Get The App

મેસ્સી મેદાનમાં! .

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
મેસ્સી મેદાનમાં!                                        . 1 - image

- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- પોતાના વતન આર્જેન્ટિના પર કોરોના કે અન્ય મહામારી આવે, ત્યારે આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ટીમમાં મોખરે રહેતો મેસ્સી રાષ્ટ્રના રાહતકાર્યોમાં પણ મોખરે રહે છે

દુ નિયાભરમાં ફૂટબોલની દિવાનગી તો એવી છે કે બંગાળના ઉત્તર પરગણા જિલ્લાના દક્ષિણ ડમદમ વિસ્તારમાં આર્જેન્ટિનાના મહાન ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સીનું સ્ટેચ્યૂ બનાવ્યું છે અને એની ઊંચાઈ છે પૂરા સિત્તેર ફૂટ. સવાલ એ જાગ્યો છે કે આ સિત્તેર ફૂટ ઊંચું લિયોનેલ મેસ્સીનું સ્ટેચ્યુ જ્યારે સખત પવન વાય છે, ત્યારે સહેજ ડોલવા માડે છે અને ભય એવો છે કે જો આ સ્ટેચ્યૂ પડી જાય, તો રાહદારીઓને ઈજા થાય, પરંતુ આ સિત્તેર ફૂટ ઊંચા સ્ટેચ્યૂને કેવી રીતે 'ટટ્ટાર' રાખવું તેને માટે આઈ.આઈ.ટી. ખરગપુરનાં પ્રોફેસરો અભ્યાસ કરી રહ્યા છે. 

૨૦૨૬ની ૩૦મી મેએ આ ઘટના બને છે, તેની સાથોસાથ આર્જેન્ટિનામાં એક બીજી ઘટના બને છે અને તે છે લિયોનેલ મેસ્સીને છઠ્ઠી વાર ૨૦૨૬ના વર્લ્ડકપ માટે આર્જેન્ટિના તરફથી સુકાની ઘોષિત કરવામાં આવ્યો. છવીસ જેટલી ફૂટબોલના વર્લ્ડકપની મેચોમાં ખેલનારો એક માત્ર ખેલાડી લિયોનેલ મેસ્સી છે. આ અગાઉ એ ૨૦૦૬માં જર્મનીમાં, ૨૦૧૦માં દક્ષિણ આફ્રિકામાં, ૨૦૧૪માં બ્રાઝિલમાં, ૨૦૧૮માં રશિયામાં અને ૨૦૨૨માં કતારમાં ખેલાયેલા વર્લ્ડકપમાં ખેલી ચૂક્યો છે અને આથી એ છઠ્ઠી વખત વર્લ્ડકપમાં ખેલવાનું ગૌરવ પામશે. 

એના આગમન પૂર્વે એક દહેશત પણ સેવાતી હતી. થોડા સમય પહેલાં લિયોનેલ મેસ્સી ઈજાગ્રસ્ત હોવાને એકાદ મેચ ગુમાવી ચૂક્યો હતો, પરંતુ એની ઈજાગ્રસ્ત થવાની ફિકર છોડીને ૧૯૮ મેચમાં ૧૧૬ ગોલ નોંધાવનાર લિયોનેલ મેસ્સીને વિજયનું પુનરાવર્તન કરવા માટે આર્જેન્ટિનાનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે. બાળપણમાં ફૂટબોલનો શોખ ધરાવનાર મેસ્સીને સારવાર માટે ઘણી મુશ્કેલી પડી હતી અને આથી જ એ આજે વિશ્વભરમાં બાળગરીબી દૂર કરવા માટે મોટી મોટી સખાવતો આપી રહ્યો છે. 

કેટલાક નિષ્ણાતો લિયોનેલ મેસ્સીને ફૂટબોલના મહાન ખેલાડી ડિયાગો મેરેડોના અને પેલે સાથે સ્થાન આપે છે અને એનું કારણ એ છે કે ૨૦૨૧માં એના સુકાનીપદ હેઠળ આર્જેન્ટિનાએ 'કોપા અમેરિકા' સ્પર્ધાનો કપ જીત્યો હતો અને ૨૦૨૨માં ફિફા વર્લ્ડકપમાં આર્જેન્ટિનામાં વિશ્વ ચેમ્પિયન બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ૨૦૨૩માં ઈન્ટરમાયામી ક્લબમાં જોડાઈને એણે અમેરિકામાં ફૂટબોલની રમતને લોકપ્રિય બનાવવાનો અથાગ પ્રયત્ન કર્યો હતો અને આજે એ જ ફૂટબોલની ૨મતનો સૌથી મોટો વર્લ્ડકપ અમેરિકા, કેનેડા અને મેક્સિકો સંયુક્ત રીતે યોજી રહ્યા છે. જેનો પ્રારંભ ૧૧મી જૂને થશે.

