- બાયોસ્કોપવાલા-મન્નુ શેખચલ્લી
- 'એમ તો મેં પણ દિલીપ સા'બને એવું નહોતું કીધું કે તમે હંમેશાં હેલિકોપ્ટરમાં ઊડો છો, ઇમ્પોર્ટેડ મોંઘા સૂટ પહેરો છો અને આલિશાન મહેલમાં રહો છો! છતાં તમને જો વાંધો જ હોય તો ફિલ્મ બંધ કરી દઈએ, બીજું શું?'
જ્યારે સુભાષ ઘાઈએ 'સૌદાગર' જેવી મેગા બજેટ મુવી માટે દિલીપ કુમાર અને રાજકુમાર જેવા બે દિગ્ગજોને એકસાથે લઈને ફિલ્મ એનાઉન્સ કરી ત્યારે મુંબઈની ઈન્ડસ્ટ્રીમાં સૌનું એક જ રિ-એકશન હતું : 'આ બૈલ મુઝે માર !'
લગભગ સૌનું માનવું હતું કે બોસ, આ ફિલ્મ કોઈપણ હિસાબે રિલીઝ નામની 'વૈતરણી' પાર કરી શકશે નહીં ! એનાં બે કારણ હતાં :
એક તો છેક ૧૯૫૯માં આવેલી 'પૈગામ' પછી આ બન્ને મહાનુભાવોએ કદી સાથે કામ કર્યું નહોતું. એ તો ઠીક, પણ 'વક્ત' પછી રાજકુમારનો ઘમંડ એટલો બધો વધી ગયો હતો કે એ ભાઈસાહેબ દિલીપ કુમાર જેવા સ્ટારને પોતાની સામે સાંખી શકે એ વાતમાં માલ નહોતો.
બીજી બાજુ સુભાષ ઘાઈની 'વિધાતા' અને 'કર્મા' આ બન્ને ફિલ્મોમાં દિલીપ કુમારનો જબરદસ્ત કમ-બેક થઈ ચૂક્યો હતો. જેમાં સંજય દત્ત, અનિલ કપૂર અને જેકી શ્રોફ જાણે દિલીપ કુમારના 'હાથ નીચે' કામ કરતા હોય એવી વારતાઓ હતી. એટલે સ્વાભાવિક હતું કે જ્યારે દિલીપ કુમાર અને રાજકુમાર 'સામસામે' હોય એવી સ્ટોરીમાં બન્નેના 'ઈગો' માટે જોખમ હતાં.
ખેર, ફિલ્મનું એનાઉન્સમેન્ટ તો થઈ ગયું, પરંતુ એ પહેલાં સુભાષ ઘાઈએ બન્નેને મનાવ્યા શી રીતે ? એની કહાણી બડી દિલચસ્પ છે. ખુદ સુભાષ ઘાઈ એ કિસ્સા યાદ કરતાં હસી પડે છે !
સુભાષ ઘાઈએ સૌથી પહેલાં ફિલ્મની વારતા દિલીપકુમારના બંગલે જઈને પુરી ડિટેલમાં સંભળાવી હતી. દિલીપ સા'બ એ સાંભળીને રાજી થયા. કહેવા લાગ્યા 'ચલો, યે કરતે હૈ...'
પછી સુભાષ ઘાઈ જઈ રહ્યા હતા ત્યારે દિલીપ કુમાર બંગલાની બહાર એમને મુકવા આવ્યા. બરોબર કાર પાસે પહોંચ્યા ત્યારે દિલીપ કુમારે પૂછ્યું 'વો સામનેવાલા રોલ કૌન કર રહા હૈ ?'
સુભાષ ઘાઈ કહે છે : 'મેં કારનો દરવાજો ખોલ્યો... હું અંદર બેઠો... દરવાજો બંધ કર્યો અને છેક છેલ્લે કીધું 'રાજકુમાર'... અને બીજી જ ક્ષણે કાર ભગાવી મુકી !'
સુભાષજી કહે છે 'એ પછી સળંગ છ-સાત દિવસ સુધી મેં દિલીપ કુમારનો કોઈ કોન્ટેક્ટ જ ના કર્યો !' જોકે ત્યાર બાદ દિલીપ કુમારની 'હા' આવી ગઈ હતી. પરંતુ એનાથી અઘરી કસોટી રાજકુમારને મનાવવાની હતી.
