મૂડી કરતા વ્યાજ વધારે વહાલું હોય
- ઝાકળઝંઝા - રવિ ઈલા ભટ્ટ
- 'મારા મતે પરિવાર સારો હોય તો કાસ્ટ બહુ મેટર કરતી નથી. છોકરાઓનું ફ્યુચર સિક્યોર હોવું જોઈએ.' - અખિલેશે ટૂંકો ને ટચ જવાબ આપ્યો
'અ રે શું વાત છે, આજે તો બંને અધિકારીઓ સાથે મારી પાસે આવ્યા. નક્કી કોઈ મોટું કામ હશે.' - સરોજબેને પોતાના પુત્ર અને પુત્રવધુને બગીચામાં આવતા જોયા અને કહ્યું.
'મમ્મી, એવું કશું જ નથી, આજે અમારે બંનેને વહેલું કામ પૂરું થઈ ગયું તો અમે વહેલા ઘરે આવી ગયા. તારી સાથે ચા પીવાય એટલા માટે.' - અખિલેશે કહ્યું.
'રમેશ ચાની જોડે કાંદા ભજીયા બનાવજે... સાહેબ આજે વહેલા આવ્યા છે... મેડમ પણ છે.' - સરોજબેને બગીચામાંથી જ
બુમ મારી.
'બેટા, તને સરકારી અધિકારી બનાવ્યો તેની પહેલાં હું સરકારી અધિકારીને પરણીને આ ઘરમાં આવી હતી. મારા પપ્પા પણ સરકારી અધિકારી જ હતા. મને ખબર છે કે, કોઈ સરકારી અધિકારી કામ વગર કોઈની પાસે બેસવા જતો નથી. તેમાંય તમે તો બંને છો પાછા...' - સરોજબેને પોતાના જ પુત્રની
ટીખળ કરી.
'શું મમ્મી તમે પણ. એવું કશું જ નથી. અમે ખરેખર વહેલાં આવ્યા એટલે તમારી સાથે બેસવાનું નક્કી કર્યું.' - કિન્નરીએ થોડું
ખચકાતા કહ્યું.
'સારું. મેં તમારી વાત માની લીધી. તમને એક વાત કરી દઉં, કલગીના લગ્ન વિશે આપણે કોઈ વાત નહીં કરીએ. તેમાંય ન્યૂયોર્ક અને દુબઈના ડોક્ટરો સાથે તો તેનું સગપણ કરવાનું વિચારતા જ નહીં. મારી દીકરી મારી નજર સામે જ રહેશે.' - સરોજબેને કહ્યું અને કિન્નરીના ચહેરા ઉપર વાદળ છવાઈ ગયા.
'મમ્મી, તમે એક તરફ કલગીના ઉજ્જવળ ભવિષ્યની વાતો કરો છો અને બીજી તરફ તેને બાંધી રાખવા માગો છો. હું કલગીના મા છું, મને પણ તેનું સારું, ખોટું ખબર પડે છે. તમે જૂનવાણી વિચારોમાં ઘરની નજીક બાળકોને રાખ્યા એટલે અમારે પણ કલગીને બાંધી રાખવાની તેવું ન હોય. તમારા વિચારોને લીધે એ છોકરીનું ભવિષ્ય વિખાઈ જશે તો શું કરશો.' - કિન્નરી એકાએક આક્રોશ અને ગુસ્સા સાથે બોલી પડી. સરોજબેન અને અખિલેશ સાવ ડઘાઈ ગયા.
સરોજબેન ચા-નાસ્તો કર્યા વગર ઊભા થઈને પોતાના રૂમમાં જતા રહ્યા. રાત્રે ભોજન કરવા પણ બહાર ન આવ્યા. અખિલેશ થોડો અકળાઈ ગયો પણ ઘરનું એવું વાતાવરણ નહોતું કે, બંને ઝઘડે. તેણે કિન્નરીને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ નિરર્થક હતો.
'મમ્મી-પપ્પા ઝડપથી બહાર આવો. દાદીને કંઈક થાય છે... આપણે તાત્કાલિક ડોક્ટરને બોલાવવા પડશે અથવા હોસ્પિટલ લઈ જવા પડશે.' - કલગીએ લગભગ રાત્રે એક વાગ્યાની આસપાસ અખિલેશના બેડરૂમનો દરવાજો ખખડાવતા બુમો મારી. અખિલેશ અને કિન્નરી દોડીને બહાર આવ્યા અને દાદીના રૂમમાં પહોંચી ગયા.
