Get The App

અબજોમાં આળોટતા સાફ-સફાઈનાં સાધનો!

- સાઈન-ઈન- હર્ષ મેસવાણિયા

- દિવાળી-નવા વર્ષ પહેલાં ઘર-ઓફિસમાં સાફ-સફાઈ ચાલતી હશે, ખૂણાં-ખાંચરા, માળિયા-કબાટો સાફ થતાં હશે ત્યારે સફાઈના વિષયમાં થોડાંક ખાંખાંખોળા કરવા જેવાં છે!

Updated: Nov 8th, 2020

GS TEAM


Google News
Google News
અબજોમાં આળોટતા સાફ-સફાઈનાં સાધનો! 1 - image


સ દીઓ પહેલાં આદિમાનવ ગુફામાં રહેતો હતો અને કાચા-પાકું માંસ ખાઈને દિવસો કાઢતો હતો ત્યારે તેને સફાઈ કરવાની જરૂર પડી હશે. આસપાસમાં પડેલી ડાળખીઓ એકઠી કરીને તેણે ગુફામાં વેરાયેલા માંસના ટૂકડાં બાજુમાં હડસેલ્યાં હશે. ક્યારેક ભારે પવન ફૂંકાયો હશે ત્યારે ચોમેર વૃક્ષોમાંથી ખરી પડેલાં પાંદડાં ને ડાળખીઓનો ઢગ ખડકાયો હશે. એ વખતે પણ તેણે એક સરખી ડાળખીઓનો કામચલાઉ સાવરણો બનાવીને સફાઈ આદરી હશે.

આગ પેટાવ્યા પછી ગુફામાં વેરાયેલી રાખને ભેગી કરવાની જરૂર પડી હશે, ત્યારે એણે લાંબાં પાંદડાં ધરાવતા વૃક્ષમાંથી એકાદ પાંદડું તોડીને એની સૂપડી બનાવી હશે. ગુફાચિત્રો બનાવતી વખતે પડી ગયેલા ડાઘ સાફ કરવા તેણે નરમ ઝાડની છાલનો ડૂચો બનાવીને પોતું માર્યું હશે. બસ, એ જ પળે સફાઈના સાધનોની શોધનો આરંભ થયો હશે!

સાવરણી, સૂપડું, પોતું વગેરે સફાઈના સાધનોની શોધ ચોક્કસ કઈ તારીખે થઈ હશે તે બાબતે દુનિયાના કોઈ પણ સંશોધકો કહી શકે નહીં. આવી શોધો માનવની ઉત્ક્રાંતિની સાથે સાથે થતી હોય છે એટલે આંગળી ચિંધીને દાવો કરી શકાય નહીં. તેમ છતાં કેટલાય સંશોધનો અને પુરાવાંના આધારે દાવો થયો છે એને ધ્યાનમાં રાખીએ તો ક્લીનિંગની ઈન્ટરેસ્ટિંગ ઉત્ક્રાંતિ આપણું ધ્યાન ખેંચવામાં સફળ રહે છે.

લેવી ડિકેન્સન નામના અમેરિકાના મેસેચ્યુસેટ્સના એક ખેડૂતે ૧૭૯૭માં પત્ની માટે જુવારના સાંઠામાંથી સાવરણી બનાવી આપી. તેની સ્માર્ટ પત્નીએ શહેરભરમાં એ સાવરણીનો એવો પ્રચાર કર્યો કે ખેડૂત લેવીને એવી જ સાવરણી બનાવવાના ઓર્ડર્સ મળ્યા લાગ્યાં. એ પહેલાં ય સાવરણીનું અસ્તિત્વ તો હતું, પણ લેવી ડિકેન્સને તેનું પહેલી વખત બિઝનેસમોડેલ અપનાવીને કમાણી કરી, પણ થોડાં દિવસોમાં જુવારના સાંઠાં વીઘરાઈ જતા હતા. વળી, એક સાવરણો બનાવવામાં ઘણો સમય લાગતો હતો. સાવરણાને ટકાઉ બનાવવા અને ઉત્પાદન ઝડપી કરવા લેવી ડિકેન્સને લાકડાનું એક મશીન બનાવ્યું. દુનિયામાં સાવરણો બનાવવા માટે સર્જાયેલું એ પ્રથમ મશીન હતું.