તે સમયે રાજકુમાર ઓલરેડી એક ઘમંડી, સનકી અને તુંડમિજાજી સ્ટાર તરીકે પંકાઈ ચૂક્યા હતા. સુભાષ ઘાઈએ એમના ઘરે જઈને સ્ટોરી સંભળાવી. (તમે તો જાણો જ છો, 'કાલીચરન'ની વારતા એમણે પ્રેમનાથને કેવી રીતે સંભળાવી હતી ? કે જાણે પ્રેમનાથ જ ફિલ્મના મોટા સ્ટાર છે !) બસ, એ જ રીતે રાજકુમારને કહાણી સંભળાવી.
રાજકુમારને વારતા ગમી ગઈ. એમણે હા પણ પાડી. પછી પૂછ્યું 'વો સામનેવાલા રોલ કૌન કરેગા ?' અહીં સુભાષ ઘાઈની ચાલાકી જુઓ... એમણે હુકમનું પત્તું સાવ દૂરી-તીરીનું પત્તું ફેંકતા હોય એ રીતે કહ્યું 'ઉસ મેં તો કોઈ ભી આર્ટીસ્ટ કો લે લેંગે... વરના દિલીપ કુમાર તો હૈ હી !'
દિલીપ કુમારનું નામ સાંભળતાં જ રાજકુમાર થોડીવાર માટે ચૂપ થઈ ગયા ! પછી શું બોલ્યા ખબર છે ? કહે છે 'જાની, પુરી ઈન્ડસ્ટ્રી મેં હમારે બાદ કોઈ અચ્છી એક્ટિંગ જાનતા હૈ તો વો યુસૂફ હૈ ! હમ જરૂર યે ફિલ્મ કરેંગે !'
લો બોલો, 'એક્ટિંગ' અને રાજકુમાર ? ખેર, બન્નેની 'યસ' મળ્યા પછી પણ કશું સમુસુતરું પાર ઉતરે એવું નહોતું. કેમકે બન્ને પોતપોતાની આસપાસ પોતે જ રચેલાં 'આભામંડળ' લઈને ફરતા હતા.
શૂટિંગમાં આવે એટલે બન્ને જણા પોતપોતાના આસિસ્ટન્ટોને પૂછે 'વો આ ગયા ?' પછી પૂછે 'ઉસ કો કપડે કૌન સે દિયે હૈં ?' પછી પૂછે 'ઉસ ને મેક્પ કર લિયા ?' ઉપરથી ટોણો મારે 'ડાયલોગ ફાઇનલ હુએ હૈં ? ઉસ સે પૂછ લો, પહલે...'
બન્નેનાં આ નખરાં સાથે સુભાષ ઘાઈ શૂટિંગ કરતા રહ્યા... પણ જ્યારે નખરાં પુરાં થવાનું નામ નહોતાં લેતાં ત્યારે એમને એક ગમ્મત સુઝી. એમણે બન્ને જણાનાં નામ 'ચુન્નુ-મુન્નુ' પાડી દીધાં !
હવે થાય કેવું ? શૂટિંગ યુનિટના આસિસ્ટન્ટો એકબીજાને પૂછતા હોય 'વો ચુન્નુ મુન્નુ આ ગયે ?' 'ચુન્નુ મુન્નુ કો ચાય નાશ્તા દે દિયા ?' 'ચલો, ચુન્નુ મુન્નુ કો મેકપ મેં બિઠાઓ...' 'અરે, ચુન્નુ મુન્નુ કો ડાયલોગ્સ દે દો...'
દિલીપકુમાર અને રાજકુમારને થાય કે 'યાર, આ ચુન્નુ મુન્નુ કોણ છે ?' કેમકે ફિલ્મમાં એમના સિવાય અનુપમ ખેર, જેકી શ્રોફ, અંબરીશપુરી, મનીષા કોઈરાલા, વિવેક મુશરાન ઉપરાંત 'મહાભારત'માં ભીષ્મ પિતામહ બનેલા મુકેશ ખન્ના, ગુલશન ગ્રોવર અને દિપ્તી નવલ પણ હતા... તો સાલાં આ 'ચુન્નુ મુન્નુ' કોણ છે ? અને એમને આટલો બધો ભાવ શા માટે અપાઈ રહ્યો છે ?
