ન ગુસ્સે સે મિલતી હૈ કામિયાબી, ના તાકત કા દમ ચલતા હૈ! જીત તો તબ હોતી હૈ મુકમ્મલ, જબ સાથ મેં પ્યાર પલતા હૈ!
- સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા
- વફાદારી સાથે વ્હાલ ભળ્યા બાદ એમાં વેદના ભળે ત્યારે અંદરથી ધક્કો લાગે છે, કંઈક કરી બતાવવાનો, ઝઝૂમતા રહેવાનો. વેદનાઓ તમને વ્યવસ્થિત કરે છે, તમને વિચારતા કરે છે
- IPLન્માં RCBની 'વિક્ટરી' એ તો 'વિરાટોક્ટરી' છે! આ ઇન્તેઝારની સફર ને વેઇટિંગના સફરિંગનો ચતુષ્કોણ જાણો છો?
''૧૮ વર્ષ. ૧૮ વર્ષમાં ધરતી સૂર્યની ૧૮ વખત અને ચંદ્ર ધરતીની ૨૪૧ વાર પ્રદક્ષિણા કરે છે. ૧૮ વર્ષમાં સૂરજનું વજન સાડા ત્રણસો ટન ઓછું થાય છે. ૧૮ વર્ષમાં માણસના હાડકા બે વખત નવનિર્માણ પામી જાય છે. ૧૮ વર્ષમાં દુનિયામાં સેંકડો ભાષા, હજારો પ્રજાતિઓ લુપ્ત થઈ જાય છે અને બ્રહ્માંડના કંઈકેટલાય તારાઓ ખરી પડે.''
મંગળવાર, ૩ જૂન ૨૦૨૫ના રોજ અમદાવાદમાં આઇપીએલ ફાઇનલ રમાયો ત્યારે અઢાર અઢાર વર્ષની બે મનગમતી પ્રતીક્ષાઓનો ટકરાવ હતો. પંજાબ કિંગ્સ માટે પ્રિટી ઝિન્ટા અને રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુ માટે વિરાટ કોહલી. બેમાંથી કોઈ એકે જ જીતવાનું હતું. બેઉના દિલ આ અઢાર વર્ષમાં ૫૬ કરોડ વખત ધડક્યા હશે ! એક ક્ષણના ઇન્તેઝાર માટે. વિજયની, સન્માનની, ખર્ચેલા સમય અને મહેનતની એક પળ માટે કેટલા મહેણા ને ટોણા (આ કંઈ સાસુ-વહુની સીરિયલોમાં હોય એવું નથી, ઉલટું સોશ્યલ મીડિયા પર વધુ હોય.) છતાં. ટીમને આરસીબીને બદલે 'હારસીબી' કહી મજાક ઉડાવાયા છતાં. આ આગળ આરંભે ફકરો લખ્યો એ સોશ્યલ મીડિયામાં રેહાન અહેમદની પોસ્ટ હતી.
જેમાં એ પણ લખે છે ઃ 'ક્યારેક લોકોએ એના પર મજાક બનાવી, ક્યારેક પોતે પણ પોતાની મજાક ઉડાવી. પણ બધી હાર ને હતાશા છતાં આજે આરસીબી આગળ ચેમ્પિયન્સ શબ્દ જોડાઈ ગયો છે, તો એ જૂનું સત્ય - નવેસરથી સાચું સાબિત થયું છે કે વફાદારીવાળી મહોબ્બતમાં ઇન્તેઝાર તો હોય છે પણ દગો નથી હોતો ! લોયલ્ટી ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સીવ થિંગ ઇન ધ વર્લ્ડ, નોટ એવરીવન કેન અફોર્ડ ઇટ.'
