Get The App

અંતરિક્ષમાં ઉગેલાં ટામેટાં, મૂળા અને પાલકનો સ્વાદ કેવો હશે?

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
અંતરિક્ષમાં ઉગેલાં ટામેટાં, મૂળા અને પાલકનો સ્વાદ કેવો હશે? 1 - image

- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- પૃથ્વી પરના હરિયાળા વાતાવરણમાં શાંતિ મળે છે તેવી જ શાંતિની અનુભૂતિ અંતરિક્ષ-કેબિનમાં છોડ ઉગાડવામાં આવ્યા, ત્યારે યાત્રીઓને થઈ

વિ શ્વભરમાં કૃષિક્ષેત્રે અનેક નવાં નવાં સંશોધનો થયા હોવા છતાં આ પૃથ્વી પરથી ભૂખમરાએ વિદાય લીધી નથી. સતત પ્રદૂષણમાં વૃદ્ધિ પામતી પૃથ્વીથી પરેશાન માનવી હવે અંતરિક્ષ ભણી નજ૨ માંડીને બેઠો છે. એના મનમાં સ્વપ્નાં છે કે હવે અંતરિક્ષમાં જઈને વસવાટ કરવો. એક સ્પેસ કોલોની ઊભી કરવી કે જ્યાં માનવીઓ નિરાંતે રહી શકે. 

આજે માનવી ચંદ્ર પર ખેતી કરવાનો વિચાર કરે છે અને એ માટે ફ્લોરિડા યુનિવર્સિટીના પોલ અને રોબ ફર્લે એક નવો અખતરો કર્યો છે. એમણે અંતરિક્ષમાં છોડ ઉગાડવા અંગે ઘણું સંશોધન કર્યું છે અને એ સંશોધનને માટે અમેરિકાની 'નાસા' સંસ્થા પાસેથી ચંદ્ર પરથી લવાયેલી માટી પણ માગી હતી. અપોલો મિશન્સ દરમિયાન આ માટી ચંદ્ર પરથી લાવવામાં આવી હતી, પરંતુ કરોડો ડોલરની કિંમતમાં પડેલી આ માટી એમ કંઈ અપાય ખરી ? એટલે નાસાએ ખુદ એને વિશે સંશોધન શરૂ કર્યું અને એના વૈજ્ઞાનિકોએ ચંદ્રની માટીમાં છોડ ઊગાડવામાં સફળતા પણ મેળવી. 

આથી ભવિષ્યમાં જો ચંદ્ર પરનાં બરફનું પાણી બનાવવામાં આવે અને એને કૃત્રિમ વાતાવરણ આપવામાં આવે, તો ટામેટાં, પાલક અને મૂળા ચંદ્ર પરની વસાહતના રહેવાસીઓને ભોજન માટે મળે અને પછી કદાચ એવું ય બને કે આ પૃથ્વી પર એ અંતરિક્ષ ટામેટાં અને મૂળાનો વેપાર પણ ચાલે ! અત્યારે ચંદ્રની સપાટી પરથી લાવવામાં આવેલી માટીમાં છોડ ઉગાડવાનો પ્રયત્ન સફળ રહ્યો છે અને ફ્લોરિડા વિશ્વવિદ્યાલયનાં વિજ્ઞાનીઓએ તો કહ્યું કે, 'ભવિષ્યમાં ચંદ્ર પર શાકભાજી ઊગાડવામાં આવે તો તે પૃથ્વી પર ઉગેલાં ફળ કે શાકભાજી કરતાં વધુ સ્વાસ્થ્યપ્રદ હોઈ શકે.'

