Get The App

સચિન યાદવ : ભારતીય ભાલા ફેંકની ઉજ્જવળ આવતીકાલનો ચમકારો

Updated: Jun 8th, 2025

GS TEAM


Google News
Google News
સચિન યાદવ : ભારતીય ભાલા ફેંકની ઉજ્જવળ આવતીકાલનો ચમકારો 1 - image


- Sports ફન્ડા - રામકૃષ્ણ પંડિત

- ઉત્તર પ્રદેશના છ ફૂટ અને પાંચ ઈંચ ઉંચાઈ ધરાવતા સચિને એશિયન ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક જીતી ઈતહાસ રચ્યો

પરિવર્તનનો પવન સતત વહેતો રહે છે અને સમયની ધારા જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ નવા આશ્ચર્ય અને પ્રતિભાનો ઉદય થતો રહે છે. દરેક ક્ષેત્રમાં અનેક પ્રતિભાનો ખજાનો છુપાયેલો હોય છે અને તે સમયાંતરે પોતાની ઓળખરુપ ચમકારો દેખાડીને વિશ્વનું ધ્યાન ખેંચે છે. તેની જ સાથે એક આગવી અને ઉજ્જવળ આવતીકાલની આશા પણ જન્મ લે છે, જે વર્તમાનના વારસાને ભવિષ્યમાં વધુ ઊંચાઈ પર પહોંચાડવાનો ભરોસો જગાવે છે. અલબત્ત, તેના માટે સાતત્ય સાથે વધુ મહેનત કરવાની તૈયારી રાખવી પણ જરુરી છે. જેના આધારે જ આશાના કિરણને હકીકતના ઝળહળાટમાં ફેરવી શકાય છે. 

ભારતીય એથ્લેટિક્સમાં નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ઓલિમ્પિકમાં સુવર્ણ અને રજત ચંદ્રક જીતવાની સાથે વિશ્વ વિજેતા બનનારા સૌપ્રથમ ભારતીય તરીકેની સીમાચિહ્નરુપ સિદ્ધિ હાંસલ કરી. તેની સફળતાના પગલે ભારતીય એથ્લેટિક્સ જગતમાં જાણે નવો પ્રાણ ફૂંકાયો અને ટોકિયો ઓલિમ્પિક - ૨૦૨૧માં નીરજની સિદ્ધિ બાદ છેલ્લા ચાર વર્ષ દરમિયાન વિશ્વ એથ્લેટિક્સની વિવિધ સ્પર્ધામાં ભારતીય સિતારાઓનો ચમકારો જોવા મળી રહ્યો છે. નીરજની ભાલા ફેંકની રમતમાં પણ ભારતના અન્ય ખેલાડીઓએ આગવો પ્રભાવ પાડયો છે અને તેમાં હવે ઉત્તર પ્રદેશના ૨૫ વર્ષના સચિન યાદવે શાનદાર દેખાવ સાથે નીરજના ભાલા ફેંકના વારસાને આગળ ધપાવવાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે.

સાઉથ કોરિયાના ગુમીમાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ સાથે સીધી સ્પર્ધામાં ઉતરેલા સચિન યાદવે રજત ચંદ્રક જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે. નીરજની ગેરહાજરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ થયેલો પડછંદ કાયા ધરાવતો સચિન જાણે આગામી દિવસોમાં પાકિસ્તાનના અરશદ નદીમ સામે તેની બરોબરીનો જ હરિફ બની રહે તેવી આશા ભારતીય એથ્લેટિક્સના ધુરંધરો રાખી રહ્યા છે.

