- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- 35 ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતો આ ટાપુ અમેરિકન આર્મીના સેન્ટ્રલ કમાન્ડ હેઠળ આવે છે અને લશ્કરી દ્રષ્ટિએ ખૂબ જ વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે
દિયેગો ગાર્શિયામાં એક મોટું બંદર છે. ગોદામો છે અને ૧૯૮૨માં અમેરિકાનાં બી-૫૨ પર બોમ્બરો ઊડી શકે એવી એર-સ્ટ્રિપ બંધાઈ હતી જે આજે ૩.૬ કિ.મી.ના રનવે ધરાવે છે
અ મેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ધીરે ધીરે સંપૂર્ણ જગતને રણમેદાનમાં ફેરવવાની જીદ લઇ બેઠાં છે. અત્યાર લગી તેમની સૈન્ય કાર્યવાહી કે રાજકીય સ્ટંટબાજી યુરોપ, દક્ષિણ અમેરિકા અને મધ્યપૂર્વના દેશો સુધી સીમીત હતી. પરંતુ હવે તેમના ઉધામા છેક ભારતની દક્ષિણે હિન્દી મહાસાગરમાં આવેલા દિયેગો ગાર્સિયાને પણ ઘમરોળી રહ્યાં છે.
૬૦ના દાયકામાં ભારતના દક્ષિણી છેડાથી ૧૭૦૦ કિ.મી. દૂર આવેલા ચાગોસ આર્ચીયેલાગો (જે દિયેગો ગાર્સિયાના દ્વીપ સમુહના નામે વધુ ઓળખાય છે) ટાપુ પર ન કોઈ ટુરિસ્ટ દેખાતા હતા કે ન તો ત્યાં યુરોપ-અમેરિકાના સુધરેલા સમાજના કોઈ લક્ષણ જોવા મળતાં હતા. માલ દીવ અને લક્ષદ્વીપ જેવા જ જ્વાળામુખીના ઠરી ગયેલા લાવાથી બનેલા આ વિસ્તારમાં નાના-મોટા ૬૫ ટાપુઓ છે.
જો કે મુખ્ય ટાપુ પર જ માનવ વસાહત જોવા મળતી. જેઓ મુખ્યત્વે આફ્રિકન દેશો અને દક્ષિણ ભારતથી અહીં આવીને વસેલા. નાની-મોટી ખેતી અને નાળિયેરીની ઉપજ પર તેઓ જીવનનિર્વાહ કરતા. એ સમયે (૧૯૬૬માં) આ ટાપુ પરની જનસંખ્યા ૯૨૪ હતી. એક દિવસ બ્રિટિશ જહાજો અચાનક અહીં ધસી આવ્યા. ખેડૂતો અને કુટુંબકબીલા આ ગોરિયાઓના ધાડેધાડા જોઈ ગભરાઈ ગયા. બ્રિટિશ સૈનિકોએ દિયેગોની વસાહતમાંથી કુતરાં-બિલાડાં, મરઘાં-બતકાં બધાને મારી નાંખ્યા અને માણસોને પકડી-પકડીને તેમનાં જહાજ પર ચઢાવી મોરેશિયસ અને સેશલ્સના ટાપુ પર ઠાલવી દીધા. આવું જંગલિયાતપણુ દાખવીને નિર્લજ્જ બ્રિટિશ સરકારે આ ટાપુને બ્રિટિશ ઇન્ડિયન ઓશન ટેરીટોરી તરીકે ઓળખાવી પોતાનું આધિપત્ય જમાવ્યું. વખત જતાં સંજોગો બદલાયા અને બ્રિટને અમેરિકન પર્શિંગ મિસાઇલ્સનો મોટો જથ્થો મેળવવા અમેરિકાને આ ટાપુ ૯૯ વર્ષના લીઝ પર સોંપી દીધો.
