- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો ત્યારથી મિડલ ઈસ્ટનું આકાશ સલામત રહ્યું નથી. અત્યારે મધ્ય-પૂર્વનું આકાશ ડ્રોન અને મિસાઈલોથી ભરચક થઈ રહ્યું છે
ડ્રોન.
દુનિયાના આગામી દશકાઓ આ એક શબ્દ પર કેન્દ્રિત થઈ જાય તો નવાઈ નહીં. યુદ્ધો ડ્રોનથી થાય છે. ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી ડ્રોનથી થાય છે. ખેતી ડ્રોનથી થાય છે. સર્ચ ઓપરેશન ડ્રોનથી થાય છે. આગ ઠારવામાં ડ્રોન, મોનિટરિંગ માટે ડ્રોન, મેપિંગ માટે ડ્રોન, ઈ-કોમર્સ ડિલિવરી માટે ડ્રોન, ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ડ્રોન, વાઈલ્ડલાઈફ મોનિટરિંગ માટે ડ્રોન. બધે ડ્રોન, ડ્રોન અને બસ ડ્રોન.
ડ્રોનનું દરરોજ માતબર પ્રોડક્શન થાય છે. દુનિયાની સેંકડો કંપનીઓ અલગ અલગ પ્રકારના ડ્રોન્સ બનાવે છે એટલે દરરોજ એક્ઝેક્ટ કેટલાં ડ્રોન બનતા હશે એનો કોઈ સટીક આંકડો તો નથી, પરંતુ અંદાજ એવો છે કે દરરોજ ઓછામાં ઓછાં ૧૦ હજાર ડ્રોન્સ બને છે. ઘણાં રિપોર્ટમાં કહેવાય છે એમ રશિયા અને ચીન જ દરરોજ પાંચથી સાત હજાર ડ્રોન બનાવી નાખે છે. યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ ચાલતું હોવાથી રશિયા મિલિટરી ડ્રોનનું જથ્થાબંધ પ્રોડક્શન કરે છે.
દુનિયામાં ૨૮થી ૩૦ લાખ કમર્શિયલ ડ્રોન્સ ઓપરેશનલ છે. આ આંકડો ૨૦૨૯ સુધીમાં વધીને ૪૫ લાખ થાય એવી શક્યતા છે. કન્ઝ્યુમર ડ્રોન્સનું રજિસ્ટ્રેશન સતત વધતું જાય છે. કન્ઝ્યુમર ડ્રોન્સ એટલે પર્સનલ ઉપયોગ માટે ખરીદવામાં આવતા ડ્રોન્સ. ભારતમાં હજુ માંડ ૫૦ હજાર જેટલાં જ આવા ડ્રોન્સ નોંધાયા છે, પરંતુ અમેરિકામાં કન્ઝ્યુમર ડ્રોન્સની નોંધણી આ વર્ષના પાંચ જ મહિનામાં સાડા આઠ લાખે પહોંચી ગઈ છે. વર્ષના અંતે ૧૫ લાખ કન્ઝ્યુમર ડ્રોન્સ રજિસ્ટર થઈ ગયા હશે. ચીનમાં ૨૦ લાખ કન્ઝ્યુમર ડ્રોન્સ એક્ટિવ છે. ચાલુ વર્ષે સાતેક લાખ નવી નોંધણી થશે એવો અંદાજ છે.
***
કન્ઝ્યુમર ડ્રોન પછીના ક્રમે છે મિલિટરી ડ્રોન્સ. અત્યારે દુનિયામાં ૩૦ હજાર મિલિટરી ડ્રોન્સ ઓપરેશનલ છે, કોઈને કોઈ યુદ્ધ મોરચે એ કામ કરી રહ્યા છે. એ સિવાય બધા દેશોની આર્મીએ ડ્રોન્સ ખરીદવાનું શરૂ કર્યું છે એ તો જુદા. દુનિયાના ૧૦૦ દેશોના લશ્કર પાસે એકથી માંડીને હજાર-બે હજાર ડ્રોન અવેલેબલ છે. અમેરિકન લશ્કર પાસે જ સૌથી વધુ ૧૫ હજાર લશ્કરી ડ્રોન છે. તુર્કી, રશિયા, ભારત, ચીન જેવા દેશો પાસે ૨૦૦૦થી પાંચ હજાર ડ્રોન હોવાની શક્યતા છે. લશ્કરી ડ્રોનનો ચોક્કસ આંકડો ક્યારેય બહાર આવશે નહીં. કારણ કે આર્મીએ વ્યૂહાત્મક રીતે ગુપ્તતા જાળવવાની હોવાથી એકેય દેશ એનો સાચો આંકડો જાહેર કરતાં નથી.
