Get The App

સંતાનની શોધમાં... .

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
સંતાનની શોધમાં...                                                   . 1 - image

- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત

- સિરાટ

- સેન્ટીમેન્ટલ વેલ્યુ

- જરૂરી નથી કે પિતા અને પુત્રી વચ્ચેનો સંબંધ સીધો-સરળ જ હોય. તે કોમ્પ્લિકેટેડ પણ હોઈ શકે છે. આ વખતની ઓસ્કરની રેસમાં ઉતરેલી બે ફિલ્મોમાં બાપ-બેટી વચ્ચેના ગૂંચવાયેલા સંબંધની વાત ભારે સંવેદનશીલ રીતે કહેવાઈ છે.

આ વખતના ઓસ્કર અવોર્ડ્ઝ, બસ, આંગણા સુધી પહોંચી ગયા છે. આપણે ત્યાં આવતી કાલે એટલે કે ૧૬ માર્ચે સવારે સાડાપાંચ વાગ્યે ઓસ્કર સમારોહનું લાઇવ ટેલિકાસ્ટ શરૂ થઈ જશે. મસ્ત મસ્ત ફિલ્મો છે આ વખતે ઓસ્કરમાં. એમાંથી આજે બે વિશેષ ફિલ્મોની વાત કરવી છે. બન્નેને નોન-ઇંગ્લિશ છે, બન્ને બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ થઈ છે, અને બન્નેમાં પિતા-પુત્રીના ગૂંચવાયેલા સંબંધની વાત સંવેદનશીલ રીતે કહેવાઈ છે. એક ફિલ્મ છે 'સિરાટ', અને બીજી છે 'સેન્ટિમેન્ટલ વેલ્યુ'.

'સિરાટ' સ્પેનિશ ફિલ્મ છે. આ એરેબિક શબ્દ છે, જેનો અર્થ થાય છે, જન્નત અથવા જહન્નમ તરફ જતો રસ્તો યા તો પુલ. ઇસ્લામિક માન્યતા પ્રમાણે, કયામતનો દિવસ આવે છે ત્યારે માણસે આ અંતિમ પુલ ઓળંગવો પડે છે. જો માણસે નીતિ પ્રમાણે જીવ્યો હશે તો એ સફળતાપૂર્વક પુલ ક્રોસ કરીને સ્વર્ગ તરફ આગળ વધશે, પણ જો એ ખોટું જીવન જીવ્યો હશે તો પુલ પરથી ખાબકીને નર્ક તરફ ફેંકાઈ જશે. આપણે જોઈએ છીએ કે 'સિરાટ' ફિલ્મનો નાયક અને અન્ય પાત્રો એક રણ પસાર કરવાની કોશિશ કરે છે. પ્રતીકાત્મક રીતે તેઓ પાપમુક્તિ અને સર્વનાશ તરફ જતા ખતરનાક રસ્તા તરફ આગળ વધી રહ્યાં છે.     

ઓલિવેર લેક્સ નામના ડિરેક્ટરે બનાવેલી આ ફિલ્મમાં લુઈસ નામનો એક મધ્યવયસ્ક, સીધોસાદો આદમી છે. એની જુવાનજોધ દીકરી ખોવાઈ ગઈ છે. ક્યાં? અન્ડરગ્રાઉન્ડ ડેઝર્ટ રેવ પાર્ટીમાં. આવી પાર્ટી માટે કોઈ રણના અંતરિયાળ ભાગમાં નાચગાનનો માહોલ ઊભો કરવામાં આવે. હજારોની સંખ્યામાં વરણાગી યંગસ્ટર્સ અને ઇવન મોટી ઉંમરના લોકો ભેગા થાય, ને પછી કાન ફાડી નાખે એવા ઈડીએમ (ઇલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક) કે ટેકનો-ટ્રાન્સ મ્યુઝિકના તાલે તેઓ આખી રાત ઝુમ્યા કરે. અહીં નશીલી દવાઓની રમઝટ પણ બોલતી હોય. તેથી જ આ પ્રકારની રેવ પાર્ટીઓ દુનિયાભરમાં કાં તો પૂરેપૂરી અથવા આંશિક ગેરકાનૂની ગણાય છે. 'સિરાટ'ના નાયક લુઈસની દીકરી આવી રેવ પાર્ટીઓના રવાડે ચડી ગઈ છે. લુઈસ એને શોધતો શોધતો પોતાના દસેક વર્ષના મીઠડા દીકરા સાથે છેક મોરોક્કોના દક્ષિણ હિસ્સામાં આવેલા રણ સુધી  પહોંચી ગયો છે. અહીં રેવ પાર્ટી ઓર્ગેનાઈઝ થઈ છે. લુઈ સૌને પોતાની દીકરીની તસવીર દેખાડીને પૂછતો રહે છે: તમે ક્યાંય આ છોકરીને જોઈ? કોઈએ એને જોઈ નથી. આખી ફિલ્મમાં આપણે પણ દીકરીને માત્ર તસવીરમાં જ જોઈએ છીએ. રેવર્સનું એક જૂથ કહે છે: રણમાં હજુય આગળ બીજી એક રેવ પાર્ટી થવાની છે. અમે લોકો ત્યાં જ જઈ રહ્યા છીએ. કદાચ ત્યાં તમારી દીકરી જડી જાય. લુઈ એમની સાથે નીકળી પડે છે.