તાજેતરમાં હજારો માઈલ દૂર આ ટાપુ પર સુપરપાવર અમેરિકાની લશ્કરી ચહલપહલ વધી ગઈ છે. આ ટાપુ છે હિન્દી મહાસાગરમાં ભારતની દક્ષિણે આવેલો દિયેગો ગાર્સિયા, જગતની જન સંખ્યાના ત્રીજા ભાગની વસતિ જ્યાં રહે છે એવાં ૬૬ રાષ્ટ્રોના કિનારાને પખાળતો હિંદી મહાસાગર આજે જગતનો સૌથી વ્યૂહાત્મક વિસ્તાર બની રહ્યો છે. રેતીના કાંઠા વડે સમુદ્રથી જુદા પડેલા ખારા પાણીના સરોવરમાં પોલારીસ અને પોસાઈડોન મિસાઈલોવાળા અમેરિકાની સબમરીનો પોરો ખાઈ રહી છે. દિયેગો ગાર્સિયા જગતની સૌથી અદ્યતન સંદેશવ્યવહાર પધ્ધતિ ધરાવે છે. તોતિંગ બી-૫૨ અને બી-ટુ બોમ્બર વિમાનો માટેની નવી ઉતરાણપટ્ટીઓ નવેસરથી તૈયાર થઈ રહી છે અને જળમાં તથા સ્થળ ઉપર ચાલી શકે એવી ટેન્કોની વણઝાર કતારબંધ ઊભેલાં જહાજોમાંથી સતત ઠલવાતી રહે છે. પેન્ટાગોન (અમેરિકાનું સંરક્ષણખાતું) ડિયેગો ગાર્સિયાને પોતાનાં આંખકાન કહે છે.
૧૯૬૮ માં બ્રિટને સુએઝની પૂર્વમાંથી હાજરી હઠાવી લીધી તે પછી સરજાયેલા શૂન્યાવકાશને પૂરવાનું અમેરિકાએ માથે લીધું. તોતિંગ તેલવાહક જહાજો હિંદી મહાસાગરમાં ફરતાં હોવાથી તેમને રક્ષણ આપવાનું પશ્ચિમી સત્તાઓને આવશ્યક લાગે છે. અમેરિકાનો તમામ કાચો માલ આ રુટથી આવતો હોવાથી એને તે પોતાની ધોરી નસ ગણે છે. ગલ્ફનો અખાત રશિયા કબજો લઈ લેશે એવી અગાઉ વોશિંગ્ટનને દહેશત હતી. ખારા સરોવર ફરતો અંગ્રેજી વીના આકારનો પરવાળાનો ટાપુ દિયેગો ગાર્સિયા વાવાઝોડાંથી મુક્ત છે અને તે હિંદી મહાસાગરના કેન્દ્રમાં આવેલો હોવાથી અમેરિકાએ વિયેટનામ પછીની સૌથી પ્રચંડ લશ્કરી તાકાત અહીં ઠાલવી છે.
