- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- આપણે મનમાં અમુક નૈતિક ધોરણો વિશે ગાંઠ મારીને બેઠા હોઈએ અને પછી નવી પરિસ્થિતિ કે નવી પેઢી આવે એટલે એ ધોરણો જળવાય નહીં અને આપણે પારાવાર દુ:ખ અનુભવતા હોઈએ છીએ
વા ત ઘણી વિચિત્ર લાગશે, પણ હકીકત એ છે કે સુખ નહીં, બલ્કે દુ:ખ જ આપણી જિંદગીનું નિર્ણાયક બળ છે. તમે તમારા જ ભૂતકાળનો વિચાર કરો તો તરત જ તમારું મન બોલી ઊઠશે કે અગાઉ આટઆટલાં દુ:ખો પડયાં, આટલી બધી આપત્તિઓ આવી, કેટલીય પારાવાર મુશ્કેલીઓ સહન કરી, પણ એની સામે તમે તમારા મનને કહો કે તું જીવનમાં પ્રાપ્ત થયેલા સુખોની વાત કર ને ! તો બનશે એવું કે જીવનમાં પ્રાપ્ત થયેલા સુખો કરતાં દુ:ખોની યાદી લાંબી હોય છે !
આથી જ કવિ નરસિંહરાવે કહ્યું હતું કે, 'જિંદગી અલ્પ સુખથી ભરેલી છે, બાકી તો એ દુ:ખનો મહાસાગર છે.' એટલે માત્ર દુ:ખી થવાની દ્રષ્ટિએ તમે વિચાર કરો તો રામાયણમાં સીતાને કેટલા બધાં દુ:ખી થવું પડયું છે. રામ જેવા આદર્શ પતિ હોવા છતાં એને કેટલું સુખ પ્રાપ્ત થયું. જરા નજ૨ કરો મહાભારતના પાંડવો પર કે જેમને ચૌદ ચૌદ વર્ષનો વનવાસ ભોગવવો પડયો હતો.
મહાત્મા ગાંધીજીના જીવનનો વિચાર કરીએ, તો ખ્યાલ આવે કે એમણે કેટકેટલાં દુ:ખો અનુભવ્યાં હતાં. દેશની ગરીબીથી માંડીને કોમવાદ સુધીનાં પ્રશ્નોએ એમને વ્યથિત કર્યા હતા. આપણા સંતોએ પણ કેટલું બધું સહન કર્યું છે ! નરસિંહ મહેતાની વાત કરો કે પછી મીરાંબાઈની વાત કરો. સઘળા સંતોનાં જીવનમાં પારાવાર મુશ્કેલી આવી છે.
તો સવાલ એ ઊભો થાય કે સંતો અને મહાપુરુષોએ કઈ નજરે પોતાના જીવનમાં આવેલી પારાવાર મુશ્કેલીઓને જોઈ હશે, જાણી હશે અને નાણી હશે ? એમણે જીવન પર આવતી આફતનું કેવું મૂલ્યાંકન કર્યું હશે ? વિના કારણે કોઈના રાગ અને દ્વેષના લીધે એમને જે સહન કરવું પડયું હોય, તે કઈ રીતે સહન કર્યું હશે ? શા માટે મહાભારતમાં કુંતી કૃષ્ણ પાસે દુ:ખની માગણી કરે છે ? આનો અર્થ એ થયો કે આપણી દુ:ખ વિશેની માન્યતાઓ કાં તો સાવ ભ્રામક છે અથવા તો કેટલાંક ખ્યાલોથી ઘેરાયેલી છે.
આને માટે સૌપ્રથમ આપણે આજના માનવીનાં જીવનમાં જોવા મળતા દુ:ખનું એનાલિસિસી કરવું પડે અને ખરેખર દુ:ખનાં મૂળમાં જઈએ તો ખ્યાલ આવશે કે જેને આપણે દુ:ખ માનીને જીવનભર અનુભવતા રહ્યા છે, તે ખરેખર દુ:ખ છે જ નહીં. વિખ્યાત ફિલોસોફર બર્ટ્રાન્ડ રસેલે કહ્યું છે કે, 'જગત વિશેનાં ખોટા ખ્યાલોમાંથી આપણા ઘણાં દુ:ખો ઉદ્ભવેલા હોય છે. આપણી ભૂલ ભરેલી માન્યતાઓ દુ:ખનું કારણ બને છે.'
આપણે મનમાં અમુક નૈતિક ધોરણો વિશે ગાંઠ મારીને બેઠા હોઈએ અને પછી નવી પરિસ્થિતિ કે નવી પેઢી આવે એટલે એ ધોરણો જળવાય નહીં અને આપણે પારાવાર દુ:ખ અનુભવતા હોઈએ છીએ. બે પેઢી વચ્ચેનાં સંઘર્ષનું મુખ્ય કારણ એકબીજાને સમજવાને બદલે પરસ્પર વિશેની ગેરસમજ હોય છે. વડીલો યુવાનની ભાવના સમજી શકતા નથી અને યુવાનને વડીલો પોતાની પ્રગતિમાં આડખીલીરૂપ લાગે છે. બે પેઢી વચ્ચે સેતુ રચવાને બદલે ખાઈ રચવામાં આવે છે અને પછી એ ખાઈ વધુને વધુ ઊંડી અને પહોળી થતી જાય છે.