દસ નંબરની જર્સી પહેરીને ખેલતો આર્જેન્ટિનાનો ખેલાડી મેસ્સી અને સાત નંબરની જર્સી પહેરીને ખેલતો પોર્ટુગલની રાષ્ટ્રીય ટીમનો અગ્રણી ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એ બંને ફૂટબોલની આજની દુનિયાના સૌથી ચમકતા હીરા છે. એની સાથોસાથ મેક્સિકોનો ગોલકિપર ગોલે૨મો ઓચઆ પણ વર્લ્ડકપ સ્પર્ધામાં ખેલે તેવી શક્યતા છે અને તો મેસ્સી, રોનાલ્ડો અને ઓચઆની આ છઠ્ઠી વર્લ્ડકપ સ્પર્ધા બનશે. 

સૌથી વધુ તો મેસ્સી અને રોનાલ્ડો વચ્ચે જેમ ફૂટબોલના મેદાનમાં તાકાત દાખવવાની સ્પર્ધા ચાલે છે, એ જ રીતે બંને જંગી સખાવતો કરવામાં પણ સ્પર્ધાઓ કરી રહ્યા છે. મેસ્સી વંચિત બાળકોનાં શિક્ષણનું કામ કરે છે, તો રોનાલ્ડોએ કોવિડ સમયે પોતાની દાનગંગા વહાવી હતી.

 લિયોનેલ મેસ્સીનો ખેલ જુઓ અને એમ લાગે કે આ ખેલાડી સાચે જ નેતૃત્વની જન્મજાત ક્ષમતા ધરાવે છે. એની પાસે દડા પર નિયંત્રણ મેળવીને 'બોલ કંટ્રોલ' દ્વારા અશક્યને શક્ય બનાવવાની આગવી કુશળતા છે. આટલી બધી સિદ્ધિને વર્યો હોવા છતાં હજી રમત પ્રત્યેની નમ્રતા તો એવી છે કે એ અવકાશના સમયે અન્ય ખેલાડીઓનાં ફૂટેજનો અભ્યાસ કરે છે અને આ રમતમાં નવી ટેકનિક અને આગવી વ્યૂહરચના કેવી રીતે લાવવી, એ અંગે કામ કરે છે. આમ ફૂટબોલની રમત પ્રત્યેનું એનું સમર્પણ સચિન તેંદુલકરના ક્રિકેટ સમર્પણનું સ્મરણ કરાવે છે. ઝડપ, તાકાત અને કૌશલ્ય એ ત્રિવેણીનો એનામાં સંગમ જોવા મળે છે. કટોકટીની પળે ટીમને સાહસથી બાંધી રાખવાની અને સાથોસાથ પ્રેરિત કરવાની એની પાસે ક્ષમતા છે. 

વળી વિશેષતા એ છે કે પોતાની જાતને બદલે એ હંમેશાં ટીમને આગળ રાખે છે. એનો અર્થ એ કે એ એક સાચો ટીમ-પ્લેયર છે અને પરિણામે મેસ્સીની કુદરતી પ્રતિભા, અવિરત તાલીમ અને પ્રેરિત કરવાની ક્ષમતાને કા૨ણે એ ઘણા યુવાન ખેલાડીઓનો 'રોલ મોડલ' બની ગયો છે. એ કલાકો સુધી ફૂટબોલની પ્રેક્ટિસ કરે છે અને ફૂટબોલના જગતમાં પણ લાંબા સમય સુધી પ્રેક્ટિસ કરનાર તરીકે એ પ્રસિદ્ધ છે. ફૂટબોલની કલાને જીવનસમર્પિત કરનાર મેસ્સી પોતાના સપનાંઓને સિદ્ધ કરવામાં ક્યારેય પાછો પડતો નથી અને એને પરિણામે જ આજે વિશ્વનો સૌથી સફળ અને પ્રતિષ્ઠિત ખેલાડીઓમાંનો એક ગણાય છે અને એથી જ આપણા ગ્રહ પરની સૌથી લોકપ્રિય રમત ફૂટબોલમાં મેસ્સી ઉદાહરણરૂપ બની ગયો છે.

