સમાંતર .
- પ્રકરણ - 9
- લઘુનવલ સમાંતર
- શિશિર રામાવત
- આઘાત પામી ગયો અનિકેત! એને એ સમજાતું નહોતું કે કોઈ સ્ત્રી આટલી હદે સંવેદનહીન શી રીતે હોઈ શકે?
'આ બાલ્કની દેખાય છે... આ બાલ્કની? ત્યાંથી મેં રિયાને નીચે ફેંકી દીધી હતી... એ જ ઘડીએ એની ખોપડી ફાટી ગઈ હતી... અને આ બેટ છેને?... આ બેટથી જ મેં ઝારા અને આર્જવના માથાં ફોડી નાખ્યાં હતાં...! બોલ, વધારે કંઈ સાંભળવું છે તારે?'
બે દિવસ પછી કેમ્પસમાં પ્રિન્ટ, ટીવી અને ડિજિટલ મીડિયાના પ્રતિનિધિઓનાં વાહનોની જમઘટ થવા લાગી હતી. સુપ્રિન્ટેન્ડન્ટે 'પ્રોજેક્ટ કાનજી'ની સફળતાની વિધિવત્ ઘોષણા કરવા માટે પ્રેસ કોન્ફરન્સ ગોઠવી હતી. મીડિયા ઉમટી પડશે તેવી અપેક્ષા હતી જ, કારણ કે, અનિકેત મહેતા અને રિયા પંડિત દેશના સેલિબ્રિટી સર્કલમાં પાવર કપલ તરીકે જાણીતાં હતાં. અનિકેત-રિયા ટ્ર્રિપલ મર્ડર કેસ મીડિયામાં જબરદસ્ત ગાજ્યો હતો.
એડમિનિસ્ટ્રેટિવ વિંગના બીજા માળે આવેલો કોન્ફરન્સ હાલ ખીચોખીચ ભરાઈ ચૂક્યો હતો. સામે લાંબા ટેબલ પર ટેલીવિઝન ચેનલોના લોગોવાળાં માઇકનો ખડકલો થઈ ગયો હતો. સુપ્રિન્ટેન્ડન્ટ અને એમના સાથીઓ કોન્ફરન્સ રૂમમાં પ્રવેશ્યા ને તે સાથે જ ગણગણાટ અટકી ગયો. સુપ્રિન્ટેન્ડન્ટ ખુરસી પર બેઠા, માઇક ચેક કર્યું અને બોલવાનું શરૂ કર્યું, 'ગુડ ઇવનિંગ, દોસ્તો. આપ સૌ મીડિયા રિપ્રેઝન્ટેટિવ્ઝનું હું સ્વાગત કરું છું. હું અર્જુન ત્રિપાઠી, આ ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેન્ટલ હેલ્થનો સુપ્રિન્ટેન્ડન્ટ. મારી જમણી બાજુ બેઠા છે એ છે, ડો. ભાર્ગવ ચતુર્વેદી, સિનિયર સાઇકિએટ્રિસ્ટ. એમની જમણી બાજુ છે ડો. ખુરાના, નિમેશ ખુરાના. તેઓ ંક્લિનિકલ સાઇકોલોજિસ્ટ છે, ને મારી ડાબી બાજુ એક ખાલી ખુરસી છોડીને બેઠા છે લોકેશ કામત. હી ઇઝ અ સાઇકિએટ્રિક સોશિયલ વર્કર. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ... ભારતની સાઇકિએટ્રિક થેરાપીના ઇતિહાસમાં અગાઉ ક્યારેય થયો ન હોય તેવો સાવ અનોખો પ્રયોગ સફળતાપૂર્વક એક્ઝિક્યુટ કરનાર અને જેમના નામ પરથી આ પ્રોજેક્ટનું નામ પાડવામાં આવ્યું છે એ... ડો. કૃષ્ણકાંત પટેલ ઉર્ફ કાનજી! આ લો, નામ લેતાં જ આવી જ ગયા ડોક્ટર કૃષ્ણકાંત!'
બધાની નજર એકસાથે કોન્ફરન્સ રૂમના દરવાજા તરફ વળી. ઊંચો, પહોળો, ઘટ્ટ દાઢી અને ભરચક વાળ ચાલીસેક વર્ષનો પ્રભાવશાળી આદમી મક્કમ ચાલે અંદર પ્રવેશ્યો. એ કાનજી હતો - અનિકેતનો કાનજી! ડોક્ટર કૃષ્ણકાંતે સૌનું મૂક અભિવાદન કર્યું અને સુપ્રિન્ટેન્ડન્ટની બાજુની ખાલી ખુરસી પર બેસી ગયા. સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું, 'ડો. કૃષ્ણકાંત પટેલ અમારા ચીફ સાઇકિએટ્રિસ્ટ એન્ડ ડિરેક્ટર ઓફ એક્સપેરિમેન્ટલ થેરાપી છે. હવે આગળની વાત તેઓ જ કરશે. ઓવર ટુ ડો. કાનજી...'
'થેન્ક્યુ!' ડો. કાનજીએ માઇક સંભાળ્યું અને ધીરગંભીર સ્વરે બોલવાનું શરૂ કર્યું, 'આ ઇન્સ્ટિટયુટમાં બીજાઓ તો ઠીક, અનિકેત પણ મને કાનજી તરીકે જ ઓળખે છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે અનિકેત મને પાગલ સમજે છે. અનિકેતને બાપડાને ખબર નથી કે મેન્ટલ પેશન્ટ હું નહીં, એ છે. હું તમને તબક્કાવાર આખી વાત સમજાવું છું.'