લશ્કરી અને કમર્શિયલ ડ્રોનના ઉત્પાદનમાં અમેરિકા વર્ષો સુધી આગળ હતું. હવે અમેરિકા ઉપરાંત ચીન અને ભારત કમર્શિયલ ડ્રોન્સના પ્રોડક્શનમાં આગળ છે. મિલિટરી ડ્રોનના ઉત્પાદનમાં ચીને થોડાં વર્ષ પહેલાં અમેરિકને પાછળ રાખ્યું હતું. હવે ચીનને પાછળ રાખીને તુર્કી આગળ નીકળી ગયું છે. સેન્ટર ફોર ન્યૂ અમેરિકન સિક્યુરિટીના લેટેસ્ટ અહેવાલ પ્રમાણે તુર્કીએ કેટલાય દેશોને સસ્તાં લશ્કરી ડ્રોન આપ્યા છે. વિશ્વમાં ૧૦૦ ડ્રોન વેચાય એમાંથી ૬૫ ડ્રોન એકલા તુર્કીના છે. ઈઝરાયલ. ઈરાન, ઈરાક, યુક્રેનની કંપનીઓએ પણ મિલિટરી ડ્રોનના પ્રોડક્શનમાં કાઠું કાઢ્યું છે. યુક્રેને ૨૫ લાખ લશ્કરી ડ્રોન બનાવવાનો ટાર્ગેટ સેટ કર્યો છે.
અત્યારે યુક્રેન-રશિયા યુદ્ધમાં મિસાઈલોનો મારો થઈ રહ્યો છે એટલા જ પ્રમાણમાં ડ્રોન હુમલા થઈ રહ્યાં છે. મિડલ ઈસ્ટથી પણ દરરોજ ડ્રોન હુમલાના સમાચારો આવતા રહે છે. સંસ્કૃતનો એક શબ્દપ્રયોગ ભારતની બધી ભાષામાં પ્રયોજાય છે - અતિ સર્વત્ર વર્જયેત્. આપણે ગુજરાતીમાં કહીએ છીએ : અતિની કોઈ ગતિ નથી! ડ્રોનને પણ આ વાત લાગુ પડે છે. ડ્રોનના પ્રોડક્શનની ગતિ અને તેના વપરાશના આંકડાં જોતાં દુનિયાએ નજીકના ભવિષ્યમાં એરસ્પેસ ક્રાઉડિંગની એક નવી સમસ્યાનો સામનો કરવાનો થશે.
***
મિડલ ઈસ્ટમાં દરરોજ ૪૦૦થી ૫૦૦ ડ્રોન ઉડી રહ્યાં છે. મિડલ ઈસ્ટના દેશોમાં અમેરિકાના લશ્કરી મથકો પર ઈરાન સતત ડ્રોન હુમલા કરે છે. અમેરિકા અને ઈઝરાયલ પણ વળતા ડ્રોન એટેક કરે છે. ડ્રોન અને મિસાઈલ હુમલા ચાલતા હોવાથી મિડલ ઈસ્ટની એરસ્પેસ ખાસ્સી અસુરક્ષિત બની ગઈ છે. દુનિયાભરની એરલાઈન્સે મિડલ ઈસ્ટની એરસ્પેસ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. ઘણાં દેશોની એરસ્પેસમાંથી અત્યારે ફ્લાઈટને પસાર થવા દેવામાં આવતી નથી.
