Get The App

ફોઈબા, અનેરીના પ્રેરણામૂર્તિ કેવી રીતે બની ગયા ?

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
ફોઈબા, અનેરીના પ્રેરણામૂર્તિ કેવી રીતે બની ગયા ? 1 - image

- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

- 'મમ્મી, તમને તમારી સાહ્યબી મુબારક, મને મારી મમતામૂર્તિ ફોઈબા મુબારક' અનેરીનું જીવનદર્શન

'ન મ્રતાબેન, તમારા ઘરે રહી મારી દીકરી અનેરીને ભણવા મૂકી, એમાં તમે એને સાવ બગાડી મૂકી. સવારે ઊઠીને દેવ-દેવલાંની પૂજા કરે છે, સૂર્યપૂજન કરે છે, યોગાસનો કરે છે અને નવરી પડે ત્યારે કોઈ ધાર્મિક થોથું ઉથલાવે છે. તમે રહ્યા સાવ દેશી. જમાનો ક્યાંનો ક્યાં પહોંચી ગયો, પણ તમે તમારી મઢુલીમાંથી બહાર ન નીકળી શક્યા. મારી ખોટની દીકરીની જવાની તમે ખોટા ઘડતરથી ધૂળધાણી કરી નાખી.' અનેરીની મમ્મી ઓજસ્વીદેવી પોતાની નણંદ નમ્રતા પર વ્યંગબાણ છોડે જ જતાં હતાં. પરંતુ નમ્રતાફોઈ ચૂપ રહ્યા.

..... અનેરી એમને એટલી બધી વહાલી હતી કે એને કારણે ગમે તેવું અપમાન, ઉપેક્ષા અને મહેણાટોણા સહેવા એ તૈયાર હતા. નમ્રતાના ભાભી ઓજસ્વીદેવી ગામડે રહેતા હતા. ગામ નાનું એટલે સાત ધોરણથી આગળ ભણવાની વ્યવસ્થા નહોતી. ઓજસ્વીદેવી પ્રૌઢવયે વિધવા થયા, પણ પૈસે-ટકે સુખી હતાં. પચાસ વીઘા જમીન, દસેક મકાનોનું ભાડું અને સારું એવું બેંક-બેલેન્સ, ઓજસ્વીદેવીના પતિ નમનકુમારે એમને ઓશિયાળા રહેવા દીધા નહોતા.

ઓજસ્વીદેવી ધારત તો જમીન જાયદાદ વેચી શહેરમાં સ્થિર થઈ શકત, પણ પૈસાને કારણે ગામમાં એમનો વટ હતો. ગામમાંથી એ પસાર થાય ત્યારે લોકો 'શેઠાણીબા' કહીને આદર આપે. ગામમાં કોઈને ત્યાં લગ્ન હોય તો ઓજસ્વીદેવી માટે અલગ બેઠક વ્યવસ્થા થાય. એમના આગમનથી પ્રસંગમાં રંગત આવી જતી. અને લગ્નવિધિ કરાવનાર ભૂદેવ પણ ઓજસ્વીદેવીને પ્રભાવિત કરવા બુલંદ અવાજે શ્લોકો લલકારતા. ઓજસ્વીદેવી બટવામાંથી પાંચસોની નોટ કાઢી ભૂદેવને આપતાં ત્યારે ભૂદેવ પણ તેમની પર આશીર્વાદની ઝડી વરસાવતા. ઓજસ્વીદેવી સરપંચ ન હોવા છતાં સરપંચ હતા. તેમની કૃપા સિવાય ગામમાં કોઈ સરપંચ બની શકતું નહોતું. ઓજસ્વીદેવી નાણાંની કોથળી ખુલ્લી મૂકતાં એટલે જી હજૂરિયાઓ તેમનો પડતો બોલ ઝીલતા.