અગિયાર વર્ષની ઉંમરે મેસ્સીમાં ગ્રોથ હોર્મોન ડેફિસિયન્સી હોવાનું નિદાન થયું હતું. નાની વયથી જ મેસ્સી ફૂટબોલ ખેલતો હતો અને એ સમયે બાર્સેલોનાની ફૂટબોલ ક્લબે આ સામાન્ય સ્થિતિ ધરાવતા છોકરાની સારવારનો તમામ ખર્ચ ઉઠાવ્યો હતો એ દિવસથી બાર્સેલોના સાથે મેસ્સીનો ગાઢ સંબંધ બંધાયો. બાર્સેલોનાનાં તત્કાલીન ડિરેક્ટરે મેસ્સી સાથે ફૂટબોલ ૨મવા માટેનો ક૨ા૨ ક૨વાનું નક્કી કર્યું, પરંતુ એમની પાસે પેપર ન હોવાને કારણે એક સામાન્ય પેપર નેપ્કિન પર મેસ્સીની પ્રથમ સાઈન કરાવી હતી. 

૨૦૦૪માં બાર્સેલોનાની ટીમ તરફથી એ સૌથી પહેલી સિનિયર મેચ ૨મ્યો અને સમય જતાં બાર્સેલોના ક્લબનો સર્વશ્રેષ્ઠ ખેલાડી બન્યો અને એના તરફથી આજ સુધીમાં એણે છસો બોંતેર ગોલ કર્યા છે અને બાર્સેલોનાને ફૂટબોલનો પ્રખ્યાત 'બેલોન ડી ઓર' એવોર્ડ આઠ વખત મેળવ્યો છે. એમાંથી છ વખત આ એવોર્ડ પ્રાપ્ત કરાવનાર મેસ્સી છે.

આ બાર્સેલોના શહે૨માં મેસ્સીનું 'વન-ઝીરો ઈકો હાઉસ' છે. એના ઘરનો દેખાવ ફૂટબોલના મેદાન પર સોકર બોલનાં જેવો છે અને એની કિંમત લગભગ સાત મિલિયન યૂરો આંકવામાં આવે છે. એનું બીજું ઘર પણ બાર્સેલોનામાં જ છે જે કેસ્ટેલડેફેલ્સના ઉપનગરોમાં મનોહર ભૂમધ્ય સમુદ્ર કિનારે આવેલું છે. 

૨૦૨૧માં બાર્સેલોના ક્લબ મોટા દેવામાં ડૂબી ગઈ અને લા લીગાનાં નાણાંકીય નૈતિક નિયમોનો ભંગ થવાથી નવો કરાર કરી શકી નહીં. મેસ્સીને માટે બાર્સેલોના છોડવાનો વારો આવ્યો. મેસ્સી અડધો પગાર લઈને પણ ક્લબમાં રહેવા તૈયાર હતો, તેમ છતાં ટેકનિકલ કા૨ણોસ૨ એમને ભારે હૈયે અને રડતાં-રડતાં ક્લબ છોડવી પડી હતી. એ પછી તેઓ પેરિસ અને અમેરિકાની ક્લબ તરફથી રમ્યા, આમ છતાં આજેય બાર્સેલોનાનાં ચાહકો પોતાના મેસ્સીને ભગવાનની જેમ પૂજે છે. એક અર્થમાં કહીએ તો બાર્સેલોના વગર મેસ્સી અને મેસ્સી વગર બાર્સેલોનાના ફૂટબોલનો ઇતિહાસ અધૂરો છે. એ માત્ર એક ખેલાડી કે સુકાની નથી, પણ એની સાથે એનો પરિવાર જેવો અતૂટ સંબંધ છે. જે ફૂટબોલના ઇતિહાસમાં એક અત્યંત પ્રતિષ્ઠિત સંબંધ તરીકે સર્વત્ર જાણીતો છે. 

મેસ્સી પાસે જેવી ફૂટબોલની કરામત છે, એ જ રીતે એન્ડોર્સમેન્ટ દ્વારા કમાણી કરવાનો આગવો હુન્નર પણ છે. સોશિયલ મીડિયા પર એના ઘણા ફોલોઅર્સ છે અને તેણે વિશ્વભરનાં ચાહકોને જોડવા માટે તેના પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે. જે એને માર્કેટિંગમાં અને અંગત બ્રાન્ડ બનાવવાની ક્ષમતામાં અત્યંત ઉપયોગી બની રહ્યા છે. પોતાની પ્રસિદ્ધિનો ઉપયોગ એણે સફળ ધંધાદારી સામ્રાજ્ય ઊભું કરવા માટે કર્યો છે અને તેથી આજે વિશ્વભરમાં સૌથી વધુ ઓળખ ધરાવતા માર્કેટેબલ એથ્લેટ્સમાં મેસ્સી મોખરે છે. 