સહેજ ખોંખોરા ખાઈને ડો. કાનજીએ આગળ કહ્યું, 'અનિકેત મહેતા અને રિયા પંડિતની લવસ્ટોરી વિશે તમે બધા જાણો જ છો. એ બન્ને ન્યુ યોર્કમાં પહેલી વાર કેવી રીતે મળ્યાં અને પછી કઈ રીતે પ્રેમમાં પડયાં ને પરણી ગયાં તેના વિશે મીડિયામાં પુષ્કળ લખાઈ-દેખાડાઈ ચૂક્યું છે. લગ્નનાં શરૂઆતનાં વર્ષોમાં બધું ઠીક ચાલતું હતું. રિયાએ ટીવીનું કામ સદંતર છોડી દીધું હતું, પણ આર્જવના જન્મ પછી સમય પસાર કરવા એણે નાના નાના વીડિયો બનાવવા માંડયા. આ રીલ્સ અથવા શોર્ટ્સ એ ઈન્સ્ટાગ્રામ-ફેસબુક-યુટયુબ પર શેર કરતી. શરૂઆતમાં રિયા કોમેડી, મેકઅપ, ડાન્સ, ફેશન ને એવા બધા વીડિયો બનાવતી ત્યાં સુધી તો બધું ઠીક હતું, પણ એક દિવસ....'
'રિયા, મારે તારે સાથે થોડી વાત કરવી છે,' એક સાંજે શૂટિંગ પરથી આવીને અનિકેતે કહ્યું.
'બોલ!'
'તું મોબાઇલ નીચે મૂક.'
'હું કાનથી સાંભળું છું, આંખથી નહીં. બોલ!' રિયા મોબાઇલ પર ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતી રહી.
'આજે શૂટિંગમાં બે-અઢી વાગે બ્રેક પડયો ત્યારે મેં જોયું કે મારા સ્પોટબોય્ઝ અને લાઇટિંગનું કામ કરતા છોકરાઓ ટોળું વળીને મોબાઇલમાં કશુંક જોઈ રહ્યા છે ને ખિખિયાટા કરતાં કરતાં વલ્ગર ચાળા કરી રહ્યા છે. હું અચાનક પાછળથી આવ્યો એટલે એમનું ધ્યાન નહોતું, પણ જેવી ખબર પડી કે હું ઊભો છું કે તરત બધા વિખરાઈ ગયા.'
'હા, તો?'
'એ લોકો...' અનિકેતને બોલવામાં ખચકાટ થઈ રહ્યો હતો, '...તારો વીડિયો જોઈ રહ્યા હતા, રિયા.'
રિયાએ તરત પોતાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ખોલ્યું અને એક રીલ પ્લે કરી, 'તું આ વીડિયોની વાત કરે છે?'
'હા. આ જ.'
'ઓહ, આ રીલ તો જબરદસ્ત વાઇરલ થઈ ગઈ છે!' રિયા થનગનવા લાગી. એની આંખો અને અવાજ ચમકવા લાગ્યા, 'ચોવીસ કલાકમાં ત્રણ મિલિયન વ્યુઝ! કેન યુ બિલીવ ઇટ? વીડિયો અપલોડ કર્યો એના એક જ કલાકમાં ચાલીસ હજાર નવા ફોલોઅર્સ એડ થઈ ગયા. ઇઝન્ટ ઇટ અમેઝિંગ?'
અનિકેત માની ન શક્યો.
'આ વિડીયોમાં તું ટોપલેસ છો, રિયા!'
'અરે, ના! એ જ તો ખૂબી છે! મેં આમાં અલ્ટ્રા-ટ્રાન્સપેરેન્ટ, સી-થૂ્ર ટોપ પહેર્યું છે એટલે ઉપરથી ઉઘાડી હોઉં એવું લાગે છે, બાકી હું ટોપલેસ છું નહીં!'
'એનાથી શો ફરક પડે છે, રિયા? તારો આ વીડિયો જોઈને પુરુષો કેવી કેવી કમેન્ટ્સ કરે છે એ તું વાંચતી નથી?'
'કેમ, બીજા પુરુષોએ મારું શરીર જોઈ લીધું એટલે તને ઈર્ષ્યા થાય છે?' રિયા વિચિત્ર રીતે હસી પડી.
'ઈર્ષ્યાની વાત નથી. યુ હેવ ગોટ અ બ્યુટીફુલ બોડી, શ્યોર, બટ ધિસ રીલ ઇઝન્ટ અપ્રોપ્રિએટ.'
'ઓહ પ્લીઝ, તું કારણ વગર ઓવર-રિએક્ટ ન કર. શું કામ અત્તરમી સદીના બુઢિયાઓ જેવી વાતો કરે છે? જસ્ટ ટેક અ ચિલ પિલ, ઓલરાઇટ?'
આ શરૂઆત હતી. ધીમે ધીમે સોશિયલ મીડિયા પર રિયાની અર્ધનગ્ન તસવીરો અને કામુક ચેનચાળાના વીડિયોની રમઝટ થવા લાગી. અનિકેત દુનિયા જોઈ ચુકેલો, ખુલ્લા મનનો મોડર્ન આદમી હતો, એને ગ્લેમર સામે ક્યારેય કોઈ વિરોધ નહોતો. એને વાંધો વીડિયોની ક્વોલિટી સામે હતો. એ કહેતોઃ રિયા, તું આટલા ચીપ અને વલ્ગર વીડિયો કેમ બનાવે છે? તું ફલાણી હિરોઈનની રીલ્સ જો. ન્યુડિટી તો તેમાં પણ હોય છે, પણ એ કેટલી ક્લાસી ને ગ્રેસફુલ લાગે છે. તું તારી રીલ્સ પાછળ પૂરતી મહેનત કેમ કરતી નથી? રિયા સંભળાવી દેતીઃ 'અનિકેત, મહેરબાની કરીને તું મારી સરખામણી બીજા કોઈની સાથે ન કર અને મને સલાહો આપવાનું બંધ કર. તને આમેય સોશિયલ મીડિયાનું કશું નોલેજ નથી. અહીં તો તું જેને ચીપ કહે છે એવું ક્રિન્જ કોન્ટેન્ટ જ સૌથી વધારે વાઇરલ થાય છે. અને એક વાત યાદ રાખજે, માય બોડી, માય રૂલ્સ - એન્ડ ઓફ ડિસ્કશન!'
