- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- ધરતીમાંથી ફણગે ફૂટી અનાજ-ફણગો બહાર આવે છે ત્યારે ઈંડામાંથી પંખી બહાર આવે, તે પણ ગાંઠ છૂટવા જેવી ઘટના હોય છે. ફૂલો એ ધરતીની સુવાસની ગાંઠ છે
'ગાં ઠ' શબ્દની હૃદયગાંઠમાં કેટકેટલી સમૃદ્ધિ છે તે જોઈએ. 'ગાંઠ' શબ્દ સંસ્કૃતના 'ગ્રંથિ' શબ્દમાંથી ગુજરાતીમાં આવ્યાનું સાર્થ જોડણી કોશ નોંધે છે, પરંતુ ગુજરાતમાં એ શબ્દ સાથેનો જે અર્થ વૈભવ છે તે વિશિષ્ટ પ્રકારનો છે. આપણે તેનો આજે વિચાર કરીએ. ગાંઠ પાડવા અને ઉકેલવા વચ્ચે માણસની ભૂમિકા હોય છે.
(૧) ભારત અને પાકિસ્તાન વચ્ચે ગાંઠ પડી ગઈ છે. (વેર, અટંસ)
(૨) હવે ગમે તેનો વિશ્વાસ નહિ કરવાની મેં ગાંઠ વાળી છે (નિર્ણય)
(૩) પતંગ ચગાવવા માટે કન્ના બાંધી દોરાને ગાંઠ મારવાની (દોરાની ગાંઠ) હોય છે.
(૪) વૈદ્ય દવાથી ચરબીની ગાંઠ વેરી નાખે છે (દૂર કરે છે)
(૫) અમેરિકા અન્ય કોઈ દેશને ગાંઠતું નથી. (માનવું, તાબામાં રહેવું)
ઉપર પ્રમાણે બધા રૂઢિપ્રયોગો ગુજરાતીમાં વપરાય છે. પ્રત્યેકનો અર્થ નોખો છે. શરીર ઉપર ગાંઠ થાય ત્યારે એક પ્રકારનો વ્યાધિ થાય છે પણ પોટલાને ગાંઠ વાળીએ, ભારાને ગાંઠ મારી ઉપાડીએ, દોરાને ગાંઠ મારી સાંધીએ, દોરડાને ગાંઠ મારી બાંધીએ, ત્યારે પણ ગાંઠ શબ્દ જ વાપરીએ છીએ. ગાંઠોવાળું ઘાસ 'ગાંઠિયું' કહેવાય છે. વનસ્પતિને જ્યાંથી નવો ફણગો ફૂટે ત્યાં પણ ગાંઠ હોય છે. - 'ગાંઠ' વાળવી અને છોડવી બંનેમાં કૌશલ ક્રિયા હોય છે.
આંખ મારવાથી સંબંધ બને કે ના બને પણ 'ગાંઠ મારવાથી' જીવન બને છે. કવિ 'દાદ' કન્યા વિદાય વખતે કહે - 'કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો' ત્યારે ગાંઠ શબ્દનો અર્થ હૈયુ થાય છે. કોની શિખામણ ખપ લાગે ત્યારે તે 'ગાંઠ' બાંધવા જેવી જ હોય છે. 'આખું ગામ એક ગાંઠ છે.' એવું કહીએ છીએ ત્યારે સંપીલું છે - એકતાવાળું છે એવો અર્થ થતો હોય છે. ઘૂંટીના હાડકાને પણ ગાંઠ કહે છે. પૂળા બંધાય ત્યારે પણ ગાંઠ વળાય છે. પત્તરવેલની ગાંઠ જ હોય છે - એ ગાંઠ રોપો એટલે ફણગો ફૂટે. પણ ગાંઠો જ હોય છે. હળદરના ગાંઠિયા કહેવાય છે. 'ગાંઠિયા' કહીએ છીએ ત્યારે ગાંઠ જેવા આકારવાળા એવો જ અર્થ થતો હશે કે શું ? 'ગરજ ગાંઠે વિદ્યા પાઠે' જેવી કહેવતમાં પણ ગરજ ગજવામાં હોય, પાસે હોય તો વિદ્યા જલ્દી પ્રાપ્ત થાય. લેનારને ગરજ હોવી જોઈએ. 'ગાંઠ' પડી જાય ત્યારે માત્ર અબોલા થતા નથી ક્યારેક ગેરસમજ પણ થાય છે. સ્નેહની ગાંઠે તે જીવ મોટો થાય છે. સંબંધોની ગાંઠે બંધાય છે, લગ્નની ગાંઠે સંધાય છે. અંતરની ગાંઠે ઉકેલ મેળવે છે. - આમ ગાંઠ શબ્દમાં અર્થનું અપાર વૈવિધ્ય રહેલું છે. 'ગાંઠોના પણ પ્રકારો હોય છે - સાદી ગાંઠ, સરકા ગાંઠ, ધોકા ગાંઠ, લિંગડ ગાંઠ વગેરે.'