બીજા ફૂટબોલરોની માફક મેસ્સીએ પોતાને શોહરત અપાવનારી ટીમ સાથેનો સંબંધ પણ જાળવી રાખ્યો છે અને એને પરિણામે સ્થાનિક ફૂટબોલની પાછળ સારી એવી સંપત્તિનો ઉપયોગ કર્યો છે. એની સ્કૂલબોય ક્લબમાં જિમ બનાવી આપ્યું, તો બીજી બાજુ પોતાની સ્થાનિક રોઝારિયો યુવા ટીમ સરમિએન્ટોને ચલાવવા માટે સારી એવી રકમ ફાળવી હતી. વિકલાંગ બાળકો માટેનાં ૨મતગમતનાં કાર્યક્રમોનાં સંગઠનોને યોગદાન આપ્યું, તો બીજી બાજુ યુકેમિયાની સારવાર માટે મોટી રકમનું દાન આપ્યું. 

પોતાના વતન આર્જેન્ટિના પર કોરોના કે અન્ય મહામારી આવે, ત્યારે આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ટીમમાં મોખરે રહેતો મેસ્સી રાષ્ટ્રના રાહતકાર્યોમાં પણ મોખરે રહે છે. ૨૦૨૨નો ફૂટબોલનો ફીફા વર્લ્ડકપ જીતનાર મેસ્સી એને પોતાની કારકિર્દીનો સૌથી યાદગાર પ્રસંગ માને છે અને હવે ૨૦૨૬ની ફીફા વર્લ્ડકપ પર આ અત્યંત વિનમ્ર ખેલાડીની મિટ મંડાયેલી છે.

મનઝરૂખો 

એલિનોર રૂઝવેલ્ટ (૧૮૮૪થી ૧૯૬૨) અમેરિકાનાં પ્રખર માનવતાવાદી અગ્રણી, કુશળ લેખિકા અને અમેરિકાના રાજકારણમાં આગવી પ્રતિભા ધરાવનાર મહિલા હતાં. માતા-પિતાનું અકાળ અવસાન થતાં એમનો ઉછે૨ માતામહીએ કર્યો. એ પછી ચાર વખત અમેરિકાના પ્રમુખ બનનાર ફ્રેન્કલિન રૂઝવેલ્ટ સાથે એમનાં લગ્ન થયાં અને એ જાણીતાં થયાં, તેથી એમના પર નિંદા અને ટીકાઓનો વરસાદ વરસવા લાગ્યો. એમના દુશ્મનોએ એમની પ્રસિદ્ધિને કારણે એમની વગોવણી કરવામાં કશું બાકી રાખ્યું નહીં. પ્રમુખ રૂઝવેલ્ટની સાથે ટીકાખોરો એલિનોરની ટીકા કરવાની એકેય તક ચૂકતા નહોતા. એક દિવસ એલિનોરે એનાં અનુભવી ફૈબાની સલાહ લીધી. એમનાં ફૈબા એ અમેરિકાનાં કુશળ રાજકારણી અને પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટનાં બહેન હતાં. એલિનોરે એમને કહ્યું કે, ''એમની ઇચ્છા તો ઘણાં કાર્યો કરવાની છે, જાહેરજીવનમાં સક્રિય ભાગ ભજવવાની છે, ડેમોક્રેટિક પક્ષના મજબૂત ટેકેદાર બનવાની છે; પરંતુ લોકોની ટીકાના ભયને કારણે કશું કરી શકતાં નથી. પોતે કશું ક૨શે તો લોકો શું કહેશે, એની ચિંતાથી એ સતત ગભરાતાં રહે છે.'' થિયોડોર રૂઝવેલ્ટની બહેને એલિનોરની આંખમાં આંખ પરોવીને કહ્યું, ''આવી ફિકર છોડી દે. જે કામ તને તારા હૃદયથી યોગ્ય લાગતું હોય તે નિર્ભય બનીને કર.  તું કામ કરીશ તો પણ એ તારા માથે છાણાં થાપશે અને તું કામ નહીં કરે, તો પણ તારા પર સતત ટીકાનો વરસાદ વરસાવતા રહેશે એટલે તારે જે કામ કરવું હોય તે એક વખત દિલથી નક્કી કર અને પછી એ કામમાં ડૂબી જા.'' એલિનોર રૂઝવેલ્ટે ફૈબાની આ સલાહ સ્વીકારી અને એનું પરિણામ એ આવ્યું કે એ અમેરિકાના જાહેરજીવનમાં ખ્યાતનામ મહિલા બન્યાં.