યસ. વિરાટ ભારતની તોતિંગ બ્રાન્ડ છે. વર્લ્ડ ફેમસ. સોશ્યલ નેટવર્ક માર્કેટમાં સ્પોર્ટ્સની બાબતે તો નંબર વન ફોલોઅર્સ વિશ્વ ધરાવે છે પણ આ જીત એટલે ટીમ કરતાં કેપ્ટન કે મેન ઓફ ધ મેચ ન હોવા છતાં વિરાટની થઈ ગઈ કે એમાં ૧૮ વર્ષનું કમિટમેન્ટ ભળી ગયું ! આઇપીએલમાં ફ્રેન્ચાઇઝી બિઝનેસ મોડેલ મુજબ કામ કરે. રોહિતની જગ્યાએ હાર્દિક આવે, શ્રેયસ ગયા વર્ષની વિજેતા ટીમમાંથી નીકળે... બધું થાય પણ ધોનીની સીએસકે ને વિરાટ આરસીબી પર્યાય રહ્યા. ધોનીએ તો મજબૂરીમાં એકવાર ટીમ બદલવી પડી, પણ વિરાટ ને આરસીબી તો જનમોજનમના બંધનની જેમ અતૂટ ગાંઠે જોડાયેલા રહ્યા. તમે થોડી લાલચ જતી કરીને, થોડો ભોગ આપીને પણ વફાદારીથી ક્યાંય કમિટેડ રહો તો એની કદર પણ થાય છે, ને એક સલામતીની નિરાંત પણ રહે છે. પરસ્પરનો ભરોસો બેસી જાય ને નબળી પળે, પરાજયની ક્ષણોમાં આ 'દુનિયા ભલે જે બોલે, આ સાથ નહિ છોડે' વાળો વિશ્વાસ એક પાવર જનરેટર બનતો હોય છે. કોર્પોરેટ વર્લ્ડમાં મહિનાઓમાં જમ્પ લાગતા હોય કોઈ બેટર ચાન્સ કે પેકેજ માટે ત્યારે 'રીલ રમકડાં' બનેલી જનરેશન માટે આ બહુ 'વિરાટ' દ્રષ્ટાંત છે ટકી રહેવાનું !
એટલે એવું થાય કે રજત પાટીદાર કેપ્ટન હોવા છતાં ને કાબેલિયત પુરવાર કરવા છતાં લાઇમલાઇટ વિરાટના ફાળે જાય ! કારણ કે ચાહકોએ એક સીરિઝ કે એક મેચ નથી જોયો. અઢાર વર્ષની પ્રતીક્ષા જોઈ છે અને છતાં એક જગ્યાએ અડગ રહેવાની ક્વોલિટી જોઈ છે. 'રોયલ્ટી' મેળવી લેવાના આ જમાનામાં 'લોયલ્ટી' અઘરી વાત છે. લોકો થોડાક પૈસા માટે મિત્રોનો વિશ્વાસઘાત કરી ફૂંકી મારે છે. થોડીક ચણભણમાં હર્ટ થઈને સ્વજનો એકમેકના હાડોહાડ દુશ્મનો બની જાય છે. ત્યારે વફાદારીનું મૂલ્ય સોનાના ભાવની જેમ વધે છે. માથાકૂટ પણ અઢાર વર્ષમાં થાય ને મીઠાશ પણ રહી હોય. શું યાદ રાખો છો, એ તમને ડિફાઇન કરે છે. હારી રહેલી ટીમ સમજીને કોહલીએ છેડો ફાડયો નહિ, એ જ એની વ્યક્તિગત જીત છે.
છેલ્લા થોડા સમયથી વધુ આધ્યાત્મિકતા તરફ ઢળી રહેલા દેખાયેલા વિરાટ- અનુષ્કાનો એક વિડિયો વૃંદાવનના પ્રેમાનંદજી પાસેનો ખાસ્સો પોપ્યુલર છે. જેમાં એ મહારાજજી મૂળ તો આધ્યાત્મિક સાધનાની દ્રષ્ટિએ પણ ક્રિકેટના ગ્રાઉન્ડથી બિઝનેસની ઓફિસ સુધી ઉપયોગી થાય એવી વાત કરેલી કે, 'પ્રતિકૂળતા પણ ભગવાનની કૃપા છે, ખરું. બધું અનુકૂળ જ ચાલે તો માણસને સંસારનો અસલી ચહેરો દેખાતો નથી. પ્રતિકૂળ થાય કશુંક ત્યારે તરત પારકા ને પોતીકાંનો ભેદ દેખાય છે. સલાહ આપનારા ને સાથ આપનારા જુદા તરી આવે છે. કટોકટીની કસોટી પણ ઘડતરનો કૃપાપ્રસાદ હોઈ શકે છે. જો એમાં અડગ રહીને લક્ષ્ય તરફ મહેનત કરવાનું ચાલુ રાખો તો !'
