- યમાલની સાથે એન્ડ્રીચ, યિલ્દીઝ, નિકો પાઝ અને ઓ' રિલી પર દુનિયાભરની નજર રહેશે
- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- મેસી અને રોનાલ્ડો જેવા ધુરંધરોની કારકિર્દી અસ્તાચળે છે, ત્યારે યુવા ખેલાડીઓ પોતાની કુશળતા અને ક્ષમતાનું વૈશ્વિક પ્રમાણ આપવા માટે સખત મહેનત કરી રહ્યા છે
ર મતના મેદાનમાં દરેક વખતે નવા જ મિજાજની સ્પર્ધા અને નવી પ્રતિભાની કુશળતાનો જાદુ જોવા મળતો રહે છે. એક તરફ વૈશ્વિક સ્તરે આગવી પ્રતિષ્ઠા ધરાવતા ખેલાડીઓ પોતે હાંસલ કરેલી ઊંચાઈને જાળવી રાખવા માટે પ્રયત્ન કરતા હોય છે, ત્યારે બીજી તરફ ગુમનામીના અંધકારમાંથી પ્રકાશના કિરણની જેમ બધાનું ધ્યાન ખેંચવા માટે યુવા પ્રતિભાઓ પણ કમર કસતી હોય છે. આ જ કશ્મકશના પરિણામે મેદાન પરનો મુકાબલો ચાહકોને જકડી તો રાખેે જ છે, તેની સાથે સાથે નવી પ્રતિભાઓને પોતાની ઓળખ ઉભી કરવાની યાદગાર તક પણ પુરી પાડે છે.
દર ચાર વર્ષે યોજાતા ફૂટબોલના મહાકુંભ એટલે ફૂટબોલ વર્લ્ડ કપના પડઘમ વાગવાના શરુ થઈ રહ્યા છે. અમેરિકાની સાથે મેક્સિકો અને કેનેડા સંયુક્ત રીતે ૧૧મી જુનથી ફૂટબોલ વર્લ્ડ કપનો પ્રારંભ થશે અને તેની સાથે જ છ ખંડોની કુલ ૪૮ ટીમો વચ્ચે જંગ જામશે. વિશાળ સ્તર પર યોજાઈ રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં પોતાની આગવી ઓળખ ઉભી કરવા માટે યુવા પ્રતિભાઓ વચ્ચે પણ રસપ્રદ જંગ જોવા મળશે.
છેલ્લા કેટલાક વર્ષોથી ફૂટબોલ જગતમાં આગવું પ્રભુત્વ ધરાવતો આર્જેન્ટિનાના લિઓનેલ મેસી અને પોર્ટુગલનો ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની કારકિર્દી હવે અસ્તાચળે છે, ત્યારે તેમની નિવૃત્તિ બાદ લોકહૃદયના સિંહાસન પર બિરાજમાન થવા માટે યુવા પ્રતિભાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી લોકપ્રિય રમતોમાં અગ્રહરોળમાં સ્થાન ધરાવતા ફૂટબોલમાં છેલ્લા ત્રણ વર્ષથી વિક્રમોની વણઝાર સર્જી રહેલા સ્પેનના લમીન યમાલ પર માત્ર ચાહકોની જ નહીં, પણ વિવેચકો અને નિષ્ણાતોની મીટ પણ મંડાઈ છે. સ્પેનની યુરો કપ ચેમ્પિયન ટીમમાં સ્થાન ધરાવતા ૧૮ વર્ષના માલે છેલ્લા બે વર્ષોમાં સૌથી યુવા ખેલાડી તરીકે ટ્રોફી જીતવાથી લઈને ગોલ ફટકારવા સુધીના રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. સ્પેનની ફૂટબોલ ટીમમાં સ્થાન