વહાલી વારલી લોકચિત્ર કળા
- રસવલ્લરી-સુધા ભટ્ટ
કળાદેવીનાં પૂર્વજન્મ અને પુનઃજન્મ
લોક કલાનાં કેટકેટલાં અંગ! શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, નાટક, ગીત, સંગીત અને લોકસાહિત્ય તો સૌથી લોકપ્રિય શિરમોર સમું. આ દરેક અંગનું આગવું મહત્ત્વ છે. ઓળખ છે અને એને અનુરૂપ સ્થાન પણ. લોકકલાના વિવિધ ક્ષેત્રને તેની ઉંમર સાથે પણ સીધો સંબંધ છે. ક્યાંક વળી, તેની વિકાસ રેખા પણ લોકોની જાણમાં હોય છે પરંતુ બહુધા રસિકોને કલાની આજ અને કાલમાં રસ હોવાથી, તેના ભવિષ્યની ચિંતા હોવાથી એના અસ્તિત્વને ટકાવી રાખવાની નેમ-ઇરાદા અને પ્રયાસમાં પલટાઈ જાય છે.
કલાની ગઈકાલ આમ તો આજની અને આવતીકાલની કલાના મૂળમાં ક્યાંક સંતાયેલી અનુભવાય છે તો વળી, ક્યાંક એ સમૂળગી વિસરાયેલી જ લાગે છે. રૂપ, સ્વરૂપ, રૂખ બદલતી કળાસુંદરી કાળક્રમે આધુનિકા બની જાય ત્યારે બદલાયેલી અનેક કળાઓ ભેળી થઈને એક અલગ સંપુટ બની જાય તો નવાઈ નહિ. આપણી પ્રાચીન લોકચિત્રકળા વારલી, ઑસ્ટ્રેલિયાની એલ ઓરિજિનલ, ન્યૂઝીલેન્ડની માઉરી એકમેક સાથે હસ્તધૂનન કરે તો એમાંથી એક જ અવાજ ઉઠે.... 'અરે! અમે તો આદિવાસીઓનાં ફરજંદ છીએ. કયાંક તો કોઈ એકમેકને યુગો પહેલાં મળ્યાં જ હોઈશું... નહિં ?' દક્ષિણ ગુજરાતનો છેડો જ્યાં મુંબઈ-મહારાષ્ટ્રને અડે ત્યાં પાલઘર જિલ્લે ગામ પાલઘર, દહાણુ, તલસારી, જૌહર, મોખડા, વિક્રમગઢ આદિ આદિવાસીઓને સાચવીને જીવતા જોવા મળે. જવળ (નજીક) જ થાણે જિલ્લાના ગામોમાં પણ આદિકળાઓ ધમધમતી અનુભવાય.
મહારાષ્ટ્રમાં ઉત્તર સહ્યાદ્રિ પર્વત શ્રેણીની ટોચે બિરાજે વારલી
મુંબઈની ઉત્તરે વસેલા, આધુનિકતાની અસરને ઝીલતા કલાકારોનો સમાજ હવે શિક્ષણોન્મુખ છે. ગલીગૂંચીમાં, ગ્રામ્ય વાતાવરણમાં, સાંકડા ઘરમાં મોકળા મનના કલાકાર કસબીઓના પરિવારજનો હવે અન્ય નોકરી ધંધા તરફ મીટ માંડતા થયા છે. ગામ, જ્ઞાતિ, લોકચિત્ર કળા અને પોતાની ભાષા પણ વારલી. ગુજરાત અને મહારાષ્ટ્રની અસર ઝીલતા આ આદિવાસીઓની મિશ્ર ભાષા રીત રિવાજ, સંસ્કૃતિના સરવાળાની હજુ એ જ દશા અને દિશા જણાય. રહેણીકરણી અને કળાની મિશ્ર લોકશૈલી અનુભવાય. દાદરા નગર હવેલી, દમણ, દીવના સહવાસે ઇન્ડો આર્યન ભાષા અહીં સઘળે પ્રવર્તે. એમાંથી કોઈ એકના 'ગૃહ'માં જો આપણો 'પ્રવેશ' થઈ શકે તો તરબતર થઈ જઈએ. એવા જ એક અદના કલાકાર ભીમાનું ઘર જોયું ત્યારે એને કોઈ પણ મહેલથી ઓછું ન આંકી શકાયું. ગૃહસ્થે