Get The App

પર્સ : સ્ત્રીઓના સ્ત્રીત્વનો આકર્ષક અર્ક! .

Updated: Mar 8th, 2026

GS TEAM

Google News
Google News
પર્સ : સ્ત્રીઓના સ્ત્રીત્વનો આકર્ષક અર્ક!                           . 1 - image

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- સ્ત્રીના હાથમાં કે ખભે રહેલું પર્સ કેટલું પ્રાચીન છે ને કેવી રીતે મોડર્ન થયું? કેવી કવિતાઓ રચાઈ છે આ ઘરના અક્ષયપાત્ર જેવા સ્ત્રીના સંગાથી પર? કેવા છે એના પ્રકારો? જાણો વિમેન્સ ડે પર!

એકાએક  મારું પર્સ ખોવાઈ ગયું છે.

હવે મારી ખરેખરી મુશ્કેલી ઊભી થઇ ગઈ છે

એ પર્સ વિના હું દુનિયાનો 

સામનો કેવી રીતે કરીશ ?

એ પર્સ મારું ખૂબ હેવાયું હતું.

એ પર્સને અને મને શહેરની સડકો 

અને ગલીઓ બરાબર ઓળખતી હતી

અરે, દુકાનો અને સ્ટોર તો મારા કરતા 

મારા પર્સને વધારે નજીકથી ઓળખતા હતા 

કારણકે પૈસા હું નહિ 

પણ મારું પર્સ જ આપતું હતું ને?

એ પર્સ મારા પરસેવાની ગંધને

બરાબર ઓળખતું હતું

એ પર્સ તમામ સીટી બસોને ઓળખે

એ પર્સ ટિકિટોની કિંમત બરાબર જાણે

પરચુરણ અને છુટ્ટા પૈસા 

એની પાસે કાયમ હોય જ

એકવાર મેં પરફ્યુમ ખરીદ્યું હતું

એ પરફ્યુમ પર્સને ના ગમ્યું

એટલે સાવ નીચે પાડી દીધું

અરે મને વાપરવા પણ નાં દીધું

મારા પરિવારની તસ્વીરો એ પર્સ સાચવતું હતું

મારી અર્ધી ખાધેલી ચોકલેટ પણ સાચવે

પોતે ના ખાય !

આજે એ પર્સને 

કોઈ અજાણ્યા હાથમાં ફાવતું હશે ?

કોઈ અજાણ્યાના પરસેવાની ગંધથી

અકળાતું નહિ હોય ?

સાવ અજાણી સડકો અને ગલીઓ જોઇને

મૂંઝાતું નહિ હોય? 

અરે, એ પર્સમાં મેં લખેલો એક પત્ર હતો

પર્સને વાંચતા બધું ય આવડે,

પણ કોઈને કહે નહિ હો

અરે અરે  ... હું શું કરું ?

મારા ઘરની બધી જ ચાવીઓ 

એ પર્સ પાસે છે 

હું ઘરની બહાર ઊભી ઊભી 

પર્સનો ઇન્તઝાર કરું છું !

ઈ જીપ્તની સુંદર યુવા ચળવળકાર કવિયિત્રી સાઈમા અલ સબાની સ્થાપિત હિતો સામે પ્રદર્શન કરવા જતા ગોળી મારીને હત્યા કરી દેવાયેલી. એની આ સુંદર પર્સ કવિતા છે, જેનો અનુવાદ સ્વ. અનિલ જોશીએ કરેલો ! આંતરરાષ્ટ્રીય મહિલા દિને અગાઉ ક્યારેય ના ખેડાયેલો વિષય છે આ કે જે સ્ત્રી માત્રની લિપસ્ટિક, હાઈ હિલ્સ, બ્રા કે નેઈલ પોલિશથી પણ જૂની ઓળખ છે. એની હેન્ડબેગ કે જેને પર્સ કહેવાય છે. યાદ છે હેરી પોટરની સખી અને ચબરાક ટ્રબલ શૂટર હરમાયોની ? એની પાસે એક જાદૂઈ પર્સ હોય છે, જેમાં જ્યારે એને જે જોઈએ એ હાથ નાખે એમ મળે ! એક્ચ્યુઅલી, દરેક નારીનું પર્સ મેજિકલ જ હોય છે. અનેક વસ્તુઓ એમાંથી જડે. હેરપીનથી ડાઈપર સુધીની, ગોગલ્સથી પોકેટબૂક સુધીની. જ્વેલેરીથી ચાંદલા સુધીની ! સ્ત્રીના હૃદયને સમજવું હોય તો એના મોબાઈલની ગેલેરી કરતા એના પર્સને ઓળખી લેવું જોઈએ ! 