લેવી ડિકેન્સનના મશીનને આધાર બનાવીને ૧૮૧૦માં પગથી ચાલે એવું સાવરણી મશીન બન્યું, જેણે સાવરણીની બનાવટમાં ક્રાંતિ લાવી દીધી. અત્યાર સુધી હાથ બનાવટના અને લાંબી સળીના સાવરણાં બનતા હતા, પણ દેખાવમાં આકર્ષક હોય એવી સાવરણી દુનિયામાં પહેલી વખત બની હતી. ૨૦-૨૫ વર્ષમાં અમેરિકામાં સાવરણી બનાવવાની ટેકનિક ખૂબ પ્રચલિત બની ગઈ. એક રીપોર્ટ કહે છે એમ ૧૮૩૯માં અમેરિકામાં સાવરણી બનાવવાની ૩૦૦ કરતાં વધુ ફેક્ટરી હતી.

બીજી એક સદીમાં સાવરણી બનાવવાની ટેકનિક અમેરિકાની બહાર નીકળીને યુરોપમાં પહોંચી. યુરોપથી દુનિયાભરમાં પહોંચેલા મશીનોએ સાવરણી-સાવરણાની બનાવટમાં અપાર વૈવિધ્ય આપ્યું. ભારત જેવાં દેશોમાં નાળિયેરના પાંદડાંમાંથી સળીઓ કાઢીને સાવરણા બનાવવાની રીત સદીઓથી પ્રચલિત હતી, પણ મશીનથી બનેલી નાની-મોટી સાવરણીઓ ભારતમાંય ૧૯૬૦-૭૦માં ગાળામાં મળવા લાગી. ભગવાનના મંદિરના ગર્ભગૃહમાં સાફ-સુફી કરવા આપણે ત્યાં મોંરપીંછમાંથી સાવરણી સદીઓથી બનતી હતી.

૧૯૭૦-૮૦ના સમયગાળામાં સાવરણીએ વિશ્વનું માર્કેટ સર કરી લીધું હતું. દુનિયાભરમાં નાની-મોટી ફેક્ટરી બની ગઈ. હવે તો પ્લાસ્ટિક મટિરિયલમાંથી પણ સાવરણી બને છે. ઘરની અલગ, કિચનની અલગ, વૉશરૂમની અલગ - એમ તરેહતરેહની સાવરણીનો જથ્થો આજે માર્કેટમાં નજરે પડી જાય છે.

સાવરણીથી શરૂ થયેલી ક્લિનિંગ સાધનોની ઉત્ક્રાંતિ હવે રોબોટિક ક્લિનર્સ સુધી પહોંચી ચૂકી છે. કપડાંનો નકામો ટૂકડો છેક હમણાં સુધી પોતું બનતો હતો, પણ હવે બકેટ મોપની બોલબાલા છે. ૭૦-૭૫ રૂપિયાની સાદી મોપ સ્ટિકથી શરૂ કરીને હજાર-બે હજારના બકેટ મોપનું વિશ્વમાં મોટું માર્કેટ છે. એ મોપના પૂર્વજની શોધ આમ તો ૧૫મી સદીમાં થઈ હોવાનું નોંધાયું છે, પરંતુ મોપને પોપ્યુલારિટી ૨૦૦૫ પછી મળી.

કારના વિન્ડશિલ્ડ વાઈપરની શોધ ૧૯૦૨માં થઈ હતી. એનાથી પ્રેરિત ફ્લોર વાઈપર્સ ૧૯૩૬માં બન્યાં હતા. સપાટી પર ઢોળાયેલું લિક્વિડ વાઈપરથી ઈઝીલી સાફ કરી શકાતું હોવાથી નાની-મોટી સાઈઝના વાઈપર્સ કિચન અને બાથરૂમમાં ઉપયોગી થવા લાગ્યાં. ૨૦ની સદીના અંતે તો એમાંયે ફોમ બેેઝ્ડ અનેક વેરાયટી મળતી થઈ ગઈ હતી.

