Get The App

ચેતના પોતાના સૂક્ષ્મ શરીરથી સ્થૂળ શરીર જેવી જ પ્રતિકૃતિ સર્જી શકે છે!

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
ચેતના પોતાના સૂક્ષ્મ શરીરથી સ્થૂળ શરીર જેવી જ પ્રતિકૃતિ સર્જી શકે છે! 1 - image

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- સૂક્ષ્મ શરીર સામાન્ય રીતે સ્થૂળ શરીર સાથે સંયુક્ત રહે છે. પરંતુ કેટલીક પરિસ્થિતિમાં તે બાહ્ય રૂપે પ્રકટ થઈ જાય છે

‘The astral body is the exact counterpart of the physical body - સૂક્ષ્મ શરીર ભૌતિક સ્થૂળ શરીરના જેવી જ એની પ્રતિકૃતિ હોય છે.'

The astral body is composed of a finer substance than the physical, yet it is none the less real - સૂક્ષ્મ શરીર ભૌતિક શરીરની સરખામણીમાં વધારે સૂક્ષ્મ તત્વથી બનેલું હોય છે તેમ છતાં તે એટલું જ સાચું હોય છે.'

- Sylvan Muldoon 

(સીલ્વન મુલ્ડૂન)

The astral body while normally coinciding with the physical may under certain conditions become exteriorized -   સૂક્ષ્મ શરીર સામાન્ય રીતે સ્થૂળ શરીર સાથે સંયુક્ત રહે છે. પરંતુ કેટલીક પરિસ્થિતિમાં તે બાહ્ય રૂપે પ્રકટ થઈ જાય છે.'

The phenomena of leaving the body has been recorded through out history - ચેતનાની શરીરથી બહાર જવાની ઘટનાઓ ઇતિહાસમાં નોંધાયેલી છે.

- Hereward Carrington  (હેરેવાર્ડ કેરિંગ્ટન)

અમેરિકન લેખક, આધ્યાત્મિક અને ગૂઢ વિજ્ઞાન સંશોધક સીલ્વન મુલ્ડૂન સૂક્ષ્મ શરીર પ્રક્ષેપણ (Astral Projection) અને શરીર-બાહ્ય-અનુભૂતિ (Out of Body Experience) ના અધ્યયન અને સંશોધનના અગ્રણી હતા. તેમના બોડીમાં તેમણે આ વિષયની વિસ્તૃત માહિતી આ પ્રકારની ઘટનાઓના નિરૂપણ સાથે વર્ણન કરી છે. સીલ્વન મુલ્ડૂને એમની કિશોરાવસ્થામાં દેહાતીત અનુભૂતિ (શરીર-બાહ્ય-અનુભવ) કરવાનું શરૂ કરી દીધું હતું. તેમણે જણાવ્યું કે બાળપણમાં એક રાત્રે સૂતી વખતે તે તેમના ઓરડામાં ઉપર તરફ ગતિ કરતા પોતાના શરીર જોઈ શક્યા હતા. તેમનું ઓરડામાં હવામાં ઉપર તરતું હોય તેવું દેખાતું હતું. તે વખતે તેમણે અનુભવ કર્યો કે તે છત પાસેથી પોતાના પલંગ પર સૂઈ રહેલાં પોતાના સ્થૂળ, ભૌતિક શરીરને જોઈ શકતા હતા. તે તેમના પુસ્તક  - The Projection of the Astral Body માં જણાવે છે કે આ સૂક્ષ્મ શરીર એક અદ્રશ્ય પ્રકારની લાંબી, પાતળી, લચીલી રૂપેરી વર્ણની દોરી દ્વારા જોડાયેલું રહે છે. જે તેને પાછું સ્થૂળ શરીરમાં ખેંચીને લાવે છે. સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરને છોડીને સેંકડો કે હજારો માઈલ દૂર પણ જઈ શકે છે. એટલે દૂર ગયા પછી સેંકડો જેટલા ઓછા સમયમાં પોતાના સ્થૂળ શરીરમાં પાછું આવી શકે છે. આ રજન દોરાને 'Silver Cord' તરીકે ઓળખવામાં આવે છે. તે શરીર અને ચેતના વચ્ચે એક 'સુરક્ષિત જોડાણ' બનાવી રાખે છે.