અરશદ નદીમની ઉંચાઈ છ ફૂટ અને ચાર ઈંચ છે, તો સચિન યાદવની ઉંચાઈ છ ફૂટ અને પાંચ ઈંચ છે અને ભાલા ફેંકની રમતમાં ઉંચાઈનો ફાયદો મળતો હોય છે. એશિયન એથ્લેટિક્સ એ સચિનની પહેલી જ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા હતી, જેમાં તેણે વ્યક્તિગત શ્રેષ્ઠ દેખાવ કરતાં ૮૫.૧૭ મીટર અંતર હાંસલ કરીને રજત ચંદ્રક જીત્યો હતો. જ્યારે અરશદે તેના કરતાં ૧.૨૪ મીટર વધુ દૂર ભાલો ફેંકને સુવર્ણ મેળવ્યો હતો. માત્ર થોડા માટે ઓલિમ્પિક ચેમ્પિયન સામેની ઐતિહાસિક જીતથી ચૂકી ગયાના રંજ કરતાં સચિનને પહેલી જ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં શાનદાર સફળતાનો આનંદ વિશેષ છે અને તે હવે વધુ મહેનત કરીને નવા શિખરો સર કરવા તરફ મીટ માંડી રહ્યો છે.

સચિન યાદવની થ્રો કરવાની શૈલી અરશદ નદીમને મળતી આવે છે અને આ જ કારણે તેને લાંબી રેસનો ઘોડો માનવામાં આવી રહ્યો છે. ઉત્તર પ્રદેેશના પશ્વિમી વિસ્તારમાં આવેલા બાગપતના ખેેકરા નામના નાનકડા ગામમાં ખેડૂત પરિવારમાં જન્મેલા સચિને યુવાનીના ઉંબરે ડગ માંડયા ત્યાં સુધી તો તેને ખબર જ નહતી કે, ભાલા ફેંક કોને કહેવાય ?  ખેતી કામ કરીને ઘડાયેલા સચિન માટે ક્રિકેટ એકમાત્ર આનંદ મેળવવાનું માધ્યમ હતું. તે ઘણો સારો બોલર હતો અને બેટિંગમાં પણ ચોગ્ગા-છગ્ગા ફટકારી લેતો. 

ગામમાં જ એક સમયે ચાલી રહેલી મેચમાં ૧૮ વર્ષનો સચિન બોલિંગ નાંખી રહ્યો હતો, ત્યારે તેના પર પાડોશમાં રહેતા સંદીપ યાદવની નજર પડી. તે ખડતલ સચિનના બાહુબળથી ખાસ પ્રભાવિત થયો. તે જે ઝડપથી બોલિંગ કરતો તે જોઈને ભાલા ફેંકના ખેલાડી રહી ચૂકેલા સંદીપે તેને સલાહ આપી કે, તારા ખભા આટલા મજબુત છે તો તું ભાલા ફેંકની રમતમાં શા માટે નથી જોડાતો ? સચિનના પરિવારમાં કોઈ રમતવીર નહતું અને ખેડૂતપુત્ર માટે રમતના મેદાનને જિંદગીના રાજમાર્ગ તરીકે પસંદ કરવાનો નિર્ણય આસાન નહતો. જોકે, સંદીપના વિશ્વાસ અને આગ્રહને કારણે તેણે ભાલા ફેંક શરુ કરવાનો નિર્ણય લીધો. 

સંદીપના માર્ગદર્શનમાં સચિને પોતાના ખેતરમાં જ તૈયારીઓ શરુ કરી અને પહેલા તો તે વાંસના ભાલાથી પ્રેક્ટિસ કરતો. આ સમયે જ કોરોના ત્રાટક્યો અને આખી દુનિયા ઠપ થઈ ગઈ. જોકે સચિને તેની પ્રેક્ટિસ જારી રાખી. તેણે જિલ્લા અને રાજ્યસ્તરની સ્પર્ધાઓમાં ભાગ લેવા માંડયો, પણ તેની ટેકનિક ભૂલ ભરેલી હતી અને તેના કારણે સફળતા ખુબ જ મર્યાદિત રહી. વળી, વારંવાર ઈજાના કારણે તેની કારકિર્દીને ગ્રહણ પણ લાગવા માંડયું. એક સમયે તો ઉપરાઉપરી બે વખત જે હાથે થ્રો કરતો હતો, તે હાથ પર જ કોણીનું ફ્રેક્ચર થયું. આ કારણે તેની હિંમત તુટવા માંડી. જોકે પરિવારજનોએ તેને મદદ કરી. પિતાએ લોન લઈને પણ પુત્રની સારવાર કરાવી અને તેને સ્પર્ધામાં ટકી રહેવા માટે માનસિક રીતે પણ તૈયાર કર્યો. 