અનિકેતને ધીમે ધીમે સમજાવા માંડયું હતું કે એનું અને રિયાનું વ્યક્તિત્ત્વ એકબીજા કરતાં કેટલું જુદું છે. ખેર, વ્યક્તિત્ત્વ જુદું હોય એ કંઈ સમસ્યા નથી, પણ બન્નેનાં પાયારૂપ મૂલ્યોમાં, કે જેના આધારે આખા જીવનને આકાર મળે છે, તેમાં લગભગ કશું સામ્ય નથી. અનિકેતને નવાઈ લાગતી કે કોઈ વ્યક્તિ કેવી રીતે આટલી ત્વરાથી બદલાઈ શકે? ઘર્ષણની સ્થિતિમાં એ ખુદને દોષ આપતોઃ પણ હું રિયાને સમજવામાં ભૂલ કરી રહ્યો હોઉં એવું ન બને?
વાત માત્ર સોશિયલ મીડિયાની રીલ્સ પૂરતી સીમિત ન રહી. એક દિવસ અનિકેતનું લેપટોપ કામ નહોતું કરતું એટલે એ ભાગ્યે જ ઉપયોગમાં લેવાતા ડેસ્કટોપ પર કામ કરવા બેઠો. સ્વિચ ઓન કરતાં જ, બિલકુલ આકસ્મિકપણે, સ્ક્રીન પર રિયાના બીજા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની ચેટ્સ સ્ક્રીન પર ખૂલી ગઈ. રિયા અને એના કરતાં પાંચ વર્ષ નાના એવા જુવાનિયા યુટયુબર વચ્ચે અસંખ્ય મેસેજીસની આપ-લે થઈ હતી. બન્નેએ એકબીજા સાથે કોલોબોરેટ કરીને કેટલાય ડાન્સ વીડિયો બનાવ્યા હતા. અનિકેતે જોયું કે બન્નેએ પોતાની કેટલીય નગ્ન સેલ્ફીઓ એકબીજાને મોકલી છે અને એમની વચ્ચે પુષ્કળ સેક્સપ્રચુર ચેટિંગ થયું છે. લખાણ પરથી એવું પણ સ્પષ્ટપણે સમજાતું હતું કે એમની વચ્ચે એકાદ વર્ષથી શારીરિક સંબંધ વિકસી ચૂક્યો છે.
આઘાતથી મૂઢ થઈ ગયો અનિકેત.
રિયાએ શરૂઆતમાં તો માનવાનો ઇન્કાર કરી દીધો, 'આ તારા મનનો વહેમ છે, તું મારા પર ખોટા આક્ષેપો કરે છે' એમ કહીને વાત ટાળવાની કોશિશ કરી, પણ પછી ભાંગી પડી, ખૂબ રડી, માફી માગી. એક કુઠારાઘાત થયો હતો દાંમ્પત્યજીવન પર, પણ એ કટોકટીભરી ક્ષણ જેમતેમ કરતી વીતી ગઈ. ક્રોધનો લાવા શાંત થઈ ગયા પછી અનિકેતે પોતાની જાતને સમજાવ્યા કર્યુઃ શરીરના પ્રચંડ કામાવેગ સામે પતિ-પત્નીનો ગોઠવેલો સંબંધ અને નૈતિક સીમારેખાઓ લાચાર થઈ જાય છે. આદિમ વૃત્તિઓ પોતાનો તર્ક, પોતાની બચાવપ્રયુક્તિઓ જાતે પેદા કરી લે છે. જો ષિમુનિઓથી પણ સ્ખલન થઈ શકતું હોય તો સાધારણ માણસની શી વિસાત? મનુષ્યની ચેતના સામે શરીરની, અહંકારની આવી નાની નાની રમતોનું મૂલ્ય પણ કેટલું? અનિકેતને ક્યારેક લાગતું કે રિયાની નાદાનીમાં, એના ઉછાંછળાપણામાં પણ એક પ્રકારની નિર્દોષતા છે. એ ક્યારેક રિયાને પ્રેમથી છલકાવી દેવાનો જબરદસ્ત ઉછાળ અનુભવતો. અગાઉ ક્યારેય ન કર્યો હોય એવી તીવ્રતાથી એ રિયાને પ્રેમ કરતો.
એક રાત્રે પ્રેમની ઉત્કટ ક્ષણોમાં રિયાએ કહ્યુઃ 'અનિકેત, મારે બીજું બાળક જોઈએ છે...'
'અત્યારે આપણે કરેક્ટ ફ્રેમ-ઓફ-માઇન્ડમાં નથી, રિયા. પહેલાં આપણે બન્નેએ ઇમોશનલી સ્થિર થવાની જરૂર છે.'
'એટલે જ! ઇમોશનલી સ્થિર થવા માટે જ મારે બીજું બાળક
જોઈએ છે...'
-અને પછીના વર્ષે ઝારાનો જન્મ થયો હતો. અનિકેતે માની લીધું હતું કે આર્જવ જેટલું વહાલ એ બીજા કોઈ બાળકને કરી ન શકે, પણ મીઠડી ઝારાએ એને ખોટો પૂરવાર કર્યો. પિતૃપ્રેમના આંજી નાખતા પ્રકાશમાં અનિકેતને બીજું બધું દેખાતું બંધ થઈ ગયું હતું.
...અને એક દિવસ ઝાટકા સાથે એની આંખો ખૂલી ગઈ, જ્યારે એને ખબર પડી કે રિયાને બીજા કોઈ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે સંબંધો છે.
