- તબીબી સર્જન હૃદય ચીરે છે ત્યારે દર્દી પીડા અનુભવે છે પણ હૃદય નવજીવન મળી રહ્યું હોઇ સ્મિત કરતું હોય છે
- હોરાઈઝન-ભવેન કચ્છી
- માણસનું મન એક વાર્તાકાર જેવું છે જેની વાર્તા કચરા ટોપલીમાં નાખી દેવા જેવી હોય છે: વધુ પડતું વિચારવાની વ્યાધી
આ પણે એક એવા વિચિત્ર યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં માણસ પાસે 'સ્માર્ટફોન' તો છે પણ 'સ્માર્ટ મન' નથી. સવાર પડે ને આપણે સોશિયલ મીડિયાના નોટિફિકેશન ચેક કરીએ છીએ, પણ ક્યારેય આપણા મનના નોટિફિકેશન ચેક કર્યા છે? રહસ્યવાદી ઓશો રજનીશે વર્ષો પહેલા જે ચેતવણી આપી હતી, તે આજે રિલ્સ અને શોર્ટ્સના જમાનામાં વધુ પ્રસ્તુત લાગે છે. ઓશો કહેતા કે માણસનું મન એ વાસ્તવમાં એક 'સ્ટોરી ટેલર' (વાર્તાકાર) છે, જે સતત એવી વાર્તાઓ વણે છે જેને હકીકત સાથે કોઈ લેવાદેવા હોતો નથી.
રેલવેનો મુસાફર
ઓશોએ એક અદભૂત કિસ્સો વર્ણવ્યો હતો, જે આપણા 'ઓવરથિંકિંગ' (અતિશય વિચારવા) ની પરાકાષ્ઠા દર્શાવે છે. ટ્રેનમાં મુસાફરી કરતા બે અજાણ્યા વ્યક્તિઓ વચ્ચેનો આ પ્રસંગ સમજવા જેવો છે. એક મુસાફરે બાજુમાં બેઠેલા ભદ્ર પુરુષને નમ્રતાથી સમય પૂછયો : 'ભાઈ, તમારી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે?' પણ પેલો માણસ તો પથ્થરની મૂર્તિની જેમ બેસી રહ્યો. પેલાએ ફરી પૂછયું, પણ સામેવાળો માણસ બારી બહાર જોતો રહ્યો, જાણે કંઈ સાંભળ્યું જ ન હોય.
છેવટે જ્યારે સ્ટેશન આવ્યું અને પેલો માણસ ઉતરવા લાગ્યો ત્યારે સમય પૂછનાર મુસાફરે ગુસ્સામાં પૂછયું, 'મેં તમને સમય પૂછયો તો તમે જવાબ કેમ ન આપ્યો?' પેલા માણસે જે જવાબ આપ્યો તે ચોંકાવી દેનારો હતો. તેણે કહ્યું કે , 'જો મેં તને સમય કહ્યો હોત, તો આપણે વાતચીત શરૂ કરી હોત. વાતચીતમાં આપણે મિત્રો બની ગયા હોત. પછી તું મારા ઘરે ચા પીવા આવ્યો હોત. મારી એક જુવાન દીકરી છે, કદાચ તને તેની સાથે પ્રેમ થઈ ગયો હોત અને તમે લગ્ન કરવાનું વિચાર્યું હોત. અને સાચું કહું તો, મારે એવો જમાઈ નથી જોઈતો જેની પાસે પોતાની ઘડિયાળ પણ ન હોય!'
આ વાર્તા આપણને હસાવે છે, પણ હકીકતમાં આપણું મન આવું જ છે. આપણે વાસ્તવિકતામાં નથી જીવતા, પણ મન દ્વારા વણાયેલી વાર્તાઓમાં જીવીએ છીએ. એક નાનકડી ઘટના પરથી આપણે આખું 'મહાભારત' સર્જી નાખીએ છીએ. આજના સામાજિક માળખામાં આપણું મન કેવી રીતે વાર્તાઓ બનાવે છે.
બ્લ્યુ ટિકની પીડા
વોટ્સએપના બ્લુ ટિક : કોઈને મેસેજ કર્યો અને તેણે જોયો હોવા છતાં રિપ્લાય ન આપ્યો, તો મન તરત 'ક્રાઈમ થ્રિલર' જેવી વાર્તા શરૂ કરશે. 'તેણે મને ઈગ્નોર કર્યો', 'ચોક્કસ તે હવે મને માન નથી આપતો', 'ગયા મહિને મેં તેને આ વાત કહી હતી એટલે તે નારાજ છે', તેનામાં હવે અભિમાન આવી ગયું છે વગેરે. સાચું કારણ એ હોઇ શકે કે સામેવાળી વ્યક્તિ ડ્રાઈવિંગ કરતી હોય, કે પછી ઘેર મહેમાનો જોડે હોય, મિટિંગમાં પણ હોઇ શકે. આપણું મન તેને પલકવારમાં જ તેને આપનો દુશ્મન બનાવી દે છે.