'મહેતા સાહેબને ફોન કરીને બોલાવી લો અથવા તો એ કહે તો મોટી હોસ્પિટલમાં લઈ જાઓ.' - કિન્નરીએ કહ્યું અને અખિલેશે ખિસ્સામાંથી ફોન કાઢયો. અખિલેશે ફોન તો કર્યો પણ સાહેબ મળ્યા નહીં.
'તમે કહો તો ૧૧ નંબરમાંથી કેવલને બોલાવી લાવીએ. કેવલ કાર્ડિયાક સર્જન છે. છોકરો હોંશિયાર છે.' - કિન્નરીએ કહ્યું.
'ગમે તેને બોલાવી લાવ પણ મમ્મીને સાજી કરવી પડશે.' - અખિલેશે ચિંતાયુક્ત સ્વરે કહ્યું.
કિન્નરી દોડીને ઘરની બહાર ગઈ અને કેવલને લઈને આવી. તેણે સરોજબેનને ચકાસ્યા અને તરત જ એક ઈન્જેક્શન આપી દીધું. તેણે લિંબુ શરબત બનાવવા કહ્યું અને સરોજબેનને પીવડાવી દીધું. થોડીવારમાં સરોજબેન સ્વસ્થ થયા એટલે કેવલ ઘરે જવા નિકળ્યો. અખિલેશ તેને બહાર સુધી મુકવા આવ્યો અને તેણે ખિસ્સામાંથી પૈસા કાઢયા.
'અંકલ પ્લીઝ, શરમમાં ન મુકશો. સરોજ બા મારા પણ દાદી જ છે. ઘરના લોકોની ફી ન લેવાની હોય.' - કેવલે કહ્યું અને ઘરની બહાર નીકળી ગયો. અખિલેશ તેને અહોભાવ સાથે જોઈ રહ્યો. બીજા દિવસે પણ કેવલ સવારે ક્લિનિક જતા પહેલાં સરોજબેનને
તપાસી ગયો.
'કેવલ છોકરો ખૂબ જ સારો છે નહીં. અડધી રાત્રે આપણને મદદ કરવા દોડી આવ્યો. આજે સવારે પણ ક્લિનિક જતા આપણા ઘરે આવ્યો હતો અને મમ્મીજીને ચેક પણ કર્યા. તેણે દવાઓ પણ ફ્રીમાં આપી દીધી.' - કિન્નરીએ અખિલેશને જણાવ્યું.
'તારી વાત સાચી છે, છોકરો ડાહ્યો છે. મને હજી તેનો બાપ મુકેશ ગમતો નથી. કાયમ ભ્રષ્ટાચાર કરીને જ જીવ્યો છે. તેના કારણે જ મેં તેની બદલી કરાવી નાખી હતી.' - અખિલેશે કેવલના વખાણ કરવા સાથે મુકેશ વિશે અણગમો વ્યક્ત કર્યો.
'હું સમજું છું કે, તમને મુકેશભાઈ નથી ગમતા પણ કેવલે તો મમ્મીજીને હેલ્પ કરી છે. આપણે એટલીસ્ટ ગ્રેટિટયૂડ માટે પણ એક વખત તેમને ડિનર માટે બોલાવવા જોઈએ.' - કિન્નરીએ કહ્યું.
તારે કેવલને બોલાવવો હોય તો બોલાવ પણ મુકલાને રહેવા દે.' - અખિલેશના અવાજમાં હજી પણ અણગમો હતો.
બીજા બે દિવસ કેવલ સવારે અને સાંજે ઘરે આવતો અને સરોજબેનને જોતો રહ્યો. તેમની તબિયત સારી થઈ ગઈ. રવિવારે સાંજે કેવલને પરિવાર સાથે ડિનર ઉપર આવવાનું કિન્નરીએ આમંત્રણ પણ પાઠવી દીધું અને કેવલે સ્વીકારી લીધું.
રવિવારે કેવલ તેના પરિવાર સાથે આવ્યો અને અખિલેશે કમને પણ કેવલ અને તેના પિતા સાથે ખુશમિજાજ સાથે વાતો કરી. કલગી, કિન્નરીએ ખૂબ જ ભાવપૂર્વક ભોજન બનાવ્યું હતું અને બધાને આગ્રહ કરીને ભોજન કરાવ્યું. બધા એકબીજા પ્રત્યે આભાર વ્યક્ત કરીને છૂટા પડયા.
'અખિલેશ મારા મનમાં એક વાત ચાલે છે, તું કહે તો કહું.' - કિન્નરીએ બેડ ઉપર લંબાવતા કહ્યું.
