- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ભારતીય મૂળની એવી મહિલાઓ વિશે જાણીએ, જેમણે સિલિકોન વેલીમાં બેસીને દુનિયાભરની મહિલાઓ ડિજિટલી સુરક્ષિત રહે તેવા પ્રયાસો કર્યા છે
- કરુણા નૈન
- અંબા કાક
- પ્રગતિ અગ્રવાલ
- નાવરિના સિંહ
- લક્ષ્મી હંસપાલ
૨૧મી સદીમાં માનવીનું જીવન ટેકનોલોજી આધારિત થયું છે. ટેકનોલોજીમાં પ્રવાહો બદલાય તેની સીધી અસર આપણા રોજિંદા જીવન પર થાય છે. એઆઈના આગમન પછી તો આખું ચિત્ર બદલાયું છે. એઆઈથી એક તરફ આપણું કામ આસાન બનવા લાગ્યું છે તો બીજી તરફ તેનાથી ખતરો પણ સર્જાયો છે. કરોડો નોકરીઓ પર જોખમ મંડરાઈ રહ્યું છે તેની વાત ન કરીએ તો બીજો સૌથી મોટો ખતરો છે ડિજિટલ સુરક્ષા.
કરોડો લોકોની પ્રાઈવસીને એઆઈથી અસર થઈ છે. ખાસ કરીને મહિલાઓની ડિજિટલ સુરક્ષા જોખમમાં મૂકાઈ છે. વિકસિત દેશોમાં, અર્બન વિસ્તારમાં રહેતી શિક્ષિત મહિલાઓની સાઈબર સુરક્ષા સામેય જો જોખમ સર્જાયું હોય તો પછી વિકાસશીલ અને ગરીબ દેશોની કરોડો મહિલાઓની શી સ્થિતિ છે તેની કલ્પના જ કરવી રહી.
આવી સ્થિતિમાં ભારતીય મૂળની મહિલાઓ દુનિયાભરની મહિલાઓને અસર કરે એવા સાઈબર સુરક્ષાના ક્ષેત્રમાં ચાવીરૂપ કાર્ય કરી રહી છે. તેમના વિશે જાણવું રસપ્રદ થઈ પડશે.
***
કરુણા નૈન : સેફ્ટી પૉલિસી એડવાઈઝર
ભારતમાં સ્ટડી કરીને અમેરિકામાં પહોંચેલા કરુણા નૈન મેટામાં ગ્લોબલ સેફ્ટી પોલિસીના ડિરેક્ટર હતાં. મેટાના પ્લેટફોર્મ્સ - ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપમાં મહિલાઓ માટે જે સાઈબર સુરક્ષા પૉલિસી બની છે તેનો જશ કરુણાને આપવામાં આવે છે. એશિયા અને આફ્રિકન દેશોની મહિલાઓ માટે તેમણે સાઈબર સુરક્ષાના માપદંડો બનાવ્યા હતા. મેટા પ્લેટફોર્મ્સમાં મહિલાઓની તસવીરોનો દુરુપયોગ રોકવા માટે તેમણે વિશેષ ટૂલ બનાવવાની હિમાયત કરી હતી. તેના પરિણામે સેંકડો મહિલાઓના ફેક પ્રોફાઈલ બનતા અટકી ગયા હતા. મેટામાં લોક પ્રોફાઈલની જે સર્વિસ મળે છે એ તેમણે વિકસાવી હતી. જુદી જુદી કેટગરીમાં રિપોર્ટ કરવાની જે સવલત યુઝર્સને મળે છે તે પણ કરુણા નૈનના કાર્યકાળમાં શરૂ થઈ હતી. મેટાના ગ્લોબલ સેફ્ટી પૉલિસી વડાં હતા ત્યારે જ તેમણે પેરેન્ટ્સ પોર્ટલની પહેલ કરી હતી. જેના માધ્યમથી ૧૫ વર્ષની નીચેના બાળકોના પેરેન્ટ્સ બાળકોના અકાઉન્ટ્સની સુરક્ષા તપાસી શકે છે. તેને લગતી ફરિયાદ કરી શકે છે. ભારત-બ્રિટન-ફ્રાન્સ સહિતના ઘણાં દેશોની ડિમાન્ડ પ્રમાણે મહિલા અને બાળકોની ઓનલાઈન સલામતી માટે તેમણે મેટા વતી કામ કર્યું હતું. ગયા વર્ષે જ તેમણે મેટાની નોકરી છોડી છે. હવે તેઓ સેફ્ટી પૉલિસી એડવાઈઝર તરીકે કામ કરે છે અને ઘણી એઆઈ કંપનીઓને મહિલાઓ-બાળકોની ડિજિટલ સુરક્ષા માટે માર્ગદર્શન આપે છે. અમેરિકન સરકારને મહિલા સુરક્ષાની પૉલિસી બનાવવામાં તેમનો સહયોગ મળે છે.
