- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી
૨૬ મે, ૨૦૨૬ની સાંજે સ્થાનિક સમય મુજબ ૬-૩૦ વાગ્યે, ટેક્સાસના બોકા ચિકા ખાતે આવેલા સ્પેસએક્સના સ્ટારબેઝ સંકુલમાંથી વિશ્વના સૌથી મોટા અને સૌથી શક્તિશાળી રોકેટ, સ્ટારશિપ વી-૩એ પોતાના ૩૩ રેપ્ટર એન્જિન સાથે પૃથ્વીને કંપાવી દીધી હતી. તેની અંતિમ સફરમાં બાકી રહેલા પ્રોપલન્ટના મિશ્રણને કારણે, એક અગ્નિગોળા જેવાં વિસ્ફોટમાં તેનો અંત આવ્યો હતો. 'આ વિડિયો 'સ્ટારશિપ એક્સપ્લોડ્સ'ની હેડલાઇન્સ સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.' જેને લોકો નિષ્ફળતા તરીકે જુવે છે. પરંતુ ઈલોન મસ્ક આ ઘટના વિષે અલગ જણાવે છે! આ 'વિસ્ફોટ' કોઈ નિષ્ફળતા નહોતી, પરંતુ આયોજિત 'પરીક્ષણનો અંતિમ તબક્કો' હતો. જેમ રસોઇયા વાનગી પૂરી થયા બાદ તપેલી સાફ કરે છે. તેમ સ્પેસએક્સે આ પ્રાયોગિક યાનને સમુદ્રમાં ઉતારીને ઇરાદાપૂર્વક નષ્ટ કર્યું. આ મિશનની સાચી સફળતા આગના ગોળામાં નહીં, પણ તે પહેલાની ૬૬ મિનિટમાં એકત્ર થયેલા ડેટા, સેન્સર રીડિંગ્સ અને એન્જિનિયરિંગ સાબિતીઓમાં છે. સ્પેસએક્સ માટે આ સફળતાનું મૂલ્ય કેટલું છે? તો ચાલો સ્પેસ એક્સના અંતરીક્ષ મિશન વિશે, પક્ષીની જેમ ઉડતી મુલાકાત કરવા માટે તમારે સ્પેસ એક્સના ભૂતકાળમાં નજર નાખવી પડશે.
બીએફઆર રોકેટથી સ્ટારશિપ V-3
નવેમ્બર ૨૦૦૫માં, જ્યારે સ્પેસએક્સે પ્રથમ રોકેટ ફાલ્કન-૧ પણ ઉડાડયું નહોતું. ત્યારે સીઈઓ ઈલોન મસ્કે ૧૦૦ ટન માલ પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચાડી શકે તેવા રોકેટનું સ્વપ્ન જોયું હતું. આ વિચારને તેણે 'BFR' નામ આપ્યું હતું. ૨૦૧૨માં ફાલ્કન-૯ ઉડાનો ભરી ચૂક્યું હતું. ઈલોન મસ્કે વધુ ઊંચી ઉડાનની જાહેરાત કરી દીધી. એ ઐતિહાસિક જાહેરાત એટલે માર્સ કોલોનિયલ ટ્રાન્સપોર્ટર. નામ ઉપરથી જ લોકોએ ધારણા બાંધી લીધી કે 'આ પ્રોજેક્ટમાં : માણસને મંગળ સુધી લઈ જવાની તૈયારીઓ કરવામાં આવશે'.૨૦૧૬માં ગ્વાડાલાહારા ખાતેના ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ કોંગ્રેસમાં તેમણે 'ઇન્ટરપ્લેનેટરી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ રજૂ કરી હતી. આ સિસ્ટમ ૧૦૦ મુસાફરોને એક સાથે મંગળ લઈ જવા સક્ષમ હતી. પરંતુ જેમ એક ઇમારતનું આર્કિટેક્ચરલ મોડેલ અંતિમ બાંધકામ કરતાં ઘણું બદલાય છે. બસ એવી જ રીતે આ પ્રારંભિક ડિઝાઇનમાં સતત સુધારા અને ફેરફારો થતા રહ્યા હતા.