પર્સ પર ઘણી કવિતાઓ રચાઈ છે. રૂથ ફેલનહાઈટ નામની અમેરિકન કવિયિત્રીએ માના મૃત્યુ પછી એનું પર્સ હાથમાં આવતા એમાં પિતાએ લખેલા અને અનેકવાર વાંચવાથી ચોળાયેલા પ્રેમપત્રો ઉપરાંત પર્સના ચામડા સાથે ભળી ગયેલી પાઉડર અને લિપસ્ટિકની મિશ્ર ગંધનું વર્ણન કર્યું છે. એક પર્સમાં શું શું હોય ? બ્રિજીડ પેટ્રિકની કવિતામાં એની યાદી મસ્ત છે જે એને અલાદ્દીનના ચિરાગની ગુફા કહે છે. આપણે ઉમેરો કરીએ. એમાં બર્થ કન્ટ્રોલ પિલ પણ હોય અને દાંત કે કાન ખોતરવાની સળી પણ. એમાં લોટરીની ટિકિટ પણ હોય અને કોઈ ભરત ભરેલો સુગંધી રૂમાલ પણ. હેર વેક્સ હોય ને પરફ્યુમ્સ પણ. એસ્પેરીન જેવી દવાઓ, ચાવીઓ, તૂટેલી કોઈ રિબીન, ફાટેલો કોઈ ફોટો, સ્ટાર કરેલા કોઈ જન્માક્ષર, ભેગી કરેલી ડિસ્કાઉન્ટ કૂપનો, ગુંદરની ટયુબ, સેફટી પિન, ટીસ્યુઝ, સેનેટરી નેપકીન્સ, સોયદોરો, બટન, વિકસ જેવા બામ, મોજાંમ સ્કાર્ફ, સેશે, મસ્કારા, પેન ડ્રાઈવ, સીડી, નાની કટાર ને નાનો ચિપીયો, ઉનનો દડો, એડ્રેસ બૂક, પીપરમિન્ટ, હેર બ્રશ, ક્રેડિટ કાર્ડ્સ, મેકઅપ કીટ, લાઈટર, કાજલ, કાંસકો, પાવડર પફ, નાનકડો અરીસો, રબ્બર બેન્ડ, ચેકબુક, નેઈલકટર, સિગારેટસ, કોન્ડોમ્સ, સ્ટેમ્પ્સ, નાની ડાયરી, એડ્રેસ બૂક, આંખના ટીપાં, માઉથફ્રેશનર, ભગવાનનો ફોટો, ગુરુજીની માળા, પવિત્ર ગણાતી કોઈ ચીજની પડીકી, ગમતની કોઈ યાદગીરી, પેન, પેન્સિલ, આઈ કાર્ડ્સ, લાયસન્સ, સ્કૂટરની ચાવી કી ચેઈન સાથે, શાકભાજીની યાદી, કોઈ અડધું ખવાઈને કોથળીમાં સાચવેલું ફ્રુટ, વેફર કે બિસ્કીટના છોટા પેકેટ, જાહેરાતના પેમ્ફલેટ, કેલ્ક્યુલેટર, પાર્ટી શૂઝ, ફૂલ, આઈપોડ કે વોકમેન, વધારાની ઘડિયાળ કે બંગડી, પાસપોર્ટ, લેન્સીસ, ચશ્માનું કેસ, તજલવિંગએલચી, મુખવાસ, સિક્કા, ચોળાયેલી નોટો, કોટન બોલ્સ, વોટરબોટલ, સ્માર્ટ કાર્ડ્સ, વ્હીસલ, ઘૂઘરી, પાયલ, મિનિ ટોવેલ...