અંબા કાક : એથિકલ AI ના હિમાયતી
નવી દિલ્હીમાં જન્મેલાં અને કોલકાત્તામાં ભણેલા અંબા કાકે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ નેટ ન્યૂટ્રાલિટી પર કામ કર્યું હતું. ગૂગલ અને મોઝિલા કોર્પોરેશનથી માંડીને એઆઈ નાઉ ઈન્સ્ટિટયૂટ સહિત ઘણી કંપનીઓ અને સંસ્થાઓમાં તેમણે કામ કર્યું છે. અંબા અત્યારે એઆઈ પૉલિસી એડવાઈઝર છે અને અમેરિકાની નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીમાં સાઈબર સિક્યુરિટી એન્ડ પ્રાઈવસી ઈન્સ્ટિટયૂટમાં કાર્યરત છે. મહિલાઓની ડિજિટલ સુરક્ષા અને પ્રાઈવસી માટે અંબા કામ કરે છે. ગૂગલ, મોઝિલા જેવી ઘણી કંપનીઓને તેમણે આ માટે પૉલિસી બનાવવામાં મદદ કરી છે. એઆઈનો યુગ આવ્યો અને તેમાં ડીપફેકથી દુનિયાભરમાં હાહાકાર મચ્યો તે પછી તેમણે એથિકલ એઆઈની દિશામાં કામ શરૂ કર્યું છે. એઆઈ કંપનીઓ જે ટૂલ્સ બનાવે છે એમાં મહિલાઓની સુરક્ષાનો યોગ્ય વિચાર થયો છે કે નહીં એ તપાસીને તેઓ કંપનીને સૂચનો કરે છે. સોસાયટી અને મહિલાઓ પર એઆઈ ટૂલ્સની અસર - એવા વિષય પર તેઓ અત્યારે સંશોધન કરી રહ્યાં છે. ડીપફેક કે જેને સિન્થેટિક મીડિયા કહે છે તેમાં મહિલાઓની તસવીરો અને વીડિયો સાથે ગંભીર છેડછાડ થાય છે તે અટકાવવા માટે એઆઈ કંપનીઓ સેફ્ટી ફીચર બનાવે તે માટે અંબા પ્રયાસો કરતાં રહે છે. સિલિકોન વેલીમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે અવાજ ઉઠાવતી મહિલાઓની વાત નીકળે ત્યારે અંબા કાકનું નામ આગળ પડતું રહે છે.