૨૦૧૬માં આ નામ બદલીને 'ઇન્ટરપ્લેનેટરી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ' રાખવામાં આવ્યું હતું, કારણ કે હવે ઈલોન મસ્કનો ઉદ્દેશ ફક્ત મંગળ નહીં, સૌરમંડળ સુધી લંબાઈ ગયો હતો. એ સમયની ડિઝાઈનમાં કાર્બન ફાઈબરનું માળખું, સંપૂર્ણ ઈંધણ ભરેલું ૧૦,૦૦૦ ટનથી વધુ વજન, અને ૩૦૦ ટન સુધીની પેલોડ ક્ષમતા વાળી પ્રણાલીની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ જે પ્રોજેક્ટ શરૂ થયો, તે માનવીને મંગળ ગ્રહ ઉપર મોકલવાનો હતો. ૨૦૧૮ના ડિસેમ્બરમાં, ઈજનેરી ઈતિહાસનો એક ખૂબ અગત્યનો વળાંક આવ્યો. સ્પેસ એક્સના નિષ્ણાતોએ કાર્બન ફાઈબરની જગ્યાએ, સ્ટેઈનલેસ સ્ટીલ વાપરવાનો નિર્ણય કર્યો. ૨૧મી સદીના અંતરીક્ષ યાનમાં સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ, એક પ્રશ્નાર્થ ચિન્હ બની ગયું હતું? આજે આ સ્ટીલ ડિઝાઇન, ભવિષ્યના સ્ટારશિપની ઓળખ બની ગઈ છે. ૨૦૧૮માં સ્પેસએક્સે જાહેરાત કરી કે 'જાપાની ફેશન ઉદ્યોગપતિ યુસાકુ મેઝાવાએ, ચંદ્રની પ્રથમ વ્યાવસાયિક પ્રવાસ માટે બુકિંગ કરાવ્યું છે. આ આર્થિક ટેકો સ્ટારશિપના વિકાસ માટે મહત્ત્વનો સાબિત થયો હતો.
સોવિયેત રશિયાનું અધૂરું સપનું
વૈજ્ઞાાનિક ઉપક્રમની પાછળ હજારો પ્રતિભાશાળી વ્યક્તિઓનું યોગદાન હોય છે, સ્ટારશિપનાં કિસ્સામાં સૌથી ચર્ચિત નામ એક માત્ર એલોન મસ્કનું છે.તેમણે Zip2 અને PayPal નામની કંપની સ્થાપી હતી. જેની સફળતા બાદ, ૨૦૦૨માં તેમણે સ્પેસએક્સની સ્થાપના કરી. સ્પેસએક્સનાં રોકેટ ફાલ્કન-૧નાં પ્રથમ ત્રણ લોન્ચ નિષ્ફળ ગયા, ત્યારે સ્પેસએક્સ લગભગ દેવાળિયા થવાની આરે હતી. ૨૦૦૮માં ચોથું લોન્ચ સફળ થયું. તે જ વર્ષે નાસાએ સ્પેસએક્સ સાથે કોમર્શિયલ રિસપ્લાય સર્વિસિસનો કરાર કર્યો. સ્પેસએક્સે બતાવ્યું કે 'ફ્લાઇ ટેસ્ટ'એ સૌથી સસ્તું અને સચોટ સિમ્યુલેટર છે. અહીં માત્ર મસ્ક જ એક હીરો કે નાયક નથી. સ્ટારશિપના મુખ્ય ઇજનેરોમાંનું એક મોટું નામ ટોમ મ્યુલરનું છે. જેમને 'મિસ્ટર એન્જિન' તરીકે ઓળખવામાં આવે છે. મ્યુલરે પહેલાં ટીઆરડબ્લ્યુ કંપનીમાં કામ કર્યું હતું. જ્યાં તેમણે અસામાન્ય રીતે શક્તિશાળી એન્જિનો ડિઝાઇન કર્યા હતાં. તેઓ સ્પેસએક્સમાં પ્રથમ ત્રણ કર્મચારીઓમાંના એક હતા. તેમના નેતૃત્વમાં મર્લિન એન્જિન તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રેપ્ટર એન્જિન. જે સંપૂર્ણપણે નવા થર્મોડાયનેમિક ચક્ર ('ફુલ-ફ્લો સ્ટેજ્ડ કમ્બશન') પર કામ કરે છે. આ ટેક્નોલોજી પહેલાં ફક્ત સોવિયેત રશિયાએ, પ્રયોગાત્મક ધોરણે વિકસાવી હતી, પરંતુ સ્પેસએક્સે તેને વ્યવસાયિક પ્રણાલી બનાવી દીધી છે. સ્પેસએક્સની અન્ય મહત્વપૂર્ણ વ્યક્તિ છે : ગ્વિને શોટવેલ. જે સ્પેસએક્સનાં પ્રમુખ અને મુખ્ય સંચાલન અધિકારી છે. તેમણે નાસા અને અન્ય વ્યાવસાયિક ગ્રાહકો સાથેના કરારોની વાટાઘાટો કરી હતી. જેનાથી સ્પેસએક્સને સ્ટારશિપ જેવા ઉચ્ચ-જોખમી પ્રોજેક્ટ માટે ભંડોળ મળ્યું હતું. ૨૦૨૦માં ટાઈમ મેગેઝિને તેમને ૧૦૦ પ્રભાવશાળી લોકોની યાદીમાં સ્થાન આપ્યું હતું. સ્ટારશિપ ટીમમાં ભારતીય- અમેરિકન ઇજનેરો પણ કાર્યરત છે. પ્રોપલ્શન ડિપાર્ટમેન્ટમાં ભારતીય મૂળના ભૌતિકશાસ્ત્રીઓએ રેપ્ટર એન્જિનની કૂલિંગ સિસ્ટમ પર કામ કર્યું છે. અહીં એક સવાલ જરૂર થાય કે જેની વિશ્વમાં ચર્ચા ચાલી રહી છે, તે સ્ટારશિપ ફ૩ની લાક્ષણિકતાઓ શું છે?