'હું સમજી શકું છું પણ એ મુકલા ્રભ્રષ્ટાચારીના ઘરે મારી દીકરી નહીં આપું. - અખિલેશે કડક શબ્દોમાં કહી દીધું.
'તમારો અણગમો હું સમજી શકું છું પણ મારી વાત તમે સમજી ગયા તેનો મને આનંદ છે.' - કિન્નરી બોલી.
'મને કેવલ સામે વાંધો નથી. મને તેના પિતા સામે છે. કેવલ ઓપ્શન સારો છે પણ એક વખત મમ્મીને પૂછી જોજે.' - અખિલેશે અણગમો છતાં સસ્મિત જવાબ આપ્યો.
'મમ્મી, તમને શું લાગે છે, છોકરાઓ ભણેલા ગણેલા હોય અને કદાચ કાસ્ટ બીજી હોય તો તેમના લગ્ન કરાવી શકાય. મારી એક મિત્રનો છોકરો ડોક્ટર છે અને તેને જે માગુ આવ્યું છે તે બીજી કાસ્ટનું છે. છોકરી પણ ડોક્ટર છે છતાં કાસ્ટ બીજી છે.' - સવારે ચા-નાસ્તા દરમિયાન કિન્નરીએ અખિલેશની હાજરીમાં વાત કાઢી.
'મારા મતે પરિવાર સારો હોય તો કાસ્ટ બહુ મેટર કરી નથી. છોકરાઓનું ફ્યુચર સિક્યોર હોવું જોઈએ.' - અખિલેશે ટૂંકો ને ટચ જવાબ આપ્યો.
'બેટા, મને પણ લાગે છે કે, છોકરાઓનું ભવિષ્ય ઉજળું હોય તો ક્યારેક નાત-જાતમાં બાંધછોડ કરવી જોઈએ.' - સરોજબેને પણ કહ્યું.
'અખિલિયા મને ખબર છે કે, તમે લોકો કલગી માટે કેવલ વિશે વિચારો છો. મને પણ છોકરો ગમ્યો છે. તારે એના બાપા જોડે જે વિવાદ હોય તે જોઈ લે. બાકી છોકરો હીરા જેવો છે.' - સરોજબેન આગળ બોલ્યા.
'જોયું મેં તને કહ્યું હતું ને કે મમ્મી સાચી સલાહ આપશે. મને પણ કેવલ ગમતો જ હતો. મારી...' - અખિલેશ બોલ્યો ત્યાં જ સરોજબેને તેને અટકાવ્યો.
'તારી ગોઠવણ નહીં મારી ગોઠવણ છે. અખિલેશ અને કલગી એમબીબીએસ કરતા હતા ત્યારથી પ્રેમમાં છે. તમે બંને છોકરાઓ શોધવા લાગ્યા ત્યારે કલગીએ
મને વાત કરી હતી. મેં કિન્નરીને કહ્યું હતું. કિન્નરીએ તારો અને મુકેશનો અણબનાવ મને જણાવ્યો એટલે થયું કે, અમારે કોઈ પ્લાન બનાવવો પડશે તો જ તું કેવલ માટે રાજી થઈશ.' - સરોજબેન બોલ્યા અને કિન્નરી હસી પડી.
'ચાલો માની લીધું કે તમારો પ્લાન સફળ થયો પણ મુકલાના ઘરનું શું. મુકલો ક્યારેય કલગીને તેના ઘરની પુત્રવધુ બનાવવા માટે તૈયાર થશે નહીં. અમારા અણબનાવને તે વચ્ચે લાવશે જ. જોયું નહોતું તે દિવસે મારા ઘરમાં જમવા આવ્યો છતાં મારી સાથે વાત કરવામાં તેને વાંધો પડતો હતો.' - અખિલેશે કહ્યું.
'બેટા, તું એની ચિંતા ના કરીશ. તારા ઘરમાં ગોઠવણ થઈ તેવી કેવલના ઘરમાં પણ ગોઠવણ કરી જ દીધી છે.' - સરોજબેન બોલ્યા.
'તું કહેવા શું માગે છે.' - અખિલેશે કહ્યું.
'બેટા અમને મૂડી કરતા વ્યાજ વધારે વહાલું હોય તો તેના સારા માટે અમારે ગોઠવણો કરવી પડે. આજે કેવલની દાદી સીડી ઉપરથી પડવાની છે અને તેને ઓર્થોપેડિક ડોક્ટરની જરૂર પડશે. કલગીએ પણ તૈયારીઓ કરી લીધી છે.' - સરોજબેન બોલ્યા. કિન્નરી તથા તેઓ હસી પડયા. અખિલેશ પણ મલકાઈ ગયો.