રશિયાએ આ વિસ્તારમાં એડન ખાતે મથક સ્થાપેલું છે. ત્રણ દાયકા પૂર્વે પ્રમુખ રેગને હિંદી મહાસાગરમાં ૪૦ લડાયક જહાજો ખડાં કર્યાં હતા ત્યારથી તેમની તાકાત વધી રહી છે. આ વિસ્તારમાં અમેરિકાએ નૌકાદળની સર્વોપરિતા પ્રાપ્ત કરી લીધી છે. ફ્રેન્ચોએ ઉત્તર માડાગાસ્કરના જે વ્યૂહાત્મક ટાપુ ડિયેગો સ્કવારેઝને આઝાદી આપીને ખાલી કર્યો તે પ્રાપ્ત કરવા રશિયા મથી રહ્યું છે. હિંદી મહાસાગરને શાંતિ વિસ્તાર બનાવવાની ભારતની અપીલ ન તો અમેરિકાએ સ્વીકારી કે ન રશિયાએ. ભારતને બંગલા દેશના મુક્તિસંગ્રામ વખતે મલક્કાની સામુદ્ર ધુની પાર કરીને બંગાળના ઉપસાગરમાં આવેલા સાતમા કાફલાનો બ્લેકમેઈલ યાદ છે. ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા સુધી ફેલાયેલો હિંદી મહાસાગર મહાસત્તાઓના પકડદાવનું કેન્દ્ર બન્યો છે એક વખત ડેનિયલ પેટ્રિક મોયનીહાને ભારતની ઠેકડી ઉડાવી હતી. સરેરાશ એક-ચતુર્થાંશ માઈલ પહોળો અને ૩૬ માઈલ લાંબો ડિયેગો ગાર્સિયા ટાપુ મોરિશિયસે બ્રિટનને ૩૦ લાખ પાઉન્ડના નાખી દેવાના ભાવે વેચ્યો અને બ્રિટને દોઢ લાખ પાઉન્ડમાં વોશિંગ્ટનને તે ૫૦ વર્ષને પટ્ટે આપ્યો તે પછી ભારતના પરિસરમાં આફત સરજાઈ છે.
છેલ્લાં ચાર દાયકામાં છેક વિયેતનામ સંગ્રામથી લઈને ઈરાક, અફઘાનિસ્તાન અને તાજેતરમાં યમનના હુથી બળવાખોરો સામે મિલિટરી એક્શન લેવા અમેરિકાએ દિયેગો ગાર્સિયાના મથકનો ઊપયોગ કર્યો હતો.
હાલ ઇરાનને લઈને સમગ્ર ભારતીય ઉપખંડમાં સ્ફોટક સ્થિતિ સર્જાઈ છે ત્યારે દિએગો ગાર્સિયા ફરી ચર્ચાના કેન્દ્રમાં છે.
ખાસ કરીને વર્તમાન યુધ્ધની સ્થિતિમાં આ છણાવટ મહત્ત્વની છે. પહેલેથી જ આ ટાપુ પર અમેરિકાનું 'રેપિડ ડિપ્લોયમેન્ટ ફોર્સ' રહેશે એવી ગણતરી હતી. અત્યંત તેજ ગતિની સેના મોકલવા માટેનું આ કેન્દ્રબિંદુ હતું. જો દિયેગો ગાર્સિયાથી અમેરિકન વિમાનો તેહરાન સુધી ઊડી શકે, જે કાબુલની સમાંતર છે. (અને એક બિંદુ પર તો રશિયન સીમાની સમાંતર છે) તો એ વિમાનોને દક્ષિણ પૂર્વમાં કોઇપણ સ્થળને હિટ કરવું બહુ અઘરું કામ નથી. અમેરિકાને ત્રિકોમાલી બારું મળે કે ન મળે, બહુ ફર્ક પડતો નથી. (ભૂતકાળમાં એવી વાતો થતી હતી કે અમેરિકા કદાચ શ્રીલંકાનું ત્રિંકોમાલી બંદર પોતાના લશ્કરી થાણા માટે ઉપયોગમાં લેશે)
દિયેગો ગાર્શિયામાં એક મોટું બંદર છે. ગોદામો છે અને ૧૯૮૨માં અમેરિકાનાં બી-૫૨ પર બોમ્બરો ઊડી શકે એવી એર-સ્ટ્રિપ બંધાઈ હતી જે આજે ૩.૬ કિ.મી.ના રનવે ધરાવે છે. બરાબર એની સીધી લીટીમાં કેનિયાનું મોમ્બાસા છે જ્યાં કેનિયાની સરકારે અમેરિકાને નૌકાકેન્દ્ર ખોલવા દીધું છે. હાલમાં તો આ ટાપુ અમેરિકાના જંગી લશ્કરી થાણામાં ફેરવાઈ ગયો છે. અમેરિકાના વિરાટ ટ્રાન્સપોર્ટ પ્લેન અહીં રોજરોજ લશ્કરી સરંજામ દારૂગોળા, રાશન વગેરે ઠાલવી જાય છે.