રાખમાંથી બેઠું થતું ભવિષ્ય
સ્પેસએક્સે ટેક્સાસના બોકા ચિકામાં સ્ટારબેઝ સંકુલનું નિર્માણ ચાલુ કરી દીધું. જે હવે સ્પેસએક્સ માટે આખા પ્રોગ્રામનું હાર્દ બની ગયું છે. અહીં સ્ટારશીપ રોકેટના પરીક્ષણોની શરૂઆત કરવામાં આવી હતી.સ્ટારશીપના પ્રારંભિક પ્રોટોટાઇપ્સને 'SN' (સીરિયલ નંબર) આપવામાં આવતો હતો. SN5, SN6એ લો-અલ્ટિટયૂડ 'હોપ્સ' કર્યા. પરંતુ SN8 થી SN11ના પ્રયોગો ખૂબ જ નાટકીય રહ્યા. ડિસેમ્બર ૨૦૨૦માં SN8 એ સૌપ્રથમ 'બેલી ફ્લોપ' દાવપેચ કર્યો હતો. આ એક કલ્પિત દાવપેચ છે. જેમાં રોકેટ પોતાને લગભગ આડું (horizontal) કરી લે છે, જેથી વાતાવરણમાં ઘર્ષણ વધે અને ઝડપ ઘટે. SN8ના લેન્ડિંગ સમયે ફ્યુઅલ હેડર ટેન્કમાં દબાણ ઓછું પડતાં વિસ્ફોટ થયો હતો. SN9, SN10, SN11એ અનુક્રમે નવી નિષ્ફળતાઓ આપી. SN10 થોડી મિનિટો માટે ઊભું રહી શક્યું, પણ પછી વિસ્ફોટ થયો. મે ૨૦૨૧માં SN15 એ ઇતિહાસ રચતાં પ્રથમ સંપૂર્ણ સફળ ઉતરાણ કર્યું.
આખા પ્રોગ્રામનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ ૨૦૨૧માં આવ્યો, જ્યારે નાસાએ સ્ટારશિપને આર્ટેમિસ પ્રોગ્રામની હ્યુમન લેન્ડિંગ સિસ્ટમ તરીકે પસંદ કરી. આ કરારની પ્રારંભિક કિંમત ૨.૯ અબજ ડોલર હતી. ઘણા નિષ્ણાંતો માટે નાસાની સ્ટારશિપની પસંદગી આશ્ચર્યજનક હતી, કારણ કે પરંપરાગત રીતે નાસા જૂની સ્થાપિત કંપનીઓ (જેમ કે બોઇંગ, લોકહીડ માટન) સાથે કામ કરતી હતી. સ્ટારશિપનો પ્રથમ ઇન્ટિગ્રેટેડ ફ્લાઇટ ટેસ્ટ એપ્રિલ ૨૦૨૩માં થયો. તે માત્ર ચાર મિનિટ ટક્યો. જેમાં અનેક એન્જિન નિષ્ફળ ગયાં. અંતે તેને ઈરાદાપૂર્વક ઉડાવી દેવામાં આવ્યું હતું. ૨૦૨૪-૨૦૨૫ના અન્ય ટેસ્ટમાં બૂસ્ટરને સફળતાપૂર્વક પાછું લાવીને લાન્ચ ટાવર પર 'કેચ' કરવામાં આવ્યું. જે મોટી સફળતા હતી. ૨૦૨૫ના અંત સુધીમાં સ્ટારશિપ-ફ૩ વેરિઅન્ટ તૈયાર થયુ. જેમાં રેપ્ટર એન્જિનના સુધારેલા વર્ઝન, મજબૂત હીટ શીલ્ડ, અને બહેતર પ્રોપલન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ હતી. આજની ફ્લાઇટ-૧૨ સ્ટારશિપ-V3 પ્રથમ મોટી ઉપ-કક્ષીય પરીક્ષા હતી. જેનો અંત વિસ્ફોટમાં આવ્યો હતો.