નિશ્ચિત કરી ચૂકેલા યમાલની પ્રતિભાને ઘણા ચાહકો ફૂટબોલ લેજન્ડ મેસીની નજીકની ગણે છે. મેસીની જેમ યમાલ પણ બાળપણથી બાર્સેલોના કલબ તરફથી રમી રહ્યો છે. અત્યંત સાધારણ પરિવારમાં જન્મેલા યમાલે તેની વિશિષ્ટ પ્રતિભાના જોરે આખા ફૂટબોલ જગતને ચોંકાવી દીધું છે. બાર્સેલોના કલબમાં યમાલનો વાર્ષિક પગાર અંદાજે ૧૫૦ કરોડ રૂપિયા જેટલો છે અને તેને લગભગ ૯૦ કરોડ રૂપિયા તો બોનસ માત્ર મળે છે. આ સિવાય જાહેરખબરના કરારોમાંથી પણ તેને જંગી કમાણી થઈ રહી છે. જોકે આ બધાની પાછળ તેની સખત મહેનત અને કુશળતા જ છુપાયેલી છે. સ્પેન તરફથી ૨૫ મેચમાં છ અને બાર્સેલોના તરફથી ૧૦૧ મેચમાં ગોલ નોંધાવનારો યમાલ કારકિર્ર્દીના પ્રથમ ફૂટબોલ વર્લ્ડ કપમાં પોતાની આગવી છાપ છોડી જવા માટે બેતાબ જોવા મળી રહ્યો છે.
યમાલની સાથે જ સાઉથ અમેરિકન જાયન્ટ્સ અને સેલેસિયો તરીકે ઓળખાતી બ્રાઝિલની ટીમને ૧૯ વર્ષના એન્ડ્રીચ પાસેથી આગામી ફૂટબોલ વર્લ્ડ કપમાં યાદગાર દેખાવની અપેક્ષા છે. યમાલની જેમ એન્ડ્રીકે પણ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે. તેને ૨૦૨૩માં માત્ર ૧૭ વર્ષ અને ૧૧૮ દિવસની ઊંમરે બ્રાઝિલની રાષ્ટ્રીય ટીમ તરફથી રમવાની તક મળી હતી અને આ સાથે તેણે સૌથી યુવા વયે બ્રાઝિલની ટીમમાં સ્થાન મેળવવાનો રોનાલ્ડો નઝારિયોનો ૧૭ વર્ષ અને ૧૮૩ દિવસનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. એન્ડ્રીચ રિયલ મેડ્રિડ તરફથી પણ રમી ચૂક્યો છે.
એન્ડ્રીચ લેફ્ટ ફૂટ ફોરવર્ડ ખેલાડી છે. બ્ર્રાઝિલ જેવા ફૂટબોલની પાછળ પાગલ દેેશમાં એન્ડ્રીચની પ્રતિભાને ઘણા નિષ્ણાતોએ રોનાલ્ડો નઝારિયો, પેલેે તેમજ રોમારિયોની હરોળની ગણાવી છે. બાળપણમાં આર્થિક સંઘર્ષના કારણે એન્ચીચ અને તેના ભાઈ-બહેનોને અનાથાલયમાં રહેવું પડયું હતુ, પણ તેની ફૂટબોલ પ્રતિભાને પાલ્મેઈરાસ ખાતે નિખાર મળ્યો અને ત્યાર બાદ તે રિયલ મેડ્રિડ તેમજ લિયોન કલબનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. બ્રાઝિલ તરફથી તેણે ૧૫ મેચમાં ત્રણ ગોલ ફટકાર્યા છે. ફૂટબોલના જાણકારો માને છે કે એન્ડ્રીચનું ફિનિશિંગ ગજબનાક છે. ખાસ કરીને બોલને પાવરફૂક કીક વડે ગોલમાં મોકલી આપવાની કુશળતા તેને એલિટ ખેલાડીઓની હરોળમાં સ્થાન અપાવે છે. વળી તે બ્રાઝિલની જાણીતી ૯ નંબરની જર્સી પહેરીને ઉતરે છે.