આ ટાપુ પાસેના અખાતને વધુ ઊંડો કરવામાં આવ્યો કે જેથી બે-ત્રણ જહાજોને બદલે એક ડઝન જહાજો એકસાથે લાંગરી શકે. એક ડેપો ખોલવામાં આવ્યો કે જેથી એરક્રાફ્ટ કેરીઅર, ટાસ્ક-ફોર્સનાં હવાઈ જહાજોને ૨૮ દિવસ સુધી દિયેગો ગાર્સિયામાંથી જ બળતણ અને ફ્યુએલ મળી શકે.
આ ટાપુ ૧૫ માઈલ લાંબો છે. પણ થોડા સો મીટર જ પહોળો છે. રિબનની આ બે બાજુ વચ્ચે પુરાયેલો સમુદ્ર તોફાની મોજાં સામે રક્ષાયેલ છે. અહીંના વિમાનમથક વધુ અદ્યતન બનાવવામાં આવ્યાં છે. જેથી સી-૧૪૧ જેવા પ્રચંડ માલવાહક વિમાનો અને બી-૫૨ જેવાં રાક્ષસી બોમ્બર વિમાનો ચડી-ઉતરી શકે. આ ટાપુનો ઘણો વિસ્તાર પરવાળાના જીવોએ બનાવેલ છે. તેથી તેને ખોદી તેમાં સીમેન્ટ ભરીને મજબૂત બનાવવામાં આવ્યો છે. રક્ષાયેલ સમુદ્રમાં પરવાળાના ખડકોને ફૂંકી દઈને ત્યાં સમુદ્રને ૪૫ ફૂટ ઊંડો બનાવવામાં આવ્યો છે જેથી તોતિંગ વિમાનવાહક જહાજો પણ તેમાં લંગર નાંખી શકે.
જાન્યુઆરી ૧૯૮૩ થી હિન્દી મહાસાગર માટે અમેરિકાએ એક યુ.એસ.સેન્ટ્રલ કમાન્ડ અથવા ''સેન્ટકોમ'' બનાવ્યો છે. આ સેન્ટકોમ ૧૯ દેશો પર ધ્યાન રાખે છે. અને કુલ ૪૪ વિસ્તારો એના ફૌજી અખ્તિયારમાં છે.
અમેરિકન આર્મીના કુલ સાત કમાન્ડ છે. જેમાં મુખ્ય અમેરિકન કમાન્ડને છોડી બાકીના છ કમાન્ડમાં સેન્ટ્રલ કમાન્ડ, એટલાંટિક કમાન્ડ, યુરોપિયન કમાન્ડ, પેસિફિક કમાન્ડ, રેડિનેસ કમાન્ડ અને સર્ધન કમાન્ડનો સમાવેશ થાય છે. દિયેગો ગાર્સિયાને આવરી લેતાં સેન્ટ્રલ કમાન્ડમાં જોર્ડન, કેન્યા, સોમાલિયા, જીબૂટી, સુદાન, ઈથિયોપિયા, બહેરિન, કુવૈત, ઈરાક-ઈરાન તથા ભારત-પાકિસ્તાનનો સમાવેશ થાય છે. આ તમામ દેશો દિયેગો ગાર્સિયાથી ૨૦૦૦ થી ૪૦૦૦ માઈલના ઘેરાવામાં છે.