આ જ અરસામાં બે પાડોશી દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળે છે. તેથી સરહદ વિસ્તારમાં ફેલાયેલા રણમાં આગળ વધવાની મનાઈ છે, તો પણ સૈનિકોની નજરમાંથી છટકીને સૌ આગળ વધતા જાય છે. રણ ક્રમશ: વધારે ખતરનાક બનતું જાય છે. આવા વિષમ અને અનિશ્ચિત માહોલમાં લુઈનો નાનકડો દીકરાનું શું થાય છે? અમુક એવી ઘટનાઓ બને છે કે આપણા મોંમાંથી હાયકારો નીકળી જાય. પછી? આખરે લુઈને પોતાની દીકરી મળી ખરી? આનો જવાબ તમારે ફિલ્મ જોઈને જાતે જ શોધી લેવાનો છે. 

યાદ રહે, આ એક આર્ટહાઉસ સિનેમા છે, જે માણવા માટે 'એક્વાયર્ડ ટેસ્ટ'ની જરૂર પડે છે. આ ફિલ્મના લુઇસનું પાત્ર ભજવનાર સર્જી લોપેઝને બાદ કરતાં બીજો એકેય પ્રોફેશનલ એક્ટર નથી. અસલી માણસોને આ ફિલ્મમાં કામ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. તેથી જ 'સિરાટ' વધારે અધિકૃત લાગે છે. 

મજાની વાત એ છે કે આ માત્ર રોડ મૂવી નથી. આને તમે એક્ઝિસ્ટેન્શિયલ થ્રિલર કહી શકો, તમે એને રેવ-કલ્ચર ફિલ્મ પણ કહી શકો. ફિલ્મોની એકાધિક જાનર (પ્રકાર)નું અહીં ઇન્ટરેસ્ટિંગ કોમ્બિનેશન થયું છે. એક માણસ પોતાના સ્વજનની ભાળ મેળવવા માટે કેટલું સહન કરી શકે? કેટલી હદે જઈ શકે? જોકે દીકરીને શોધી રહેલા બાપની વાર્તા ધીમે ધીમે સરરિયલ (સપના જેવી, અતિ વિચિત્ર) અને ફિલોસોફિકલ બનતી જાય છે. આ ફિલ્મને બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન માટે બીજું ઓસ્કર નોમિનેશન મળ્યું છે. 'સિરાટ' તમે મુબી નામના ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ શકો છે.    

બીજી ફિલ્મ 'સેન્ટીમેન્ટલ વેલ્યુ' પણ મુબી પર અવેલેબલ છે. 'સેન્ટીમેન્ટલ વેલ્યુ'એ તો નવ-નવ ઓસ્કર નોમિનેશન મેળવીને છાકો પાડી દીધો છે. આ એક નોર્વેજિયન ફિલ્મ છે, ઘણા સંવાદો અંગ્રેજીમાં પણ છે. એક રિટાયર્ડ ફિલ્મમેકર છે - ગુસ્તાવ. એની બે દીકરીઓ છે - નોરા અને એગ્નેસ. વર્ષો પહેલાં ગુસ્તાવના ડિવોર્સ થઈ ગયા હતા. દીકરીઓને માને ભરોસે છોડીને ગુસ્તાવ ઓસ્લોથી અમેરિકા જતો રહ્યો હતો - ફિલ્મમેકર બનવા. ફિલ્મમેકર તરીકે એ સફળ પણ થયો. આ બાજુ નોરા મોટી થઈને આલા દરજ્જાની થિયેટર એક્ટ્રેસ બની. મોટી બહેન સારો છોકરો શોધીને પરણી ગઈ. એ પિતા અને બહેન જેવી મહત્ત્વાકાંક્ષી કે 'એબ્નોર્મલ' નથી. એને સીધીસાદી ગૃહિણી બનીને ઘર-પરિવાર સંભાળવામાં સંતોષ મળે છે.