યાદી આખો લેખ ભરાય એટલી લાંબી થાય પણ અહીં અટકીએ.  ખાલી એટલું વિચારો કે પર્સમાં એક મોબાઈલ ફોન આવી જવાથી આમાંનું કેટલું કાયમ માટે ગાયબ થઇ ગયું ! સદનસીબે કોવિડમાં કાયમ માટે બંધ થયું એ પહેલા વિશ્વનું એકમાત્ર પર્સ મ્યુઝીયમ નેધરલેન્ડ્સના એમ્સ્ટરડેમ ખાતે જોયેલું. એમાં હોંઠ આકારનું લાલચટ્ટક પર્સ તો અવિસ્મરણીય હતું ! ત્યાં જોયેલી 'સ્ટોકિંગ પર્સ'ની એક દુર્લભ જોડી-સુંદર ભરતકામ કરેલી નાસપતી આકારની થેલીઓ (જે સામાન્ય રીતે સુતરાઉ કે શણની બનેલી હોય છે), જેમાં દોરીઓ હોવાથી તેને કમરની આસપાસ બાંધી શકાતી હતી. સ્ત્રીઓ આ થેલીઓને તેમના સ્કર્ટની નીચે, બંને થાપા પર પહેરતી હતી. આ થેલીઓમાંથી વસ્તુઓ કાઢવા માટે તેમના સ્કર્ટમાં કાપા (સ્લિટ્સ) રાખવામાં આવતા ! અને કાચના મોતીને હીરા જેવા દાણા ગૂંથેલી ઝળહળતી પર્સ ! 

ભારતના પુરાણા ગ્રંથોમાં સ્ત્રીઓના શણગારના ઉલ્લેખો બહુ છે. પણ એના કોઈ પર્સની વાત નથી. એટલે પર્સનો કોઈ પર્યાય ભારતીય ભાષાઓમાં નથી કદાચ ! હા, આપણે ત્યાં જમાનો હીરના દોરે મોઢું બંધ થાય એવી કપડાંની પોટલીનો એવો હતો કે આજે પણ ઇન્ટરનેશનલ ફેશનમાં પોટલી બેગ એક નાજુક પ્રકાર છે ! હવે અમેરિકાના લિટલ રોકમાં અમેરિકન પર્સના ઈતિહાસ કહેતું નમણું મ્યુઝિયમ છે. ૨૦૨૫માં એ પણ જોઈ નાખ્યું ! અને એમાં જ જવાબો જડયા આ સાદા કૂતુહલના કે આખરે પર્સ આવ્યું ક્યાંથી સ્ત્રીના જીવનમાં ? પુરુષના વોલેટની જેમ એ ખિસ્સામાં રહેવાને બદલે અલગ એક્સેસરી કેવી રીતે ને શા માટે બન્યું ? એના કેટલા પ્રકાર હોય ? એની ઉત્ક્રાંતિ કેવી રીતે થઇ ?

પર્સ જેવું કશુક તો પાંત્રીસેક હજાર વરસ પહેલા પણ વસ્તુ સાચવવા માટે વપરાતું હશે. ઈજીપ્તના પિરામિડમાં પણ એવા દ્રશ્યો છે. હકીકતમાં, પુરાતત્વવિદોને પ્રાચીન કાળમાં બેગ હોવાનો પહેલો નક્કર પુરાવો ૧૯૯૧માં મળ્યો, જ્યારે યુરોપના સૌથી જૂના કુદરતી મમી 'ઓત્ઝી ધ આઇસમેન'ની શોધ થઈ. ઓત્ઝી બરફમાં થીજી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો અને તેની સાથે ચામડાની એક થેલી (પાઉચ) પણ હતી, જેમાં નાના હથિયારો, એક કુહાડી અને રૃંવાટી તેમજ ચામડાના કપડાં રાખવામાં આવ્યા હતા !

