Get The App

તમે લગ્ન નહીં કરી શકો... .

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
તમે લગ્ન નહીં કરી શકો...                                . 1 - image

- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ

- 'તમે મને પ્રેમ કરી શકશો પણ લગ્ન નહીં કરી શકો.' - મોરલી બોલી અને હસી પડી. વિદિત પણ હસ્યો છતાંય ઝંખવાણો થઈ ગયો. તે કશું બોલી પણ ન શક્યો

વિ દિત સુરત કામથી આવ્યો હતો. કામ પૂરું થતા મોડું થયું અને ટ્રેનના ટાઈમે પહોંચી શકાયું નહીં. ટ્રેન ચુકી જવાઈ અને હવે બસ કે લક્ઝરીમાં ઘરે જવાનો વારો આવ્યો એટલે વધારે અકળાયો હતો. તે બસ સ્ટેશનમાં ઘુસ્યો. ત્યાં આઠ-દસ બસો પડી હતી. તેણે ઈન્ક્વાયરી કાઉન્ટર ઉપર પૂછયું તો ખબર પડી કે, ત્રીજી બસ અમદાવાદની છે. તે ફટાફટ બસમાં ચડયો તો ફરી મોતીયા મરી ગયા. બસ ભરેલી હતી. તે નીચે ઉતરવા જતો હતો ત્યાં જ 

કન્ડક્ટર આવ્યો.

'કેમ નીચે ઉતરો છો? બસ ઉપડે છે, હવે.' - કન્ડક્ટરે કહ્યું.

'બસમાં જગ્યા જ નથી. હું બેસવા જ આવ્યો હતો પણ એકેય સીટ ખાલી દેખાતી નથી.' - વિદિતે અણગમા સાથે કહ્યું. 

'પાછળ જગ્યા હશે. આ સ્પેશિયલ બસ મુકાઈ છે. તેમાં રિઝર્વેશન નથી. જોઈ લો જગ્યા હોય તો બેસી જાઓ. ટિકિટ હું અંદર આપી દઈશ.' - કન્ડક્ટરે કહ્યું.

વિદિત ફટાફટા પાછો ચડયો અને પાછળ ગયો તો જોયું કે, એક સીટ ખાલી હતી. તે સીટ પાસે પહોંચી ગયો તો તેના પગ થીજી ગયા. એક સુંદર યુવતી બારી પાસેની સીટ ઉપર બેઠી હતી. તે બારીની બહાર કોઈની સાથે વાતો કરતી હતી.  

'એક્સક્યુઝમી મેમ, અહીંયા કોઈ આવે છે કે હું બેસી જાઉં?' - વિદિતે ખૂબ જ શાંત સ્વરે કહ્યું.

'ઓફકોર્સ બેસી જાઓ. મારી સાથે કોઈ આવવાનું નથી. મેં કોઈના માટે સીટ રોકી નથી. તમારું નસીબ કે તમને સીટ મળી અને મારું નસીબ કે મને કંપની મળશે.' - યુવતીએ વિદિતની સામે સ્મિત કરતા કહ્યું અને વિદિત સીટ ઉપર બેસી જ પડયો. વિદિતે જોયું તો, પેલી યુવતી ફરીથી બારીની બહાર કોઈની સાથે વાત કરવા લાગી.

'તમારી બહેન મુકવા આવી હતી?' - વિદિતે સહજ સવાલ કર્યો.

'ના. મારા માસીના પાડોશીની દીકરી હતી. મારી ફ્રેન્ડ હતી. હું મારા માસીના ઘરે આવી હતી. હવે અમદાવાદ પાછી જાઉં છું. તમે ક્યાં જાઓ છો?' - પેલી યુવતીએ જવાબ આપ્યો.

'હું તમારી સાથે જ ઉતરવાનો છું. અહીંયા નોકરી માટે આવ્યો હતો પણ ઈન્ટરવ્યૂ ખરાબ ગયો. ટ્રેન પણ ચૂકી ગયો. વાંધો નહીં બસની મુસાફરી વધારે સારી રહેશે એવું લાગે છે.' - વિદિતે કહ્યું અને પેલી યુવતી હસી પડી.

વિદિતે તેની આંખોમાં જોવાનો પ્રયાસ કર્યો પણ જોઈ શક્યો નહીં. આંખો ઉપર લગાવેલા ડાર્ક બ્રાઉન ગોગલ્સના કારણે તેની આંખો દેખાતી નહોતી. તેમ છતાં સહેજ ગોરો વાન, સુંદર દાંત અને એકદમ સુરીલો અવાજ વિદિતને મોહિત કરતો જતો હતો. તે અનાયાસ જ તે યુવતી તરફ ખેંચાતો જતો હતો.