અત્યાર સુધીમાં અવકાશયાનમાં કૃત્રિમ રીતે નિયંત્રિત વાતાવરણમાં છોડ ઊગાડવામાં આવ્યા છે અને અંતરિક્ષના વાતાવરણમાં છોડ પર કેવી અસર થાય છે, તેનો અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમકે, એના પર કિરણોત્સર્ગની અસર થાય તેનો વિચાર કરવો પડે. ટામેટાંનાં બીજને પાંચ વર્ષથી વધુ સમય માટે અંતરિક્ષમાં સંગ્રહવામાં આવ્યાં અને પૃથ્વી પર પાછા લાવવામાં આવ્યાં, ત્યારે એવું જોવા મળ્યું કે એ કશીય સમસ્યા વિના અંકુરિત થયા હતા અને સામાન્ય રીતે જેમ વૃદ્ધિ પામે એમ વૃદ્ધિ પામ્યા હતા. એ સાચું કે એમની અંકુરિત થવાની ક્ષમતા પૃથ્વી પર વિકસિત બીજ કરતા ઘણી ઓછી હતી અને મોટાભાગનાં તો સહેજે અંકુરિત થયા નહોતા. આ સંદર્ભમાં આ ક્ષેત્રનાં ઊંડા અભ્યાસી એવા ચિંતનભાઈ ભટ્ટ તેમના પુસ્તક 'પૃથ્વીથી અંતરિક્ષ ભણી'માં કહે છે કે અંતરિક્ષમાં ઉત્પન્ન થયેલાં બીજ નીચે પડતાં નથી પણ આસપાસ તરતાં રહે છે. છોડની ભાવિ પેઢીના વિકાસ અર્થે તેમજ અભ્યાસ માટે બીજને કાળજીપૂર્વક એકત્રિત કરવાં જરૂરી હોય છે. મિર અંતરિક્ષમથક પર ૧૯૯૭માં ઉગાડવામાં આવેલા છોડનાં બીજનો ઉપયોગ કરીને પ્રથમ વખત બીજી પેઢીના છોડને સફળતાપૂર્વક ઊગાડવામાં આવ્યા હતા. મી૨ એ રશિયાનું ૧૯૮૩થી ૨૦૦૧ સુધીનું પૃથ્વીની ભ્રમણકક્ષામાં સંચાલિત પ્રથમ મોડયુલર અવકાશમથક હતું. પંદર વર્ષ સુધી વિજ્ઞાન, જીવવિજ્ઞાન અને ખગોળશાસ્ત્રના પ્રયોગો માટે સંશોધન કર્યું. આ માનવ-વસવાટને યોગ્ય મલ્ટી-મોડયૂલર સ્ટેશન હતું, જે ૩,૬૪૪ દિવસ સુધી અવકાશમાં રહ્યું હતું. જોકે સંપૂર્ણપણે અંતરિક્ષમાં ઊપજેલાં બીજનો ઉપયોગ કરીને છોડની અનુગામી પેઢીઓ વિકસાવવાના પ્રયાસોને હજુ સુધી વ્યાપક સફળતા મળી નથી. 

અંતરિક્ષમાં જમીન માટે કાર્બનિક સામગ્રી અર્થાત્ ખાતર સરળતાથી ઉપલબ્ધ થતાં નથી. આ સમસ્યાના ઉકેલ માટે અંતરિક્ષમાં ઝીઓલાઇટ જેવી ખાસ પ્રકારની સમૃદ્ધ માટીનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી છોડનો બહુવિધ ચક્રીય વિકાસ થઈ શકે છે. છોડના કચરાના નિકાલ ૫૨ પણ ખાસ ધ્યાન આપવું જરૂરી છે. તેનો અંતરિક્ષમાં નિકાલ કરી શકાતો નથી. લણણી પછી છોડના અવશેષોને પૃથ્વી પર કોહવાવા દેવામાં આવે છે અને તેનું ખાતર બને છે. 

પૃથ્વી પર છોડના અવશેષોના અનેકવિધ ઉપયોગો પણ છે અને તેનો નિકાલ કરવાની રીતો પણ છે. માનવીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી નાના કદની અંતરિક્ષ કેબિનમાં આવી પ્રક્રિયા કરવાથી કેબિનનું વાતાવરણ દૂષિત થાય છે અને કેબિનની સ્વચ્છતા જાળવવામાં મુશ્કેલી ઊભી થાય છે. આ સમસ્યાના ઉકેલ રૂપે એવા છોડના પ્રકારો અંતરિક્ષમાં ઊગાડવા જોઈએ જેના મોટા ભાગના ભાગનો ખોરાક તરીકે ઉપયોગ થઈ શકે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મૂળા. તેના બધા જ ભાગનો ઉપયોગ ખાવા માટે થઈ શકે છે. છોડના કચરામાંથી પ્રોટીન બનાવવાના પ્રયોગો કરવામાં આવ્યા હતા, પરંતુ તેનાથી કોઈ ઉપયોગી પરિણામ આવ્યું ન હતું. આ અંગેના પ્રયોગો પર પણ દ્રષ્ટિપાત કરીએ. 