'તને, અનિકેત, મારા પર શંકા કરવાની ટેવ પડી ગઈ છે. તું વિચારે છે એવું કશું નથી.' રિયા ઠંડકથી કહી દેતી.
અનિકેત સમસમીને ચુપ થઈ જતો. ઝારાના જન્મ પછી લગભગ બીજા-ત્રીજા જ મહિનાથી રિયાએ નવેસરથી રીલ્સ બનાવવાની શરૂ કરી દીધી હતી. જોકે પ્રસૂતિ પછી એના શરીરની સ્થૂળતા પૂરેપૂરી ગઈ નહોતી એટલે એ અંગપ્રદર્શન નહોતી કરતી. રિયાનું સલિબ્રિટી સ્ટેટસ હજુય અકબંધ હતું એટલે એનામાં મીડિયાનો રસ જળવાઈ રહ્યો હતો. રિયાના અફેર્સ વિશે થોડા થોડા સમયે ગોસિપ ફેલાયા કરતી. 'પ્રોફેશનલ હેઝાર્ડ્સ!' રિયા આ પ્રકારની કાનાફૂસીને હસી કાઢતી, 'સેલિબ્રિટી હોવાની આ કિંમત છે, બીજું શું?'
અનિકેત ગુંચવાયા કરતો. એને થતું કે શું હું એક વિચારશીલ, સંવેદનશીલ, સર્જનાત્મક વિચારોવાળો પુરુષ છું? કે પછી, પત્ની પર શંકા કર્યા કરતો વેવલો ગમાર છું? શું મારી અપેક્ષાઓ વધારે પડતી છે? પણ જ્યારે તમે ઘર, બિસ્તર, નાણું, સંતાનો, બધું જ શેર કરતાં હો ત્યારે પાર્ટનર પાસેથી ઇમાનદારીની, પારદશતાની, સંવેદનશીલતાની અપેક્ષા રાખવામાં આવે તો તેને વધારે પડતી કેવી રીતે કહેવાય? અનિકેતને સતત લાગ્યા કરતું કે ક્યાંક કશુંક બરાબર નથી. આ એકધારો સંતાપ, મનના ખૂણે સતત ઝર્યા કરતી વેદના... આ સહજ નથી. આ દુર્બળતા છે અને તે સ્વાભાવિક નથી. મારે આ સંબંધમાંથી, આ ીથી છૂટવું છે... પણ મારા કોઈ પણ પગલાને કારણે મારાં સંતાનોને સહેજ પણ ઉઝરડો પડે એવું હું ક્યારેય ન ઇચ્છું. મને મુક્તિ જોઈએ છે, પણ આ બચ્ચાઓનું બંધન મને લાચાર બનાવી દે છે.
એક દિવસ ઊંચા અવાજે થઈ રહેલા ઝઘડા દરમિયાન રિયા ઉપહાસપૂર્વક, ભારે ઠંડકથી બોલી ગઈ, 'તું શું કામ બચ્ચાઓનું બંધન... બચ્ચાઓનું બંધન કર્યા કરે છે? તને કોણે કહ્યું કે તું આ બચ્ચાઓનો બાપ છે?'
'શું બકવાસ કરે છે, રિયા?'
'કેમ? તને તો એમ જ લાગે છેને કે હું લફરાં કરતી ફરું છું? તો સાંભળી લે - આર્જવ અને રિયાનો બાપ તું નથી. ખાતરી ન થતી હોય તો કરાવી લે ડીએનએ ટેસ્ટ!'
આઘાત પામી ગયો અનિકેત! એ સમજતો હતો કે રિયા એને ચોટ પહોંચાડવા માટે આવું બોલે છે, પણ એને એ સમજાતું નહોતું કે કોઈ ી આટલી હદે સંવેદનહીન શી રીતે હોઈ શકે?
રિયાના હાથમાં જાણે કે એક ઘાતક શ આવી ગયું હતું. અનિકેત સાથે સહેજ પણ ગરમાગરમી થાય ત્યારે એ ક્રતાથી બોલી જતીઃ 'પણ આર્જવ અને ઝારા ક્યાં તારાં સંતાનો છે?'...અને દર વખતે અનિકેત હલી જતો. એની ભીતર લાવા ઉછળી જતો.
...અને આખરે એ કાળમુખી રાત આવી. અનિકેત આઉટડોર શૂટિંગ શેડયુલ કરતાં વહેલું પૂરું કરીને રાતે ઘરે આવ્યો ત્યારે બન્ને બાળકો ઘરમાં એકલાં હતાં, ભૂખી થયેલી ઝારા જોરજોરથી રડતી હતી અને રિયા બેડરૂમ બંધ કરીને બેઠી હતી. કેટલીય વાર દરવાજો ઠોક્યા પછી અંદરથી રિયા બહાર આવી. એ એકલી નહોતી. રિયાની સાથે એનો જુવાન હટ્ટોકટ્ટો પર્સનલ જિમ ટ્રેનર પણ હતો. અનિકેતને જોઈને એ ચુપચાપ રવાના થઈ ગયો. અનિકેત એક પળમાં બધું સમજી ગયો. એનો પિત્તો ગયો.
'આ બધું શું ચાલે છે ઘરમાં?'
'શું ચાલે છે એટલે? એક્સરસાઇઝ કરતી હતી,' રિયા નફ્ટાઈથી બોલી ગઈ.
'બેડરૂમ બંધ કરીને? મૂરખ સમજે છે મને? ભૂતકાળમાં આટલું બધું થઈ ચૂક્યું છે તોય તને કોઈ વિચાર આવતો નથી? તને કશો ફરક પડતો નથી?'
'હા, મને સાચ્ચે જ કશો ફરક પડતો નથી...'
'રિયા...'
'બીજી વાર બોલું? નથી-પડતો-ફર્ક-મને-સહેજે... ઓલરાઇટ?'