પ્રગતિ અગ્રવાલ : સિક્યુરિટી મેનેજર
પ્રગતિ અગ્રવાલ સિલિકોન વેલીમાં ખૂબ લો-પ્રોફાઈલ રહીને સાઈબર સુરક્ષાનું અગત્યનું કામ કરે છે. માઈક્રોસોફ્ટમાં ક્લાઉડ સિક્યુરિટી અને ડેટા પ્રાઈવસી પર કામ કરનારા પ્રગતિ અગ્રવાલ હવે ગૂગલમાં સિક્યુરિટી એન્જિનિયરિંગ મેનેજરના પદ પર કામ કરે છે. યુઝર્સનો ડેટા હેકર્સ પાસે ન પહોંચે એવી પૉલિસી બનાવવી, એવા સેફ્ટી ફીચર્સ બનાવવા તે પ્રગતિનું મુખ્ય કામ છે. ડેટા પ્રાઈવસીની બાબતમાં મહિલાઓ અને બાળકો સૌથી વલ્નરેબલ છે. તેમના ડેટાની સુરક્ષા માટે માઈક્રોસોફ્ટે એક ખાસ ટીમ બનાવી હતી તેનું નેતૃત્વ પ્રગતિને સોંપ્યું હતું. ગૂગલે જેમિનાઈ અને ગૂગલ સર્ચમાં મહિલાઓની સુરક્ષા માટે જે ફીચર બનાવ્યા છે તેમાં પ્રગતિએ કરેલા સૂચનોનો મહામૂલો ફાળો છે. જેમિનાઈમાં મહિલાઓની તસવીરો સાથે છેડછાડ ન થાય તેવી પૉલિસી બનાવવા માટે લીડર્સની જે ટીમ બની હતી એમાં પ્રગતિનો સમાવેશ થયો હતો. ગૂગલના ડેટા સેન્ટર્સ હેકર્સથી સુરક્ષિત રહે તે જોવાનું કામ પ્રગતિનું છે. તેમણે ગૂગલમાં ઓટોમેટેડ સિક્યુરિટી પ્રોટોકોલના ટૂલનું ઈમ્પ્લિમેન્ટ કરાવ્યું છે. એ તેમનું સૌથી નોંધપાત્ર કામ ગણાય છે. ઓનલાઈન તસવીરો પોસ્ટ કરવામાં કેટલું અને કેવું જોખમ છે તેની અવેરનેસ માટે પણ પ્રગતિ વિચારો વ્યક્ત કરે છે. પ્રગતિ માને છે કે ટેકનોલોજીમાં પડકાર ઝીલીને મહિલાઓએ વધુને વધુ આવવું જોઈએ. તેનાથી મહિલાઓનો ઓપિનિયન ટેક-વર્લ્ડમાં મહત્ત્વનો બનશે.
નાવરિના સિંહ : સરકારો માટે સેફ છૈં ટૂલ્સ
ભારતમાં ભણીને અમેરિકા સ્થાઈ થયેલાં નાવરિના સિંહનું કામ એઆઈના ફીલ્ડમાં ખૂબ જ મહત્ત્વનું એટલે ગણવામાં આવે છે કે તેમણે તદ્ન જુદી પહેલ કરી છે. તેમણે ક્રેડો એઆઈ નામની કંપની સ્થાપી છે. આ કંપની દુનિયાભરની સરકારો માટે એથિકલ અને સલામત એઆઈ ટૂલ્સ બનાવી આપે છે. એઆઈના કારણે કોઈને અન્યાય ન થાય અને એઆઈ પક્ષપાત વગર કામ કરે તેવા ટૂલ્સ પર કામ કરતા નાવરિના સિંહ વર્ષો સુધી ઘણી મોટી કંપનીઓમાં જુદી જુદી જવાબદારી નિભાવી ચૂક્યા છે. સિલિકોન વેલીમાં નાવરિના સિંહ ડિજિટલ એથિક્સના પાયોનિયર મહિલા ગણાય છે. અમેરિકન સરકારે એક નેશનલ એઆઈ એડવાઈઝરી કમિટી બનાવી છે. એમાં નાવરિના સિંહને પણ સભ્ય બનાવાયાં છે. સરકારી એઆઈ ટૂલ્સમાં મહિલાઓ અને બાળકોની સલામતીનું ખાસ ધ્યાન રાખવાની હિમાયત તેઓ કરતા આવ્યાં છે. તેઓ કહે છે કે એઆઈથી જેન્ડર ગેપ વધી શકે છે. એઆઈ ટૂલથી મહિલાઓને એક ઓબ્જેક્ટના રૂપમાં જોવાનું વલણ ન વધે તે માટે અત્યારથી જ કામ કરવું પડશે. ટેકનોલોજીના વિકાસ પછીય દુનિયાના અનેક દેશોમાં સ્ત્રી-પુરુષ વચ્ચે સમાનતા આવી નથી. એઆઈનો એથિકલ ઉપયોગ નહીં થાય તો વિકાસશીલ કે ગરીબ દેશોમાં જ નહીં, વિકસિત દેશોમાં પણ સ્ત્રી-પુરુષ વચ્ચે અસમાનતા વધવાનું જોખમ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના એઆઈ એડવાઈઝરી બોર્ડના સભ્ય એવાં નાવરિના સિંહ ડિજિટલ સુરક્ષાની અવેરનેસ માટે વૈશ્વિક સ્તરે કેમ્પેઈનિંગની ભલામણ કરે છે.
