Get The App

છેલ્લી ઘડીએ પોતાના અસીલને છોડાવીને વલ્લભભાઈ ઈંગ્લેન્ડ જવા ચાલાકીથી ચાલી નીકળ્યા

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
છેલ્લી ઘડીએ પોતાના અસીલને છોડાવીને વલ્લભભાઈ ઈંગ્લેન્ડ જવા ચાલાકીથી ચાલી નીકળ્યા 1 - image

- સરદાર @150-હસિત મહેતા

- કલેક્ટરને તેમનાં જ વાંકમાં શરમીંદા કરીને જોઈતો હુકમ મેળવી લેવાની વિચક્ષણતા તેમણે અહીં દાખવી, અને આરોપીને નિર્દોષ છોડાવ્યો

- વલ્લભભાઈએ જોયું કે પેલા કલેક્ટર સાહેબ તો ખૂબ દારુ ઢીંચીને નશામાં ચકચૂર બેઠા છે. વલ્લભભાઈએ જેવી દલીલો શરુ કરી, એટલે પોતાના સાહેબની દશા જોઈને તેમનો શિરસ્તેદાર (આસિસ્ટન્ટ) વલ્લભભાઈને વચમાં સવાલો પૂછવા માંડયો

વ લ્લભભાઈએ પોતાના ગુરુબંધુની જેમ જ, વિલાયત-ઈંગ્લેન્ડ જવાની વાત આખા બોરસદ પંથકમાં છૂપી રાખી હતી. એ જ રીતે પોતાના પરિવાર અને વતનપંથકમાં પણ તેમણે આ વાત કોઈને જણાવી નહોતી.

રાજમોહન ગાંધીએ લખેલાં વલ્લભભાઈના ચરિત્રમાં આ ઢાંકપિછોડા માટે એવી દલીલ લખાઈ છે કે ઈંગ્લેન્ડના બૅરિસ્ટરના અભ્યાસ-પ્રવેશ માટે ભારતમાં માત્ર પ્લીડરનું ભણીને વકીલાત કરતાં હોય, એમના માટે દરવાજા બંધ થવાના હતા. એટલે કે જે કોઈ રીતસર એલ.એલ.બી. થયા હોય તે જ આગળ ઉપર બૅરિસ્ટર થઈ શકે, તેવો નિયમ આવવાવેંતમાં જ હતો. તે કારણે, એટલે કે નિયમ બદલાઈ જાય કે વલ્લભભાઈ એ પ્રવેશ માટે લાયક ઠરે નહીં, તેથી ઉતાવળ કરીને ઈંગ્લેન્ડ પહોંચી જવું પડે તેવા સંજોગો હતા, પણ તેથી અહીં આખી વાત ખાનગી રાખવી પડે, એ તો સમજાય તેમ જ નથી. કરમસદના હમવતનીઓ તો ત્યારે પણ એવું બબડતાં હતા કે વલ્લભભાઈએ ઈંગ્લેન્ડ જવામાં નાહકના નાટકવેડાં કર્યા હતા. એ જે હોય તે, પરંતુ વલ્લભભાઈને ચૂપચાપ ઈંગ્લેન્ડ નીકળી જવું હતું, એ હકીકત છે.

આ માટે તેઓ બાળકોની મુંબઈ ભણવા-રહેવાની સગવડ કરીને બોરસદ આવ્યા. અહીં ઘર અને કામ બંને સમેટયું. જે દિવસે તેમને ઈંગ્લેન્ડ જવા બોરસદથી રવાના થવાનું હતું, તે દિવસે પણ કોર્ટમાં તો ગયા જ. એટલું જ નહીં, એક મહત્ત્વના કેસની લાંબી દલીલો કરીને અસીલને નિર્દોષ છોડાવ્યો.

એ કેસ હતો એક સ્થાનિક સોની ઉપર વ્યાભિચારના આરોપનો. તેની સામે એવો આરોપ હતો કે એક મહિલાના ઘરમાં સોની ગેરકાયદેસર રીતે પ્રવેશી ગયો અને પેલી મહિલા સાથે ગેરવર્તન કરેલું. આ આરોપસર સોનીને ૬ મહીના જેલની સજા ફટકારાઈ ચૂકી હતી. પેલા સોનીને નીચલી કોર્ટે આપેલી આ સજા સામે કલેક્ટરને અપીલ કરવાની હતી, જેમાં વલ્લભભાઈ તેના વકીલ તરીકે હાજર થયા હતા. એ દિવસ હતો વલ્લભભાઈને સદાયને માટે બોરસદ છોડવાનો, ઈંગ્લેન્ડ જઈને બૅરિસ્ટર થવાનો. પરત ફરીને અમદાવાદની વડી અદાલતમાં એક સફળ અને નામાંકીત વકીલ બનવાનો. આવા મહત્ત્વના દિવસે પણ કર્મયોગી વલ્લભભાઈએ આળસ કર્યા વગર, આજના જમાના જેવા પાર્ટીસાર્ટીના વિચારો કર્યા વગર, કાળો ડગલો પહેરીને કોર્ટના કામકાજમાં પસાર કર્યો. એટલું જ નહીં, મન લગાવીને તે કેસ ચલાવ્યો અને અસીલને આરોપમાંથી-સજામાંથી મુક્ત પણ કરાવ્યો.