ડ્રોન અને મિસાઈલમારાની આ વિકટ પરિસ્થિતિએ મિડલ ઈસ્ટમાં એરસ્પેસ ક્રાઉડિંગની સમસ્યા સર્જી દીધી છે. એરસ્પેસ ક્રાઉડિંગ એટલે આકાશમાં જે તે હવાઈમાર્ગમાં ક્ષમતા કરતાં વધુ હવાઈવાહનોનો જમાવડો. કમર્શિયલ એરક્રાફ્ટનું પ્રમાણ સતત વધી રહ્યું છે. દરરોજ દુનિયામાં એક લાખથી સવા લાખ ફ્લાઈટ્સ ઉડે છે. પાંચ વર્ષમાં ડેઈલી ફ્લાઈટ્સમાં ૩૫ હજારનો વધારો થયો છે. ગ્લોબલી ૩૫ હજાર એક્ટિવ કમર્શિયલ એરક્રાફ્ટ છે. એ વધીને ૨૦૩૦ સુધીમાં ૪૦ હજાર થાય એવો પણ અંદાજ છે. એક તરફ ઈન્ટરનેશનલ, ડોમેસ્ટિક ફ્લાઈટ્સના કારણે એરસ્પેસ ક્રાઉડિંગનો પડકાર ખડો થયો છે ને એમાં મિલિટરી ડ્રોન્સ, કમર્શિયલ ડ્રોન્સના કારણે હવાઈમાર્ગમાં ભીડ વધી છે.
એરક્રાફ્ટ અને ડ્રોન્સ જુદી જુદી ઊંચાઈએ ઉડે છે. ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ૨૫ હજાર ફૂટની ઊંચાઈ સુધી જાય છે ને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ૩૦થી ૪૦ હજાર ફૂટની ઊંચાઈએ પહોંચે છે. ડ્રોન્સ માટે આખી દુનિયામાં જે ઊંચાઈના નિયમો બન્યા છે એ ૪૦૦ ફૂટથી વધારે નથી. તે રીતે તેમને એકબીજા સાથે ટક્કરનું એમ સીધું જોખમ ભલે નથી, પરંતુ એર ટ્રાફિક વધે તેનાથી બીજી ઘણી સમસ્યા વધશે.
***
મિડલ ઈસ્ટના દેશોમાં કમર્શિયલ ડ્રોન્સને મિલિટરી ડ્રોન્સનો ડર છે. ડ્રોન્સ તૂટી પડે તો એના કાટમાળથી નાગરિકોને ઈજા થઈ શકે, ઈમારતો, પ્રોપર્ટીને નુકસાન થઈ શકે. રશિયા-યુક્રેન પણ સામ-સામા એટલા ડ્રોન એટેક કરે છે અને લશ્કરી હેતુથી એટલા ડ્રોન્સ ઉડાડે છે કે તેનાથી આખાય વિસ્તારમાં એરસ્પેસ ક્રાઉડિંગની સિચ્યુએશન જોવા મળે છે.
ચીનમાં ઈ-કોમર્સની ડિલિવરીમાં કંપનીઓએ મોટી સંખ્યામાં ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો હોવાથી વાહનચાલકોમાં ફરિયાદ ઉઠી છે. ડ્રોન હવામાં ઉડે ત્યાં સુધી તો કોઈ વાંધો આવતો નથી, પરંતુ ડિલિવરી માટે જ્યારે રસ્તાઓ પર ઉતરે ત્યારે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. ચીને નવા લાઈસન્સ હાલ પૂરતા અટકાવીને નવી પૉલિસી બનાવવાની વિચારણા શરૂ કરી દીધી છે.
મિલિટરી ડ્રોન્સના કારણે મિડલ ઈસ્ટ, યુક્રેન-રશિયા કે કમર્શિયલ ડ્રોન્સથી ચીનમાં જે મુશ્કેલી શરૂ થઈ છે એવી જ સમસ્યા આગામી દિવસોમાં આખી દુનિયામાં સર્જાય તેવી ભીતિ છે. ભારતમાં કમર્શિયલ ડ્રોન્સનું પ્રમાણ વધતું જાય છે. કમર્શિયલ ડ્રોન્સની સંખ્યા જ્યાં વધી રહી છે એવા બધા જ દેશોએ એરસ્પેસ ક્રાઉડિંગ મુદ્દે સમયસર વિચારવું અનિવાર્ય થઈ જશે. એકવાર તબેલામાંથી ઘોડા છૂટી જશે પછી કોઈ ઉપાય જડશે નહીં.
