ઓમકારેશ્વર - અમરેશ્વર જ્યોતિર્લિંગ જોડ
- ઓમકારેશ્વર અને અમરેશ્વરને જોડતી કડી છે રેવાની ઊંડી ખીણો
- રસવલ્લરી- સુધા ભટ્ટ
- અત્યંત શાંત એવા મામલેશ્વરની મુલાકાત ન લઈએ તો ઓમકારેશ્વરની યાત્રા અધૂરી રહે
અ મરકંટકથી આરંભાઈ ભરૂચ પાસેના અરબી સમુદ્રમાં આત્મસમર્પણ કરતી ભવ્ય નદી નર્મદાની ઉપસ્થિતિ જ અખિલ સૃષ્ટિનો અનુભવ કરાવે. સર્વશક્તિમાન મા નર્મદાના આ માર્ગમાં અધવચ્ચે તે માંધાતા પર્વતની ફરતે વહે છે. અહીં જ છે ઓમકારેશ્વર અને બરાબર સામે નદી પાર સ્હેજ દક્ષિણે અમરેશ્વર. લોકબોલીમાં મામલેશ્વરને નામે પ્રસિદ્ધ આ મંદિરમાં પણ જ્યોતિર્લિંગ છે જે ઓમકારેશ્વરના મૂળ જ્યોતિર્લિંગનું જોડીદાર ગણાય છે. જાણે કે એક જ્યોતિર્લિંગનાં બે અડધિયા ન હોય ! અરે ! કેટલાક તો એને 'મિરર ઈમેજ' કહે છે. એકબીજાનાં પૂરક, બન્નેનાં માન-સન્માન બહુ અને ઉભયનું મહત્વ પણ એક સરખું જ.. બેઉ ફાડિયાને આનંદદાયિની મા નર્મદાએ પોતાના આશિષમાં અને પ્રવાહમાં ભીંજવ્યા છે.
અત્યંત શાંત એવા મામલેશ્વરની મુલાકાત ન લઈએ તો ઓમકારેશ્વરની યાત્રા અધૂરી રહે, ખૂબ વ્યવસ્થિત એવા આ મંદિરમાં ભીડભાડ ઓછી. એથી વિપરીત સામા મંદિરમાં ખૂબ ચહલપહલ વરતાય અને કર્મકાંડી બ્રાહ્મણોના સતત વાકબાણ યાત્રીઓને મૂંઝવે, આખા પરિસરમાં ગોકીરો પડઘાય. મામલેશ્વર મંદિરના સ્થાપત્યને - બાંધણીને માણીએ એ પહેલાં જાણીએ કે આખરે છે ક્યાં આ બન્ને મંદિરોનું થાણું ? ભારતના મધ્યપ્રદેશના ઈંદોરથી ૮૬ કિ.મી., ઉજ્જૈનથી ૧૩૩ કિ.મી. ભોપાલથી ૨૬૮ કિ.મી. અને ખંડવાથી ૭૩ કિ.મી.ના અંતરે આ અદ્ભૂત સ્થળ આવેલું છે.
અમરેશ્વર મુખ્ય મંદિર બહાર રસપ્રદ નંદીમંડપની શોભા
ચોરસ, કથ્થઈ આછા-ઘેરા રંગના પથ્થરોની પદ્ધતિસર થપ્પી કરી હોય એમ મંદિરની મુખ્ય દીવાલોને જોઈને લાગે. એ જ થપ્પીઓ 'કૉપી પેસ્ટ' કરેલી શિખરમાં નજરે ચડે. બેઝની દીવાલો પર અને શિખર ઉપર પણ વચ્ચે વચ્ચે ગોખલા ગવાક્ષ અને ઝરૂખા ડોકાય જેમાં શિલ્પની સ્થાપના થયેલી હોય. મુખ્ય દ્વારે બે ગવાક્ષ વચ્ચે બે સ્તંભો ઉપર અડાડેલી બારસાખ સાથેનું બારણું ભાવકોની પ્રતીક્ષામાં ખુલ્લું હોય.
લાકડાના પ્રાચીન કોતરણીમાં ફૂલપત્તી અને કડા-ખીલ્લાવાળા વિશાળ કમાડ ગર્ભગૃહ જતાં પણ સૌનું ધ્યાન દોરે. અંદર પથ્થરનાં ગોળાકાર સ્તંભો ઉપર કોતરણી બેમિસાલ-જેમાં વેલ-બુટ્ટા પથ્થરની ગુણવત્તાને કારણે ચમકે ! અંદર-બહાર બધી ભીંતે પૌરાણિક પાત્રોનાં શિલ્પો ભીંત શણગારે. પથ્થરના કદ અને દળ મુજબ તેને સાલવેલા હોય અને વળી તેની ઉપર પૌરાણિક લિપિ (કદાચ પાલી)માં કોતરેલા શિલાલેખો હજી પણ યથાવત્ લાગે છે.
આ ઉત્કીર્ણ શિલાલેખોને કારણે આ પરિસર વિશિષ્ટ બને છે. સાથે સાથે દીવાલો ઉપર પશુ-પંખી અને ઝરૂખા પર કમળ, ચક્ર, પુષ્પ, પર્ણ આદિનું અંકન આકર્ષક લાગે. આ પુરાતન શ્રીસ્થળે પ્રાચીન વળાંકદાર નકશીકામ અને કોતરણી પુષ્કળ પ્રમાણમાં દીસે છે જે ગર્ભગૃહમાં પણ પોતાનો દબદબો સાચવે છે. નિજમંદિરની છતમાં અને તેની દીવાલો પર ૧૦૬૩ એ.ડી.ની સાતની લિપી છે જેમાં શિવમહિમ્ન સ્ત્રોત શિલાખેલ સ્વરૂપે દર્શન દે છે.