વલ્લભભાઈને જે કલેક્ટર આગળ આ અપીલ ચલાવવાની હતી, તે કલેક્ટરનો મુકામ એ દિવસે બોરસદમાં જ હતો. અપીલની સુનવણી શરુ થઈ, અને વલ્લભભાઈએ જોયું કે પેલા કલેક્ટર સાહેબ તો ખૂબ દારુ ઢીંચીને નશામાં ચકચૂર બેઠા છે. વલ્લભભાઈએ જેવી દલીલો શરુ કરી, એટલે પોતાના સાહેબની દશા જોઈને તેમનો શિરસ્તેદાર (આસિસ્ટન્ટ) વલ્લભભાઈને વચમાં સવાલો પૂછવા માંડયો. પેલા ચતુર વકીલે આ તકનો લાભ ઉઠાવ્યો, અને સામા તાડક્યાં કે 'હું શિરસ્તેદાર પાસે કેસ ચલાવવા નથી આવ્યો, હું તો સાહેબ આગળ સુનવણી કરવાની છે એમ ધારીને આવ્યો છું.' આ બાબતે વલ્લભભાઈ અને પેલા શિરસ્તેદાર વચ્ચે થોડી રકઝક થઈ. જેેમ જેમ પેલો શિરસ્તેદાર વલ્લભભાઈને ઈશારા કરી કરીને ંીીૅ ૂેૈીા - ંીીૅ ૂેૈીાના આદેશો છોડતો જતો હતો, તેમ  તેમ વલ્લભભાઈની ઉગ્રતા વધતી જતી હતી. આ સાંભળીને પેલા ચકચૂર કલેક્ટર અચાનક બેઠા થયાં, અને 'શું થયું?શું થયું?' પૂછવા માંડયા. વલ્લભભાઈએ શિરસ્તેદારની સાચી ફરિયાદ કરી, એટલે કલેક્ટર ઝંખવાણા પડી ગયા. તેમણે આડા પાટે ચઢી ગયેલી વાતને સંભાળી લેતાં સીધી કેસની વિગતો વલ્લભભાઈને પૂછવા માંડી.

હવે કલેક્ટર બેકફૂટ ઉપર હતા, તે જોઈને વલ્લભભાઈએ ચતુરાઈ વાપરી. સાહેબે તેમને પૂછ્યું કે 'આ વ્યાભિચાર કરવો, એ શું કાયદામાં ગુનો ગણાય છે?' વલ્લભભાઈ ઉવાચ 'ના રે સાહેબ, સુધરેલા દેશમાં એ ગુનો છે જ નહીં. પણ આ પછાત દેશમાં શિરસ્તેદાર અને નીચલી કોર્ટના મૅજિસ્ટ્રેટ જેવા જૂના રુઢિચુસ્ત અને સાંકડા વિચારના લોકો આ કામને બહુ કરડી નજરે જૂએ છે.'

પોતાની નશાની હાલતમાં માંડ સફાળી જાગૃતિ દાખવનાર મૅજિસ્ટ્રેટ વલ્લભભાઈની વાતમાં હા એ હા કરવા માંડયા, અને પછી પાંચ જ મિનિટમાં આરોપીને નિર્દોષ છોડી મૂક્યો. આ હતી વલ્લભભાઈની સામા માણસને પારખીને સોગઠી મારવાથી મળતી સફળતાની ચાવી. કલેક્ટરને તેમનાં જ વાંકમાં શરમીંદા કરીને જોઈતો હુકમ મેળવી લેવાની વિચક્ષણતા તેમણે અહીં દાખવી, અને આરોપીને નિર્દોષ છોડાવ્યો.

આ કેસ પતાવીને તુરત જ વલ્લભભાઈ ઈંગ્લેન્ડ જવા માટેની ગાડીમાં બોરસદથી બેઠાં, અને મુંબઈ પહોંચ્યા.