અમેરિકા ડ્રોન હુમલાનું પાયોનિયર
ડ્રોનનો લશ્કરી ઉપયોગ સૌપ્રથમ અમેરિકાને સમજાયો હતો. વિશ્વયુદ્ધ બાદ ડ્રોન વિકસાવવાના પ્રયાસો શરૂ થયા હતા અને ૧૯૭૦ સુધીમાં અનમેન્ડ એરિયલ વ્હિકલ એટલે કે માનવરહિત નાનું એરક્રાફ્ટ વિકસી ચૂક્યું હતું. અમેરિકાએ ૭૦ના દશકામાં વિએટનામ વૉરમાં ડ્રોનનો ઉપયોગ કર્યો હતો, પરંતુ વર્ષો સુધી એ જાણકારી ગુપ્ત રાખી હતી. વર્ષો પછી સ્વીકારાયું કે વિએટનામ વોરમાં અનમેન્ડ એરક્રાફ્ટની મદદથી બોમ્બમારો થયો હતો.
અમેરિકાએ વિવિધ લશ્કરી ઓપરેશન્સમાં સર્વાધિક ડ્રોન હુમલા કર્યા છે. વિએટનામ વોર બાદ યમન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સીરિયા, લીબિયા, સોમાલિયા જેવા કેટલાક દેશોમાં ચાલતા લશ્કરી ઓપરેશન્સમાં ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો હતો. ૨૦૦૪-૦૫ પછી અમેરિકામાં લશ્કરી ડ્રોનનું સારું એવું ઉત્પાદન થવા માંડયું. વિસ્ફોટકો લાદવાની ક્ષમતા પણ વધી. ઓપરેટ કરવામાં પણ સરળતા આવી. કદાચ એ જ કારણે પાકિસ્તાનમાં તાલિબાન સામે અમેરિકાનું આર્મી ઓપરેશન ચાલતું હતું ત્યારે અમેરિકાએ સેંકડો ડ્રોન એટેક કર્યા. યમનમાં અમેરિકાના ડ્રોન હુમલામાં ૧૭૦૦થી વધુ આતંકીઓનો ખાતમો બોલ્યો હતો. અમેરિકાએ અલકાયદાથી તાલિબાન અને આઈએસના આતંકીઓ પર ડ્રોન હુમલા કરીને જે પરિણામ મેળવ્યું તેના કારણે અન્ય દેશો પણ લશ્કરી ડ્રોનનો ઉપયોગ કરવાં પ્રેરિત થયા.
અમેરિકાની સમાંતરે ઈઝરાયલમાં પણ ડ્રોનનો ઉપયોગ શરૂ થયો હતો. અમેરિકા અને ઈઝરાયલની કંપનીઓએ લશ્કરી ડ્રોનનું ઉત્પાદન શરૂ કર્યું. ઈઝરાયલ અને હમાસ વચ્ચે કેટલાય વર્ષોથી સંઘર્ષ ચાલી રહ્યો છે. એમાં ઈઝરાયલને ડ્રોન હુમલા કરવાનું વધારે સરળ પડે છે. ડ્રોનથી હુમલો થાય ત્યારે જો ડ્રોન હમાસની મિસાઈલની રેન્જમાં આવી જાય તો ડ્રોન ગુમાવવાનું રહે, પાયલટની જાનહાનિ ટાળી શકાય. એક દશકા પહેલાં સુધી સૌથી વધુ ડ્રોન હુમલા અમેરિકન અને ઈઝરાયલી સૈન્યએ જ કર્યા હતા. અમેરિકા-ઈઝરાયલની આર્મી ઉપરાંત આ યાદીમાં બ્રિટન, ફ્રાન્સ, ઈટાલી, ચીન, ભારત, ઈરાન, ઈરાક, દક્ષિણ કોરિયા, રશિયા, યુક્રેન, પોલેન્ડ જેવા દેશો ઉમેરાતા ગયા.
૨૦૧૫માં રશિયાએ ક્રીમિયા પર હુમલો કર્યો ત્યારે મોટાપાયે ડ્રોન હુમલા કર્યા હતા. ૨૦૧૯-૨૦માં સીરિયન વૉરમાં તુર્કીએ છૂટથી ડ્રોનનો ઉપયોગ કર્યો. ભવિષ્યના યુદ્ધોમાં ડ્રોન્સનો ઉપયોગ આપણી ધારણા બહાર વધી જશે ને ત્યારે મિલિટરી ડ્રોન્સ અને કમર્શિયલ ડ્રોન્સની ટક્કર ટાળવા ખાસ પ્રયાસો કરવા પડશે.