આવું સળંગ થોડા દિવસ ચાલ્યું એટલે બન્નેથી ના રહેવાયું. એમણે પોતપોતાના આસિસ્ટન્ટોને બોલાવીને પૂછ્યું 'યે ચુન્નુ મુન્નુ કૌન હૈં ?' તો આસિસ્ટન્ટો માથું નીચું કરીને કહે 'સર, વો નહીં બતા સકતે, સુભાષજીને મના કિયા હૈ...'
છેવટે જ્યારે નાના સ્પોટબોય કે લાઇટમેન તરફથી જાણવા મળ્યું કે આ 'ચુન્નુમુન્નુ' પોતે જ છે, ત્યારે બન્ને દિગ્ગજો બહું છોભીલા પડી ગયા ! એમ તો એમણે સુભાષ ઘાઈ આગળ ફરિયાદ પણ કરેલી, તો સુભાષજી કહે 'તમે લોકો સાવ નાનાં બાળકો જેવી જીદ કર્યા કરતા હો, તો હું બીજું તો શું કરી શકું ?'
જોકે એ પછી પણ બધું આસાનીથી પાર પડે તેમ નહોતું. એક દિવસ રાજકુમારને જાણવા મળ્યું કે દિલીપકુમારે આગલી રાત્રે હરિયાણવી લહેજામાં લાંબા લચક ડાયલોગ્સ બોલીને જોરદાર શોટ્સ આપ્યા છે... તો એ બગડયા ! એમણે સુભાષ ઘાઈને બોલાવીને કીધું 'યે તો તુમને મુઝે બતાયા હી નહીં થા ? વો અગર દેહાતી બોલી બોલેગા તો મેરા રોલ ફીકા લગેગા !'
સુભાષજીએ કહ્યું : 'એમ તો મેં પણ દિલીપ સા'બને એવું નહોતું કીધું કે તમે હંમેશાં હેલિકોપ્ટરમાં ઊડો છો, ઇમ્પોર્ટેડ મોંઘા સૂટ પહેરો છો અને આલિશાન મહેલમાં રહો છો ! છતાં તમને જો વાંધો જ હોય તો ફિલ્મ બંધ કરી દઈએ, બીજું શું ?'
રાજકુમાર રીસાઈને પોતાની હોટલ રૂમમાં જતા રહ્યા. છેવટે સુભાષજીએ રાત્રે ત્યાં જઈને લંબાણથી સમજાવ્યું કે તમારા બન્નેના સાવ અલગ અલગ રોલ છે... અને એની જ મજા છે... ત્યારે રાજકુમાર માંડ માંડ માન્યા હતા! બોલો.
= મનીષા કોઇરાલાના રોલ માટે દિવ્યા ભારતીનું ઓડિશન લેવાયું હતું પરંતુ તે વખતે સુભાષ ઘાઈને લાગ્યું હતું કે દિવ્યાની ઉંમર રોલના હિસાબે ઘણી ઓછી છે.
= વિવેક મુશરાનના રોલ માટે આમિર ખાનને પણ ઓફર થઈ હતી પરંતુ સ્ટોરી જાણ્યા પછી આમિર ખાને ના પાડી હતી.
= એમ તો સુભાષ ઘાઈ બોબી દેઉલને આ ફિલ્મ દ્વારા લોન્ચ કરવા માગતા હતા પણ ધર્મેન્દ્રને લાગ્યું કે બોબી મોટા દિગ્ગજોની વચ્ચે ખોવાઈ જશે, એટલે વાત બની નહીં.
= 'સૌદાગર' મોટી ફિલ્મ હતી એટલે તેનું શૂટિંગ લંબાતું ગયું. દરમ્યાનમાં વિવેક મુશરાન અને મનીષા કોઇરાલાની બીજી ફિલ્મ 'ફર્સ્ટ લવ લેટર' પુરેપુરી બની ગઈ હતી ! જોકે સુભાષ ઘાઈની વિનંતીને માન આપીને નિર્માતા પહેલાજ નિહલાનીએ તેની રિલીઝ અટકાવી દીધી હતી.
= સુભાષ ઘાઈને આખી કરિયર દરમ્યાન માત્ર એક જ વાર 'બેસ્ટ ડાયરેક્ટર'નો ફિલ્મફેર એવોર્ડ 'સૌદાગર' માટે મળ્યો છે ! બોલો.


