ્યો અને પોતાની બાકીની તૈયારીઓ આટોપી.
આ બધું બની રહ્યું હતું, ત્યારે એક કઠિયારો ઝાડ ઉપર ચઢીને સમગ્ર દ્રશ્ય પોતાની સગી આંખે નિહાળી રહ્યો હતો. લાકડાં કાપવાનું પૂરું કર્યુ, ત્યાં સુધીમાં સાંજ પડી ગઈ હોવાને લીધે તેણે વહેલી સવાર સુધી ઝાડ પર જ આરામ ફરમાવવાનું નક્કી કર્યું હતું. શબની સાથે તાંત્રિકવિધિ થતી જોઈને એ બાપડો બહુ જ ગભરાઈ ગયો.
શબના મુખમાં દીવો મૂક્યા બાદ તાંત્રિક તદ્દન નિર્વસ્ત્ર થઈને મડદાંની છાતી પર બેસી ગયો. મહાકાળીને આહ્વાન આપવા માટેના મુખ્ય મંત્રોચ્ચાર તેણે તીવ્રતા સાથે શરૂ કર્યા. આ ભયજનક દ્રશ્ય જોઈને કઠિયારાની હાલત વધુ ખરાબ થઈ ગઈ.
... અચાનક જ, અંધકારમાંથી પ્રગટ થયેલો કાળરાત્રિ સમો ચિત્તો/દીપડો તાંત્રિક પર ત્રાટક્યો. તેના આખા શરીરને ચિત્તાએ ચૂંથી કાઢયું! અને ઘડીના છઠ્ઠા ભાગમાં પોતાનું ભોજન પડતું મૂકીને રહસ્યમય રીતે ઝાડી-ઝાંખરામાં ગાયબ પણ થઈ ગયો! વીજળીની ઝડપે બનેલી આ ઘટના કઠિયારા માટે તો આંચકો હતી. તેને ખબર જ ન પડી કે બે ક્ષણોની અંદર તેની નજર સામે શું બની ગયું!
મનમાં અનેક શંકા અને સવાલો સાથે તે થોડી વાર પછી ઝાડ પરથી નીચે ઉતર્યો. હળવા પગલે શબ પાસે પહોંચીને જોયું તો તાંત્રિકની આંખોના ડોળા બહાર નીકળી ગયા હતાં.
કઠિયારાએ આજુબાજુ નજર કરી. સ્મશાનવત્ શાંતિ! ભૂત રુંએ ભેંકાર! કોણ જાણે તેનામાં અચાનક ક્યાંથી હિંમત આવી અને તે શબની છાતી ઉપર બેસી ગયો! મડદાંના મુખમાં પ્રજ્વલિત દીવો હવે તેના મનમાં ભય પેદા નહોતો કરતો. પોતે વર્ષોથી સાધના કરતો હોય એમ એણે આંખો બંધ કરીને મંત્રજાપ શરૂ કર્યો! હા, મહાકાળીનો એ જ મંત્રજાપ, જેનું ઉચ્ચારણ થોડી ક્ષણો પહેલાં તાંત્રિક કરી રહ્યો હતો!
આશ્ચર્યની વાત તો એ હતી કે જીવન દરમિયાન તેણે કોઈ ગુરૂ નહોતો બનાવ્યો કે ન તો કોઈ મંત્રની દીક્ષા લીધેલી! આમ છતાં, તાંત્રિક દ્વારા ઉચ્ચારવામાં આવેલો મંત્ર તેને પોતીકો લાગ્યો હતો. હજુ તો માંડ સાત વખત તેણે મંત્રજાપ કર્યો હશે, ત્યાં સાક્ષાત્ મહાકાળીનું ઉગ્ર સ્વરૂપ તેની સામે પ્રગટ થયું. કઠિયારો થીજી ગયો! તેના શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું અને હૃદય બંધ પડતાં પડતાં રહી ગયું.