'તમે આમ વારંવાર મને જોયા કરશો તો મને શરમ આવશે.' - પેલી યુવતીએ વિદિત સામે જોઈને કહ્યું અને વિદિત પણ શરમાઈ ગયો. તેણે તરત જ મોઢું ફેરવી લીધું. થોડીવાર બંને શાંતિથી બેસી રહ્યા. બસ સરકતી જતી હતી અને કદાચ વિદિતના વિચારો પણ ઝડપથી આગળ વધતા હતા. 

'આપણે આટલી વાતો કરી પણ એકબીજાનું નામ જ પૂછયું નહીં. મારું નામ વિદિત છે.' - વિદિત બોલ્યો.

'બિલકુલ સાચી વાત છે વિદિત. આપણે નામ પૂછયું જ નહીં. મારું નામ મોરલી છે.' - પેલી યુવતી બોલી અને વિદિત જાણે કે તેના સૂરમાં ખોવાઈ ગયો.

'બોલો ભાઈ, કેટલી ટિકિટ આપું?' - કન્ડક્ટરે કહ્યું. 

'એક ટિકિટ અમદાવાદ આપો.' - વિદિત બોલ્યો.

'તમે એકલા જ જશો, આમની ટિકિટ નથી લેવી?' - કન્ટક્ટરે કહ્યું અને વિદિત શરમાઈ ગયો.

'અરે, સોરી... મોરલી હું તમારી પણ ટિકિટ લઈ લઉં. બંનેના પૈસા સાથે આપી દઈશ. તમે મને આરામથી આપજો.' - વિદિતે કહ્યું.

'ડોન્ટ બી. મારી ટિકિટ ન લેશો. મેં પહેલેથી લઈ લીધી છે. થેંક્યુ ફોર યોર કેર.' - મોરલી બોલી અને કંડક્ટર એક જ ટિકિટ વિદિતને આપીને જતો રહ્યો. બસ તેની ગતિએ ચાલતી હતી અને વિદિતના વિચારો પણ તેની ગતિ પકડી રહ્યા હતા. વિદિતે ફરી એક નજર મોરલી ઉપર ફેરવી.

મોરલી ખરેખર મનમોહક લાગતી હતી. આછા ગુલાબી રંગનો ડ્રેસ પહેર્યો હતો. તેના ઉપર ગુલાબી રંગનો દુપટ્ટો હતો જેના છેડા ઉપર સફેદ ફુમતા લટકતા હતા. કાનમાં મોરપીંછ રંગની આર્ટિફિશિયલ બુટ્ટીઓ પહેરી હતી. તેની નીચે કદાચ સોનાની કહી શકાય તેવી કડી પહેરી હતી. ગળામાં મોતીની માળા હતી. હાથમાં રંગબેરંગી બંગડીઓ પહેરી હતી. વાળ ખુલ્લા હતા જે બારીમાંથી આવતા પવનના કારણે વારંવાર ઉડતા હતા અને ક્યારેક વિદિતને પણ સ્પર્શી જતા હતા. તેમાંથી આવતી માદક સુગંધ વિદિતને વધારે રોમાંચિત કરતી હતી. તેણે કદાચ સફેદ ઉદનું અત્તર લગાવ્યું હતું. તેના કારણે માદકતાં વધારે છવાતી હતી. 

'મેં તમને ના પાડી છે મારી સામે આવી રીતે જોવાની.' - મોરલી બોલી પડી અને વિદિતની સુંવાળી યાત્રાનો અંત આવ્યો.

'તમે કંઈ વાત કરતા નથી, બસ બારીની બહાર જોયા કરો છો. હું એકલો એકલો શું કરું? તમારી સામે જોયા કરું છું. હું પણ કુદરતી સૌંદર્ય જ જોઉં છું.' - વિદિતે કહ્યું અને મોરલી હસી પડી.

'તમે અમદાવાદમાં રહો છો કે ત્યાં નોકરી કરો છો?' - મોરલીએ સવાલ કર્યો.

'હું અમદાવાદ નોકરી કરું છું. મારો પરિવાર મહેસાણા રહે છે. મારા પપ્પા બેન્કમાં મેનેજર છે. મમ્મી-પપ્પા ત્યાં રહે છે અને હું અમદાવાદ પીજીમાં રહું છું. હું ઈસ્કોન સર્કલ રહું છું.' - વિદિતે કહ્યું.

'અરે વાહ. હું વસ્ત્રાપુર રહું છું. હું લિટરેચરમાં માસ્ટર્સ કરું છું. છેલ્લું સેમીસ્ટર ચાલે છે. આ સિવાય વોકલ આર્ટિસ્ટ તરીકે પણ કામ કરું છું. મ્યુઝિક મારું પેશન છે.' - મોરલી બોલી.

'તમારા અવાજ પરથી સમજાય છે. દરેક શબ્દમાં સુર છે.' - વિદિતે કહ્યું અને બંને જણા હસી પડયા. ત્યાંજ બસ રોકાઈ ગઈ.