ગૃહિણી સાથે કઈ રીતે વર્તવું તેની આચારસંહિતા પણ અહીં જ અનુભવાઈ. મૂળે તો વારલી ભીંતચિત્ર કળા માત્ર સ્ત્રીઓનો જ ઈજારો હતો. પછી તો ભીંત ઘરની બહારની હોય કે અંદરની. સુવાંગ માટીનાં એ ઘરમાં કુદરતી 'એર કન્ડિશનર' અનુભવાય. કાચલીના કચોળામાં રંગ અને ટેરવે નીતરતી કળા એ એમની ઓળખ. વૃક્ષની ડાળીઓ, માટી, છાણ, લાલ ઈંટનો ભૂકો ભેળો કરીને ગાર માટીની ગેરુઆ રંગ સાથેની ભીંત તૈયાર થાય. વાંસની દાંડીને દાતણની જેમ ચાવીને પેઈન્ટિંગ બ્રશ બનાવાય. લીંપણ ઉપર ચોખાના લોટમાં પાણી અને ગુંદર ભેળવેલ રંગની ચમત્કૃતિ અનુભવાય. આ કળાના મૂળનું કોઈ દસ્તાવેજી કરણ નથી પણ તે દસમી સદીના આરંભથી ડોકાયેલી, આદિવાસી પ્રજાના રોજિંદા જીવનની ઝાંખી કરાવતી કળા છે તે નિર્વિવાદ સત્ય છે.
વારલી ચિત્રકળામાં છે ભીની ભીની માટીની સોડમ
૧૯૭૦ના આરંભકાળમાં થયેલા સંશોધનનું નજરાણું એવી આ ચિત્રકળા એ પછી જ જાણે અસ્તિત્ત્વમાં આવી એમ લાગે. ભીંત એ જ કેનવાસ - એ જ પરંપરાગત શૈલી અને એ ચિત્રો આદિવાસીની ભીંતને અને પંચતારક હૉટલને-દરેકને દિલ દઈને એકસરખી શણગારે. બિહારની 'મધુબની' જેવી સંકુલ કળાની સામ વારલી ચિત્રકળા અત્યંત સરળ અને સાદી છે. અરે! ચોરસનું અર્થઘટન તો જુઓ! માનવીએ શોધી કાઢ્યું કે ધરતી માતાના કોઈ નિશ્ચિત પવિત્ર ખંડ માટે ચોરસભાગ શોધવો. ને નામ અપાયાં ચોક કે ચોખટ. ચોક એટલે જ દેવ ચોક અને ચોખટ એટલે લગ્નચોક. દેવચોકમાં બિરાજતા 'પાલઘાટ' દેવીમા. કુદરતી તત્ત્વોનાં ગતિશીલ અને સતત ગતિ પકડતા ચિત્રોમાં દેવીમાને સર્જનના પ્રતીક તરીકે ચિતરવામાં આવે. પુરુષ દેવની કક્ષાએ અને માનવાકૃતિઓમાં દેવ દેખાય. ચિત્ર કોઈ પણ વિષયનાં હોય - મધ્યસ્થાને શિકાર, માછલી પકડવી, ખેતી કરવી, વૃક્ષો, પ્રાણીઓનાં મોટિફ-બુટ્ટા મળે. આરંભથી તે વર્ષો - સૈકાઓ સુધી માધ્યમ ગેરુઆ લીંપણ અને ચિત્ર ધવલ રેખાંકનો પૂર્ણ. ઉત્સવો, રીતિરિવાજ, મેળા, નૃત્યો, ધાર્મિક વિધિ વગેરે ચિત્રોમાં પ્રાણ પૂરે. કોઈ વળાંક ભરપૂર આકાર નહિ પરંતુ સાદા સીધા ભૌમિતિક આકારો - જે અર્થસભર જ હોય. આકૃતિઓમાં બે ત્રિકોણના ઉપલા ખૂણિયાને મેળવીને કરાય. સ્ત્રીના ચિત્રમાં નીચેનો ત્રિકોણ પહોળો, પુરુષમાં ઉપરનો. રોજિંદા વ્યવહારોનું અંકન સહજ સુંદર. એક અગત્યનો વિષય છે ટરપા નૃદ્વ, ટ્રમ્પેટ જેવું વાદ્ય લઈ નાચતો કલાકાર. તેની ફરતે અન્ય કલાકારો અને પ્રેક્ષકો વર્તુળમાં ફરે જે ''જીવનચક્રના પ્રતીક'' કહેવાય.