... ઉગ્ર છતાં સૌમ્ય, રૌદ્ર છતાં માયાળુ અને ભયાવહ છતાં અતિસુંદર એવા મહાકાળીનું પ્રાગટય! ખુલ્લા વિખરાયેલા વાળ, મોંમાંથી બહાર ડોકાતાં બે રાક્ષસી દાંત અને રક્તપાન કરી ચૂકેલી લાલચટક જિહ્વા, આખેઆખી કાળરાત્રિ જાણે નેત્રોમાં જ સમાઈ ચૂકી હોય એવી વિશાળકાય શ્યામ કીકીઓ અને એક હાથમાં માંસના લોચા સાથે લટકતી લોહિયાળ ખોપરી! અન્ય બે હાથોમાં દાતરડું અને મદિરા... ચોથો હાથ આશીર્વાદ આપતી મુદ્રામાં.
'હું પ્રસન્ન થઈ, પુત્ર...' સૃષ્ટિના સર્જનકાળ સમયે પડઘાયેલાં ઘેરા નાદ સાથે દેવીએ પૂછયું, 'તારે શું જોઈએ છે?'
'હે સૃષ્ટિવિનાશિનિ આદિ મહામાયા, તમારા મહાકાળી અવતારને હું ભાવપૂર્વક વંદન કરું છું.' કોઈક અજાણી શક્તિ જાણે પોતાને વાચા આપી રહી હોય એવો દિવ્ય અનુભવ કઠિયારાને થઈ રહ્યો હતો, 'પાછલા એક પ્રહરથી આ તાંત્રિક તમારી ઘોર ઉપાસના કરી રહ્યો હતો એમ છતાં તમે એના પ્રાણ ન બચાવ્યા... અને મેં ફક્ત સાત વખત મંત્રજાપ કર્યો ને તમે સાક્ષાત્ દર્શન આપ્યા! મારી મૂઢ મતિને આપની આ અકળ લીલા પાછળનો તર્ક ન સમજાયો.'
'એક પ્રહર?' દેવીએ મમતાસભર અટ્ટહાસ્ય કર્યુ, 'મારો એ ઉપાસક તો મને પાછલાં છ જન્મોથી આહ્વાન આપી રહ્યો છે!'
આ સાંભળીને કઠિયારો વધુ મૂંઝાઈ ગયો.
'હજુ એનો સમય નથી આવ્યો!' દેવીએ ફરી કહ્યું, 'પણ હા, એના આવતાં જન્મમાં એ ચોક્કસપણે મારો સાક્ષાત્કાર પામશે. જ્યારે તું તો પાછલા હજારો વર્ષથી મારી ઘોર સાધનામાં પ્રવૃત્ત આત્મા છે! ગયા જન્મમાં મારો સાક્ષાત્કાર પામવાને આડે ફક્ત સાત મંત્રોચ્ચાર બાકી હતાં, એ વેળા જ તારું મૃત્યુ નીપજ્યું હતું. એ વખતે હજારો વર્ષોથી એકત્રિત થયેલી તારી મંત્રઊર્જાના ભાથામાં એટલી ક્ષમતા હતી કે હવે તું ફક્ત સાત વખત મારા મંત્રનો જાપ કરે, તો મારે ફરજિયાતપણે તારી સમક્ષ ઉપસ્થિત થવું પડે! માંગ... જે જોઈએ એ માંગ, પુત્ર!'
અને, કઠિયારાનું મસ્તક નમસ્કાર મુદ્રામાં ઝૂકી ગયું.
ઓમ સ્વામી લિખિત હિંદી પુસ્તક 'પ્રાચીન મંત્રવિજ્ઞાન'માં જણાવાયું છે કે જેમ કિડની-ટ્રાન્સપ્લાન્ટ કે હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ કરતાં પહેલાં રીસિવરના શરીર સાથે ડોનરનું અંગ મેળ ખાય છે કે નહીં એ ચકાસવું જરૂરી છે, એવી જ રીતે મંત્રજાપ કરતાં પહેલાં સાધકને તેનું ફળ મળશે કે નહીં એ ચકાસી લેવું જરૂરી છે.