પરવાળાના જીવો આ ટાપુ સમુદ્રમાંથી ઊંચો લાવ્યા છે તેથી તે સમુદ્રની સપાટીથી માત્ર ચાર ફૂટ ઊંચો છે! અમેરિકન સબમરિનો અને અવકાશી સંદેશવહેવાર ઉપગ્રહને સંદેશવહેવારથી જોડાતો આ ટાપુ હિંદી મહાસાગર ઉપર જાપ્તો રાખવા અને તેના કાંઠાના દેશો પર પણ જાસૂસી કરવા માટે છે. અહીં ૪૦૦૦થી વધુ અમેરિકનો રહે છે. અહીંના મૂળ વતનીઓ હતા તેમને તો કાઢી મૂકવામાં આવ્યા છે. હિંદી મહાસાગરમાંથી કોના વેપારી કે યુધ્ધ જહાજો પસાર થાય છે તેની ઉપર અમેરિકનો અહીંથી ધ્યાન રાખે છે. દુનિયામાં જેટલું ખનિજ તેલ ચોવીસે કલાક જહાજોમાં પસાર થતું હોય તેમાંથી અડધું આ મહાસાગરમાંથી પસાર થાય છે. આ ટાપુ પર લગભગ સાડા છ લાખ પીપ ખનિજ તેલના ભંડારની સગવડ કરવામાં આવી છે જે વિમાનવાહક જહાજોના એક કાફલાને ૩૦ દિવસ ચાલે.
આ વખતે ઇરાન યુદ્ધ શરૂ થાય તે પહેલાં જ પેન્ટાગોને આઠ માઈન સ્વીપીંગ (સમુદ્રના પાણીમાં ગોઠવેલી સુરંગોનો નાશ કરે તેવાં) હેલિકૉપ્ટરો દિયેગો ગાર્શિયા ખાતે મોકલ્યા હતા. પૂર્વિય કિનારાના અમેરિકાના સૌથી મોટા નૌકામથક નોરફૉલ્ક ખાતેથી ૩૦૦ જેટલા નેવલ ડાયવર્સને પણ વિમાનમાર્ગે દિયેગો ગાર્શિયા ખાતે ખસેડવામાં આવ્યા છે. હિન્દી મહાસાગરને આપણે શાંત વિસ્તાર જાહેર કરવાની જીદ પકડીને બેઠાં છે. જ્યારે અમેરિકા દરેક યુદ્ધ વખતે આ ટાપુ પર પોતાની હાજરી વધારતું જ જાય છે. વાસ્તવમાં દિયેગો ગાર્સિયા હિન્દી મહાસાગરમાનું અમેરિકાનું સૌથી મોટું શસ્ત્રાગાર છે.
અમેરિકા વર્ષોથી હિન્દી મહાસાગરમાં આણ્વિક વ્યૂહાત્મક રસ દાખવે છે. કારણકે અરબી સમુદ્રની અસરકારક મર્યાદા હેઠળ અમેરિકન સબમરીનો માટે અનેક ચીની અને રશિયન લક્ષ્યાંકો પર ત્રાટકવાનું સહેલું છે. અમેરિકાએ એવી તૈયારી કરી છે કે ભવિષ્યમાં ચીન કે રશિયા સાથે વાંકુ પડે, યુદ્ધ ફાટી નીકળે તો દિયેગો ગાર્સિયા પરથી ત્યાં હુમલો લઈ જવાનું સરળ પડે. આ હેતુસર જ અમેરિકાએ દિયેગો ગાર્સિયામાં બી-૫૨ બોમ્બર વિમાનોનો મોટો કાફલો રાખ્યો છે. તથા એફ-૧૧૧ લાંબા અંતરના બૉમ્બર પ્લેન માટેનું મુખ્ય મથક અહીં બનાવ્યું છે. અમેરિકા ઈચ્છે ત્યારે આ બન્ને પ્રકારના બૉમ્બરોમાં અણુશાસ્ત્રો બેસાડી શકે એમ છે. અમેરિકાની અણુ ઊર્જાવાળી તથા અણુશસ્ત્રોથી સજ્જ સબમરીનો દિયેગો ગાર્સિયાનાં બંદરે લાંગરે છે.
