Get The App

ગુમનામીમાંથી રણજી ચેમ્પિયન બનવા સુધીની જમ્મુ-કાશ્મીરની રોચક સફર

Updated: Mar 8th, 2026

GS TEAM

Google News
Google News
ગુમનામીમાંથી રણજી ચેમ્પિયન બનવા સુધીની જમ્મુ-કાશ્મીરની રોચક સફર 1 - image

- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- ફાસ્ટ બોલર ઔકિબ નાબીની સાથે કેપ્ટન પારસ ડોગરા, સુનિલ કુમાર, અબ્દુલ સમદ, શુભમ પુન્દીર તેમજ કામરાન ઈકબાલ જેવા ખેલાડીઓનો દેખાવ પણ નિર્ણાયક બની રહ્યો 

દ રેક સફળતાના પાયામાં એક આખુંં ટીમ વર્ક રહેલું હોય છે. દુનિયાને ભલે માત્ર વિજેતાનો જ ચહેરો દેખાય છે, પણ તે ચહેરાની પાછળ અનેક એવા ચહેરા પણ છુપાયેલા હોય છે, કે જેઓ ચુુપચાપ રહીને માત્ર પોતાની ભુમિકાને અસરકારક રીતે ભજવવાની કોશીશ કરે છે અને તેના જ પરિણામ સ્વરુપે સફળતાને હાંસલ કરી શકાય છે. તેમાં ય જ્યારે અપેક્ષાથી વિપરિત પરિણામ જોવા મળે છે, ત્યારે સ્વાભાવિક રીતે સાશ્ચર્ય આંચકો સહજતાથી અનુભવાય છે. આ જ કારણે રમતના મેદાનમાં આખી દુનિયાની નજર સુપરસ્ટાર્સ પર જ મંડાયેલી હોય છે, ત્યારે કેટલાક સાધારણ લાગતા સ્પર્ધકો પોતાના અસાધારણ પ્રદર્શન અને એકમેકના પુરક બનીને આગળ વધવાની ભાવનાને સહારે દુનિયાને ચમત્કારિક લાગે તેવા પરિણામ આપતા હોય છે. જોકે તેની પાછળ ચમત્કારનું તત્વ ઓછું ને વ્યક્તિગત સિમાચિહ્નો અને અંગત સિદ્ધિઓને કોરાણે મૂકીને માત્ર ટીમને આગળ ધપાવવાની ભાવના જ સર્વોપરિ હોય છે.

હાલમાં જ પુરી થયેલી ભારતની પ્રથમ કક્ષાની પ્રીમિયર ટુર્નામેન્ટ - રણજી ટ્રોફીમાં જમ્મુ-કાશ્મીરે ટાઈટલ જીતીને ભારે આશ્ચર્ય સર્જવાની સાથે આકર્ષણ જમાવ્યું હતુ. ગત વર્ષે ૧૫મી ઓક્ટોબરે  જ્યારે રણજી સિઝનની શરુઆત થઈ, ત્યારે બધાની નજર હાઈપ્રોફાઈલ સુપરસ્ટાર્સ ધરાવતી મુંબઈની ટીમની સાથે સાથે વિદર્ભ તેમજ કેરળ જેવી ટીમો પર મંડાયેલી હતી. જોકે, ગુમનામીના અંધારામાં રહેલા જમ્મુ-કાશ્મીરના ખેલાડીઓએ આખી સિઝન દરમિયાન એવો કમાલ કરી દેખાડયો કે, આજે ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધી સાવ સાધારણ લાગતા ખેલાડીઓના અસાધારણ દેખાવ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. 

રણજી ટ્રોફીમાં ૧૯૫૯-૬૦માં પ્રવેશ મેળવ્યા બાદ આ પહેલી વખત છે કે, જ્યારે જમ્મુ-કાશ્મીરે ચેમ્પિયન બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. રસપ્રદ બાબત એ પણ છે કે, રણજી ટ્રોફીની ૯૧મી સિઝનમાં જમ્મ-કાશ્મીર ટાઈટલ જીતનારી માત્ર ૧૯મી ટીમ બની છે. જ્યારે કારકિર્દીની પહેલી જ ફાઈનલને યાદગાર બનાવનારી જૂજ ટીમોમાં પણ જમ્મુ-કાશ્મીરે પોતાનું નામ નોંધાવી દીધું છે. આજે જ્યારે ભારતની ટીમમાં સ્થાન મેળવવાનો અલિખિત રાજમાર્ગ આઈપીએલ મનાય છે, ત્યારે જમ્મુ-કાશ્મીરે માત્ર જ એક જ આઇપીએલ ખેલાડીને સહારે રણજી ટ્રોફી જીતીને સાબિત કરી દીધું છે કે, હાઈપ્રોફાઈલ ટી-૨૦ની લીગની બહાર પણ ભારતના પ્રથમ કક્ષાના ક્રિકેટમાં એવી વિરલ પ્રતિભાઓ પડી છે, જે ભલભલા દિગ્ગજોને પછાડવાની ક્ષમતા ધરાવે છે. 