ગરબડ એ છે કે ભલે આઇપીએલ પછી પેલું સુખ્યાત એસઆરકે ફિલ્મી ક્વૉટ બધાને યાદ આવ્યું છે કે, 'અગર કિસી ચીજ કો શિદ્દત સે ચાહો તો પૂરી કાઇનાત તુમ્હે ઉસે મિલાને મેં મદદ કરતી હૈ' પણ પડદા પાછળની વાસ્તવિકતાનો અનુભવ એવો હોય છે 'અગર કિસી ચીજ કો શિદ્દત સે ચાહો તો પૂરી કાઇનાત તુમ્હારે રાસ્તે મેં ટાંગ અડાને આ જાતી હૈ ! ખીખીખી'
બસ, આવે વખતે જ, કિસ્મત કે કાઇનાત ટાંગ અડાવે ત્યારે જેની જરૂર પડે એ છે સથવારો. દિલોજાન દોસ્ત, કોઈ પ્રિય પરિવારજન કે કોઈ લાઇફ પાર્ટનર. જેના ખોળામાં માથુ નાખી રોયા હોઇએ એના જ ખભે વિજય પછી માથુ ઢાળવાનું મન થાય એવો. પુરુષનું પરાક્રમ અને સ્ત્રીનો પ્રેમ એ અપવાદો બાદ કરતા કુદરતી ગુણ છે. આ આપણી આંખોમાં પણ આંસુ લઈ આવતી ઘટનામાં એનો સંગમ છે.
હા, મૂળે બેંગ્લોરની જ અનુષ્કા. આર્મીના બેકગ્રાઉન્ડથી આવી છે ઘણી બોલીવૂડ હીરોઈનોની માફક. ટિકિટના કાવડિયા પણ ના હોય ને ટ્રોલ કર્યા કરે હિન્દી ફિલ્મોને એવા બોયકોટ કકળાટિયાઓએ જ એને પનોતી ઠેરવી દીધેલી. એના કપડાં કે બોલ્ડ મોડર્ન લૂકને સંસ્કારહીન ગણેલો. વિજેતા પતિને મેદાનમાં ભેટવા સાડી જ પહેરવી ફરજિયાત નથી. ઈટ્સ ઓલ એબાઉટ ચોઈસ. સ્કર્ટ પણ ચાલે ને આપણે જે કૈલાસના શિખરે રહેલા હિમની જેમ થીજીને રૂપેરી ચમકતી પળ જોઈ એ મિલનની, એમાં અનુષ્કાએ હજુ પરંપરાગત પરિવારોમાં સાસુસસરા 'મંજૂરી ના આપે' એવા શર્ટને પેન્ટમાં દોટ મૂકેલી. દીકરી વામિકાનો ચહેરો કેમેરામાં આવશે એ પરવા કર્યા વિના. વસ્ત્ર મહત્વના નથી, વ્હાલ મહત્વનું છે. નેહલબહેન ગઢવી કહે છે એમ ''પુરૂષે મેદાન સંભાળ્યું ત્યારે સ્ત્રીએ પુરૂષને સંભાળ્યો ! રડતાં તૂટતાં પુરૂષને જ્યારે પત્ની (કે પ્રિયતમા) સંભાળતી હોય ત્યારે સ્મિત ને સફળતાનો આનંદ વહેંચવા પુરૂષ એની પાસે પહેલો પહોંચે !''