'ઝારા ભૂખી થઈને ક્યારની રડી રહી છે એય તને સંભળાતું નથી?'
'પણ તું શું કામ ઝારાની ચિંતા કરે છે? એ ક્યાં તારી દીકરી છે?'
....અને અનિકેતની ભીતર ખળભળી રહેલો જ્વાળામુખી આખરે સ્ફોટ સાથે ફાટયો. એણે રિયા પર જોરથી તરાપ મારી. રિયા છટકીને બાલ્કની તરફ ભાગી. અનિકેત જાનવરની જેમ એની પાછળ દોડયો. રિયા બાલ્કનીની ભીંત સરસી ચંપાઈ ગઈ. એ ચિલ્લાવા માંડી, 'હલકટ જીવતોય નથી ને મને જીવવા ય દેતો નથી...'
અનિકેત સળગી ઉઠયો. 'નહીં જીવવા દઉં... તને હવે તો નહીં જ જીવવા દઉં.'
એણે રિયાને કચકચાવીને કમરથી પકડી. પોતાનામાં હોય એટલી તાકાતથી રિયાને જોરથી ઊંચકી, બાલ્કનીની દીવાલ પર એના શરીરને સહેજ ટેકવ્યું ને પછી નીચે ફેંકી દીધું. એક-બે પળ પછી સાતમા માળે મોતનો અવાજ સંભળાયોઃ ભફ્ફ...!
અનિકેતનું મગજ બંધ પડી ગયું હતું, પણ ભીતર લાવા હજુ ભડ ભડ ઉકળી રહ્યો હતો. સામે બન્ને બચ્ચાં ઊભાં ઊભાં ફફડી રહ્યાં હતાં. આ બચ્ચાં... આ જ છે મારાં બંધનનું કારણ! ખૂણામાં ક્રિકેટનું વજનદાર બેટ પડયું હતું. અનિકેતે તે હાથમાં લીધું. એક ફટકો તો બહુ થઈ પડશે... અનિકેતે કચકચાવીને પકડેલું બેટ રાક્ષસી વેગથી વીંઝયું અને....
ત્રણેયની લાશને યથાવત્ રહેવા દઈને અનિકેત સીધો જુહુ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. એણે પોલીસ ઓફિસર ઇન-ચાર્જ સામે કબૂલાત કરી લીધી કે એણે પોતાની પત્ની અને બાળકોની હત્યા કરી નાખી છે. એને તરત જ કસ્ટડીમાં બંધ કરી દેવામાં આવ્યો. રિયા અને બાળકોનાં મૃતદેહનો કબ્જો લઈ આગળની કાર્યવાહી કરવામાં આવી. બીજા દિવસે સમાચાર માધ્યમોમાં આ ટ્રિપલ મર્ડર કેસ બોમ્બની જેમ ફૂટયો. દેશ સ્તબ્ધ થઈ ગયો. અનિકેતને મેજિસ્ટ્રેટ સામે પેશ કરવામાં આવ્યો. એને પંદર દિવસની પોલીસ કસ્ટડી આપવામાં આવી. કોટડીમાં અનિકેત સૂનમૂન બેસી રહેતો હતો. એની ભીતર કશુંક ભયંકર રીતે છેદાઈ ચૂક્યું હતું. અનિકેત રડયો નહીં. ન એ રિયા-આર્જવ-ઝારાના અગ્નિસંસ્કાર વખતે હાજર રહ્યો.
હત્યાકાંડના ત્રીજા દિવસે એક ઘટના બની. અનિકેતના ઘરે આવેલું કુરિયર પોલીસ સ્ટેશનમાં પહોંચાડવામાં આવ્યું. એ હતો આર્જવ અને ઝારાના ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ! રિયાના સતત મહેણાં-ટોણાંથી ત્રાસીને અનિકેતે હત્યાંકાંડના આઠ દિવસ પહેલાં બન્ને બાળકોનો ખરેખર ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો. ટેસ્ટનો રિપોર્ટ કહેતો હતો કે આર્જવ અને ઝારાનો બાયોલોજિકલ ફાધર અનિકેત જ છે.
પછીના દિવસની સવાર પડી ત્યાં સુધીમાં અનિકેતની ભીતર કશુંક ગંભીર રીતે બદલાઈ ગયું હતું. સવારે ઉઠીને એણે ડયુટી ઓફિસરને કહ્યું, 'મને અહીં કેમ રાખ્યો છે? મારે ઘરે જવું છે. મારાં બચ્ચાં મારી રાહ જોઈ રહ્યા હશે.'
ડયુટી ઓફિસરને નવાઈ લાગી. અનિકેત કહી રહ્યો હતો, 'રિયા સાથે પણ ઘણા દિવસથી વાત થઈ નથી. એ ચિંતા કરતી હશે. મને જવા દો.'
શરૂઆતમાં લાગ્યું કે આ માનસિક આઘાતની અસર હેઠળ અનિકેત બબડાટ કરી રહ્યો છે, પણ એની આ માનસિક અવસ્થા ખેંચાતી ગઈ. એવી શંકા પણ ગઈ કે કાનૂની સજાથી બચવા માટે અનિકેત નાટક કરી રહ્યો છે, પણ એ નાટક નહોતું. અનિકેતનું માનસિક સંતુલન ખરેખર તૂટી ગયું હતું. ઓસ્ટ્રેલિયાથી આવેલા અનિકેતના ભાઈએ મેન્ટલ હેલ્થ એક્સપર્ટ્સની મદદ માટે અરજી કરી.