જમ્મુ-કાશ્મીરની રણજી ચેમ્પિયન બનવાની ઘટના આસ્મિક નથી. ગત સિઝનમાં તેઓ ક્વાર્ટર ફાઈનલમાં કેરળ સામે હાર્યા હતા. આ મેચમાં પણ કેરળે પ્રથમ ઈનિંગમાં માત્ર ૧ રનની લીડ મેળવતા નિર્ણાયક જીત હાંસલ કરી હતી. તે મેચમાં આબિદ મુસ્તાકે એક મહત્વનો કેચ પડતો મૂક્યો હતો અને કેરળે આખરી વિકેટમાં ૮૧ રનની ભાગીદારીને સહારે પ્રથમ ઈનિંગમાં ૧ રનની સરસાઈ મેળવી હતી, જે આખરે વિજયી નીવડી હતી. રવિન્દ્ર જાડેજાની બોલિંગ શૈલી ધરાવતા આબિદે પણ ટીમની સફળતામાં પાયાની ભૂમિકા ભજવતા ૨૦ વિકેટ ઝડપી હતી.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અજય શર્મા હેડ કોચના માર્ગદર્શનમાં જમ્મુ-કાશ્મીરની ટીમને તરાશવાનું કામ બોલિંગ કોચ ક્રિષ્ણ કુમાર અને ફિલ્ડિંગ કોચ દિશાંત યાજ્ઞિાકે  કર્યું. જેઓ છેલ્લા કેટલાક સમયથી ટીમની સાથે જોડાયેલા રહ્યા છે. જોકે જમ્મુ-કાશ્મીરના ક્રિકેટને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે તૈયાર કરવામાં ભૂતપૂૂર્વ ક્રિકેટર સ્વ.બિશન સિંઘ બેદીની સાથે સુનિલ જોશી, ઈરફાન પઠાણ સહિતના ભારતીય ક્રિકેટના સુપરસ્ટાર્સે પણ પરસેવો પાડયો છે. તેમની વરસોની મહેનત અને પ્રયાસોની ફલશ્રુતિ હાલમાં જમ્મુ-કાશ્મીરને મળી રહી છે. 

રણજી ટ્રોફી - ૨૦૨૫-૨૬ની સિઝનમાં જમ્મુ-કાશ્મીરની ટીમની ડ્રીમ રન આગવો દબદબો સર્જ્યો હતો. મુંબઈ સામેની હાર સાથે શરુઆત કરનારા જમ્મુ-કાશ્મીરે ત્યાર બાદ ફાઈનલ સહિત કુલ નવ મુકાબલા ખેલ્યા અને તેમાંથી એક પણ ગુમાવ્યો ન હતો. જે તેમના ખેલાડીઓની કુશળતા અને ટીમ વર્કના પુરાવા સમાન છે. રણજી ચેમ્પિયન જમ્મુ-કાશ્મીરના કેપ્ટન તરીકે ૪૨ વર્ષના પારસ ડોગરાએ જવાબદારી સંભાળી હતી. જોકે જીતનો ખરો કર્ણધાર તો જમણેરી ફાસ્ટ બોલર ઔકિબ નાબી બન્યો હતો. 

૨૯ વર્ષના ઔકિબે ટેનિસ બોલથી ક્રિકેટ રમવાનું શરુ કર્યું હતુ અને સ્થાનિક શાળામાં શિક્ષકની નોકરી કરતાં પિતાની શરુઆતી નારાજગી છતાં ક્રિકેટ સાથેનો લગાવ જારી રાખ્યો હતો. બારામુલામાં જન્મેલા આ ફા્સ્ટરે તેની ઝડપ અને સટિકતાના કારણે ઘણા બધાને પ્રભાવિત કર્યા છે અને તેના થકી જ રણજી સિઝનમાં  ૬૦ વિકેટ મેળવીને ખળભળાટ મચાવ્યો છે. ભારતની સ્પિન ફ્રેન્ડલી પીચો પર કોઈ ફાસ્ટ બોલર રણજી સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપે તો તે ખરેખર વિરલ ઘટના કહેવાય અને આવી અનોખી સિદ્ધિ તેણે હાંસલ કરી છે. ભારતની પ્રીમિયર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટના ઈતિહાસમાં માત્ર ત્રણ જ ફાસ્ટ બોલર એવા છે કે, જેમણે એક સિઝનમાં ૬૦  કે વધુ વિકેટ ઝડપી છે. આ યાદીમાં ડોડા ગણેશ અને જયદેવ ઉનડકટનો સમાવેશ થાય છે અને ત્રીજા ક્રમે ઔકિબ છે. ઔકિબે સિઝનમાં ચાર વખત પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડ પણ મેળવ્યા છે.