'વડોદરા આવ્યું છે. બસ પંદર મિનિટ ઊભી રહેશે. કોઈને ફ્રેશ થવું હોય, ચા-પાણી કરવા હોય તો જઈ આવજો.' - કન્ડક્ટરે કહ્યું અને બસ ઓલમોસ્ટ ખાલી થઈ ગઈ.

'ચાલો આપણે પણ નીચે જઈ આવીએ.' - વિદિત બોલ્યો.

'ના મારે નથી આવવું. તમારે જવું હોય તો જઈ આવો. શક્ય બને તો મારા માટે એક ચા લેતા આવજો.' - મોરલીએ વિદિતનો હાથ પકડતા કહ્યું અને વિદિત જુદી જ દુનિયામાં ઉડવા લાગ્યો. 

થોડીવારમાં તે બે ચાના ગ્લાસ લઈને આવ્યો અને બંને ચાની ચુસ્કી માણતા હતા ત્યાં બસ ઉપડી. બંને એકબીજાની સાથે સામાન્ય વાતો કરતા હતા. બસ લગભગ નડિયાદ વટાવ્યું અને વિદિતે કંઈક એવું કહ્યું કે વાતાવરણ બદલાઈ ગયું.

'મોરલી મને લાગે છે કે હું પ્રેમમાં પડતો જાઉં છું. આઈ રિયલી લાઈક યુ ઓર લવ યુ.' - વિદિતે કહ્યું. મોરલીના ચહેરા ઉપર થોડીવાર ગંભીરતા આવી ગઈ. વિદિત પણ ગંભીર થઈ ગયો, તેને લાગ્યું કે કદાચ કાચુ કપાઈ ગયું છે.

'તમે મને પ્રેમ કરી શકશો પણ લગ્ન નહીં કરી શકો.' - મોરલી બોલી અને હસી પડી. વિદિત પણ હસ્યો છતાંય ઝંખવાણો થઈ ગયો. તે કશું બોલી પણ ન શક્યો. 

બસ થોડીવાર રહીને અમદાવાદમાં પ્રવેશી. ધીમે ધીમે મુસાફરો ઉતરવા લાગ્યા. સીટીએમ પાસે અડધી બસ ખાલી થઈ ગઈ. ત્યારબાદ ગણ્યાગાંઠયા મુસાફરો વધ્યા હતા જે નહેરુનગર ઉતરવાના હતા. વિદિત હવે કશું બોલવા માગતો નહોતો અથવા તો કદાચ બોલી શકે તેમ નહોતો.

'તમે તો લગ્નનું નામ સાંભળીને સાવ થીજી ગયા. ચિંતા ના કરશો હું તમને ફોર્સ નહીં કરું. હા નીચે ઉતરતા તમારું એડ્રેસ આપજો હું પણ તમને મારું એડ્રેસ આપીશ. ચા-પીવા ચોક્કસ ભેગા થઈશું ફરી. મને તમારી કંપની ગમશે.' 

- મોરલી બોલી અને વિદિતે પણ હુંકારો કર્યો.

'ના. એવું કંઈ નથી. મને તમને મળવું ચોક્કસ ગમશે.' - વિદિતે પરાણે જવાબ આપ્યો. થોડીવાર ફરી સન્નાટો રહ્યો ત્યાં નહેરુનગર આવી ગયું. બધા નીચે ઉતરવા લાગ્યા.

'તમારે નથી આવવું? બસ હવે અહીંયાથી આગળ નહીં જાય.' - વિદિતે સાવ સહજ મજાક કરવાનો પ્રયાસ કર્યો.

'મારે આવવું જ છે. તમે પહેલાં સીટ નીચે પડેલી મારી એક વસ્તુ આપશો પ્લીઝ.' - મોરલીએ કહ્યું.

વિદિતે સીટ નીચે હાથ નાખી લાકડી કાઢી. લાકડી જોઈને તે થીજી ગયો. સફેદ રંગની લાકડી અને ઉપર લાલ ટોચ. તેની ઉપર દોરી લટકતી હતી. 

વિદિતને સમજાઈ ગયું કે મોરલી અંધ છે. તેના કારણે જ કદાચ તેણે તે વાક્ય ઉચ્ચાર્યું હતું. 

'સમય મળે તો અંધજન મંડળ આવજો. હું ત્યાં જ રહું છું. તમારી સાથે ચા પીવાનું ગમશે.' - મોરલી એટલું બોલીને લાકડી લઈને નીચે ઉતરી ગઈ. વિદિત પણ તેની પાછળ ઉતર્યો. વિદિત આથમતા અજવાસમાં અલોપ થતા મોરલીના એ કાળા પડછાયાને જોતો રહ્યો.