'અને આ રીતે આ કેસમાં અમારો પ્રવેશ થયો,' ડો. કાનજીએ વાતનો તંતુ જોડયો, 'અદાલતના આદેશ પછી અમારી ઇન્સ્ટિટયુટમાંથી ત્રણ એક્સપર્ટ્સની ટીમ તૈયાર કરવામાં આવી. અનિકેતને મળીને, એની વાતો અને વર્તનનો અભ્યાસ કરીને એક સાઇકોલોજિકલ ઇવેલ્યુએશન રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો. અનિકેત બહારથી નોર્મલ દેખાતો હતો, પણ ટ્રોમા અને ગિલ્ટના ભયાનક ભારથી એ લાગણીના સ્તરે કુંઠિત થઈ ગયો હતો. ઇટ વોઝ અ ટોટલ લોસ ઓફ ઇનસાઇટ. એટલે ડિફેન્સ મિકેનિઝમના ભાગરૂપે એની સમજશક્તિનો એક હિસ્સો થીજી ગયો હતો. એ જે રીતે બોલતો હતો અને વર્તતો હતો એમાં કોઈ ગિલ્ટ કે અફસોસ વર્તાતા નહોતા, કેમ કે વાસ્તવિકતાથી સંપૂર્ણપણે કપાઈ જઈને, ડિસઅસોસિએટ થઈને અનિકેતે પોતાના મનમાં એક સમાંતર દુનિયા ખડી કરી દીધી હતી. એવી દુનિયા, જેમાં એની પત્ની અને બાળકો એકદમ મજામાં છે ને અમેરિકા ફરવા ગયાં છે! અનિકેત માટે પોતાનો પરિવાર જીવતો છે ને મજા કરે છે એવું માની લેવું એક મનોવૈજ્ઞાાનિક છટકબારી હતી - અ સાઇકોલોજિકલ એક્સેપ રૂટ. માઇન્ડ યુ, અનિકેત આ જાણી જોઈનો કરતો નહોતો, આ સઘળું અનકોન્શિયલસી થઈ રહ્યું હતું. અમારા એક્સપર્ટ્સની ટીમે એમના રિપોર્ટમાં સ્પષ્ટપણે લખ્યું કે આ સિવિયર સાયકોટિક ડિસઓર્ડર, ઇન્ડયુસ્ડ ડિલ્યુઝનલ ડિસઓર્ડર અને ડિલ્યુઝનલ મિસઆઇડેન્ટિફિકેશન સિન્ડ્રોમ (ડીએમએસ)નો કેસ છે. આ સ્થિતિમાં અનિકેત કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહીમાં ભાગ લેવા માટે, કે પોતાનો બચાવ કરવા અક્ષમ છે. અદાલતે આદેશ આપ્યો કે અનિકેતને માનસિક ઉપચાર કરવામાં આવે, કારણ કે જ્યાં સુધી એ નોર્મલ નહીં થાય ત્યાં સુધી એના પર કાનૂની મુકદમો ચલાવી નહીં શકાય.'
હવે સુપ્રિન્ટેન્ડન્ટે માઇક નજીક લીધું, 'બેંગલુરુની નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સીસ અનિકેતની ટ્રીટમેન્ટ શરૂ થઈ. મહિનાઓ વીતતા ગયા, એક-સવા વર્ષ થઈ ગયું, પણ અનિકેતની હાલતમાં કશો સુધારો નોંધાતો નહોતો. પોલીસ ડિપાર્ટમેન્ટ, ન્યાયતંત્ર અને મીડિયા આ ત્રણેયનું પ્રેશર વધતું જતું હતું. આખરે બેંગલુરુની ઇન્સ્ટિટયુટે અમારો સંપર્ક કર્યો, મદદ માગી. ડો. કાનજીએ આખા કેસનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો અને એક પ્લાન ઘડી કાઢયો. એ પ્લાન એટલે જ પ્રોજેક્ટ કાનજી! આગળની વાત તમે જ કરો, ડોક્ટર કાનજી.'
ડો. કાનજીએ કહ્યું, 'આ પ્રોજેક્ટનો ઉદ્દેશ સ્પષ્ટ હતોઃ કાનજીની ખોવાઈ ગયેલી સ્મૃતિ પાછી લાવવી, પોતે કરેલા અપરાધનો અહેસાસ કરાવવો અને એને એની સમાંતર દુનિયામાંથી બહાર કાઢીને વાસ્તવિકતાની જમીન પર મૂકવો. તે માટે અમે બીજી એક દુનિયા ઊભી કરી. અનિકેત ખુદને અવોર્ડવિનિંગ ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર તરીકે આઇડેન્ટિફાય કરી શકતો હતો એટલે એને એક નકલી અસાઇન્મેન્ટ આપવામાં આવ્યું - એશિયાની ટોચની મેન્ટલ ઇન્સ્ટિટયુટ્સ પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાનું. આ લિસ્ટમાં એક નામ અમારી ઇન્સ્ટિટયુટનું પણ છે એટલે એને આ કેમ્પસમાં લાવવામાં આવ્યો. અમારી ઇન્સ્ટિટયુટમાંથી ડો. ચતુર્વેદી, ડો. ખુરાના અને લોકેશને એમના સહાયકો તરીકે ગોઠવી દેવામાં આવ્યા. કોઈ એનો સિનેમેટોગ્રાફર બન્યું, કોઈ એનો રીસર્ચ આસિસ્ટન્ટ બન્યું, કોઈ ડિરેક્ટોરિઅલ આસિસ્ટન્ટ. મેં કાનજી નામના બનાવટી સાઇકિએટ્રિક પેશન્ટની ભૂમિકા ભજવી. આ કાનજી બીજું કોઈ નહીં, પણ અનિકેતનો ઓલ્ટર ઇગો છે, એનું જ એક સ્વરૂપ છે. કાનજીની સ્ટોરી એ અનિકેતની જ સ્ટોરી છે. કાનજીએ પણ પોતાની પત્ની અને બાળકોની હત્યા કરી છે, કાનજીની પત્નીનું ચારિત્ર્ય પણ શિથિલ છે. આ સિવાય એક ઔર એક્ટરને અમે પ્લાન્ટ કરી. એ છે શિલ્પા જોશી! એ અહીં સામે જ, તમારી વચ્ચે બેઠાં છે. શિલ્પાજી, પ્લીઝ સ્ટેન્ડ અપ...'