હેરેવાર્ડ કેરિંગ્ટન પણ એક વિખ્યાત અમેરિકન માનસિક અન્વેષક (Physic Investigator) અને લેખક હતા. જેમણે પેરાનોર્મલ ઘટનાઓ અને સ્પિરિચ્યુઅલ રિસર્ચ પર ૧૦૦ થી પણ વધુ પુસ્તકો લખ્યા છે. સીલ્વન મુલ્ડૂને દેહાતીત અનુભૂતિ અને એસ્ટ્રલ પ્રોજેક્શન પર હેરેવર્ડ કેરિંગ્ટન સાથે સંશોધનો કર્યા હતા. કેરિંગ્ટને મુલ્ડૂનના અનુભવોને એક મનોવૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યથી રજૂ કર્યા. કેરિંગ્ટને ચેતનાને સૂક્ષ્મ શરીર દ્વારા સ્થૂળ શરીરથી પાડી દૂર સુધી યાત્રા કરાવવાની પ્રવિધિ પણ આ પુસ્તકમાં રજૂ કરી છે. તે કહે છે કે વિશ્રામ (relaxation), માનસિક ચિત્રણ (Visualization) અને ધ્યાન (Meditation) દ્વારા દેહાતીત અનુભૂતિ અને સૂક્ષ્મ શરીર યાત્રા થઈ શકે છે. ઘણીવાર ગાઢ નિદ્રામાં વિશ્રામની સ્થિતિ હોય છે એટલે પણ ચેતના શરીરની બહાર નીકળી સૂક્ષ્મ શરીર યાત્રા (Astral Travel) કરી લેતી હોય છે. આ વખતે ઘણીવાર એ સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર જેવું જ રૂપ, આકાર અને ગુણધર્મો ધારણ કરી સંવાદ અને ક્રિયા પણ કરી લે છે.

આવી એસ્ટ્રલ ટ્રાવેલની એક અદ્ભુત ઘટના કેનેડાના વિક્ટોરિયા શહેરમાં ૧૩ જાન્યુઆરી ૧૮૬૫ ના રોજ બની હતી. કેનેડાની કોલંબિયા વિધાનસભાનું અધિવેશન તે દિવસે ભરાયું હતું. આ વિધાનસભાના માનનીય સભ્ય ચાર્લ્સ વુડ ગંભીર રીતે બીમાર હતા. તેમને માટે ઘરની બહાર નીકળવું શક્ય નહોતું. કોઈ તેમને તે અધિવેશનમાં લઈ જાય તેવી પણ તેમની સ્થિતિ નહોતી. તે પથારી પરથી ઊભા પણ થઈ શકે તેવી શક્યતા નહોતી.

વિધાનસભામાં તેમની હાજરી ખૂબ જરૂરી હતી. ચાર્લ્સ વુડ પોતે ત્યાં જવાની તીવ્ર ઇચ્છા ધરાવતા હતા પણ તેમની શારીરિક સ્થિતિ એવી નહોતી કે તે ત્યાં જઈ શકે. જો કે અધિવેશન વખતે એક અકલ્પ્ય દ્રશ્ય જોવા મળ્યું. અધિવેશનમાં ચાર્લ્સ વુડ હાજર હતા ! કોઈને એવી લેશમાત્ર આશા નહોતી કે બીમારીની આવી ગંભીર સ્થિતિમાં તે ત્યાં આવે ! બધાએ તેમને એક ખુરશી પર બેઠેલા જોયા. તે ક્યારે અને કેવી રીતે આવ્યે તે કોઈના જોવામાં આવ્યું નહોતું. બધાએ તેમનું અભિવાદન કર્યું, ઘણાએ હસ્તધૂનન કર્યું. (હાથ મિલાવ્યા), તેમની સાથે વાતચીત કરી. તેમણે પણ ઘણા સભ્યોને હસીને બોલાવ્યા. તે પ્રસંગે ચર્ચા-વિચારણા થઈ. તે પ્રસંગે બધા સભ્યોના ફોટોગ્રાફ્સ લેવાયા. આ ફોટોગ્રાફ્સમાં ચાર્લ્સ વુડ એમની ખુરશી પર બેઠેલા છે અને બીજા સભ્યો સાથે ચર્ચા કરી રહ્યા છે તેવું સ્પષ્ટ દેખાય છે. આ ફોટો વિધાનસભાની દીવાલ પર પણ ટિંગાડવામાં આવ્યો હતો. આ ફોટો વિશિષ્ટ છે એટલે કાયમ માટે સંઘરી રાખવામાં આવ્યો છે. આમાં વિશિષ્ટ બાબત છે ચાર્લ્સ વુડની હાજરી અને બધાની સાથે બેઠેલા ચાર્લ્સ વુડ. વિશિષ્ટ બાબત એટલા માટે કે ચાર્લ્સ વુડ એટલા બીમાર હતા કે તે દિવસે અને તે પછી પણ કેટલાય દિવસો સુધી તેમની પથારી પર સૂતેલા જ રહ્યા હતા. ડૉક્ટરો, નર્સો અને સગા-સંબંધીઓની નજર સામે જ તે તેમના ઓરડામાં હતા તો પછી તે દિવસે વિધાનસભાના અધિવેશનમાં બીજા સભ્યો સાથે ત્યાં હાજર કેવી રીતે હતા ? ગૂઢ વિજ્ઞાનના નિષ્ણાતો કહે છે કે તેમનું સ્થૂળ શરીર તો પથારીમાં હતું, પણ તેમની ચેતના દેહાતીત અનુભૂતિ કરી સૂક્ષ્મ શરીર દ્વારા યાત્રા કરી વિધાનસભાના હૉલમાં જઈ ત્યાં સ્થૂળ શરીર જેવી પ્રતિકૃતિ સર્જી પોતાનું કાર્ય કરી આવી હતી.