શૂન્ય ગુરુત્વાકર્ષણમાં પરપોટાની રમત
ફ્લાઇટ ૧૨ના પરિણામો સ્પેસએક્સના રોડમેપને કેવી રીતે પ્રભાવિત કરશે? સૌથી તાત્કાલિક અસર નાસાના આર્ટેમિસ III અને IV પર પડશે. આર્ટેમિસ-III માનવોને ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર ઉતારવાનો લક્ષ્યાંક ધરાવે છે. પરંતુ તે મિશન માટે સ્ટારશિપને 'ઓર્બિટલ રિફ્યુઅલિંગ' કરવું પડશે. આ પ્રક્રિયા અત્યંત જટિલ છે. એક 'ફ્યુઅલ ડેપો' સ્ટારશિપની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. ત્યાર બાદ ૫-૧૦ ટેન્કર સ્ટારશિપ્સ ઉડે છે. દરેક તેના ૧૦૦ ટન પ્રોપલન્ટ ડેપોમાં સ્થાનાંતરિત કરે છે. અવકાશમાં શૂન્ય ગુરુત્વાકર્ષણમાં પ્રવાહીને એક ટાંકીથી બીજી ટાંકીમાં સ્થાનાંતરિત કરવું સરળ નથી, કારણ કે પ્રવાહી સપાટી તાણના કારણે ચોંટી રહે છે. સ્પેસએક્સે ૨૦૨૫માં તેનું નાનું ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. જ્યાં બે સ્ટારલિંક સેટેલાઇટ્સ વચ્ચે થોડા કિલોગ્રામ પ્રોપલન્ટ ટ્રાન્સફર કર્યું હતું. જોકે હવે તેને મોટા પાયા પર આ કામ કરવાનું છે. વનવેબ, કુઇપર, અને સ્ટારલિંક પોતે, તમામ ૨૦૨૬-૨૭માં નવી પેઢીના ઉપગ્રહો લોન્ચ કરવાના છે. સ્ટારશિપનો ઉપયોગ એક જ લોન્ચમાં, ૧૨૦ જેટલા સેટેલાઇટ્સ મોકલી શકે છે.
તબીબી-જૈવિક દ્રષ્ટિએ, મંગળની યાત્રામાં અવકાશયાત્રીઓ ૬-૯ મહિના સુધી કોસ્મિક રેડિયેશનના સંપર્કમાં રહેશે. સ્ટારશિપની સ્ટેનલેસ સ્ટીલની દીવાલ કાર્બન કમ્પોઝિટ કરતાં વધુ સારુ રેડિયેશન શિલ્ડ છે, જેનો એક પ્રસ્તાવિત ઉપાય છે : વોટર ટાંકીનો શિલ્ડ તરીકે ઉપયોગ કરવો. અવકાશી ઉડાન દરમિયાન પાણી ટાંકીમાં હોય તો એ રેડિયેશનને શોષી લે. આ ટેકનિક 'વોટર શિલ્ડિંગ' કહેવાય છે. બોકા ચિકા વિસ્તારના રહેવાસીઓએ, રોકેટ પ્રક્ષેપણથી ૧૨૦ ડેસિબલ સુધીનું અવાજ પ્રદૂષણ વન્યજીવન પર અસર કરે છે, એવી ફરિયાદ કરી છે. દરિયાઈ જીવન પર સ્પ્લેશડાઉનના ભંગારની પણ અસર થાય છે. જોકે સ્પેસએક્સે બાયોડિગ્રેડેબલ ભંગારનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. વળી આઉટર સ્પેસ ટ્રીટી ૧૯૬૭, મુજબ કોઈ પણ રાષ્ટ્ર અવકાશી પિંડ પર સાર્વભૌમત્વ દાવો કરી શકતું નથી. જો સ્ટારશિપ મંગળ પર પાણી અને ખનિજો કાઢે, તો તેના માલિકી હક્કો, વૈશ્વિક કાયદાની પકડમાં આવે તેમ નથી.