આગલી હરોળમાં બેઠેલી શિલ્પા ઊભાં થઈને સૌનું અભિવાદન કર્યું. ડો. કાનજીએ ઉમેર્યું, 'શિલ્પા જોશી ઉત્તમ થિયેટર એક્ટ્રેસ અને મિમિક્રી આટસ્ટ છે. એમને પસંદ કરવાનું મુખ્ય કારણ એ છે કે એમના ચહેરાના ફિચર્સ રિયાને ખૂબ મળતા આવે છે. રિયાની જેમ એક્ઝેટ એના હોઠના ડાબા ખૂણે પણ કાળો તલ છે! એણે રિયા જેવી જ હેરસ્ટાઇલ રાખી. ડ્રેસિંગ સ્ટાઇલ પણ રિયા જેવી જ. અમારો સૌનો આશય એક જ હતોઃ અનિકેતને ધીમે ધીમે, કાળજીપૂર્વક એની યથાર્થ તરફ લઈ જવાનો, એના મનના કોઈ ખૂણામાં છૂપાઈ ગયેલી એના અપરાધની સ્મૃતિને પાછી બહાર કાઢવાનો. અમે આટફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો. રિયા અને બાળકોનાં કેટલાય ફેક વીડિયો બનાવ્યા, ઓડિયો ક્લિપ્સ તૈયાર કરી ને એ બધું અનિકેતને મોબાઇલ પર મોકલતા રહ્યા કે જેથી અનિકેતને લાગતું રહે કે એનું ફેમિલી ખરેખર અમેરિકામાં જ છે. ઔર એક ઇન્ટરેસ્ટિંગ વાત. અમે અનિકેતના દિમાગમાં એવી વાત પણ પ્લાન્ટ કરી હતી કે આ કેમ્પસ એક ખતરનાક જગ્યા છે અને અહીં દર્દીઓનાં શરીરમાંથી કિડની અને બીજા અંગોઉપાંગો કાઢી લેવામાં આવે છે!'
મીડિયા પ્રતિનિધિઓ હસી પડયા. કોઈએ પૂછ્યું, 'આવું કરવાનું શું કારણ?'
'તે એટલા માટે કે અનિકેતને એક 'મોરલ પર્પઝ' મળે, એને લાગવું જોઈએ કે આ હોસ્પિટલના ડોક્ટરો કરતાં, સુપ્રિન્ટેન્ડન્ટ કરતાં પોતે નૈતિક સ્તરે ચડિયાતો છે, અને એ કાનજીને બચાવવાની, આ હોસ્પિટલમાં ચાલી રહેલા ગોરખધંધાને ખુલ્લા પાડવાની ઉચ્ચ કક્ષાની કામગીરી કરી રહ્યો છે! અનિકેત આવું 'નૈતિક કાર્ય' કરે, એને મોરલ મોટિવેશન મળે તો જ એની ભીતર એની ખુદની નૈતિકતાનો, ખુદના અપરાધનો એ સામનો કરી શકે.'
'પ્રોજેક્ટ કાનજીનો અંત કેવી રીતે આવ્યો?' કોઈએ પૂછ્યું.
'અમે અનિકેતને રિયાનો નકલી મેસેજ મોકલ્યો હતો, જેમાં એ કહી રહી હતી કે અમે લોકો અમેરિકાથી પાછી આવી રહ્યાં છીએ. અમે કાનજીની સમાંતર દુનિયા ઓલરેડી ખળભળાવી નાખી હતી - કાનજીના કેરેક્ટર દ્વારા એના પોતાના અપરાધને સામે લાવીને, શિલ્પાના પાત્ર દ્વારા, એણે પોલીસને આપેલા વીડિયો કન્ફેશન અને મીડિયામાં છપાયેલા ન્યુઝ રિપોર્ટ્સને મોડીફાઈ કર્યા બાદ એને દેખાડીને. છેલ્લે શિલ્પાએ એને ઝારા અને આર્જવના ડીએનએ રિપોર્ટની કોપી પણ આપી હતી.
આ બધાને કારણે અનિકેતની ભ્રમજાળ ધીમે ધીમે પણ મક્કમ રીતે ગાબડાં પડી રહ્યાં હતાં. અમારો છેલ્લો માસ્ટરસ્ટ્રોક હતો, અનિકેતના ઘર જેવો એક સેટ ઊભો કરવો ને ત્યાં શૂટિંગના બહાને અનિકેતને લઈ જવો. એક તરફ એ પોતાના ઘર જેવા સિમ્યુલેટેડ માહોલમાં પહોંચી જવાથી એ અંદરથી ખળભળી ઉઠયો હતો અને બીજી બાજુ, અમેરિકાથી મુંબઈ પહોંચી ગયેલાં રિયા-ઝારા-આર્જવ એને સરપ્રાઇઝ આપવા આવી રહ્યાં છે એવું એકધારું મેસેજિંગ અમે કરી રહ્યા હતા... આ પરાકાા હતી. અનિકેત વધારે ટકી ન શક્યો. એનું જૂઠ, અથવા કહો કે આટલા મહિનાઓથી બનાવી રાખેલો ભ્રમનો કિલ્લો, એની સમાંતર દુનિયા આખરે કડડડભૂસ કરતી તૂટી પડી. એણે કબૂલી લીધું કે એણે ખુદ પોતાની પત્ની અને બન્ને બાળકોની હત્યા કરી નાખી છે... મિશન એકમ્પ્લીશ્ડ!'