જોકે,દરેક ખોજની માફક  હેન્ડબેગ ખરેખર ગ્લેમરસ, સુંદર, ફેશનેબલ અને સમાચારોમાં ચમકવા લાયક ત્યારે જ બની જ્યારે સ્ત્રીઓએ તેને અપનાવી. એના પૂર્વજ 'ગિર્ડલ પાઉચ' તો બિલકુલ ગ્લેમરસ ન કહી શકાય તેવા સાધન હતા.. જે મૂળભૂત રીતે કમરના પટ્ટા (બેલ્ટ) સાથે લટકતી ચામડા કે કાપડની થેલી હતી. તેનો ઉપયોગ સામાન્ય રીતે સિક્કા રાખવા અને ક્યારેક અન્ય નાની વસ્તુઓ સાચવવા માટે થતો હતો.

આગળ જતાં આમાંથી સિક્કા રાખવા માટેના એક ખાસ પ્રકારના પર્સની શોધ થઈ, જેને 'ઓમોનિયર' અથવા 'આલ્મનર' કહેવાતું. આ દાન માટેના પર્સ હતા ગરીબોને દાનમાં આપવાના સિક્કા રાખવા માટે ! ગિર્ડલ પાઉચની શરૂઆતની ઓળખ માત્ર એક ઉપયોગી સાધન તરીકેની હોવા છતાં, આ દાન-પર્સના આગમનથી તે સ્ટેટસ સિમ્બોલ બની ગયા અને તેની ડિઝાઇનમાં વધુ બારીક અને આકર્ષક કારીગરી જોવા મળી. પણ, એ પુરુષો માટે. જેમાંથી ધીરે ધીરે ગજવામાં રાખવાના વોલેટ આવ્યા. મોડર્ન હેન્ડબેગના પૂર્વજ વાસ્તવમાં મહિલાઓના અન્ડરગાર્મેન્ટ્સ (અંદર પહેરવાના કપડાં) નો જ એક ભાગ હતા !

પ્રાચીન કાળમાં ચકમક, ઓજારો, જીવનજરૂરી સામાન, શસ્ત્રો અને નાણાં જેવી વસ્તુઓ લાવવા-લઈ જવા માટે થેલીઓનો ઉપયોગ થતો હતો. પ્રાચીન ગ્રીક લોકો સિક્કા સાચવવા માટે ચામડા, પેપિરસ અને લિનનમાંથી બનેલી થેલીઓનો ઉપયોગ કરતા હતા જેને 'બિર્સા' કહેવાતી. અંગ્રેજી શબ્દ 'પર્સ'ની ઉત્પત્તિ આ જ શબ્દ પરથી થઈ! 

જ્યારે, સુશોભિત ચામડાની થેલીની સૌથી જૂની શોધોમાંની એક એંગ્લો-સેક્સન બ્રિટનમાંથી મળી આવી હતી, જે લગભગ ઈ.સ. ૬૨૫ની છે. જોકે તેનું ચામડું ખરાબ થઈ ગયું હતું, પરંતુ તેના સોનાના શણગાર હજુ પણ અકબંધ હતા. પર્સની અંદર ૪૦ સોનાના સિક્કા હતા. તેને સોનાના બકલવાળા અને સોનેરી મિજાગરાવાળા પટ્ટાઓથી મજબૂતીથી બાંધીને રાખવામાં આવેલું. કોર્ટોલ્ડ બેગને વિશ્વની સૌથી જૂની હયાત હેન્ડબેગ માનવામાં આવે છે. એવું મનાય છે કે આ બેગ ૧૩૦૦ના દાયકાની શરૂઆતમાં મોસુલમાં બનાવવામાં આવી હતી, અને તે આજે વિશ્વમાં બચી ગયેલી સૌથી જૂની હેન્ડબેગ છે. સંભવત: તે ઇલ્ખાનેટ સામ્રાજ્યની કોઈ ઉચ્ચ કુળની મહિલાની હતી.

સોળમી સદી પછી ખિસ્સા યાને પોકેટસની શોધ થતાં પુરુષોના ખિસ્સા તેમના કપડાંનો જ એક ભાગ બની ગયા. જ્યારે બીજી બાજુ, મહિલાઓના ખિસ્સા કાપડના એક અલગ ટુકડા જેવા હતા, જેને તેઓ તેમના પેટીકોટની નીચે કમર પર બાંધતી હતી. તે સમયે મહિલાઓના ગાઉનનો આકાર ઘણો મોટો અને ઘેરદાર હતો. આ ફેશન તે સમય માટે અનુકૂળ હતી, કારણ કે ખિસ્સામાં ભરેલો મોટો સામાન પણ ગાઉનના ઘણા બધા સ્તરો (લેયર્સ) નીચે સરળતાથી છુપાયેલો રહેતો હતો.