અમેરિકન સંશોધક જેમ્સ સ્પેન્ગલરે ૧૯૦૭માં પ્રથમ વેક્યૂમ ક્લિનર બનાવ્યું હતું. 'કાર્પેટ સ્વીપર' તરીકે એ વેક્યૂમ ક્લિનરને પહેલી કમર્શિયલ સક્સેસ આપવાનો યશ અમેરિકાના બ્લેક એન્ડ ડેકર કંપનીને મળે છે. કોર્ડલેસ વેક્યૂમ ક્લિનર્સ હવે તો ભારતમાં પણ પોપ્યુલર થવા લાગ્યા છે.

સાફસફાઈની દુનિયા હવે રોબોટિક ક્લિનર્સ સુધી પહોંચી ગઈ છે. ૧૯૯૬માં સ્વીડનની કંપની ઈલેક્ટ્રોલક્સે પ્રથમ વખત રોબોટિક ક્લિનરનું નિર્માણ કર્યું હતું. એમાંય સતત નવા નવા ફિચર્સ ઉમેરાતા જાય છે. પરંતુ અત્યારની સ્થિતિ જોતાં ભારત જેવાં દેશોમાં એ રોબોટિક ક્લિનરને પોપ્યુલારિટી મળતાં કદાચ એકાદ-દોઢ દશકો લાગશે!

પ્રાકૃતિક પદાર્થોની મદદથી સાબુ બનાવવાની શરૂઆત માણસે ઈ.સ. પૂર્વે ૨૮૦૦ આસપાસ કરી હતી. એ જ સમયગાળામાં વનસ્પતિ તેલની મદદથી સફાઈકારક પદાર્થો બનાવાતા હતા. હઠીલા ડાઘ કાઢવા માટે પ્રાચીન સમયમાં આવા પદાર્થો વપરાતા હોવાનું ઉત્ખનન દરમિયાન મળેલાં સાંયોગિક પુરાવાના આધારે દાવો થાય છે.

સાબુ અને સફાઈકારક પદાર્થો સામાન્ય વપરાશમાં આવવાનું શરૂ થયું ૧૯મી સદીમાં. એમાંયે મેડિકલ સાયન્સનો વિકાસ થતો ગયો તેમ તેમ સ્વચ્છતા ઉપર ખાસ ભાર મૂકાતો હતો. ૧૯મી અને ૨૦મી સદીમાં મહામારીઓ ત્રાટકી એ પછી વિજ્ઞાાનીઓ સ્વચ્છતાનો આગ્રહ કરતા થયાં. તેના કારણે સાબુ અને એ સિવાયના સફાઈ માટેના કેમિકલ્સનો વપરાશ યુરોપિયન દેશોમાં વધ્યો હતો.

યુરોપ-અમેરિકામાં ૫૦-૬૦ના દશકા પછી ડિટરજન્ટ્સનો છૂટથી ઉપયોગ થવા લાગ્યો હતો. તેની અસર હેઠળ બાકીના દેશોમાં પણ તેનું માર્કેટ બનવા લાગ્યું હતું. જર્મનીએ ૧૯૧૬માં મોર્ડન ડિટરજન્ટ્સનો દુનિયાને પરિચય કરાવ્યો હતો. આજે તો માર્કેટમાં અઢળક કેમિકલ્સ મિશ્રિત લિક્વિડ મળી રહ્યાં છે. કિચન ક્લિનરથી લઈને ટોઈલેટ ક્લિનર, વાસણ માંજવાના, પોતાં કરવાના લિક્વિડનો હવે દુનિયાના ખૂણે-ખૂણે ઉપયોગ થાય છે.

આ સ્થિતિના કારણે અત્યારે દુનિયામાં ઘરસફાઈના સાધનોનું માર્કેટ ૧૫થી ૧૬ અબજ ડોલરનું છે. આ માર્કેટમાં આગામી બે-ત્રણ વર્ષમાં પાંચ ટકાનો ઉછાળો આવશે. એક અંદાજ પ્રમાણે ૨૦૨૫ સુધીમાં સાફસફાઈના સાધનોનું વૈશ્વિક માર્કેટ ૪૧ અબજ ડોલરને આંબી જાય તો પણ નવાઈ માપવા જેવું નહીં હોય.