વફાદારીમાં ઉમેરાતું આ વ્હાલ વ્યક્તિને વિરાટ બનાવે છે ! વફાદારી એકપક્ષીય હોય તો શુષ્ક થતી જાય, સામે પક્ષે પણ ક્યારેક વ્હાલ ઠલવાઈ જવું જોઈએ જેનો પ્રતિસાદ વળતો પ્યાર જ હોય. શબરી તો અનંત પ્રતીક્ષા કરે, પણ રામ પણ એંઠા બોર ખાઈને એને પરમ તપસ્યામાં ફેરવી દે, એ વાત છે. વફાદારીનું આયુષ્ય જ પરસ્પર વહેતા ને વિકસતા વ્હાલના સમપ્રમાણમાં હોય છે !
ફલેનબોયન્ટ યાને છેલછોગાળા લાગતા એગ્રેસીવ વિરાટને આ જીવનસાથીના અખૂટ વિશ્વાસે અને સ્નેહે આજે પરિપકવ બનાવ્યો છે. હવે એનો કપ કોઈ ટુર્નામેન્ટમાં મળે એ નથી. ફેમિલી સાથે હોઈએ ને જે સુખનો અનુભવ થાય, એ છે. વિરાટ અનુષ્કા કદાચ લંડન રહેવા જતા રહેશે. કદાચ વિરાટને જ હવે સચિનનો રેકોર્ડ તોડવાની એટલી ભૂખ નથી રહી. કેપ્ટનશિપના આંકડા સ્ટ્રોંગ હોવા છતાં એનો એટીટયુડ એટલો સ્ટ્રોંગ ન રહ્યો સ્ટ્રેટેજીક એટલે ટૂંકા ગાળામાં રોહિતને જે મળ્યું એ મોટી ટુર્નામેન્ટમાં વિરાટને વધુ મજબૂત મોકા છતાં ન મળ્યું. પણ બેટધર તરીકે તો એ શાનદાર રહ્યો. છેલ્લે ફોર્મ થોડું લથડયું પણ એવું નહિ કે એણે કાયમ માટે એનું જ ગમતું ફોર્મેટ ટેસ્ટ છોડવું પડે. પણ જુનિયર કેપ્ટન નીચે રમવું નહિ હોય કે કોઈ મોહભંગ હોય, મનાવ્યા છતાં એણે અચાનક નિવૃત્તિ લઈ લીધી. છેલ્લી સીરિઝનું બહુમાન પણ ન લીધું, પ્રેક્ષકો વચ્ચેથી વિદાય લેતા ખેલાડીનું!
એટલે તો આ આઈપીએલ ફાઇનલ એક રીતે કરોડો ક્રિકેટચાહકો માટે ટેસ્ટ ક્રિકેટર વિરાટ કોહલીનો નિવૃત્તિ વિદાયમાન સમારંભ પણ હતો ! પણ આ આડવાત એટલે લખી કે વિરાટનો ભલે કેપ્ટનશિપમાં કપ ન મળ્યો કોઈ મોટો કે નિવૃત્તિ સન્માન ન થયું ટેસ્ટમાં. એનો સૌથી મોટો કપ, સૌથી મોટું સન્માન, સૌથી મોટી મૂડી જ એની પ્રેરણા ને પ્રોત્સાહન આપીને, નબળી પળોમાં કજીયા કરવાને બદલે વધુ બળ આપીને, સબળી પળોમાં ઉત્સવની ઉજાણી માટે સાથ આપીને, પૂરેપૂરો ટેકો દરેક સ્થિતિમાં આપતી પ્રિય પ્રેયસીપત્ની અનુષ્કા છે. એ જ વિરાટની સૌથી મોટી કેપિટલ/કમાણી છે. બેન્કમાં પડેલી રકમો નહિ !