આપણાં દુ:ખમાં કેટલીક બાબત તો આપણી સામાજિક માન્યતાઓમાંથી આવેલી હોય છે. ગરીબ કે આર્થિક રીતે મુશ્કેલી અનુભવતા લોકો પોતાની અંધ માન્યતાઓ પાછળ આંધળો ખર્ચો કરતા હોય છે. આજે પણ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આપણે ત્યાં ભૂત, પ્રેત, ડાકણ અને મેલીવિદ્યા અસ્તિત્વ ધરાવે છે અને એ અંધશ્રદ્ધાની પાછળ દોડનારનું આખુંય જીવન ગરીબીની સાથોસાથ પારાવાર દુ:ખોમાં પસાર થતું હોય છે.
એટલે સૌથી પહેલી બાબત તો વ્યક્તિએ વિચારવી જોઈએ કે એનું દુ:ખ એ સ્વજનિત દુ:ખ તો નથી ને ? એણે પોતે માનેલું, વિચારેલું કે એની મન:સ્થિતિમાંથી જાગેલું દુ:ખ તો નથી ને ? છેક આજથી દોઢસો વર્ષ પહેલા કવિ દલપતરામે ભૂત વિશેનો નિબંધ લખ્યો હતો અને તેમાં ભૂત વિશે પ્રવર્તીત માન્યતાઓનો ખ્યાલ આપીને એની ઘટનાઓની ચકાસણી કરી હતી અને એમને ક્યાંય ભૂત, પ્રેત, ચૂડેલ કશું જોવા મળ્યું નહોતું અને આમ છતાં હજી આજે પણ એવી અંધશ્રદ્ધામાં ડૂબેલા માણસો તમને મળશે, કે જેમની અંધશ્રદ્ધા એમના દુ:ખનું કારણ બનતી હોય છે. આથી દુ:ખનું એનાલિસીસ કરતા પૂર્વે જે દુ:ખ અનુભવીએ છીએ, તે સ્વજનિત દુ:ખ, પરજનિત દુ:ખ કે કર્મજનિત દુ:ખ છે - એનો વિચાર કરવો જોઈએ.
આજકાલ કેટલીય વ્યક્તિઓ ભયગ્રસ્ત જોવા મળે છે. એમને મળો એટલે નજીકની સોસાયટીમાં થયેલી ચોરીની વાત થાય, કોઈએ ગુસ્સામાં આવીને કરેલી હત્યાની ઘટનાનું વર્ણન સાંભળવા મળે, મનમાં ડિજીટલ એરેસ્ટ થઈ જશે તો પોતાનું શું થશે એનો ફફડાટ હોય અને આવા ફફડાટને કારણે મોબાઈલનો ઉપયોગ કરવાથી પણ ગભરાતા હોય છે. વળી બને છે એવું કે અખબારો પણ આવી ઘટનાઓનાં સમાચારો ખૂબ ચમકાવતા રહે છે.
ખરેખર તો જો તમારા સવારની શરૂઆત અખબારથી થતી હોય તો એ માહિતીની સાથોસાથ તમારામાં ભયનો સંચાર પણ કરે છે. કોઈ પણ યુદ્ધ થાય એટલે તરત જ તમારું મન એ વિચારવા લાગશે કે નક્કી હવે આવતી કાલે વિશ્વયુદ્ધ ફાટી નીકળશે અને પરમાણુશસ્ત્રો આખી પૃથ્વી ૫૨ વિનાશ વેરશે. હકીકત એ છે કે માણસ સલામતી શોધે છે અને એની આ સલામતીની શોધે જ એને અસલામત બનાવ્યો છે.
અંધારી રાત્રે બંગલામાં ચોરી કરવા ઘૂસેલો ચોર હાથમાં બંદૂક લઈને દરવાજામાં પ્રવેશે છે, તો સામે એ કોઈને બંદૂક લઈને ઊભેલો જુએ છે. ચોરને થાય છે કે નક્કી, હવે એનું આવી બન્યું. એણે સામે દેખાતી બંદૂકવાળી વ્યક્તિ પર ગોળી છોડી, તો ખબર પડી કે એ અરિસો હતો. આમ માણસનો ભય એના વ્યક્તિત્વના અરિસામાં છુપાઈને રહેતો હોય છે. પોતાની આજીવિકા છીનવાઈ જશે તો શું થશે ? અથવા તો વિમાની પ્રવાસના પૂર્વે જ વિમાન પડી જશે તો શું થશે ? એનો ભય વ્યક્તિને સતાવતો હોય છે. જો સરકાર બદલાઈ જશે અથવા તો ટેક્સ વધી જશે, તો પોતાની કેવી હાલત થશે ? એની ભવિષ્યની કલ્પનાથી ભય અનુભવતો હોય છે.