ઈનશોર્ટ, નાળિયેરીનાં પાંદડાંની સળીમાંથી બનેલા 'મફતિયા' સાવરણા અને જુવારના સાંઠાની 'સસ્તી' સાવરણીના વંશજો આજે અબજોમાં આળોટે છે!

'સફાઈદાર'ફેક્ટ્સ

-   કિચન ઘરનો સૌથી ગંદો વિસ્તાર છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે ટોઈલેટ્સ-બાથરૂમ્સ ગંદા હોય છે, પરંતુ કિચનની સિંકમાં વધારે જીવાણુ મળ્યા હોવાનું 'ધ નેશનલ સેનિટાઈઝેશન ફાઉન્ડેશન'ના અહેવાલમાં કહેવાયું હતું.

-   ઘરની સફાઈના સાધનો પાછળ વર્ષે સરેરાશ ૧૨ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, જેમાં સાવરણીથી લઈને ક્લિનિંગ લિક્વિડનો સમાવેશ થાય છે.

-   કેમિકલયુક્ત ક્લિનિંગ લિક્વિડનો અતિરેક ન થાય તેની ભલામણ પણ સંશોધકો કરે છે. અમેરિકન નર્સ હેલ્થ સ્ટડીમાં કહેવાયું હતું કે કિચનમાં ઝડપથી ડાઘ-ધબ્બા કાઢવા માટે વપરાતા સ્પ્રે અને એરફ્રેશનરથી પ્રેગનન્સીમાં અસર થાય છે. ગર્ભમાં રહેલા શીશુને ફેફસામાં તેની ગંભીર અસર થઈ શકે છે.

-   સૌથી વધુ ધૂળ અને કચરો ઘરમાં ક્યાં થાય છે? ઘરના એન્ટ્રેન્સમાં. ઘર પ્રવેશનાં ૩થી ચાર ફૂટ એરિયામાં સૌથી વધુ ધૂળ જમા થાય છે. ડોરનોબ એટલે કે હેન્ડલમાં વધારેમાં વધારે બેક્ટેરિયા જોવા મળ્યા હતા. તે પછી સૌથી વધારે બેક્ટેરિયા ડિશ સાફ કરવાના કપડાંમાં ચોંટે છે!

-   ઘરની બધી જ ધૂળમાંથી ૪૨ ટકા ધૂળ એકલાં ડોરમેટ્સ સંઘરીને બેસે છે! છતાં ડોરમેટ ધોવાનું મૂહુર્ત મોટાભાગના ઘરોમાં મહિને-બે મહિને એક વખત આવે છે. 

-    દુનિયામાં ૩૭ ટકા લોકો ઘરની સંપૂર્ણ સફાઈ માટે તહેવારોની રાહ જુએ છે. આપણે ત્યાં દિવાળી, હોળી, જન્માષ્ટમી એવાં તહેવારો છે કે જેના પહેલાં ઉત્સાહથી ઘરની સાફ-સફાઈ થતી હોય છે. ૬૧ ટકા લોકો નવરાશના સમયની રાહ જોવામાં આખા ઘરની સફાઈમાં છ-સાત મહિના કાઢી નાખે છે, પછી ખરેખરી નવરાશ મળે ત્યારે માત્ર ૧૮ ટકા લોકો જ ઘરની સફાઈ પાછળ સમય આપે છે!

-    દુનિયાની ૮૭ ટકા મહિલાઓ માને છે કે ઘરની સફાઈ સાથે તેની પ્રતિષ્ઠા સીધી જોડાયેલી છે. કોઈ ખાસ ગેસ્ટ આવવાના હોય ત્યારે ૬૭ ટકા મહિલાઓ પહેલી ચિંતા ઘરની સફાઈની કરે છે. ૫૧ ટકા મહિલાઓ દરરોજ ઘરની સફાઈ કરે છે, બીજી તરફ માત્ર ૨૦ પુરુષો જ દિવસમાં એક વખત ઘરની સફાઈમાં મદદરૂપ બને છે.  બે કલાક ઘરકામ કરવાથી ૨૦૦ કેલરી બર્ન થાય છે. જગતના ૪૭ ટકા કપલ વચ્ચે સફાઈની બાબતે દલીલો થાય છે. 

Tags :