છોકરીઓની મા મૃત્યુ પામી એટલે બાપ વર્ષો પછી અંતિમ વિધિઓ કરવા માટે ઓસ્લો પાછો આવે છે. ફિલ્મનો ઉઘાડ આ જ બિંદુથી થાય છે. દીકરીઓને જાણ નથી કે બાપ આવવાનો છે. ઓકવર્ડ સ્થિતિ સર્જાઈ જાય છે. દીકરીઓને એક બાજુ બાપ પ્રત્યે ક્રોધ પણ છે અને લોહીનો સંબંધ હોવાને નાતે ખેંચાણ પણ છે. બાપ પછી એની એક્ટ્રેસ દીકરીને કહે છે: 'નોરા, હું એક ફિલ્મ બનાવવા માગું છું- મારી મા વિશે. મારી માએ આ જ ઘરમાં દાયકાઓ પહેલાં ગળાફાંસો ખાઈ લીધો હતો. હું ઇચ્છું છું કે મારી માનું પાત્ર તું ભજવે.' નોરા ધડ્ દઈને ના પાડી દે છે: 'આપણે એકબીજા સાથે સીધી વાત પણ કરી શકતાં નથી ત્યાં સાથે કામ કરવાનો સવાલ જ ક્યાં ઊભો થાય છે?' ગુસ્તાવે  નછૂટકે રેચલ નામની એક ટેલેન્ટેડ અમેરિકન એક્ટ્રેસની વરણી કરવી પડે છે.

ફિલ્મનું શૂટિંગ એ જ બાપદાદાના ઘરમાં કરવાનું છે કે જ્યાં કેટલીય પેઢીઓ મોટી થઈ છે. રેચલ ડિરેક્ટરની બન્ને દીકરીઓને મળે છે. એ જાણે છે કે મારા ડિરેક્ટરની એક દીકરી ખુદ અદ્ભુત સ્ટેજ એક્ટ્રેસ છે. રેચલને ધીમે ધીમે બધું અસહજ લાગવા માંડે છે. એક દિવસ એ ગુસ્તાવને કહી દે છે: 'સર, મને આ બરાબર નથી લગાતું. તમે મારી હેરસ્ટાઇલ નોરા જેવી કરાવી, તમે મને કપડાં એના જેવાં પહેરાવો છો. આ રોલ ખરેખર તો એણે જ કરવાનો હોય. સોરી, હું તમારી ફિલ્મ નહીં કરી શકું.'

પછી? ગુસ્તાવની ફિલ્મ બની કે નહીં? દીકરીઓનો બાપ પ્રત્યેનો રોષ ઓછો થયો ખરો? એમની વચ્ચેના સંબંધો સુમેળભર્યા બન્યા ખરા? અગેન, આ સવાલ તમારે ખુદ ફિલ્મ જોઈને મેળવી લેવાના છે. 'સેન્ટમેન્ટલ વેલ્યુ'ના સૌથી મોટા પ્લસ પોઇન્ટ્સ છે તેનું લખાણ અને કલાકારોનો અભિનય. ફિલ્મ જોતી વખતે તમને સતત વિચાર આવ્યા કરે કે ધારો કે આ વાર્તા પરથી કોઈ ટિપિકલ બોલિવુડ ફિલ્મ બની હોત તો તે કેવી હોત? એ જ રોનાધોના, રાડારાડી અને  મેલોડ્રામા. અહીં મેલોડ્રામાનું નામોનિશાન નથી. બહુ જ સહજ રીતે, સાયકોલોજિકલ ચોક્સાઈ સાથે પાત્રો વાર્તાને આગળ ધપાવતાં જાય છે. અભિનયમાં તો સૌએ સિક્સર ફટકારી થાય છે. તમને થાય કે આમાં કોને વધારે માર્ક્સ આપવા? તેથી જ બાપ, બન્ને દીકરીઓ અને અમેરિકન એક્ટ્રેસ - આ પાત્રો ભજવનાર ચારેચાર અદાકારો ઓસ્કર નોમિનેશન તાણી ગયાં છે. અહીં ફિલ્મની અંદર બીજી ફિલ્મ આકાર લે છે. કળા, કલ્પના, જીવાતું જીવન અને વાસ્તવ વચ્ચેની ભેદરેખાઓ ક્રમશ: ઓગળતી જાય છે. જો તમને ઉત્તમ સિનેમામાં અને સંબંધોનાં અટપટાં સમીકરણો ધરાવતાં કથાનકમાં રસ પડતો હોય તો 'સેન્ટીમેન્ટલ વેલ્યુ' જોવી જ પડે.

તાજા કલમમાં એટલું પણ ઉમેરી દઈએ કે આ વખતે આઠ-આઠ ઓસ્કર નોમિનેશન મેળવી ચૂકેલી 'હેમ્નેટ' ફિલ્મમાં પણ પેરેન્ટિંગનો વિષય છે. અહીં શેક્સપિયર, એની પત્ની અને તેમના મૃતક સંતાનની વાત છે. આ ત્રણમાંથી કઈ ફિલ્મ કેટલા ઓસ્કર જીતે છે તે જાણવા માટે આપણે બસ, થોડાક જ કલાકોની રાહ જોવાની છે. 

શો સ્ટોપર

તમે મને અનુરાગ કશ્યપ, સંજય લીલા ભણસાલી અને આદિત્ય ચોપડા - આ ત્રણમાંથી કોઈ એકને પસંદ કરવાનું શા માટે કહો છો? મારાં સ્ટાન્ડર્ડ આટલાં નીચાં નથી. મને સારી ચોઈસ આપો.    

- કંગના રનૌત