- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
- સ્ત્રીમાં પોતાની સમગ્રતા ન્યોચ્છાવર કરવાની ક્ષમતા છે તેથી જ તે સામાન્ય ને અસામાન્ય કે ઘરને સ્વર્ગ બનાવી નાખે છે
કહીં સે ભી શુરુ હો સકતી હૈ કવિતા
કહીં સે ભી ઉઠ સકતી હેં આવાઝ.
- અનામિકા
આ જે પણ સ્ત્રીઓની આઇડેન્ટિટી ક્રાયસીસ ઠીક ઠીક પ્રમાણમાં છે. આજે પણ સ્ત્રીઓ અર્ધું આકાશ રોકે છે તેમ કહેનાર પુરૂષ તેને એકાદ નાનકડો અંગત ઓરડો નથી આપતો, સરેરાશ સ્ત્રી માટે આધાર કે ઓળખની, અવકાશ કે અસ્મિતાની સમસ્યા આજે પણ છે. સ્ત્રીએ સ્વયં જ પોતાના સવાલો અને જવાબો શોધવાના છે, સમસ્યાના સમાધાનો શોધવાના છે;
સ્વપ્નો દાટીને સંસાર રચવો છે કે ઈચ્છાના રંગો થકી જીવન ચિતરવું છે?
અન્ય કહે તેમ ચાલ્યા કરવું છે કે સ્વયં મારગ શોધવો છે?
અન્યને ઉત્તરો આપવામાં સાંજ પાડવી છે કે સ્વયંના સવાલો શોધવા છે?
સ્ત્રીમાં પોતાની સમગ્રતા ન્યોચ્છાવર કરવાની ક્ષમતા છે તેથી જ તે સામાન્ય ને અસામાન્ય કે ઘરને સ્વર્ગ બનાવી નાખે છે. તેથી જ તેના પ્રેમમાં ઈન્ટેસીટી છે અને મૈત્રીમાં ઈન્ટીમસી છે. પ્રકૃતિ કે સ્ત્રીની ઉર્જાનું વર્તુળ સંપૂર્ણ નથી પણ સમગ્ર છે. આમ પણ અદ્દભૂત હોવા માટે સંપૂર્ણતા અનિવાર્ય નથી હોતી. એક પાવક વિસ્મય એ પણ છે કે સ્ત્રીમાં સર્જક, સર્જન અને સર્જનાત્મકતાના ત્રણેય આયામો છે. તેમ છતાં સ્ત્રીની મોટા ભાગની લડાઈઓ જીવવા કે જીવાડવા માટે છે પણ જીતવા માટે નથી. આપણે જોઈએ છીએ કે ક્યારેક સ્ત્રીઓને ઘર નથી હોતું પણ ત્યારે યાદ રાખવું કે- સ્ત્રીઓ વિના ઘર જ નથી હોતું.
આપણા નગરો અને મહાનગરોમાં સ્ત્રી નવેસરથી વ્યાખ્યાયીત થઇ રહી છે. આજે સૌ સમજતા અને સ્વીકારતા પણ થયા છે કે સ્ત્રીને માત્ર દેહ નહીં પણ હૃદય, બુદ્ધિ, આત્મા, ઈચ્છા, સ્વપ્નો, આકાંક્ષા અને આદર્શો પણ હોય છે, તે મનને શાતા આપતું તથ્ય છે.
અમૃતા પ્રીતમનો એક સ્ત્રૈણ ઉર્જાથી છલોછલ પ્રસંગ તેનો કલ્યાણમિત્ર ચિત્રકાર ઈમરોઝ વર્ણવે છે- જે ઈ.સ. ૧૯૫૯નો છે. ઈમરોઝે તેણીનું એક પોટ્રેઈટ દોરી અને તેમને દેખાડયું અને અમૃતા પ્રીતમ ગુસ્સાથી બોલ્યા 'ઈટ ઈઝ હોરિબલ, ઈટ ઇઝ નોટ મી'. પછી તેમણે ઈમરોઝને પૂછયું, 'તુમને કભી વુમન વિથ માઈન્ડ પેઈન્ટ કી હૈ?' અને પાંચ-છ વરસના પ્રયાસ પછી ઇમરોઝે આવું અમૃતા પ્રિતમનું પોટ્રેઈટ દોરેલુ. તે બન્નેની મૈત્રી ચાલીસ વરસની હતી. સદીઓથી માનવ સભ્યતા સૌને પૂછયા કરે છે આખરે, સ્ત્રી શું છે? વસ્તુ કે વિચાર? શરીર કે મન? બુદ્ધિ કે હૃદય? જે સ્ત્રીને માત્ર પુરુષ સમોવડી થવું છે તે પોતાની શક્યતાઓ અને સંભાવનાઓથી ખુબ જ ઓછુ માંગે છે.
સ્ત્રીઓ નિરંતર પોતાનું બહેતર વર્ઝન આપવામાં વ્યસ્ત છે. તેથી જ જયારે તેના પર પત્થરો ફેંકાય છે ત્યારે તેના થકી જ તે પત્થરોની ઉંચી ઇમારત બનાવી જાણે છે. તે સતત સ્વયંની જૂની સીમાઓ ભુંસતી રહે છે અને નવી ક્ષિતિજો સર કરતી રહે છે. સૌના હિસ્સામાં આવતાં અવરોધો, અભાવો અને અંધકાર પણ તે વહેંચી લે છે. દાયકાઓ પૂર્વે વિદ્રોહી સર્જક મુક્તિબોધે લખેલું. 'કહીં ભી ખત્મ કવિતા નહીં હોતી.' જયારે સ્ત્રી તો એક નિરંતર રચાતું મહાકાવ્ય છે.