શેરીનું સ્મિત : સોસાયટીમાં કોઈ પાડોશી સામે મળ્યો અને તેણે હસીને વાત ન કરી, તો મન આખા દિવસનો નવો એજન્ડા સેટ કરી દેશે. પાડોશી કદાચ ઓફિસના ટેન્શનમાં હોય, તેના પરિવારની કોઈ ચિંતાજનક ઘટના બની હોય પણ મન તેને અહંકારની વાર્તા બનાવી દેશે.
લગ્ન પ્રસંગોની 'સ્ટોરી' : કોઈ સગાએ લગ્નમાં પૂરતું માન ન આપ્યું તો આપણે વર્ષો સુધી એ વાર્તા વાગોળીએ છીએ. ઓશો કહે છે કે આ જ કચરો' છે જે આપણે મનમાં ભરી રાખ્યો છે.
મન એક કચરાપેટી
આપણે આપણા ડ્રોઈંગ રૂમમાં કોઈને કચરો નાખવા નથી દેતા, પણ મનનું શું? ઓશો કહેતા કે આપણે 'મનને 'ડસ્ટબિન' બનાવી દીધું છે.'
રસ્તામાં મળતો દરેક ગપોડી, નકારાત્મક ન્યૂઝ ચેનલ કે ઝેરીલી સોશિયલ મીડિયા પોસ્ટ આપણા મનમાં કચરો નાખી જાય છે. આપણે તેને તિજોરીમાં સાચવીને રાખીએ છીએ. શું તમે ક્યારેય તમારી ઘરની કચરાપેટીને ડ્રોઈંગ રૂમમાં સજાવીને રાખો છો? ના. તો પછી આ માનસિક કચરાને હૃદયની નજીક કેમ રાખો છો?
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કૃષ્ણ અર્જુનને કહે છે 'હે અર્જુન , આ મન અત્યંત ચંચળ અને તે તને ગેરમાર્ગે વિચારતુ કરી દેવા માટે તત્પર છે.''
પશ્ચિમી મનોવૈજ્ઞાનિક સિગ્મંડ ફ્રોઈડ પણ કહેતા કે દબાયેલા નકારાત્મક વિચારો ભવિષ્યમાં શારીરિક વ્યાધિ તરીકે વિસ્ફોટ કરે છે.
સર્જનનું ચપ્પુ અને સ્મિત
ઓશોએ શરીર અને મનના સંબંધને સમજાવવા માટે શસ્ત્રક્રિયાનું એક ક્રાંતિકારી ઉદાહરણ આપ્યું છે. જ્યારે સર્જન દર્દીના શરીર પર કાપ મૂકે છે, ત્યારે ઉપરથી લોહી અને માંસ કપાયેલું દેખાય છે, જે દેખીતી રીતે દર્દીને ખુબ જ પીડા આપે છે . પરંતુ, ઓશો કહે છે કે એ સમયે શરીર અંદરથી 'સ્મિત' કરે છે. કેમ? કારણ કે શરીરની બુદ્ધિ (Body Wisdom) જાણે છે કે આ કાપ તેને રોગમુક્ત કરવા અને નવું જીવન આપવા માટે છે. શરીર પીડાથી રડે છે પણ જીવ નવજીવન મળવા બદલ સ્મિત કરતુ હોય છે.
આપણા જીવનમાં આવતા સામાજિક આઘાતો, આર્થિક નુકસાન કે અંગત વિયોગ એ કુદરતના 'સર્જિકલ કટ્સ' છે. સોનું જ્યારે અગ્નિમાં તપે છે ત્યારે જ તે કુંદન બને છે. જો આપણે માત્ર મનથી વિચારીશું તો પીડા દેખાશે, પણ જો આપણે અસ્તિત્વના સ્તરે અનુભવીશું તો સમજાશે કે આ તો હીલિંગ (રૂઝ આવવાની પ્રક્રિયા) છે.
જિદુ કૃષ્ણમૂર્તિ અને રૂમી
મહાન ચિંતક જિદુ કૃષ્ણમૂર્તિ કહેતા કે, "The observer is the observed" (જોનાર જ દ્રશ્ય છે). જો તમારું મન પૂર્વગ્રહોના કચરાથી ભરેલું હશે, તો તમે ક્યારેય સત્યને જોઈ શકશો નહીં. તમે જે જુઓ છો તે તમારી અંદરના કચરાનું પ્રતિબિંબ છે.
સૂફી સંત રૂમીએ આ જ પીડાને આશીર્વાદ ગણાવતા કહ્યું હતું, "The wound is the place where the Light enters you" (ઘા એ જ જગ્યા છે જ્યાંથી પ્રકાશ તમારામાં પ્રવેશે છે). જીવનમાં આવતી મુસીબતો એ અહંકારના કેન્સરને દૂર કરવા માટેની કુદરતી સારવાર છે. જો તમે એ પીડા વખતે રડવાને બદલે 'સ્મિત' કરી શકો, તો તમે સંસાર જીતી લીધો સમજો.