ગાજ૨, વરિયાળી, મરી, ઘઉં, ચોખા, મકાઈ, સૂર્યમુખી, વટાણા, કપાસ, ડુંગળી, કેટલાંક ફૂલો, શણ, તમાકુ, જવ, કાકડી, પાલક, સોયા, ચણા, લેડયુસ, કેટલાંક કઠોળ, પાઇન, શક્કરિયાં, અગર-અગર, થોડી પરોપજીવી વનસ્પતિ જેવા ઘણા પ્રકારના છોડ અંતરિક્ષમાં લઈ જવામાં આવ્યા છે. 

પૃથ્વી પરના હરિયાળા વાતાવરણમાં શાંતિ મળે છે તેવી જ શાંતિની અનુભૂતિ અંતરિક્ષ-કેબિનમાં છોડ ઉગાડવામાં આવ્યા, ત્યારે યાત્રીઓને થઈ. તેમના નિયમિત સંશોધનકાર્ય સાથે છોડને લગતા અભ્યાસ કરવાથી તેમને મનોવૈજ્ઞાનિક લાભ મળ્યો હતો. કેટલીક વખત અંતરિક્ષમાં ઉગાડેલા છોડને વધુ અભ્યાસ માટે પૃથ્વી પર લાવવામાં આવે છે. છોડને લાવ્યા પછીના બેથી ચાર કલાકમાં જ તેનો અભ્યાસ કરવાનો હોય છે, નહીંતર પૃથ્વીના વાતાવરણને કારણે પરિણામોમાં ફેરફાર થવાની શક્યતા રહેલી છે. 

અંતરિક્ષમાં આ કાર્ય ક૨વાની શરૂઆત ૨૦૨૩ના એપ્રિલમાં આઈ.એસ.એસ. દ્વારા અંતરિક્ષમાંથી પૃથ્વી પર ટામેટાં લાવવાથી થયો. આ ઉપરાંત ૧૯૭૧માં સોવિયેત યુનિયનના સેલ્યુત-૧ ૫૨ ડુંગળી ઉગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ચંદ્ર પર વનસ્પતિ ઉગાડવાનો ચીનનો પ્રયાસ ઝાઝી સફળતાને પામ્યો નહીં, પરંતુ છેક ૧૯૭૩થી માંડીને અત્યાર સુધી જુદાં જુદાં અવકાશ માટેનાં મિશનોમાં જુદાં જુદાં છોડ ઉગાડવાનો પ્રયાસ થયો છે. જેમાં કપાસ, પાલક, બ્રોકોલી, સોયાબીન અને છેક સૂર્યમુખી ઉગાડવાના પ્રયાસ પણ થયાં છે. 

જ્યારે પૂર્વોત્તર ચીનમાં તો એક જુદો જ પ્રયોગ કરવામાં આવ્યો અને જેમાં અંતરિક્ષમાં ઉગાડવામાં આવતા ઘઉંને પૃથ્વી પર ઉગાડવામાં આવ્યા હતા. ચીનમાં બીમ સૌથી મોટા ઉગાડવામાં આવતા ઘઉં તે અંતરિક્ષમાં ઉગાડવામાં આવેલા ઘઉં છે જેને લુયુઆન ૫૦૨ કહેવામાં આવે છે. આ ઘઉં પૃથ્વીની સપાટીથી ૩૪૦ કિમી. ઉપર ઉગાડવામાં આવ્યા અને એ જોવા મળ્યું કે એના છોડ વધુ રોગપ્રતિકારક છે તેમજ દુષ્કાળને સહન કરવાની વધુ ક્ષમતા ધરાવે છે. 