૧૯૭૯માં એક ફિલ્મ આવેલી રાકેશ રોશનની. 'ઈકરાર.' ભપ્પી લહેરીએ એમાં એક સુમધુર ડયુએટ કમ્પોઝ કરેલું રફી અને સવિતા સુમનના અવાજમાં ''સાથી રે ગમ નહીં કરના... જો ભી હો, આહેં ના ભરના... જીવન હૈ ઈકતારા, ઈસકા હર સૂર પ્યારા...'' યસ, જીવનધારામાં પડખે આવી કોઈ એક ચટ્ટાન બનીને જોડે રહેતી વ્યક્તિ હોય તો પછી એના તોફાનોમાં પાર ઉતરી જવાય છે ! આમ ભલે વિરાટ એક આક્રમક 'મરદ' લાગે મેદાન પર. પણ ઓન ધ ફિલ્ડ વિરાટ ઓફ ધ ફિલ્ડ વધુ વિરાટ છે.
આપણા રિગ્રેસિવ યાને રૂઢિચુસ્ત લાગણીદુભાઉ સમાજ સામે વિરાટનું સ્ટેન્ડ કાયમ પ્રોગ્રેસીવ યાને પ્રગતિશીલ રહ્યું છે. લવમેરેજ કોઈ પાપ હોય અને ફેશન કોઈ અપરાધ હોય એમ ભડકીને આખલા થઈ જતા શિંગડાપૂંછડાવાળા સમાજમાં પ્રેમલગ્ન ને મોડર્ન લાઈફ સ્ટાઈલ બાબતે વિરાટ અનુષ્કાની જોડી એક ઉદાર ઉદાહરણ છે. વિરાટ કાયમ પબ્લિક પ્રેશર સેલિબ્રિટીનું હોવા છતાં આ બાબતે સામા પ્રવાહે જીવ્યો છે. અને એટલે આ મુકાબલામાં એ કાયમ જીત્યો છે. અરે નફરતી નમૂનાઓની વસતિ ગણતરી સૌથી વધુ થાય એવા સમયમાં કોમવાદ કે કટ્ટરવાદ સામે પણ એનું સ્ટેન્ડ અણનમ અડીખમ રહ્યું છે. ધોનીનો અને શાસ્ત્રીનો આ ફેવરિટ ચેમ્પીયન એ બેઉના પગલે જીવવામાં બિનધાસ્ત (બિન્દાસનો સાચો શબ્દ, ધાસ્તી વિના ડર્યા વિના જીવવાનું !) છે, ને બેવડાં ધોરણો રાખતો નથી.
અને વફાદારી સાથે વ્હાલ ભળ્યા બાદ એમાં વેદના ભળે ત્યારે અંદરથી ધક્કો લાગે છે, કંઈક કરી બતાવવાનો ઝઝૂમતા રહેવાનો. વેદનાઓ તમને વ્યવસ્થિત કરે છે, તમને વિચારતા કરે છે. તમારા વિવેકને ઢંઢોળે છે. વેદનાની એક પ્રતિક્રિયા છે, વિવેકપૂર્ણ વિચાર બંધ થઈ જાય એ. એ ફેઈલ્યોરને ડિપ્રેશનનો હાઈવે છે. બીજી પ્રક્રિયા છે વિચારશીલ બનીને વધુ વ્યવસ્થિત બનવું તે ! વફાદારી, વ્હાલ, વેદના, વિચારના ચાર પાયા પર વિજયનું વિરાટ સિંહાસન રચાય છે. જાણે કોઈ અદ્રશ્ય શક્તિનું વરદાન મળે છે. ૧૮ વર્ષની પ્રતીક્ષા તોડીને ધીરજ ખૂટાડે, પણ ફોક્સ પરિણામ કરતાં કર્મ ઉપર ટ્રાન્સફર થાય તો એક આત્મવિશ્વાસ એવો જાગે, જેના પર લોકો વિશ્વાસ કરે ને પછી શ્વાસ પણ થંભી જાય એવા જયઘોષમાં બધા જોડાય !
(શીર્ષક ઃ ઘનશ્યામ પરમાર)
ફાસ્ટ ફોરવર્ડ
પૂરી ધરા ભી સાથ દે તો
ઔર બાત હૈ
પર તૂ જરા ભી સાથ દે તો
ઔર બાત હૈ !
(કુંઅર બેચૈન)