એમણે વિચાર કર્યો કે અનેરીને ભણાવી-ગણાવીને મોટી ઓફિસર બનાવવી હોય તો શહેરની કોઈ મોટી સ્કૂલમાં ભણાવવી જોઈએ. અનેરી કલેક્ટર બનશે ત્યારે ગામમાં પોતાનો કેટલો બધો વટ વધી જશે અને આજુબાજુના ગામના લોકો પણ કલેક્ટરની માતા તરીકે પોતાને ફૂલે પૂજશે એવી કલ્પના માત્રથી ઓજસ્વીદેવી ભાવવિભોર બની જતાં.

એક તબક્કે તો એમને એવો વિચાર આવ્યો કે અનેરીને શહેરની હોસ્ટેલમાં દાખલ કરી અભ્યાસ કરાવવો, પણ ઓજસ્વીદેવીના પતિ નમનકુમારે તેમની પાસેથી વચન લીધું હતું : 'મોટા શહેરમાં મારી દીકરી ખોવાઈ જશે, કોઈકના કુસંગે ચઢી જશે તો મારી સાતેય પેઢીનું પુણ્ય નષ્ટ થઈ જશે. એટલે એને હોસ્ટેલમાં ન રહેવા દઈશ. મારી બેન નમ્રતા સાક્ષાત્ દેવી છે. એની છત્રછાયામાં અનેરી ઉછરશે તો એનું વ્યક્તિત્વ ઓર દીપી ઊઠશે. મારી આટલી વાત ક્યારેય ના ભૂલતી.'

અને અનેરીને આઠમા ધોરણમાં શહેરની એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં પ્રવેશ અપાવીને ઓજસ્વીદેવી નમ્રતાફોઈને ત્યાં અનેરીને મૂકવા ગયા. નમ્રતાફોઈએ ભાભી ઓજસ્વીદેવીને ભાવભીનો આવકાર આપ્યો. પણ ઓજસ્વીદેવી અહંકારના ઊંચા આસનેથી નીચે ઉતરવા તૈયાર નહોતા. એમણે કહ્યું : 'નમ્રતાબેન, અમારું જમવાનું શહેરની જાણીતી હોટલમાંથી મંગાવજો. તમે રહ્યા જૂનવાણી, એટલે શુકનની લાપસી કે ફાડાલાપસી રાંધી મૂકશો... એવું બધું ગામડિયા લોકોને શોભે. હું ભલે ગામડે રહું છું પણ મારો આત્મા શહેરમાં વસે છે. એકવાર મારી દીકરી તૈયાર થઈ જાય, પછી રાજકારણમાં ઝુકાવીશ અને મિનિસ્ટર બનીશ, તો તમારા જેવી વિધવાઓને કામ આપીશ. અનેરીને મારે ભણાવી-ગણાવીને તૈયાર કરવાની છે. અને હા, ખાવા-પીવા કે ટયૂશન વગેરેમાં કોઈ કરકસર કરવાની નથી. લો, આ ત્રણ લાખનો બેંક ડ્રાફ્ટ એડવાન્સમાં. અને પૈસા ખૂટે તો મંગાવી લેજો. તમારા માટે પણ એક ડઝન સાડી, બ્લાઉઝ પીસ અને પેટીકોટ લાવી છું. તમે ગરીબ છો પણ મારા નણંદ છો એટલું યાદ રાખજો.'

નમ્રતાફોઈ ભાભી ઓજસ્વીદેવીની એકેએક વાત ધ્યાનથી સાંભળતા હતા. પણ કશો પ્રત્યુત્તર આપતા નહોતા. એમણે અનેરીના મસ્તક પર પ્રેમાળ હાથ મૂકીને પૂછ્યું : 'બેટા, તને મારી સાથે રહેવાનું ગમશે ને ?'