આધુનિક મનોવિજ્ઞાન
આજનું મોડર્ન સાયન્સ પણ સ્વીકારે છે કે આપણું મન સત્યને મરોડી-મચકોડીને રજૂ કરે છે. ઓફિસમાં બોસે માત્ર 'મળવા આવજો' એમ કહ્યું હોય એટલે મન તરત વાર્તા બનાવશે : 'ચોક્કસ નોકરી જવાની છે!' પત્નીએ ફોન ન ઉપાડયો એટલે મન વાર્તા બનાવશે : 'કંઈક અશુભ થયું હશે!' આ માનસિક કચરો જ આધુનિક માનવીમાં સ્ટ્રેસ અને એન્ઝાયટીનું મુખ્ય કારણ છે.
જર્મન ફિલસૂફ ફ્રેડરિક નિત્શેએ પણ કહ્યું હતું કે, 'જે આપણને મારી નથી શકતું, તે આપણને મજબૂત બનાવે છે.' આપણે મનને વાર્તાઓ બનાવતું અટકાવવું પડશે.
જીવન માટેના સૂત્રો
સાક્ષીભાવ : મન વાર્તા બનાવે ત્યારે તેને રોકો નહીં, બસ તેને એક તટસ્થ પ્રેક્ષકની જેમ જુઓ.
વર્તમાનની ક્ષણ : બૌદ્ધ ધર્મની 'માઇન્ડફુલનેસ' અપનાવો. જમતી વખતે માત્ર જમો, ચાલતી વખતે માત્ર ચાલવા પર ધ્યાન આપો.
માનસિક ઉપવાસ : દિવસમાં થોડો સમય 'વિચારના ઉપવાસ' કરો. કંઈ જ ન વિચારો, માત્ર મૌનનો આનંદ માણો.
જીવન એ કોઈ સમસ્યા નથી જેને ઉકેલવાની હોય, પણ એક રહસ્ય છે જેને જીવવાનું હોય છે. મનની કચરાપેટીને ખાલી કરો જેથી ત્યાં પરમાત્માનો પ્રકાશ પ્રવેશી શકે. જ્યારે મન મૌન થાય છે, ત્યારે જ જીવનનું સાચું સંગીત સંભળાય છે.
મનને ડસ્ટબિન બનાવીને દુર્ગંધ ફેલાવવી કે તેને મંદિર બનાવીને સુગંધ ફેલાવવી, તે પસંદગી તમારી છે. ઘડિયાળનો કાંટો તો ફરતો રહેશે, પણ તમે એ સમયમાં 'જીવો' છો કે માત્ર 'વિચારો' છો, એ જ સૌથી મોટો પ્રશ્ન છે. ઓશોના શબ્દોમાં કહીએ તો, 'જીવન એક કોરી કિતાબ છે, તેમાં મન પાસે વાર્તાઓ ન લખાવો, પણ આત્મા પાસે કવિતા લખાવો.
જ્ઞાન પોસ્ટ
આજનો ઉગેલો સૂર્ય તે આજનો ઈશ્વરે આપેલો રૂપિયો છે. તેને સૂર્યાસ્ત પહેલા શુભ અને આનંદ મળે તેવી રીતે ખર્ચી નાંખવાનો છે. જો રૂપિયો ખર્ચ કર્યા વગરનો રહેશે તો સૂર્યાસ્ત વખતે તેને પાછો ઈશ્વરને આપી દેવો તેવી સૂર્યની શરત છે. આપણને રોજ સૂર્યોદય વખતે આવો રૂપિયો મળે છે પણ આખો દિવસ આપણે રૂપિયાને અહીં ખર્ચું કે ત્યાં, તેવા વિચારો સાથે ખર્ચ કરતા જ નથી અને જોતજોતામાં સૂર્યાસ્તનો સમય આવી જાય છે અને ઈશ્વર કહે છે 'લાવો તમને સૂર્યોદય વખતે આપેલો રૂપિયો શર્ત મુજબ પરત આપી દો. આવતી કાલે સૂર્યોદયે ફરી નવો રૂપિયો આ જ શરત સાથે આપીશું. અહીં રૂપિયાને સમય સમજવો. આપણે ક્ષુલ્લક વિચારો અને પ્રવૃત્તિ સાથે સમયનો ઉપયોગ કરતા નથી અને સૂર્યાસ્ત વખતે સમય રૂપી રૂપિયાને યોગ્ય રીતે ઉપયોગ કર્યા વગર વેડફી નાંખીએ છીએ. આ જ રીતે રોજ સવાર સાંજ જીવન વિતાવી અમૂલ્ય જીવન વ્યર્થ બનાવીએ છીએ.
- ફાધર વાલેસનાં પુસ્તકમાંથી - શીર્ષક 'આજનો રૂપિયો'