લક્ષ્મી હંસપાલ : સાઈબર સુરક્ષા એક્સપર્ટ
લક્ષ્મી હંસપાલ ૩૦ વર્ષથી અમેરિકામાં ટોચની ટેકનોલોજી કંપનીઓ સાથે જોડાયેલા છે. એમેઝોનમાં લક્ષ્મી હાઈલેવલ સિક્યુરિટી એક્ઝિક્યૂટિવ હતાં. એમેઝોનમાં યુઝર્સનો ડેટા સલામત રહે અને ઓનલાઈન છેતરપિંડી ન થાય તે જે ટેકનોલોજી વિકસી હતી તેનું નેતૃત્વ લક્ષ્મી હંસપાલે કર્યું હતું. ઘણી ટેકનોલોજી કંપનીઓમાં તેઓ સાઈબર સુરક્ષા વિભાગના વડા રહી ચૂક્યા છે. સુરક્ષિત ટેકનોલોજીની ભલામણ કરતાં લક્ષ્મી હંસપાલ માને છે કે યુઝર્સ સુધી ટેકનોલોજી પહોંચે તે પહેલાં જ તેની સુરક્ષાનો ખ્યાલ રાખવો જોઈએ. મહિલાઓના ડેટા સાથે છેડછાડ થવાની શક્યતા વધારે હોવાથી તેમને સેફ ફીલ થાય એવી ટેકનોલોજી બનાવવાની જવાબદારી ટેકનોલોજી કંપનીઓની છે. અત્યારે તેઓ ડિજિસર્ટમાં ચીફ ટ્રસ્ટ ઓફિસર છે. ડિજિસર્ટ ગ્લોબલ ડિજિટલ ટ્રસ્ટ પ્રોવાઈડર કંપની છે અને વેબસાઈટ્સ, એપ્સને ટ્રસ્ટનું સર્ટિફિકેટ આપે છે. સિક્યોર વેબસાઈટ્સ અને સોફ્ટવેર માટે જરૂરી આ સર્ટિફિકેટ ઓથોરિટી કંપની માટે કામ કરતા લક્ષ્મી ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં સાઈબર સુરક્ષાને પ્રાધાન્ય આપે છે.
***
વેલ, એઆઈના કારણે સાઈબર સુરક્ષામાં મહિલાઓ વલ્નરેબલ હોય ત્યારે ટેકનોલોજીના ક્ષેત્રમાં મહિલાઓની ભૂમિકા બહુ જ મહત્ત્વની બની જાય છે. ટેકનોલોજીના ક્ષેત્રમાં પુરુષોનો દબદબો રહેતો આવ્યો છે. આજની તારીખે ટેક-વર્લ્ડમાં માત્ર ૨૯ ટકા મહિલાઓ છે અને એમાંથી મોટાભાગની મહિલાઓ એન્ટ્રી લેવલની નોકરી કરે છે. કંપની પૉલિસી મેકિંગમાં તેમની કોઈ ભૂમિકા રહેતી નથી.
ટેકનો-વર્લ્ડમાં પૉલિસી મેકિંગમાં ભાગ ભજવી શકે છે એવી મહિલાઓ માંડ ૬ ટકા છે. આવું ચિત્ર ઉપસતું હોય ત્યારે ભારતીય મૂળની મહિલાઓ પાસે સાઈબર સુરક્ષાની લીડરશિપ હોય એ આઈટીમાં ભારતનો દબદબો દર્શાવે છે.