અનેરી નમ્રતાફોઈના પ્રેમાળ હાથના સ્પર્શથી રોમાંચિત થઈ ગઈ. એને શીતળતાનો અનુભવ થયો. ઓજસ્વીદેવી માતા તરીકે એની બધી જરૂરિયાતો પૂરી કરતી હતી, પણ કોણ જાણે કેમ તેમાં મમતાની સહજ અનુભૂતિ અનેરીને થતી નહોતી. એને લાગતું કે મમ્મી ધરતી પર જીવનારી નહીં આકાશમાં ઊડનારી નારી છે. અનેરી નમ્રતાફોઈના નિષ્પાપ ચહેરા તરફ લાગણીપૂર્વક તાકી રહી. એમની આંખોમાં વાત્સલ્યનો દરિયો ઘૂઘવી રહ્યો હતો. અનેરીએ સહજ રીતે જ કહ્યું : 'મમ્મી, તું મારી ચિંતા ન કરીશ. નમ્રતાફોઈને મળીને મને ખાતરી થઈ ગઈ છે કે તેઓ મને પુત્ર કરતાં પણ અધિક પ્રેમ આપશે.'

અનેરીના આ શબ્દો ઓજસ્વીદેવીથી સહન ન થયા. એમણે તરત જ કહ્યું : 'મા એ મા અને બીજા બધા વગડાના વા.' એમ કહેનારે કાંઈ ખોટું નથી કહ્યું... માનો રોલ ભજવવો અને માતા હોવું એ બન્નેમાં જમીન-આસમાનનું અંતર છે. તારાં ફોઈનીા તો ગોદ જ ખાલી છે. એટલે માતા-પુત્રીના પ્રેમનો એમને ખ્યાલ જ ક્યાંથી હોય ? એમણે મારી થાપણ તરીકે તને જાળવવી જોઈએ અને થાપણને વખત આવે વ્યાજ સાથે પરત કરવી જોઈએ.' છતાં પણ નમ્રતાફોઈએ એમના શબ્દોનો લેશમાત્ર વિરોધ કર્યો નહોતો.

અને પોતાના ડ્રાઈવર દ્વારા રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું ભોજન આરોગી ઓજસ્વીદેવી નમ્રતાફોઈના પવિત્ર આંગણાને અહંકારથી અભડાવી વિદાય થયા હતા. નમ્રતાફોઈને સેવાપૂજામાં રસ હતો, પરંતુ તેઓ અનેરીને તેમાં પરાણે જોડવાનો ક્યારેય પ્રયત્ન કરતાં નહોતા. દેવ અને દેવીરૂપ અનેરી બન્ને એમને મન સમાન હતા. અનેરીને સરસ મજાનો નાસ્તો કરાવવો, શાળાએ જવા તૈયાર કરવી અને સ્કૂલબસનું પોતાનું વધારાનું ભાડું ભરી અનેરીને જાતે સ્કૂલ સુધી વળાવવા જવું એ નમ્રતાફોઈનો નિત્યક્રમ બની ગયો હતો. અનેરીને શાળાએ મૂક્યા બાદ દેવદર્શન અને પરચૂરણ ખરીદીનું કામ પતાવી વળી પાછા ફોઈબા અનેરીની સ્કૂલ પાસે આવેલા વડલા નીચે બેસીને શાળા છૂટવાની પ્રતીક્ષા કરતાં અને અનેરીને સાથે લઈને સ્કૂલબસ દ્વારા એ ઘેર પાછા ફરતા. અનેરીની સહેલીઓ તેને શાબાશી આપતાં કહેતું : 'યાર, તું તો બહુ ભાગ્યશાળી છે કે તને આવી પ્રેમાળ મમ્મી મળી છે. અને ઘેર પહોંચીએ ત્યારે અમારી મમ્મી ક્લબે ચાલી ગઈ હોય છે. આખું ઘર કામવાળીને હવાલે.'