પ્રકૃતિને શરણે વસતી વારલી કળામાં નૈસર્ગિક તત્ત્વોનું અંકન
પ્રાગ ઐતિહાસિક ગુફા ઉપરનાં ચિત્રો સાથે સામ્ય ધરાવતા ચિત્રોમાં લાગણીનાં નિરૂપણ સાથે ક્વચિત લાલ કે પીળા ટપકાનું સંકલન દેખાય. બધું જ પ્રતીકાત્મક. પવિત્ર ચિત્ર પ્રણાલી. રિવાજ અને લગ્નોત્સવ લોકોને પ્રેરણા આપે. આ ચિત્રો પ્રભુની શક્તિને ઉજાગર કરે. આ ચિત્રોમાં સીધી રેખાને બદલે ટપકાં અને તૂટક લાઈન વિશ્વ સર્જે. અલબત્ત, આધુનિક વારલી ચિત્રોમાં સીધી લીટી દેખાય છે. હવે સાઇકલ, કપ, વિમાન જેવાં નવાં બુટ્ટાઓ દેખા દે છે. પુરૂષો પણ રસ લઈને કાગળ, કાપડ ઉપર, વિશાળ મ્યૂરલ્સમાં જાદૂઈ અસર ઊભી કરે છે. 'લગ્નાચાચોકાં' 'બારસી ઉત્સવ', 'પેરણ' અને 'આમ્હી આદિવાસી'નો મહિમા છે અહીં. કુદરત તરફ પક્ષપાત અને ઝીણું નિરીક્ષણ આ ચિત્રોની ખાસિયત છે. જિવ્યા સોમા માશે નામના આદિવાસી કલાકારને આ કળાની રક્ષા કાજે પદ્મશ્રી અર્પણ થયેલો. આ તો 'ગ્રાફિક વોકેબ્યુલરી' વ્યક્ત કરતી કળા છે. બ્રહ્માંડના સંતુલની વાત એ લોકો સમજે છે. લીલાછમ પાણે જિલ્લામાં પ્રસ્થાપિત વારલી લોકોને અંગ્રેજ સરકારે વિસ્થાપિત કરેલા પણ ચોખાના પ્રથમ પાકનો 'મુઠ્ઠી' ઉત્સવ ઉજવતા વારલીઓ હવે જાળી ઉપર ચિત્ર કરતા થયા તે કલાકાર અનિલ વાંગડે કરી બતાવ્યું. દીલિપ રામબહોથે ફોરેસ્ટ વારલી થકી પર્યાવરણની રક્ષા કરી. આજકાલ અતિ આધુનિકતાના સ્પર્શે કેનવાસ, પેન્સિલ, અન્ય રંગો થકી વસ્ત્રો વાસણ, કાગળ અને ગૃહશોભા ક્ષેત્રે વારલીનો પ્રવેશ આવકાર્ય છે.
લસરકો :
કળાનાંય ગોત્ર હોય એમ મધ્ય પ્રદેશના ભીમબેટકાના પથ્થરો ઉપરની પ્રાચીન કળાની સગોત્ર છે વારલી કળા.
- કલાકાર યશોધરા દાલમિયા