જર્મનીમાં જન્મેલો કેનોન યિલ્દીઝ ઈટાલીયન ફૂટબોલ લીગની એલિટ કલબ યુવેન્ટસના સ્ટ્રાઈકર તરીકેની ઓળખ ઉભી કરી ચૂક્યો છે. યિલ્દીઝનું બાળપણ જર્મનીમાં પસાર થયું છે અને તે જુનિયર સ્તરે જાણીતી કલબ બાયર્ન મ્યુનિચ તરફથી રમી ચૂક્યો છે. જર્મનીની ટીમમાં પણ સ્થાન મેળવવાનો વિકલ્પ જતો કરીને તેણે તેના પિતાના દેશ તુર્કી તરફથી રમવાનું પસંદ કર્યું છે. તે યુવેન્ટસની ટીમ તરફથી લગભગ ૧૦૦ અને તુર્કીયે તરફથી તે ૩૮ મુકાબલા ખેલી ચૂક્યો છેે. બોક્સ એરિયાની બહારથી કીક ફટકારીને બોલને ગોલમાં મોકલી આપવાની તેની કુશળતા કાબિલેદાદ છે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટીનાની ટીમનો ૨૧ વર્ષનો એટેકિંગ મીડફિલ્ડર નિકો પાઝ ગોલ ફટકારવાની કુશળતાની સાથેે સાથી ખેલાડીઓને ગોલ નોંધાવવા માટે અસરકારક પાસ આપવા માટે પણ જાણીતો છે. ઈટાલીયન કલબ કોમો તરફથી રમતાં આર્જેન્ટાઈન ખેલાડીએ ૭૦ મેચમાં ૧૮ ગોલ ફટકાર્યા છે. સ્પેનમા જન્મેલા નિકો પાઝે રિયલ મેડ્રિડની યુથ એકેડમીથી કારકિર્દી શરુ કરીને સિનિયર ટીમ સુધીની સફર ખેડી હતી. પિતાની જેમ સેન્ટરબેક ખેલાડી તરીકે કારકિર્દી શરુ કર્યા બાદ નિકો પાઝની રમત અને ડ્રિબલિંગની કુશળતા જોતાં તેને આક્રમણ પંક્તિમાં તક આપવામાં આવી અને ત્યારથી તેણે પાછું વળીને જોયું સુદ્ધાં નથી.
આ ઉપરાંત હાઈપ્રોફાઈલ ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમમાં સામેલ ૨૧ વર્ષના નિકો ઓ' રિલીનું ખેલાડી તરીકેનું ઘડતર માંચેસ્ટર સિટીની એકેડમીમાં થયું છે. તેનેા માત્ર છ વર્ષની ઉંમરે સિટીના સ્કાઉટ્સે પસંદ કર્યો હતો. જમૈકન મૂળના ઓ' રિલીનો ઉછેર તેની માતાએ એકલા હાથે કર્યો છે. તેની વિશિષ્ટ ફૂટબોલ પ્રતિભાએ ઈંગ્લિશ ફૂટબોલમાં આગવી નામના મેળવી છે. તેણે સિટીની સિનિયર ટીમ તરફથી સાત ગોલ ફટકાર્યા છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમમાં તેણે હજુ માંડ એક વર્ષ પુરું કર્યું છે, પણ તેની પ્રતિભામાં ઈંગ્લેન્ડના જર્મન કોચ થોમસ તુશેલને ભરોસો છે. તે આગામી સમયમાં ઈંગ્લેન્ડના આધારભૂત ખેલાડીઓમાં સ્થાન ધરાવશે તેમાં કોઈ બેમત નથી.
ફૂટબોલ જગતના આ બધા રાઈઝિંગ સ્ટાર્સની સાથે જર્મનીના જમાલ મુસિયાલા, ફ્રાન્સના ડિઝાયર ડોઉ, મેક્સિકોના જીલ્બેર્ટો મોરા, આઇવરી કોસ્ટના યાન ડોમાન્ડે તેમજ ક્રોએશિયાના લુકા વુસ્કોવિચ જેવા ખેલાડીઓ પણ શાનદાર દેખાવ સાથે આગવું પ્રભુત્વ મેળવવા માટે પ્રયાસ કરશે.