ફોઈબાને મમ્મીનો દરજ્જો પોતાની સહેલીઓ દ્વારા મળતો જોઈ અનેરીના આનંદનો પાર નહોતો. ફોઈબા અનેરીની પ્રેરણામૂર્તિ બની ચૂક્યાં હતાં. અનેરી વગર કહે તેમની સાથે પૂજાપાઠ અને શ્લોકગાનમાં જોડાતી. ટયૂશન માટે આવનાર ગુરૂને ચરણસ્પર્શ કરતી અને ફોઈબાની દેવીની જેમ મનમાં ને મનમાં પૂજા કરતી.

અનેરીના મમ્મી ઓજસ્વીદેવી ગામના કાવાદાવા અને રાજકારણમાં એટલાં બધાં ગળાડૂબ રહેતાં હતાં કે અનેરીને દિવાળીમાં પણ ઘેર તેડાવવાની એમને ફુરસદ નહોતી. ક્યારેક અનેરીની ખબર જોવા માટે એ આંટો મારી જતા, પણ નમ્રતાફોઈના મહેમાન બનેલા ગામના સરપંચે અનેરી શ્લોકો ગાય છે અને સેવાપૂજન કરે છે એવા સમાચાર આપ્યા ત્યારે ઓજસ્વીદેવીનો મિજાજ સાતમે આસમાને પહોંચી ગયો. પોતાની દીકરીને 'બગાડી મૂકનાર' નમ્રતાફોઈનો ઉધડો લેવા તેઓ ધસી ગયાં.

ઓજસ્વીદેવી પહોંચ્યા ત્યારે ફોઈબા અને અનેરી પૂજા બાદ આરતી કરી રહ્યાં હતાં. મમ્મીને આવેલી જોઈ અનેરીએ તેમના ચરણસ્પર્શ કર્યા એટલે ઓજસ્વીદેવી તાડૂક્યાં : 'લોકોના છોકરા 'ગુડ મોર્નિંગ મોમ' કહે છે અને મારી દીકરી નમસ્તે કરે એટલા માટે મેં શહેરમાં મૂકી હતી ? તમે એને 'ભગત' બનાવી દીધી છે. નમ્રતાદીદી. આજે જ હું તેને હોસ્ટેલમાં દાખલ કરી દઈશ. ચાલ અનેરી તૈયાર થઈ જા.'

પણ અનેરીએ મૌન ધારણ કર્યું એટલે ઓજસ્વીદીદી વીફર્યાં. એમણે અનેરીનો હાથ પકડીને ખેંચીને પોતાની સાથે લઈ જવાનો પ્રયત્ન કર્યો, પણ અનેરી અડગ રહી. ઓજસ્વીદેવીએ અનેરીના ગાલ પર ત્રણ ચાર તમાચા ઝીંકી દીધા, છતાં અનેરી તેમની સાથે જવા તૈયાર ના થઈ.

ઓજસ્વીદેવીએ વિચાર્યું કે અનેરીને મનાવીને નમ્રતાદીદી હોસ્ટેલમાં જવા રાજી કરી લેશે એટલે એ પોતાને ઘેર જતાં રહ્યાં. પણ ન તો અનેરીનો ફોન આવ્યો કે ન તો નમ્રતાદીદીનો.

ફોઈબાએ અનેરીને ખૂબ સમજાવી પણ અનેરીએ એક જ વાત પકડી રાખી : 'મારી મમ્મી દેવકી છે. પણ ફોઈબા તમે તો મારાં જશોદામૈયા છો. તમોને છોડીને જવા હું હરગિજ તૈયાર નથી. વાતસલ્ય અનુભૂતિ પરાણે ના કરાવાય. કુદરતી વર્ષા અને કૃત્રિમ વર્ષામાં જેટલું અંતર છે તેટલું અંતર તમારામાં અને મારી મમ્મીમાં છે. મારે રૂપિયાની છોળો વચ્ચે ઉછરી મમ્મી જેવા અહંકારી નથી બનવું. જીવનભર તમારી દીકરી થઈને જીવવું છે.' અને અનેરી ફોઈબાની કોટે વળગી પડી હતી.