પરંતુ અઢારમી સદી પછી આ સ્થિતિ બદલાઈ. મહિલાઓની ફેશનમાં સ્લિમ ગાઉનનો ટ્રેન્ડ આવ્યો, અને વધુ પડતા શણગાર વિનાના, વ્યવહારુ કપડાં રોજિંદી ફેશન બની ગયા. આ નવા અને પાતળા કપડાંમાં જો બહારથી કોઈ ઉપસી આવેલું ખિસ્સું દેખાય, તો ફેશનની ભૂલ ગણાય. આકર્ષક ડિઝાઈન માટે મહિલાઓના કપડાંમાંથી ખિસ્સાનો અંત આવવાથી ફિમેલ સ્પેશ્યલ 'બેગ' (પર્સ)ની શરૂઆત થઈ. આ બેગને કપડાંની બહારની તરફ લટકાવવામાં આવતી હતી. તે બધાની નજરે પડતી હોવાથી, સ્ત્રીઓ તેને પોતાના અલગ-અલગ ડ્રેસ સાથે મેચ કરવા માટે તેના પર વિવિધ પ્રકારનું સુંદર ભરતકામ અને ડિઝાઇન કરવા લાગી.

જોકે,રાબેતા મુજબ નવું હતું એટલે શરૂઆતમાં રૂઢિચુસ્ત સમાજ તરફથી થોડા વિરોધનો સામનો કરવો પડયો. જૂની પેઢીને એ વાત ગળે ઉતરતી ન હતી કે જે ખિસ્સા અત્યાર સુધી માત્ર અંત:વસ્ત્રો હતા એ જાહેરમાં બધા પુરુષો દેખી શકે તે રીતે ખુલ્લામાં કેવી રીતે લટકાવી શકાય! એમાં જન્મ થયો એ પર્સનો ફ્રાન્સમાં જેને 'રેટિક્યુલ' અને ઇંગ્લેન્ડમાં 'ઇન્ડિસ્પેન્સેબલ' કહેવામાં આવતું હતું. એ જ આપણી પોટલીનો આધુનિક અવતાર જેમાં સિલ્ક જેવા કપડાની 'ડોક' દોરીવાળી હોય ને એને ખેંચીને મોઢું બંધ કરી શકાય. સાંજના ફરવામાં ડ્રેસ સાથે મેચિંગ સાથે રાખવાની પર્સ ! ત્યારે એમાં બ્રોચ રખાતા અને કોસ્મેટિક્સ.

પણ આધુનિક પર્સ, ક્લચ, પાઉચ અથવા હેન્ડબેગની શરૂઆત ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન ઈંગ્લેન્ડમાં થઈ, જેનું એક મોટું કારણ ફેશન નહોતું એ હતું : રેલવેની મુસાફરીનો વધારો ! ૧૮૪૧માં, બટરસ્કોચ ફ્લેવરના શોધક અને કન્ફેક્શનરી ઉદ્યોગપતિ સેમ્યુઅલ પાર્કિન્સને ટ્રાવેલિંગ કેસ અને પેટીઓના સેટનો ઓર્ડર આપ્યો. કારણ એ કે એમની પ્યારી પત્નીનું પર્સ લાંબી મુસાફરીમાં વજનદાર સિક્કા વગેરેને લીધે ફાટી જતું ! પતિ કુબેરપતિ હોય તો ફાયદો એ થાય કે એ એકસાથે અલગ અલગ પ્રસંગો માટે અલગ અલગ હેન્ડબેગ બનાવડાવે !