ધીરે ધીરે આવા પાકો, ફળો અને ફૂલો આપણા ગ્રહોની પરિક્રમા કરનારા અંતરિક્ષયાન અને અંતરિક્ષ સ્ટેશનો પર ઉગાડવામાં આવે છે. અંતરિક્ષમાં ઉગાડવામાં આવેલાં આ ઘઉંનાં વિશાળ ખેતરો પૂર્વોત્તર ચીનમાં નજરે પડે છે. એના બીજને અવકાશમાં મોકલવામાં આવે, ત્યારે કોસ્મિક કિરણોત્સર્ગ અને શૂન્ય ગુરુત્વાકર્ષણ તેમના જનિન બંધારણમાં ફેરફાર કરે છે, જેથી નવા પ્રકારનાં પાક વિકસે છે. રોગ અને દુષ્કાળ સામે પ્રતિરોધક એવા આ ઘઉં પૃથ્વીની વધતી વસ્તી માટે ખાદ્ય સુરક્ષામાં મદદરૂપ થશે અને તે પરંપરાગત ખેતીનાં બીજ કરતા અંતરિક્ષયાન દ્વારા તૈયાર થયેલા બીજ ઝડપથી વિકાસ પામતા જોવા મળ્યાં છે. આને પરિણામે ભવિષ્યમાં પૃથ્વી પરની વધતી વસ્તીને માટે અંતરિક્ષનું અન્ન મદદરૂપ બનશે.

મનઝરૂખો 

સંખ્યાબંધ યાદગાર કાવ્યોના સર્જક એવા અમેરિકાના પ્રસિદ્ધ કવિ હેન્રી ડબલ્યુ. લોંગફેલો (ઈ.સ. ૧૮૦૭થી ઈ.સ. ૧૮૮૨)ના જીવન પર અકાળે એક પ્રબળ આઘાત થયો. તોતિંગ વૃક્ષ એકાએક મોટા અવાજ સાથે ધરતી પર ઢળી પડે, તેવી એમના જીવનમાં આઘાતજનક ઘટના બની. 

મીણને ઓગાળતી એમની પત્નીનાં કપડાંને અચાનક આગ લાગી ગઈ અને એ ચીસાચીસ કરી ઊઠયા. હેન્રી ડબલ્યુ. લાંગરેલો પોતાની પ્રિય પત્નીને બચાવવા માટે દોડતા ગયા, પરંતુ એ ખૂબ દાઝી ગઈ હતી. ખૂબ દાઝી જવાને કારણે તેમની પત્ની મૃત્યુ પામી. આ ઘટનાએ આ મહાન કવિના હૃદયને વલોવી નાખ્યું. 

એમને સતત ચીસો પાડતી અને આગથી ઘેરાયેલી પત્નીનું દ્રશ્ય નજર સમક્ષ દેખાતું હતું અને એ લગભગ પાગલ જેવી અવસ્થામાં જીવવા લાગ્યા. 

ભાંગી પડેલા આ કવિએ પોતાના અત્યંત દુ:ખી અને વ્યથિત એવા ત્રણ પુત્રો પર નજર કરી અને મનોમન વિચાર્યું કે હવે આ પુત્રોને માતાની ખોટ પડી છે, માટે પિતા અને માતા બંને તરીકેની ફરજ બજાવવી એ મારું પરમ કર્તવ્ય ગણાય. પત્નીના અણધાર્યા અકાળ અવસાનના શોકમાંથી ધીરે ધીરે બહાર આવીને એ પોતાના પુત્રો સાથે ૨મવા લાગ્યા. એમને સરસ મજાની વાર્તાઓ કહેવા લાગ્યા, એમની સાથે કવિતા ગાવા લાગ્યા, ગીત ગાઈ સુવાડવા લાગ્યા, વહાલથી ખવડાવવા લાગ્યા અને વખત મળ્યે એમને બહાર ફરવા લઈ જવા લાગ્યા. બાળકો સાથેના આ પ્રેમની વાત એમણે એમના 'ધ ચિલ્ડ્રન્સ અવર' કાવ્યમાં હૃદયસ્પર્શી રીતે આલેખી છે. એ પછી એમણે મહાકવિ દાંતેનાં પુસ્તકોનો અનુવાદ કર્યો. ધીરે ધીરે હેન્રી ડબલ્યુ. લોંગફેલો કામમાં ડૂબવા લાગ્યા, તેમ તેમ એમના દર્દની વેદના હળવી થવા લાગી અને સમય જતાં એ મનની શાંતિ અને સ્વસ્થતા સંપાદિત કરી શક્યા. પોતાનાં સંતાનોને સરસ રીતે ઉછેરી શક્યા.