અમરેશ્વર એ જ મામલેશ્વર : ઓમકારેશ્વર સાથે જોડાયેલું છે ઝૂલા પુલથી
આસ્થા, ભક્તિ, ધર્મ અને આધ્યાત્મિકતાની ગરિમા સાચવીને, તેને બરકરાર રાખીને આપણે કળાવિશ્વમાં રસલટાર મારવી છે માટે ધર્મસ્થાન કોઈ પણ હોય આપણે તેનાં સ્થાપત્ય, શિલ્પ, ભીંતચિત્રો, સાહિત્ય અને સૌંદર્યઝરણ મુદ્દાઓને સ્પર્શીને, તેના અંગેઅંગની નજાકત, તેની કોમળતા અને એમાંથી પ્રાપ્ત થતી રસનિષ્પત્તિમાં ખોળિયું બોળવું છે.
હા, તો આપણે માામલેશ્વર પહોંચ્યા છીએ. નોખા છતાં સંયુક્ત રીતે દ્વાદશ જ્યોતિર્લિંગમાં સામેલ, સામસામે કાંઠે પુરાતત્ત્વ ખાતાએ રક્ષેલા મૂળ આ અમરેશ્વર મહાદેવનું સંકુલ અતિ વિશાળ, સ્વચ્છ અને સુંદર પ્રાચીન સ્મારક છે. પથ્થરમાં સુંદરતમ સ્થાપત્યલક્ષી જીણવટભર્યું કલાકર્મ અહીં છે. નાનાં મોટા સાત મંદિરો ધરાવતું આ પરિસર પાંડવકાળનું કહેવાય છે. જેને રાજ્યાશ્રય મળેલો.
રાણી અહલ્યાબાઈ હોલકરના નિધન પછી ગર્ભગૃહની જવાબદારી પૂજારીઓને સોંપાયેલી. બાવીસ બ્રાહ્મણોને દરેકને ૧૩૦૦ કાણાવાળું લાકડાનું બોર્ડ અપાતું. એ દરેક છેદમાં નાના નાના 'બનલિંગ' પધરાવતા. જ્યારે ૧૪,૩૦૦ શિવલિંગ ભેગા થાય ત્યારે તેની પૂજા કરી તેને નર્મદાના અંકમાં ધરાવાતા, ત્યારબાદ પૂજારીઓની સંખ્યા ઓછી થતી ચાલી પરંતુ આજે પણ આવા હજારો શિવલિંગોને ગીચ વર્તુળમાં ગોઠવી તેની વચ્ચોવચ્ચ મુખ્ય શિવલિંગ મૂકી તેની પૂજા અર્ચના કરાય છે જેનો નઝારો કોઈ ઉત્તમ શૃંગારથી ઓછો નથી.
અદભૂત લિંગ અર્ચના ! અનોખું નયનરમ્ય દ્રશ્ય ! પથ્થરની દીવાલના કોટમાં સંગોપાયેલા ઐતિહાસિક મહત્વ ધરાવતા આ સ્થળે જૂના જમાનાની તાજગી છે. એ વૈભવ લોભામણો છે જે રસિકોને ભૂતકાળની સેર કરાવે છે. બન્ને મંદિરો વચ્ચે નર્મદાનીર પર નાવ પણ ચાલે છે હોં !
કેદારનાથ અને પંચકેદાર સમકક્ષ ગણાય છે આ બન્ને શ્રીસ્થળ
નગરશૈલીની આ થાંભલાદાર સંરચનામાં થાંભલાની ઉપર ટેકા અને નીચે કુંભી પણ કોઈક વાત રજૂ કરતા ભાસે. આ સઘળા પથ્થરોથી અલગ છે. અહીંનું મુખ્ય શિવલિંગ (જ્યોતિર્લિંગ) તે સખત ઘેરું કાળું ડિબાંગ, મધ્યમ કદનું પરંતુ અત્યંત તેજસ્વી આભાયુક્ત છે. ભક્તો તેની ઉપર શુદ્ધ એકમુખી રૂદ્રાક્ષની ૧૦૮ માળાઓ અર્પણ કરે છે. હા અહીં પ્રાચીન સમયના પથ્થરના બનેલ ગૌરીમાતા અને ગણેશજી પરિવાર સહિત છે.
જેમાંની કેટલીક મૂર્તિઓ ઓળખાતી નથી. ભીતરમાં શિવલિંગની પાછળ પંચમુખી નાગ અને આગનું પ્રતિનિધિત્વ કરતી રચના સ્વયંભૂ થયાનું કહેવાય છે. આ બધીય આકૃતિઓ અને અખંડ જ્યોત અહીં પેઢીઓથી પ્રસ્તુત છે. આમ, નિજગૃહની દીવાલ બહારથી અલંકૃત લાગે. એક ગમતી વાત.
ભક્તોને જ્યાં ઊભા રહીને દર્શનનો લાભ મળે છે ત્યાંથી તે ગર્ભગૃહની છેક છેલ્લી દીવાલ સુધી વચ્ચે કોઈ અવરોધ નડતો નથી. સળંગ સુવાંગ ખુલ્લાં દર્શન 'હર હર મહાદેવ'ના નારા સાથે થાય ત્યારે એક નાદગૂંજ અનુભવાય મંદિરમાં... 'કલ્યાણમસ્તુ'
લસરકો
સહસ્ત્રનામી નર્મદે સર્વદે આનંદદાયિની નર્મદા
નીરા, નિર્ઝરી રમ્યા, ઐશ્વર્ય, માનસી, મનમોહિની, ધાન્યા, રક્ષા, નિત્યનંદિની છે.