ઔકિબના ફાસ્ટ બોલિંગના સાથી અને લેફ્ટ આર્મ મીડિયમ પેસર સુનિલ કુમારની સાથે સાથે યુધવીર સિંહ તેમજ સ્પિનર આબિદ મુસ્તાકે પણ નિર્ણાયક દેખાવ કરતાં ટીમની જીતમાં મહત્વનું પ્રદાન આપ્યું છે. જે ટીમની સફળતા માટે નિર્ણાયક બની રહ્યું છે. જ્યારે બેટિંગમાં ટીમનો મદાર વિશેષ પ્રકારણ શુભમ પુન્દીરની સાથે શુભમ ખજુરિયા પર જોવા મળ્યો છે.૨૭ વર્ષનો ડાબોડી બેટ્સમેન પુન્દીર છેલ્લા ૧૧ વર્ષથી ઘરઆંગણાના ક્રિકેટમાં તપશ્ચર્યા કરી રહ્યો છે અને તેણે ચાલુ વર્ષે ફટકારેલી બે સદી ટીમ માટે નિર્ણાયક બની રહી હતી.તેમાંય તેની ફાઈનલમાં નોંધાવેલી સદીએ ટીમને ચેમ્પિયન બનાવવામાં પાયાની ભૂમિકા ભજવી હતી. 

આઈપીએલમાં આગવી ઓળખ ધરાવતા કાલાકોટના અબ્દુુલ સમદે રણજી સિઝનમાં સૌથી વધુ ૭૭૮ રન ૫૭.૫૩ની સરેરાશથી ફટકાર્યા છે. વર્ષ ૨૦૦૯માં માત્ર ૧૬ વર્ષની ઉંમરે ઈરફાન પઠાણ અને જમ્મુ-કાશ્મીરના તત્કાલીન કોચ મિલાપ મેવાડાને પ્રભાવિત કરનારા સમદે આઈપીએલ ટ્રોફી બાદ હવે વધુ એક ટાઈટલ પોતાના નામે કર્યું છે. પુન્દીરની સાથે શુભમ ખજુરિયા તેમજ કેપ્ટન પારસ ડોગરા અને વિકેટકિપર કન્હૈયા વાધવાને પણ બેટિંગમાં તેમના કૌશલ્યની કમાલ દેખાડયો છે. 

સૌથી રસપ્રદ ઘટના ફાઈનલની બીજી ઈનિંગમાં સદી ફટકારનારા કામરાન ઈકબાલની છે. શ્રીનગરમાં જન્મેલા ૨૪ વર્ષના કામરાનને ચાલુ વર્ષના પ્રારંભિક તબક્કામાં પાંચ મેચ રમવાની તક મળી હતી. જોકે ત્યાર બાદ તેને ટીમમાં સ્થાન અપાયું ન હતુ. જોકે ફાઈનલ મુકાબલા અગાઉ જ શુભમ ખજુરિયા ઈજાગ્રસ્ત થઈ જતા મેચની પૂર્વસંધ્યાએ જ કામરાનને તાબડતોબ ટીમની સાથે જોડાવા ફરમાન કરવામાં આવ્યું હતુ. 

આખી રાત હવાઈ પ્રવાસ ખેડીને શ્રીનગરથી હુબલી પહોંચેલો કામરાન ટીમની સાથે જોડાયો તેની ગણતરીની મિનિટોમાં મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. તે પહેલી ઈનિંગમાં તો માત્ર છ રને આઉટ થયો હતો પણ બીજી ઈનિંગમાં તેણે ૧૬૦* રનની યાદગાર ઈનિંગ રમી બતાવી હતી. તેનો સાથ આપતા ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર સાહિલ લોત્રાએ પણ અણનમ સદી ફટકારતાં ટીમની જીતમાં અસરકારક ફાળો આપ્યો હતો. 

મર્યાદિત સાધનોની સાથે સાથે કોઈ પણ સુપરસ્ટાર ખેલાડી કે કોચિંગ સ્ટાફ વિનાની જમ્મુ-કાશ્મીરની સફળતાના પાયામાં માત્રને માત્ર ટીમ વર્ક છે. દરેક વેળાએ કોઈ સુપરસ્ટાર આવીને જ ટીમને ટોચ પર પહોંચાડતો નથી, પણ ક્યારેય ટીમનો દરેક ખેલાડી માત્ર ટીમની સફળતા માટે તેના શ્રે પ્રયાસને બહાર લાવવાનો પ્રયાસ કરે છે, તો અણધાર્યા પરિણામ મેળવી શકાય છે અને જમ્મુ-કાશ્મીરની આ સફળતા તેનું જીવંત ઉદાહરણ છે.