Get The App

દેશ-વિદેશના વિવિધ વહેમો અને વિચિત્ર માન્યતાઓ

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
દેશ-વિદેશના વિવિધ વહેમો અને વિચિત્ર માન્યતાઓ 1 - image

- દુર્ગેશ ઉપાધ્યાય

- આરબો માને છે કે, સીટી વગાડયા પછી ચાલીસ દિવસ સુધી મોઢું અપવિત્ર રહે છે. કારણ કે સીટીને તેઓ શેતાનનું સંગીત ગણે છે

આ પણે છીંકને અપશુકનિયાળ ગણીએ છીએ પણ એરિસ્ટોટલે નોંધ્યું છે કે તેમના જમાનામાં છીંકને શુકનવંતી ગણવામાં આવતી હતી અને તેમાંય બપોરથી મઘરાત સુધીમાં આવેલી છીંકો સારી ગણાતી પણ તેમાં એક વિકલ્પ તે રહેતો કે, એ છીંકો શરદીની ન હોવી જોઈએ...!!!

આ તો થઈ એરિસ્ટોટલની વાત, પણ સીટી વગાડવામાં તમે કોઈ વહેમ માનો છો ? આપણે મોજમાં આવી જઈએ ત્યારે સીટી વગાડીએ છીએ પણ આરબો માને છે કે, સીટી વગાડયા પછી ચાલીસ દિવસ સુધી મોઢું અપવિત્ર રહે છે. કારણ કે સીટીને તેઓ શેતાનનું સંગીત ગણે છે. વળી ખાણમાં કામ કરનારા માને છે કે સીટી વગાડવાથી અકસ્માત થાય છે. જોકે, દુનિયાના સૌથી અચ્છા સીટી વગાડનારા ઉસ્તાદ ઉત્તર આફ્રિકામાં વસતા ગોમરા લોકો છે. જેઓ સિગ્નલ આપવામાં પણ તેઓ સીટીનો ઉપયોગ કરે છે. બ્રિટનમાં લોકો એમ માને છે કે, ઓકના ઝાડમાં જો કોઈ પોતાના નખ ખૂંપાવે તો તેને દાંત દુ:ખતા બંધ થઈ જાય છે. વળી એમ પણ માને છે કે, સૂવાના પલંગના પાયા ઉપર જો કાણાવાળો પથ્થર લટકાવી દેવાય તો રાત્રે ખરાબ સ્વપ્નો આવતાં નથી જોકે બાળકોને ડાકણની નજર ન લાગે તે માટે માતાઓ પોતાના બાળકના કપડામાં લોખંડનો ટુકડો સીવીને રાખે છે.

યુરોપમાં ઘણી જગ્યાએ આગિયાને મારવો પાપ ગણાય છે. આ માન્યતા પાછળ કારણ એવું છે કે, આગિયામાં માત્ર માદાનું પૂછડું જ ચમકે છે. અને તે નરને આકર્ષવા માટે ઉપયોગ કરે છે, જેથી એના પ્રકાશને બૂઝાવી નાખે તો એ માણસના સુખનો અંત આવે છે.

અરે આ તો માની શકાય, પણ રોમનના લોકો ઘુવડને મોતનું પક્ષી ગણે છે કહેવાય છે કે, જુલિયસ સિઝરનું ખૂન થયું એ પહેલાં ઘુવડો ખૂબ બોલતાં હતાં. આપણે ત્યાં પણ ઘુવડ બોલવું અશુભનો સંકેત ગણાય છે. જેમકે રાત્રે કૂતરું રડે તોય કોઈનું મોત થવાનું છે, એમ કેટલાક માને છે.

આપણે ત્યાં ઘણી દુકાનોમાં પ્રવેશ ધ્વારે ઘોડાની નાળ (ઘોડાના પગમાં પહેરાવાતી અંગ્રેજી યુ આકારની લોખંડની એક પટ્ટી) લગાડવામાં આવે છે. આ લગાડવાથી ઘરાકી વધે છે, સુખ-શાંતિ રહે છે. એમ મનાય છે. જોકે પશ્ચિમ અને યુરોપના દેશોમાં પણ ઘોડાની નાળ શુકનવંતી ગણાય છે.

ઈંગ્લેન્ડમાં એક એવી માન્યતા પણ પ્રચલિત છે કે, નવા ઝાડુથી સૌ પ્રથમ ઘરની અંદરનો ભાગ વાળવામાં આવે છે. અને એ કચરો બહાર ફેંકવાના બદલે ઘરના ચૂલામાં સળગાવી દેવાય છે. પછી એ ઝાડુ વડે ઘરની બહાર કચરો વાળવામાં આવે છે.

જોકે આપણે ત્યાં રાત્રે કચરો વાળવું અશુભ કે અપશુકન મનાય છે. રાત્રે કચરો વાળવાથી ઘરની લક્ષ્મી જતી રહે એમ મનાય છે. જો રાત્રે કચરો વાળે તો ઘરની બહાર ફેંકતા નથી. આ માન્યતા પાછળ એવું પણ કારણ હતું કે, કોઈ કિંમતી ઝીણી વસ્તુ કચરામાં ઘરની બહાર ફેંકાઈ ન જાય, માટે દિવસે કચરો વાળવો.

આપણે તો બહારગામ જતી વખતી દહીં કે ગોળ ખાઈને જઈએ છીએ. એ શુભ ગણાય છે. પણ દૂધ પીને કે સાથે દૂધ લઈને બહાર ગામ ન જવાય એવી પણ માન્યતા છે. જ્યારે આફ્રિકન આદિવાસી બહાર ગામ જતાં દૂધ સાથે લઈ જાય છે. એને શુભ માને છે કે નહીં એ બીજી વાત છે, પણ એ માને છે કે ખોરાક ન મળે તો દૂધથી પણ ચલાવી લેવાય. જોકે શુકન ગણાતું દહીં તો દૂધમાંથી જ બને છે.

આદિજાતિની એક જાતિમાં બાળક જન્મે પછી તેને સુપડામાં સૂવડાવી ઝૂલાવે છે. જેથી તેના શરીરે કોઈ રોગ થતો નથી એમ માનવામાં આવે છે.

બ્રિટનમાં લૂઈ ચૌદમાના શાસન વખતે રાજાના હાથના સ્પર્શથી રોગ મટી જાય છે એમ માન્યતા પ્રવર્તતી હતી. જેથી ઈસ્ટરના દિવસે (રવિવારે) રાજાના હાથનો સ્પર્શ કરવા રોગોઓનાં ટોળાં ઉમટતાં, ઈગ્લેન્ડમાં ચાર્લ્સ બીજાની આસપાસ એક વખત રોગીઓનાં ટોળાં ઉમટતાં, પડા પડી થતાં ઘણા કચડાઈ મર્યા હતા. તો વળી આઠમા હેનરીના સમયમાં રાજા તરફથી અપાતી વીંટી પહેરવાથી દુ:ખ દર્દ દૂર થઈ જાય એમ મનાતું હતું. 

આવી અનેક માન્યતાઓ અનેવિવિધ વહેમો હજુયે સમાજમાં જીવંત છે. જોકે યુગ બદલાતાં ઘણી માન્યતાઓ, વહેમો દૂર પણ થયા છે. એ દૂર થાય એ જરૂરી અને આવકાર્ય પણ છે.