કેટલાક ભય ધર્મએ ઊભા કર્યા હોય છે. જો તમે આમ કરશો તો નરકમાં જશો અથવા તો આવું કરવાથી ઘણું મોટું પાપ લાગે છે કે આશાતના થશે, એવી વાતો માણસના મનનાં ખૂણે ભયને બેસાડી દેતી હોય છે. એટલે સૌથી પહેલાં તો આપણે એ વિચાર કરવો જોઈએ કે આપણું દુ:ખ એ સ્વજનિત દુ:ખ છે. એ બીજા કોઈએ આપેલું કે પરિસ્થિતિ વશાત્ જાગેલું દુ:ખ નથી. અર્થાત્ આપણે સ્વયં દુ:ખને પોષણ આપ્યું છે. આપણા રિવાજો અને વહેમોએ કેટકેટલાં લોકોનાં જીવનમાં દુ:ખોનું સર્જન કર્યું છે.
વળી બીજી બાજુ ભય એક એવી વૃત્તિ છે કે જે એક વાર મનમાં પેસી ગઈ તો ધીરે ધીરે તમારા મન પર એ પ્રભુત્વ જમાવી દે છે. એક વાર તમને લિફ્ટમાં બેસવાનો ભય લાગ્યો કે અંધારી રાતે રસ્તા પર એકલા જવાનો ભય લાગ્યો, એ પછી એ ભય જ તમારા જીવનનું નિર્ણાયક બળ બની રહેશે. એને પરિણામે મન સતત વ્યથિત રહેશે અને એવી બાબતોથી બચવા માટેના રસ્તા ખોળતું રહેશે. કેટલાંકને વાહન ચલાવવાનો ભય લાગે છે, તો કેટલાંકને રાત્રે રસ્તા પર એકલા ચાલવાનો ડર લાગે છે.
સ્વામી વિવેકાનંદે અને યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ લોકો જ્યાં ભય માનતા હતા તેને ભય નથી એમ સિદ્ધ કરવા માટે પ્રયત્ન કર્યો હતો. વિ. સં. ૧૯૪૫ના ઉનાળાની વાત છે જ્યારે ઉત્તર ગુજરાતના વીજાપુર ગામમાં કોલેરા ફાટી નીકળ્યો હતો. ડાયેરિયા અને વોમિટને કારણે સવારે સાજો માનવી ચોવીસ કલાકમાં તો મૃત્યુ પામતો. એ દિવસોમાં સ્મશાન અને કબ્રસ્તાન ભરચક રહેતા હતા. આવે સમયે કોઈ કહેતું કે, 'મા કાળકા કોપાયમાન થઈ છે, તો કોઈ કહેતું કે જોગણીઓ ખપ્પર ભરવા આવી છે, કોઈ કહેતું કે મેલડી માતાને કૂડું પડયું છે હવે તો આખા ગામને ખાધે જ છૂટકો કરશે.' ભૂવા આવવા લાગ્યા, ડાકલા સંભળાવવા લાગ્યા, હોમ-હવન થવા લાગ્યા, બકરા-પાડાનો હોમ અપાવા લાગ્યો. મૃત્યુની ભયંકર છાયા ગામ પર પથરાઈ ગઈ. એવામાં કોઈએ દલિત કોમ પર આરોપ મૂક્યો અને એમના ઘર બાળ્યાં અને એમને ભૂખ્યા-તરસ્યા બાંધી રાખ્યા.
આવી ભયભીત મનોદશા વચ્ચે બહેચરદાસ (ભવિષ્યના યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરજી) નામ ધરાવતા યુવાનને આ રોગચાળાના નિમિત્ત રૂપ જોગણીઓને-મેલડીઓને મળવાની તીવ્ર ઉત્સુકતા જાગી. એમને મળીને ઠપકો આપવાની ઇચ્છા હતી. કહેવું હતું કે, 'માતાનો આ ધર્મ ખરો ?' 'છોરુ-કછોરુ થાય, પણ માવતર કમાવતર કદી થયા છે ?'
આની શોધમાં તેઓ સ્મશાનમાં જઈ આવ્યા. બપોરે દૂર એકાંતમાં આવેલી ભૂતની આંબલી પર ચડી આવ્યા, વહેલી સવારે ભૂત તલાવડીને કાંઠે ફરી આવ્યા, ચારેક દિવસ આવું કર્યું, પણ કોઈની મુલાકાત થઈ નહીં અને અંતે બેચરદાસે લોકોને સમજાવ્યું કે આ સઘળી વાતો ખોટી છે. આ સત્ય ઘટના દર્શાવે છે કે એક સમયે કોઈ પણ રોગચાળા વખતે લોકો કેવી બાધા માનતા, આખડીયો કરીને પોતાના જીવનને વધુ દુ:ખમય બનાવતા હતા.
આથી પહેલું પૃથ્થકરણ આપણે આપણા ભીતરનું ક૨વાનું છે. કયો ભય આપણને પરેશાન કરે છે એ ઓળખીને એમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરવાનો છે. હવે તમે જ કહો કે, 'મનમાં વસતો ભય જ તમારા દુ:ખોનું કારણ છે ને ! બાકી એમાં દુ:ખ જેવું તો કશું નથી !'