ચામડાની મોટી મજબૂત બેગ બનાવતી  લંડનની એચ.જે. કેવ કંપનીએ આ ફરમાઈશ સ્વીકારી અને આજે આપણે જેને ઓળખીએ છીએ તેવા લક્ઝરી હેન્ડબેગ્સનો પ્રથમ આધુનિક સેટ તૈયાર કર્યો, જેમાં ક્લચ અને ટોટ (જેને 'લેડીઝ ટ્રાવેલિંગ કેસ' કહેવામાં આવતો) નો સમાવેશ થતો હતો. ક્લચ એટલે પટ્ટો ના હોય એવું નાનું પર્સ જે સામસામેના બટન કે હવે ચેઈનથી લોક થાય અને ટોટે એટલે ઉપરથી ખુલ્લી ખભે લટકાવી શકાય એવી મોટી બેગ જે ઝાઝી ચીજો ભરી શકાય ને આજે ટ્રેન્ડીંગ છે. 

એચ.જે. કેવ કંપનીએ હેન્ડબેગ્સનું વેચાણ અને જાહેરાત કરવાનું ચાલુ રાખ્યું, ત્યારે એઝ ઓલ્વેઝ ઘણા વિવેચકોએ કહ્યું કે કોમલાંગી કામિનીઓને તેની કોઈ જરૂર નથી અને આટલા મોટા કદ અને ભારે સામગ્રીવાળી બેગ 'મહિલાઓના ખભા અને કમર તોડી નાખશે'. કંપનીએ મહારાણીઓ જેવી સેલિબ્રિટી સિવાય એવા લેધર પર્સ બનાવવાનું બંધ કર્યું. પણ વીસમી સદીમાં ડિઝાઇનર બ્રાન્ડ્સે તેમની આઇકોનિક અને બ્રાન્ડેડ સ્ટાઇલને ખૂબ જ લોકપ્રિય બનાવી. આજે તો એ જિંદગી ના મિલેગી દોબારા ફિલ્મમાં આવેલી  'બેગવતી'ઓ લુઈ વિત્તોં કે માઈકલ કોર્સ કે ગુચ્ચી જેવી બ્રાન્ડ્સની હોય તો એમાં મુકેલા ઘરેણા કરતા તો એ બેગની કિંમત વધુ હોય !

પર્સની ઉત્ક્રાંતિ લેધર બેગના નવા અવતારોથી થઇ. મગર અને અજગરના ચામડાની બેગ ભારે લોકપ્રિય હતી શરૂઆતમાં. પણ એ મોંઘી પડે એટલે ઘણી એના જેવી રંગીને બકરીના ચામડામાંથી બનાવાતી. સીલથી લઈને ઝેબ્રા સુધીના ચામડાની બેગ ઇન થિંગ ગણાતી પણ પછી પર્યાવરણ અને હિંસા ક્રૂરતા બાબતે જનજાગૃતિ વધતા પ્લાસ્ટિક ને રેકઝીનનું ચલણ વધ્યું. એમાં પર્સનું વજન પણ ઘટયું. આકાર નવા નવા આવ્યા જેમ કે છીપલું હોય કે આખું ઘર હોય ! યુનિસેકસ ફેશન આવી પર્સની. બેકપેક આવ્યા છતાં અને ખભા પરની ઝોળી જેવી સ્લિંગ બેગ પોપ્યુલર થવા છતાં પણ પર્સનો જમાનો કદી આથમ્યો નથી. પટ્ટા વાળી લટકાવવાની કે પટ્ટા વગર હાથમાં પકડવાની પણ પર્સ સ્ત્રીત્વનું અભિન્ન અંગ છે જે એના અંગની બહારનો હિસ્સો હોવા છતાં એની જોડે જ રહે છે ! સમય મુજબ લૂક બદલાતો ગયો પણ ફેમિનિઝમ હેન્ડબેગ છીનવી ના શક્યું. અમેરિકામાં કેટલા આજના વોકડાઓના પૂર્વજ જેવી ચિબાવલી નારીવાદીઓએ બેન ધ બેગ કેમ્પેઈન ચલાવેલું કે પર્સ તો સ્ત્રીઓ જેન્ડર સ્પેસિફિક કેદ છે ને એ પણ વોલેટ રાખે પુરુષની જેમ ખિસ્સામાં. પણ પર્સ તો એક સ્ટેટમેન્ટ છે. ફીલિંગ હોય કે પૈસા, કળા હોય કે મૂડ બધું એનાથી વ્યક્ત થાય એટલે ને લાંબુ ના ચાલ્યું ! સ્ત્રીઓએ જ ઉડાડી દીધી એ હવા.