બળતણના મોટા ફાર્મ, વ્યૂહાત્મક સંદેશવ્યવહાર ઉપકરણ, કેસી-૧૩૫ મિડઍર રૂયુઅલિંગ ટેન્કર્સ, જાસૂસી વિમાનો, ઈ-૩એ એર બોર્ન વોર્નિંગ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ્સ (એવાક્સ) તથા મોટી સંખ્યામાં બખ્તરીયા વાહનો અને ફિલ્ડગન ધરાવતા આ ટાપુને અમેરિકાએ મિલિટરીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો બનાવી દીધો છે.
અમેરિકનો કહે છે કે આ ટાપુ પર અણુશસ્ત્રો રાખવાની જોગવાઈ નથી. પરંતુ અણુશસ્ત્રો ટાપુ પર રહે કે ટાપુની મુલાકાત લેતી અણુ-સબમરિનોમાં રહે તેમાં બહુ ફેર નથી પડતો. અહીંથી અમેરિકન વિમાનો પૂર્વ આફ્રિકા અને દક્ષિણ એશિયા પર જાપ્તો રાખવા નિયમિત રીતે ઊડે છે.
અમેરિકનો અને પશ્ચિમ યુરોપી દેશો એવો પ્રચાર કર્યા કરે છે કે હિંદી મહાસાગરમાં રશિયાની હાજરી વધી રહી છે અને અહીં તેના યુદ્ધ મથકો છે. તેઓ નકશા દોરીને આપણા વિશાખાપટ્ટનમનાં બંદરને પણ રશિયા માટે સગવડ ધરાવતાં બંદર તરીકે ઓળખાવે છે, તેની ઉપરથી જાણી શકાય કે તેમના પ્રચારમાં કેટલું તથ્ય હશે. મુંબઈ બંદરે અમેરિકન, બ્રિટિશ, ફ્રેન્ચ વગેરે મનવારો આવે છે. અને આપણે તેમનું સ્વાગત કરીએ છીએ. તેઓ પુરવઠો પણ ખરીદી જાય છે. એવી રીતે આપણી મનવારો પણ વિદેશોના બંદરોની મુલાકાતો લે છે. તેનો અર્થ એ નથી કે એ બંદરો મુલાકાત લેનાર મનવારોનાં મથક થઈ ગયાં. વાસ્તવમાં હિંદીમહાસાગરમાં રશિયાને યુદ્ધમથક ન હોવાથી તેણે આંતરરાષ્ટ્રીય સમુદ્રના છીછરાં ભાગમાં બોયાં નાંખ્યા છે. જેથી તેમાં લંગર નાંખીને જહાજો વિસામો લઈ શકે.
અમેરિકા દિયેગો ગાર્સિયાનો ઉપયોગ સોદાબાજી માટે પણ કરવા માગે છે. ખરી રીતે હિંદી મહાસાગરને શાંતિનો વિસ્તાર બનાવવો હોય તો હિંદી મહાસાગરના કાંઠાના દેશોના કાફલા પણ તેમાં આવરી લેવા જોઈએ. આ એક તોફાની સૂચન છે. અલબત્ત, હાલ જ્યારે અમેરિકન આખલાનાં શિંગડા યુદ્ધભૂમિમાં સપડાયેલા છે ત્યારે તે આ ટાપુનો મહત્તમ ઉપયોગ કરશે જ એમાં કોઈ શંકા નથી. ભવિષ્યમાં પણ અમેરિકા દિયેગો ગાર્શિયામાં જમાવેલો અડીંગો છોડે તેમ નથી.
ઊલ્ટાનું કેટલાંક ટ્રમ્પ વિરોધી અમેરિકન કોંગ્રેસીઓ તો એવું પણ કહે છે કે યુ.એસ. પ્રમુખ દિયેગો ગાર્સિયામાં રિયલ એસ્ટેટ ડેવલપ કરી કરોડો ડોલરની કમાણી કરવાની મૂરાદ રાખતા હોય તો કહેવાય નહીં!
- ભાલચંદ્ર જાની