'પીળા રૂમાલની ગાંઠ', 'રેશમી રૂમાલની ગાંઠ' એ પ્રેમની ગાંઠો છે અને ગોઠિયા સાથે ગાંઠ પડી જાય એ પણ મતભેદની જ ગાંઠ છે. બે શેરીનાં શ્વાન વચ્ચે જે ગાંઠ હોય છે તે વેર અને અટંસની ગાંઠ હોય છે - સરહદની ગાંઠ હોય છે - સૈનિક. લગ્નનાં તોરણો, વરમાળા, ફૂલમાળા કે પર્વતારોહણ માટે દોરડાં ગાંઠ વગર શક્ય જ નથી.
તૃષ્ણારૂપી દોરીમાં અહંતા અને મમતાની પણ અસંખ્ય ગાંઠો હોય છે. ગાંઠ થાય, ગાંઠ પડે. ગાંઠ વળે એમ ગાંઠ વેરાઈ જતી પણ હોય છે (ફેલાવું) સુદામાની પત્નીએ પોટલીમાં તાંદુલ બાંધ્યા ત્યારે તો તાંદુલ સાચવવા માટેની ગાંઠ હતી. પણ એ ગાંઠ કૃષ્ણ દ્વારા ખુલતાંની સાથે એનું - મૂલ્ય વધી ગયું છે !! કેટલીક શરીરની ગાંઠો આપમેળે ઓગળી પણ જતી હોય છે પણ મનની ગાંઠો અકબંધ રહી જાય છે. લોહી ગંઠાઈ જાય ત્યારે પણ ગાંઠ પડી જતી હોય છે. વહેતું પાણી ગંઠાય ત્યારે એમાં ભમ્મરિયો થતી હોય છે. વહેતો વાયુ ગંઠાય ત્યારે આંધી ઊમટતી હોય છે. ટેકરીઓ એ ધરતીની ગાંઠો છે. એમ કહીએ કે ધરતીમાંથી ફણગે ફૂટી અનાજ-ફણગો બહાર આવે છે ત્યારે ઈંડામાંથી પંખી બહાર આવે, તે પણ ગાંઠ છૂટવા જેવી ઘટના હોય છે. ફૂલો એ ધરતીની સુવાસની ગાંઠ છે. સૂર્ય એ તડકાની ગાંઠ છે અને ચંદ્ર એ શીતળતાની ગાંઠ છે. પર્વત એ ધરતી ગાંઠ છે એવું કવિઓ કલ્પનામાં કહે છે, માનતા હોય છે. ફિલોસોફરો માણસ ગાંઠ (ગ્રંથિ)ને આધારે જીવવાનું કહે છે.
તલનો છોડ જોયો છે ? એ ગાંઠોનો ગરબો છે - તેમાં તલ પાકે છે. ગાંઠ મારીને યાદ રાખનારી ગૃહિણીઓ હજુ ગામડામાં જીવે છે. 'ગાંઠનું ગોપીચંદન' એટલે ઘરનું ગુમાવવાનું અને 'ગાંઠનું ખાવું ને ગાંડા સાથે જાવું' જેવી કહેવતમાં નરી મૂર્ખામીભર્યા કામ કરવા માટે વપરાતી કહેવત છે - 'તને ગાંઠો નીકળે' જેવી ગાળ પણ પ્લેગની ગાંઠનું સૂચન છે. આપણું સમગ્ર જીવન પણ ગાંઠોનો સરવાળો છે એમાં શરીરની, કર્મની, સમયની, મનની અને સંબંધની અપાર ગાંઠોનો સમાવેશ થાય છે - આપણે તો આપણી ક્ષમતા અનુસાર તેને સદ્ભાવ તથા સદ્કર્મથી માત્ર ઉકેલવાની છે.