એક-બે પળ માટે સન્નાટો છવાઈ ગયો. પછી એક રિપોર્ટર પૂછયું, 'સર, હવે અનિકેતને કેમ છે? હવે એ પૂરેપૂરા નોર્મલ છે?'
'પૂરેપૂરા તો નહીં, પણ નોર્મલ બનવાની દિશામાં એણે પગલાં માંડી દીધાં છે. વાસ્તવિકતા શું છે એની હવે એને અંદાજ છે, પણ હજુય એ ટ્રોમા, ગિલ્ટ, સચ્ચાઈ અને નકાર વચ્ચે હિલોળા ખાઈ રહ્યો છે. સદભાગ્યે એનું દિમાગ ધીમે ધીમે સત્યને પ્રોસેસ કરવા માટે સક્ષમ થઈ રહ્યું છે. એને સંપૂર્ણપણે ઠીક થતાં હજુ થોડો સમય લાગશે ને તે પછી જ એની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી ચાલશે.'
'અમે અનિકેતને મળી શકીએ?'
'હા, ચોક્કસ.' સુપ્રિન્ટેન્ડન્ટે ડો. કાનજીને ઇશારો કર્યો.
ડો. કાનજી ઊભા થઈને કોન્ફરન્સ રૂમની બાજુના કમરામાં ગયા. અનિકેતને અહીં બેસાડવામાં આવ્યો હતો. રસોયો ત્રિભુવન એની બાજુમાં એનું ધ્યાન રાખતો બેઠો હતો.
ડો. કાનજી નજીક આવ્યા, 'અનિકેત, ચાલો મીડિયાના મિત્રો સાથે તમારી મુલાકાત કરાવું.'
કશા વિરોધ વિના આજ્ઞાાંકિત બાળકની જેમ અનિકેત ઊભો થયો. ડો. કાનજી એનો હાથ પકડીને કોન્ફરન્સ રૂમમાં લાવ્યા. મીડિયાના પ્રતિનિધિઓ અનિકેતને તાકી રહ્યા. ફ્લેશ લાઇટ્સની છોળ ઉડી. અનિકેતનું શરીર લેવાઈ ગયું છે, ચહેરો નિસ્તેજ છે, આંખોમાં શૂન્યતા છે. ડો. કાનજીએ અનિકેતને મંચ પર છેલ્લી ખાલી ખુરસી પર બેસાડયો.
અનિકેત - એક બુદ્ધિશાળી, પ્રતિભાવંત, સુંદર મનુષ્ય.... પણ ભીતરથી તૂટી ગયેલો, ઘાયલ અને એકલોઅટૂલો. હવે શું ભવિષ્ય છે એનું? ડો. કાનજી એને જોઈ રહ્યા. એકદમ જ એમનું દિલ ભરાઈ આવ્યું. બહુ પ્રેમથી એમણે અનિકેતના માથા પર હાથ ફેરવ્યો. પછી એની બાજુમાં ઘૂંટણિયે બેસીને એના હાથ પર પોતાનો હાથ મૂક્યો.
'અનિકેત, મને ઓળખે છે?'
અનિકેતે ડો. કાનજી સામે જોયું, 'હં?'
ડો. કાનજીનો અવાજ તૂટયો, 'હું તારો દોસ્તાર... કાનજી.'
'દોસ્તાર?'
પળ માટે, ફક્ત એક જ પળ માટે અનિકેતની આંખોમાં પરિચયનું સંવેદન ઊપસ્યું, હોઠ પર સૂક્ષ્મ સ્મિત આવ્યું, ને તરત વિલીન થઈ ગયું.
'દોસ્તાર છો, તો દગો નહીં આપતો. દગાબાજી સહન નથી થતી, કાનજી.'
ડો. કાનજી ગળગળા થઈ ગયા, 'નહીં આપું દગો, અનિકેત... ક્યારેય નહીં આપું...'
કાનજીને સંતોષ થયો. એણે બારીની બહાર નજર કરી. બહાર ખુલ્લા આકાશમાં સાંજ ઢળી રહી હતી. થોડી વારમાં કાળાશ લીંપાઈ જશે. મુંબઈનું આકાશ સ્વચ્છ હોતું નથી, પણ જો એ સાફ હોત તો દૂર ટમટમતા તારા દેખાતા હોત. એમાં એક તારો ઝારાનો હોત, એક તારો આર્જવનો, એક રિયાનો! કહે છેને કે માણસ મૃત્યુ પામે પછી આકાશમાં તારો બની જાય છે. માણસનું અપમૃત્યુ થાય તો પણ એ તારો બની શકે?
અચાનક અનિકેતે જોયું કે દૂરથી સ્મૃતિનાં ગ્રીક દેવી નેમોસિની ઉડતાં ઉડતાં નજીક આવી રહ્યાં છે. એ જ સ્વર્ગીય રૂપ, એ જ તેજ. દેવી બારી પાસે હવામાં સ્થિર થયાં ને કરૂણાપૂર્વક અનિકેત તરફ દ્રષ્ટિ કરી. અનિકેત એકીટશે જોઈ રહ્યો. એકદમ જ એ રડી પડયો. હે સ્મૃતિનાં દેવી, મને આશીર્વાદ આપજે. કમસે કમ, મારાં સ્મરણોમાં મારી ઝારાને, મારા આર્જવને કાયમ જીવતાં રાખજે...
જાણે તથાસ્તુ કહેતાં હોય તેમ નેમોસિની દેવીએ મધુર સ્મિત કર્યું અને જોતજોતામાં અદ્રશ્ય થઈ ગયાં...(સંપૂર્ણ)
'સમાંતર' લઘુનવલ તમને કેવી લાગી? તમારા મંતવ્યો આ ઇમેઇલ પર મોકલોઃ જચસચચહાચિ.૨૦૨૫જ્રયસચૈન.ર્બસ