ઘમંડી ઓજસ્વીદેવીએ નમ્રતાદીદી અને અનેરી સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો. અનેરીએ એમ.બી.એ ની પદવી મેળવી અને આઈ.એ.એસની પરીક્ષામાં પણ એણે મેરીટમાં પ્રથમ હરોળમાં સ્થાન મેળવ્યું. ફોઈબાના આનંદનો પાર નહોતો. અનેરીના વર્તનમાં શિક્ષણ અને સંસ્કારનો અદ્ભુત સમન્વય હતો.

અનેરીના ડેપ્યુટી કલેક્ટર તરીકે નિમણુક પામ્યાના સમાચાર જાણતાં ઓજસ્વીદેવીએ નમતું જોખવાનો નિર્ણય કર્યો. અને ગામના લોકોનું ટોળું લઈને નમ્રતાદીદીને ઘેર પહોંચી ગયા.

ફોઈબા ડ્રોઈંગરૂમમાં બેઠા હતા અને અનેરી એમના ખોળામાં બાળકની જેમ મસ્તક મૂકીને સૂતી હતી. પોતાની મમ્મીને જોઈ અનેરીએ એમને ભેટવાનો પ્રયત્ન કર્યો પણ ઓજસ્વીદેવીએ કહ્યું : 'અનેરી, તું હવે મોટી અધિકારી બની છું. રૂઆબ નહીં રાખે તો લોકો તને ઘોળીને પી જશે. નમ્રતાદીદીના આ સાદા મકાનમાં તારાથી હવે ના રહેવાય. મેં તારા માટે લક્ઝુરીયસ બંગલો ખરીદી લીધો છે. હવે આપણે બન્ને સાથે રહીશું. આ બધા ગ્રામવાસીઓ તને ફૂલહાર કરવા માટે આવ્યા છે.'

ગામના લોકો અનેરીને હાર પહેરાવવા પડાપડી કરવા લાગ્યા ત્યારે અનેરીએ કહ્યું : 'તમારે સન્માન કરવું હોય તો મારી માતા સમાન ફોઈબાનું કરો. એમની તપસ્યાને કારણે મારું જીવન ઊજળું છે. અને મમ્મી મોટા બંગલામાં રહેવાનો કે સરકારી બંગલામાં રહેવાનો મને કોઈ અભરખો નથી. ફોઈબાનું આ ઘર મારે માટે મંદિર છે. એમની સેવા એ જ મારું વ્રત છે. મમ્મી તમે મળવા આવ્યા તે માટે તમારો આભાર. મને મારી ખરી માતા પાસેથી છીનવવાની કોશિશ ન કરશો. તમને તમારી સાહ્યબી મુબારક, મને મારી મમતામૂર્તિ ફોઈબા મુબારક.'

'તો પછી સાંભળી લે અનેરી. જમીન, જાયદાદ, મકાન વગેરેમાંથી તને કશું જ નહીં મળે. તારા માટે માતૃઋણ અદા કરવાની આ છેલ્લી તક છે.' ઓજસ્વીદેવીએ ઊંચા સ્વરમાં કહ્યું.

'મા હું તમારા દૂધની કદર કરું છું. તમારી સેવા પણ કરીશ. પણ તમારા કરતાં ફોઈબાનો મારા પર મોટો ઉપકાર છે. તમે જન્મ આપ્યો તો ફોઈબાએ મને નવું જીવન આપ્યું. મારા મનના માતૃમંદિરમાં મૂર્તિ સ્થાપીશ તો આ મારા ફોઈબાની જ.'

અને ઓજસ્વીદેવી પગ પછાડતાં નમ્રતાફોઈના ઘરની બહાર નીકળી ગયા હતા. એમનું મન કહી રહ્યું હતું, 'ઓજસ્વી, તારા અહંકારે જ તને હરાવી છે.'