સ્ત્રીત્વનો સાચો સાર શું? ભલે તેનો આંતરિક સ્વભાવ એને એક્સક્લુઝીવ બનાવે, પણ દરેક સ્ત્રી એક 'સામાન્ય સ્ત્રી' પણ છે, જે એ સામૂહિક ચેતના સાથે જોડાયેલી છે જે તેના જન્મ પહેલાં પણ હતી અને તેના મૃત્યુ પછી પણ લાંબા સમય સુધી અસ્તિત્વમાં રહેશે, જ્યારે તે માત્ર અત્તરની એક યાદગાર સુગંધ, જૂની હેન્ડબેગમાં રહેલા એક રૂમાલ રૂપે જ યાદ રહી જશે ! જે રીતે એક સ્ત્રી માત્ર દેખાવ, ઊંચાઈ, ત્વચા કે વાળનો રંગ નથી, તેવી જ રીતે ફિમેલ હેન્ડબેગ તેની સ્ટાઇલ, કિંમત, ડિઝાઇનર લોગો કે તેનો રંગ નથી. આ બંનેનો સાચો સાર એ વસ્તુઓ છે જે તેઓ પોતાની અંદર સાચવી રાખે છે ! રૂપિયા અને આશા, લોશન એન્ડ લવ, મેક અપ એન્ડ મેમરીઝ. એના 'અસ્તિત્વ' નું જ એક વિસ્તરણ છે: સ્ત્રીનું પર્સ. એક પવિત્ર, ખાનગી જગ્યા જે તેની ઓળખ, તેની કીમતી વસ્તુઓ, તેની યાદો, તેના સપના અને તેના રહસ્યોને સાચવી રાખે છે, એના દિલની માફક ! પોતાનો ઓરડો છે અંગત એ પર્સ. એમાં એનું બાળપણ પણ હોય ને એની અધૂરી અપેક્ષા પણ ! એમાં હોય નવીનતાની પાર્ટી. ટેબલ પર સ્થિર રહેતા પર્સમાં એની સ્વામિનીના નૃત્યની રેખાઓ સળ રૂપે હોય ! પર્સ છે સ્ત્રીઓનું રિયલ ટ્રાવેલ કમ્પેનિયન !

એક સમયે ઇંગ્લેન્ડની ક્વીન હૂકથી પર્સ ઊંચકવા માણસો રાખતી ને એક સમયે માર્ગરેટ થેચર યુકેના પીએમ હતા ત્યારે એમની ટ્રેડમાર્ક હેન્ડબેગ એક હથિયાર ગણાતી ! એના વજનથી ભલે હેન્ડલ તૂટે કે ખભા ઝુકે... જીના બેરેક કહે છે એમ 'અડધું આસમાન સ્ત્રીઓએ ઊંચક્યું છે એ પણ વજનદાર પર્સ લટકાવીને !

ફાસ્ટ ફોરવર્ડ

હોય છે આખા કબાટો પર્સમાં

સાચવ્યા છે કાટમાળો પર્સમાં

એટલો ભીનાશનો ઇતિહાસ છે

જેટલા કોરા રૂમાલો પર્સમાં

સ્ટ્રીપ એને પણ દવાની ખૂંચશે

લોહીનો ફૂટે છે ટશિયો પર્સમાં

નીકળે ડુચ્ચો થયેલા દર વખત

છે ચબરખી સમ સવાલો પર્સમાં

ચોક, લિપસ્ટિક, પેન, કાજલ, કોલસો

સૌ મળી લખતાં કિતાબો પર્સમાં

નીકળે સિગરેટ સાથે ફુરસદે

જે રહે સંતાઈ કિસ્સો પર્સમાં

ટિશ્યુ પેપર પાટી ભણતરની બન્યા

સૂચના, ટીકા, સુઝાવો પર્સમાં

ના સમજતા ચિઠ્ઠીઓ ચોળાયેલી

કૈક સૂતેલા છે સાપો પર્સમાં

લાગશે ખાલી, પરંતુ છે નહીં

પર્સથી મોટા અભાવો પર્સમાં

(લિપિ ઓઝા)