પરિવારનો તેના પરનો ભરોસો અને સમર્પણ જોયા બાદ સચિને નક્કી કર્યું કે, મારે પણ એવું વિશિષ્ટ પ્રદર્શન કરવું જ પડશે, જેથી પરિવારજનોએ જે ભોગ આપ્યો છે, ત સાર્થક થાય. આ પછી તેણે ઉત્તર પ્રદેશની રાજ્ય સ્તરની સ્પર્ધા જીતી અને ત્યાર બાદ ૨૦૨૩ના ફેડરેશન કપમાં ૮૦.૨૭ મીટરના થ્રો સાથે કાંસ્ય સફળતા મેળવી. જોકે તેણે ૮૦ મીટરના માઈલસ્ટોનને પાર કર્યો, તેનાથી ભાલા ફેંકના દિગ્ગજોની નજર તેના પર પડી. તેણે દેશના એલિટ એથ્લીટની સાથે પ્રેક્ટિસની તક મળી. 

રાષ્ટ્રીય સ્તરની સફળતા બાદ ૨૦૨૪માં તેણે ભાલા ફેંકના જાણીતા કોચ નવલ સિંઘે તાલીમ આપવાનું નક્કી કર્યું અને સચિન ઉત્તર પ્રદેશ છોડીને દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવા માંડયો. આ તાલીમના ગણતરીના મહિનાઓમાં જ તેણે જુનમાં યોજાયેલી ઈન્ડિયન ગ્રાંં પ્રિમાં ૮૨.૬૯ મીટરનો થ્રો કરીને ખળભળાટ મચાવ્યો. આ પછી ઓપન નેશનલમાં ૮૦.૦૪ મીટરનો થ્રો કર્યો. તેની આ સિદ્ધિની નોંધ ભારતના ડબલ ઓલિમ્પિક મેડાલીસ્ટ અને વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરાએ પણ લીધી અને તેણે ખાસ મેસેજ મોકલીને સચિનને અભિનંદન પાઠવ્યા હતા. 

રાષ્ટ્રીય સ્તરના શાનદાર દેખાવ બાદ સંદીપની પસંદગી ભારતીય ટીમમાં થઈ અને તેણે સાઉથ કોરિયાના ગુમીમાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સમાં રજત ચંદ્રક હાંસલ કરી બતાવ્યો. સચિન કહે છે કે, જ્યારે મને નીરજભાઈ મળ્યા, ત્યારે તેણે પણ મને અભિનંદન પાઠવતા કહ્યું હતુ કે, ભાલા ફેંકની વિશિષ્ટ જર્ક આપીને ભાલો છોડવાની ટેકનિક છે, તે તારી કુદરતી બક્ષિસ છે. આવી જ ટેકનિક અરશદની પણ છે. જોકે અરશદ વધુ અનુભવી અને તકનિકી રીતે ઘડાયેલો છે. સચિનના મનમાં નીરજની આ વાત ઉતરી ગઈ છે એટલે તેનું ધ્યાન ટેકનિકમાં સુધારો કરવા તરફ છે અને તેની સાથે ૨૦૨૮ના લોસ એંજલસ ઓલિમ્પિકમાં ક્વોલિફાય થવાના લક્ષ્ય સાથે તૈયારીમાં લાગી ગયો છે.

Tags :